ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો – ૪

મૌલિકા દેરાસરી

સંગીતની સફર આપણે કરી રહ્યા છીએ. સફરમાં વાતોની સાથે આપણે અનેક ગીતો માણ્યાં છે અને એ પણ મજાની ફિલ્મો અને લાજવાબ વ્યક્તિત્વોની ખટમીઠી કહાણીઓને સંગ.

યાદગાર ગીતોની મજા એ છે કે એ ગીતો આપણને વારંવાર ગમતી યાદોમાં લઈ જાય છે. ફરી એકવાર વીતેલી જિંદગીમાં આપણને જીવાડે છે. જ્યારે જ્યારે પણ ગમતું ગીત વાગે છે, ત્યારે ત્યારે એની સાથે જોડાયેલાં સંસ્મરણોની ધૂન વાગી ઊઠે છે મનમાં.

કિશોરકુમાર અને શંકર-જયકિશનના એવાં જ યાદગાર ગીત અને સંગીતની સફરમાં આજે આગળ વધીએ તે પહેલાં પહેલા થોડી વાત એમનાં સંગીતને લગતી કરીએ. ૧૯૬૮ના વર્ષમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીતનું ફયુઝન બનાવીને “Raga Jazz Style” નામનું એક અદ્વિતીય આલ્બમ આપનાર પહેલી વ્યક્તિ હતા જયકિશન. આ પહેલા ફક્ત ઉસ્તાદ રવિશંકર સંગીતમાં ફ્યુઝન લઈ આવ્યા હતા, એ પણ અમેરિકામાં. એક સમયે આપણા બોલિવુડના સંગીતકારો કોઈ કારણોસર હડતાલ પર હતા. આવામાં HMVના વિજયકિશોર દુબેના મનમાં એક વિચાર ઊગ્યો. એ વિષે તેમણે શંકર જયકિશનને વાત કરી. શંકરજીને આ વાત બહુ ગમી નહીં પણ જયકિશનને આમાં ચેલેન્જ લાગી. એમણે તાત્કાલિક ધોરણે આ પરિકલ્પના પર કામ ચાલું કર્યું. અને આપણને મળ્યું એક મજાનું ફ્યુઝન સંગીત આધારિત આલ્બમ.

આ જોડીએ ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી એના પાંચ વર્ષ પછી ફિલ્મફેર એવોર્ડ્સની શરૂઆત થઈ. અને પછી તો વર્ષ ૧૯૭૪ સુધી શંકર જયકિશનને સૌથી વધુ નવ વાર ‘શ્રેષ્ઠ સંગીતકાર’ના એવોર્ડ્સ મળ્યાં. એમના સંગીતની એક ઓર વિશેષતા હતી કે તેમના ગીતોનો ચાઇનીઝ, રશિયન, અરબી કે જર્મન જેવી ભાષાઓમાં અનુવાદ થઈને પણ જે તે દેશોમાં આ ગીતો વાગતા.

જયકિશનના મૃત્યુ પછી શંકરજીએ લગભગ બે દાયકા કામ કર્યું. કિશોરકુમાર સાથે પણ એ પછી લગભગ છેક સુધી કામ કર્યું. સંજોગવશાત શંકરજી અને કિશોરદા બન્ને લગભગ સાથે જ, યાને વર્ષ ૧૯૮૭માં આપણી વચ્ચેથી ગુજરી ગયા. બંનેની સાથે અંતિમ ફિલ્મ આવી હતી ૧૯૮૬માં – કાંચ કી દીવાર.

પણ… સચવાયેલાં ગીત અને સંગીત ક્યાંય જતાં નથી. બંનેના ગુજરી ગયા પછી વર્ષ ૧૯૯૧ની ફિલ્મ ગોરી આવી. જેમાં શંકર જયકિશનના સંગીત નિર્દેશનમાં કિશોરદાએ ગાયેલું એક ગીત પણ લેવામાં આવ્યું હતું, જે બંનેનું અંતિમ ગીત બની રહ્યું. અંતિમ ગીતને પહેલા યાદ કરી લઈએ. આ ગીત કંપોઝ કરવું જેટલું અઘરું હતું, એટલું જ ગાવાનું પણ અઘરું હતું. પણ… શંકર કે કિશોરદા બેમાંથી એકપણ ચેલેન્જથી ક્યાં ભાગે એમ હતા!

તમને પણ ગીત સાંભળશો એટલે સમજાઈ જશે!

ખેર…. અંતિમ મુકામ પર આપણે પહેલા પહોંચ્યા, હવે વચ્ચેના મુકામ તરફ જઈએ. ગત લેખમાં આપને ૧૯૭૧ના વર્ષની સીમારેખા હાંસલ કરી હતી. આ વર્ષ એટલે કિશોરકુમારનું કારકિર્દીની ટોચ પર ઊડવાનું વર્ષ. ઝિંદગી એક સફર હૈ સુહાના પછી એક આખો દૌર બદલાઈ ગયો. અંદાઝ પહેલાના કિશોરકુમાર અંદાઝ પછી તદ્દન અલગ અંદાજમાં આવી ગયા હતા.

શંકર જયકિશન સાથે તેમની આગામી ફિલ્મ હતી – દુનિયા ક્યા જાને.

આ ફિલ્મનું એક ઝમકદાર ગીત યાદ આવ્યાં વિના રહેતું નથી.

ગજબ ઝડપી બીટ્સ સાથેનું સંગીત અને સાથે તાલ મિલાવતો કિશોર કુમારનો પંચમ સૂર, જે ગીત પૂરું થયા પછી પણ કાનમાં ગુંજતા રહે છે.

ઝૂમ ઝૂમ નાચ રહી બરખા બહાર હૈ –

એ પછીની ફિલ્મ હતી એક નારી એક બ્રહ્મચારી. ફિલ્મના હસરત જયપુરી રચિત ગીતો ગણગણવા ગમે એવા હતા. એ પછી શક્તિ સામંતની ફિલ્મ જાને અંજાનેમાં કિશોરકુમારના દર્દભર્યા ગીતોમાં મજબૂત સ્થાન જમાવે એવું ગીત – જાને અંજાને લોગ મિલે મગર કોઈ ના મિલા અપના…

વર્ષ ૧૯૭૨ની એક નોંધપાત્ર ફિલ્મ હતી – આંખો આંખો મેં.

ફિલ્મનું શીર્ષક ગીત પણ અત્યંત મધુર બનાવાયું હતું, જે લોકપ્રિય થયું હતું. કિશોરદાના રોમૅન્ટિક ગીતોમાં નોંધ લેવાય એવું આ ગીત –

આંખો આંખો મેં બાત હોને દો – આશા ભોંસલે સાથે કિશોર કુમારનો અવાજ.

પછી આ જ વર્ષે જંગલ મેં મંગલ, દિલ દૌલત દુનિયા, બંદગી, બેઈમાન અને રિવાઝ જેવી ફિલ્મો આવી. તેના કેટલાંક ગીતો પણ સારાં ચાલ્યાં. પણ ફરી નોંધ લેવી પડે એવી ફિલ્મ આવી – આજ કી તાજા ખબર. તેના ગીતો પણ તાજા ખબરની જેમ લોક મુખે ચઢવા લાગ્યા.

પરિણીત પુરુષો આજે પણ પત્ની માટે ગાતા હશે એ ગીત.. કેટલાને યાદ આવ્યું?

મુઝે મેરી બીવી સે બચાઓ.

શંકર જયકિશનનું ધ્યાનાકર્ષક સંગીત છે આ ફિલ્મમાં. ફિલ્મનું એક ઓર ધમાકેદાર સંગીત ધરાવતું ગીત, જેમાં કિશોરદાના અવાજનું સંમોહન જાદુ કરે છે.

કિશોરકુમાર અને શંકર જયકિશન એ પછી ૧૯૭૪ સુધીમાં નૈના, પ્યાર કા રિશ્તા, ઇન્ટરનેશનલ ક્રૂક, રેશમ કી ડોરી અને વચન જેવી ફિલ્મ લઈને આવ્યા

આ દરમ્યાન મને રેશમ કી ડોરીનું ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલું એક મહેનતકશ ગીત અનાયાસ યાદ આવી જાય છે. કિશોરદાના ખુલ્લાં ખુલ્લાં અવાજમાં ગવાયેલા આ ગીતમાં શંકરજીના સંગીતનો કમાલ પણ સાંભળવા મળે છે.

ચમકા પસીના બનકે નગીના, કાલી રાત બીતી…

૧૯૭૫નું વર્ષ ફિલ્મ લઈને આવ્યું – દો જૂઠ.

ચલો ભૂલ જાયે જહાં કો યહાં દો ઘડી…

સાંભળતાની સાથે સીધું જ દિલમાં ઉતરી જાય એવું આ ગીત છે, કિશોરદા અને લતાજીના અવાજમાં.

ફિલ્મ દો જૂઠનું અન્ય એક ગીત કિશોરદાએ ઉષા મંગેશકર સાથે પણ ગાયું છે.

એ પછી સીધું ૧૯૭૭નું વર્ષ, જેમાં ફિલ્મ દુનિયાદારી રિલીઝ થઈ.

આ ફિલ્મની એક ખાસિયત એ છે કે આમાં એક ગીત કિશોરપુત્ર અમિતકુમારના અવાજમાં પણ લેવામાં આવ્યું હતું.

તો, સફરના અંત તરફ જતાંજતાં યાદ કરતાં જઈએ દુનિયાદારી ફિલ્મનું કિશોરકુમાર સાથે લતા મંગેશકરે ગાયેલું ગીત –

પ્યાર કરને સે પહલે ઝરૂરી હૈ યે..

આમ આ અત્યંત પ્રતિભાશાળી અને અનન્ય ગાયક અને સંગીતકારના સહયોગથી આપણને એક અલગ જ પ્રકારના ગીતો મળ્યાં. જ્યારે પણ તેઓ મળ્યા, જેટલું પણ તેઓએ સાથે કામ કર્યું, એમાં કંઈકને કંઈક જાદુ સર્જ્યો. આખરે તેઓ આપણને આપીને ગયા એક અમૂલ્ય સંગીતમય વારસો, જેને આપણાં વારસો પણ વર્ષોના વર્ષો ગાતાં રહેશે.


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.