લુત્ફ-એ-શેર: મણકો # ૭૫

ભગવાન થાવરાણી

મીર, ઝૌક, ઝફર, ગાલિબ, દાગ, મોમિન, નઝીર, આતિશ અને અમીર મીનાઈ પછી આવો હવે મળીએ અલ્તાફ હુસૈન  હાલી ને. (‘ હાલી ‘ એટલે સાંપ્રત, અર્વાચીન) કહે છે, હાલીએ કવિતા લખવાની શરુઆત ગાલિબના આગ્રહથી કરી, જોકે આ બન્ને વ્યક્તિત્વો એકબીજાથી તદ્દન વિપરીત હતાં. મજાની વાત એ પણ ખરી કે એ બન્નેને એકમેક પ્રત્યે ખૂબ જ માન હતું. હાલીએ ગાલિબનું જીવન-વૃત્તાંત પણ લખેલું  ‘ યાદગારે ગાલિબ શીર્ષકથી. એમને ઉર્દૂ વિવેચનના પિતામહ કહેવામાં આવે છે. એમનો એક શેર જોઈને જાણીએ કે એ એમના બુઝુર્ગ શાયરો વિષે શું કહે છે :

‘ હાલી’ સુખન મેં  ‘શેફ્તા’ સે  મુસ્તફીદ હૈં
‘ગાલિબ ‘ કા મોતકિદ હૈ મુકલ્લિફ હૈ ‘મીર’ કા

(સુખન એટલે કવિતા, મુસ્તફીદ એટલે લાભાન્વિત, મોતકિદ એટલે અનુયાયી અને મુકલ્લિફ એટલે શિષ્ય)

હવે આ સત્ય અને એ કહેવાની હિંમત પણ જુઓ :

ફરિશ્તે  સે  બઢ  કર  હૈ ઈંસાન બનના
મગર ઈસ મેં લગતી હૈ મેહનત ઝિયાદા

અને આ વાતને ખુમારી કહો કે ગર્વ પરંતુ એમાં ગાલિબની છાંટ વર્તાય છે :

બહુત જી ખુશ હુઆ  ‘ હાલી ‘ સે મિલ કર
અભી  કુછ  લોગ  બાકી  હૈં  જહાં  મેં ..

પરંતુ હદ આ શેરમાં છે :

ઈક દર્દ હો બસ આઠ પહર દિલ મેં કિ જિસ કો
તખ્ફીક  દવા  સે   હો  ન  તસ્કીન  દુઆ  સે ..

(તખ્ફીક = કમી, તસ્કીન = સાંત્વના)

આ એક પ્રાર્થના, અરજ છે પોતાના ઈશ્વરને કે એવું એક દર્દ અમને આઠેય પ્રહર ભીતરે દઈ દે અને એ પણ એટલી માત્રામાં જેમાં કદી કોઈ કમી ન હોય અને જેનો કોઈ ઈલાજ પણ ન હોય !  ‘ કતીલ ‘ શિફાઈએ પણ આ જ દર્દ માંગેલું  ‘ હાલી ‘ ના સો વર્ષ પછી :

દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ
ફિર ચાહે દીવાના કર દે યા અલ્લાહ !

આપણા પોતાના  ‘ મરીઝ ‘ પણ એ જ કહે છે :

કાયમ જો રહી જાય તો પયગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે ..

અને આપને તો ખબર જ છે કે આવું દર્દ શા માટે માંગીને લેવામાં આવે છે …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૭૫

Leave a Reply to કમલેશ શુક્લ Cancel reply

Your email address will not be published.