ડૉ અબ્દુલ કાદિર ખાન અને પાકિસ્તાનનો અણુબૉમ

પરેશ ર વૈદ્ય

સામાન્ય રીતે જાસુસી કથાઓ રોમાંચક હોય છે અને તેમાં ય જો જેમ્સ બોન્ડની કથાઓની જેમ ટેકનોલોજીનો ઉપયોગ  હોય તો શું કહેવું. આ વર્ષે દશ ઓક્ટોબરે અવસાન પામેલા  પાકિસ્તાનના અણુ વિજ્ઞાની  અબ્દુલ કાદિર ખાનની જીવન કથામાં પણ આવી બધી સામગ્રી છે; પરંતુ એમાંથી એટલો રોમાંચ નિષ્પન્ન ન થયો જેટલું કથાતત્વ તેમાં હતું.  તેના ઘણા કારણોમાંથી મુખ્ય એ કે તેઓ પાકિસ્તાનની વાર્તાના તો “હીરો” હતા પરંતુ ભારત અને વિશ્વના બીજા દેશોની દૃષ્ટિએ ‘વિલન’ હતા. અને વિલનની વાર્તામાં રોમાંચ જોવો મુશ્કેલ છે.

વાંચકો જાણતા હશે કે ડૉ ખાનને પાકિસ્તાનના પરમાણુ બૉમના પિતા માનવામાં આવે છે, કારણકે તેમણે યુરેનિયમને સમૃદ્ધ કરવાની રીતની અલભ્ય માહિતી ચોરીને લાવી આપી હતી. પરમાણુ બૉમ બે પદાર્થોમાંથી બની શકે છે- પ્લૂટોનિઅમ અને સમૃદ્ધ કરેલું યુરેનિયમ ( Enriched Uranium ). તેની ટેકનિકલ વિગતો પછી જોઈએ, આપણા બધાં પરિક્ષણ પ્લૂટોનિઅમ વાપરીને થયા જયારે પાકિસ્તાનનાં સમૃદ્ધ યુરેનિયમ વાપરીને. મુદ્દાની વાત એ કે યુરેનિયમને સમૃદ્ધ કરવાની ટેકનોલોજી મુશ્કેલ છે પણ ખાન હોલેન્ડમાં એક સમૃદ્ધિકરણના પ્લાન્ટમાં નોકરી કરતા હતા, ત્યાંથી એ વિદ્યા શીખવા ઉપરાંત તેની ડિઝાઈનના ડ્રોઈંગ અને કેટલીક સામગ્રી ચોરી છૂપીથી પાકિસ્તાન લઇ આવેલા.  ભારતના ૧૯૭૪નાં અણુ પરિક્ષણ પછી આ સાહીત્ય મળવાથી પાકિસ્તાનનું કામ સરળ થઇ ગયું અને તેથી એ દેશ તેમને કૃતજ્ઞતાથી  જુએ છે.

ભારતના લોકો માટે એ ખલનાયક હોવાને કારણ નથી કારણ કે એમના પ્રયત્નો તો આપણા ૧૯૭૪ના પરમાણુ પ્રયોગના જવાબમાં હતા. આપણે સ્વચ્છ હાથોથી એ કાર્ય કરી ચૂક્યાં હતાં. પરંતુ ૧૯૯૮ માં જયારે આપણે બીજી વારના પરિક્ષણ કર્યાં ત્યારે ખાને આપણને ભોઠા પાડ્યા. આપણા કેટલાંક નેતાઓ  અતિ ઉત્સાહમાં કે પછી દેશભક્તિના જુવાળમાં પાકિસ્તાનને “આવી જાઓ મેદાન માં” જેવું આહવાન દઈ બેઠા હતા. અને પાકિસ્તાન તદ્દન અણધારી રીતે માત્ર ૧૬ દિવસમાં ખરેખર જ મેદાનમાં આવી ગયું. આપણા પાંચની સામે તેણે પણ પાંચ ધડાકા કરી બતાવ્યા. આ શક્ય બન્યું કારણકે તેણે છાને છાપને તૈયારી કરી જ રાખેલી હતી. આની પાછળ ડૉ ખાનનો હાથ હતો એટલા પુરતા તે આપણા ખલનાયક. બાકી ૨૦૧૭ માં અલ-જઝીરા ચેનલને ઇન્ટરવ્યુંમાં તેમણે તો એમ કહ્યું કે જો ફ્રાંસ અને જર્મની સાથે રહી શકે તો ભારત પાકિસ્તાન શા માટે નહિ. હું ઈચ્છું છું કે બંને સહકારથી રહે, પાકિસ્તાનને એની લઘુતાગ્રંથિમાંથી બહાર કાઢનારને એ દેશ નાયક માને તેમાં શું નવાઈ?

જીવન કથા   

એમનાં આ વિરોધાભાસી વલણ પાછળ એ કારણ હોઈ શકે કે એનું મૂળ વતન ભારત હતું. પહેલી એપ્રિલ ૧૯૩૬ રોજે એ ભોપાલમાં જન્મ્યા  હતા. પિતા શિક્ષક હતા. ભાગલા વખતે પરિવાર પાકિસ્તાન ગયો પણ પિતા પુત્ર  ભોપાલમાં રહી ગયા. ૧૯૫૨ માં મેટ્રીકની પરીક્ષા થયા પછી એ પાકિસ્તાન ગયા. આમ એમની જિંદગીની  પહેલી ડિગ્રી ( જેનું સર્ટીફીકેટ એમણે વારંવાર બતાવવાનું થયું હશે) તે આઝાદ ભારતના મધ્ય પ્રાંતના મેટ્રિક્યુલેશન બોર્ડની હતી ! અને ભવિષ્યના સારા શિક્ષણનો એ પાયો પણ હતો. ત્યાં જઈ કરાચી થી  B.Sc. કર્યું અને થોડા વર્ષ નોકરી કરી. તે પછી ૧૯૬૧ માં બર્લિન (જર્મની) ગયા. ત્યાની ટેક્નિકલ યુનિવર્સિટી અને હોલેન્ડની  ડેલ્ફ યુનિવર્સિટીમાંથી અનુક્રમે B.S. અને M.S. પદવીઓ લીધી.  તે દરમ્યાન જ કોઈ દુકાન કે પાર્કમાં એક ડચ યુવતી હેન્દ્રીના રેટેરિક જોડે મુલાકાત થઇ. એ દક્ષિણ આફ્રિકાથી આવેલી   તેથી અંગ્રેજી જાણતી હતી અને આ ભાઈને મદદ કરી શકી. આ પરિચય ૧૯૬૭માં પરિણયમાં બદલ્યો. તે પછી બેલ્જીયમ જઈ Ph.D. કરી એ હોલેન્ડમાં નોકરીએ લાગ્યા અને વિવિધ કારનામા કર્યાં ત્યારે પત્ની ડચ હોવાને કારણે  એમને કૈંક ફાયદો મળ્યો હશે તેમ માની શકાય. ખાન દંપતી ને બે પુત્રીઓ છે.

એક આડવાત:

ખાન બેલ્જીયમમાં જે પ્રોફેસર હેઠળ ડોક્ટરેટ  કરતા હતા તે પ્રોફેસર માર્ટીન બ્રેબર્સ બેલ્જીયમના ન્યૂક્લિઅર સેન્ટરના મેટલર્જી વિભાગમાં પણ એક દિવસ ગાળતા. એ જ વર્ષોમાં આ લખનારના સિનિયર એ જ ન્યૂક્લિઅર સેન્ટરમાં ધાત્વીકી બાબત ટ્રેનિંગ લેવા ગયેલા અને બ્રેબર્સને મળ્યા પણ હતા ! પ્રોફ બ્રેબર્સે જ ખાનને હોલેન્ડમાં ગોઠવી આપ્યા હતા. ક્યારેક દુનિયા બહુ નાની લાગે.

યુરેનિયમનું સમૃદ્ધિકરણ  ( enrichment )

કુદરતમાં મળતા તત્વોમાં સૌથી ભારે પરમાણુ યુરેનિયમનો છે. પરમાણુ ક્રમાંક ૧ તે હાઇડ્રોજન અને છેલ્લો યુંરેનીયમનો ક્રમ ૯૨. એ પરમાણુનું વજન હાઇડ્રોજન ની સરખામણી એ ૨૩૮ ગણું છે. તેને Mass Number કહે છે. પરંતુ  યુંરેનીયમના જ કેટલાક પરમાણુઓનું વજન ૨૩૫ પણ હોય છે.  આ બંને અનુક્રમે U 238 અને  U 235  તરીકે ઓળખાય છે અને યુંરેનીયમના આઈસોટોપ કહેવાય. કુદરતમાં U 235  ની માત્રા માત્ર ૦.૭ ટકા જ છે. પણ વિખંડન (Fission) થી મળતી પરમાણુ ઉર્જા આ આઈસોટોપમાંથી જ મળે છે. પરમાણુ ભઠ્ઠી તો ૦.૭ ટકા થી ચાલી જાય છે પણ પરમાણુ હથિયાર માટે એની માત્રા ખુબ વધારે જોઈએ. એટલે કુદરતમાં મળતા યુંરેનીયમમાં થી U 238 કાઢી નાખવું પડે. આ પ્રક્રિયાને સમૃદ્ધિકરણ કહે છે.  એની ત્રણેક રીત છે પણ મુશ્કેલ હોવા છતાં સાધ્ય એવી રીત ને સેન્ટ્રીફ્યુજ (Centrifuge) કહે છે.

યુરેનિયમના એક રસાયણને વાયુ સ્વરૂપમાં લાવી એક નળાકારમાં પ્રચંડ ઝડપે ગોળ ફેરવો તો ભારે પરમાણુઓ બહાર તરફ અને હલકા અંદર તરફ  એમ જુદા પડી જાય છે. (વલોણાંમાં જેમ છાસ કરતાં હલકું માખણ કેન્દ્રમાં આવી જાય છે તેમ) . આમ વારંવાર કરવાથી ક્રમશઃ ૦.૭ ટકા વધી વધી ને ૫૦, ૬૦ કે તેથી વધુ ટકા થઇ શકે. આ નળાકારો દર મીનીટે ૨૦ થી ૩૦ હજાર ભ્રમણ કરે છે તેથી તેનુ સમતોલન, તેનું મટીરીયલ વગેરે ખુબ કુશળ ડિઝાઈન માંગે છે. એ માહિતી મળી જાય તો દેશનું કામ વર્ષો જેટલું આગળ જાય.

પાકિસ્તાન પાછા

ભારતનું પહેલું પરમાણુ પરીક્ષણ ૧૮ મે, ૧૯૭૪ ના થયું. ત્યારે ખાન હોલેન્ડની FDO નામની  કંપનીમાં કામ કરતા  હતા જેની પાસે અણુ ઇંધણ બનાવતી એક મોટી કંપની URENCO નો કોન્ટ્રેક્ટ હતો.  એ જોતા ખાન ખરે ટાણે ખરી જગ્યાએ હાજર હતા. અને એમને એ અભિપ્રેત હતું. ખાને આ બધી મહત્વની માહિતી ઉપરાંત કેટલાક પૂરજાઓ પણ ઘરભેગા કર્યા. ૧૯૭૪ના ડીસેમ્બરમાં એ  પાકિસ્તાન આવે છે અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ને મળે છે, એમ કહેવા માટે કે તમને મદદ જોઈતી હોય તો હું તૈયાર છું ! ભુટ્ટો ને તો ભાવતું હતું તે વૈદે બતાવ્યું. પાકિસ્તાન અણુ પંચ પણ આ બાબત કામ કરી રહ્યું હતું પરંતુ આ તો તૈયાર ભાણાની ઓફર હતી. ખાનને સલાહ આપવામાં આવી કે અત્યારે તો એ છે ત્યાં રહે અને માહિતી એકઠી કરતાં રહે.

ભાઈ એ FDO માંથી નીકળી મૂળ કંપની URENCOમાં નોકરી લીધી અને ઉંદરની જેમ જમીન ખોતરતા રહ્યા. યુરેન્કોને શંકા તો ગઈ પણ માત્ર તેમનું ડીપાર્ટમેન્ટ બદલીને સંતોષ માન્યો. છેવટે ૧૯૭૬માં એ નોકરી છોડી પાકિસ્તાન આવ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના બૉમના રહસ્યો રશિયાને પહોચાડવાનો આરોપ એક સામ્યવાદી જર્મન વૈજ્ઞાનિક ક્લૌડ ફૂચ્સ ઉપર હતો. આ એવડું મોટું જ કૌભાંડ હતું પણ દુનિયાને બહુ મોડી ખબર પડી. પાછળથી યુરેન્કોએ તેમને કોર્ટમાં ખેંચ્યા અને ચાર વર્ષની સજા થઇ. પરંતુ અપીલમાં એ છૂટી ગયા.

ખટરાગ

સરકારી તંત્રમાં અમુક સિનિયર લોકો કામ કરતાં હોય ત્યાં ૪૦ વર્ષના ‘યુવાન’ને લાવી ને ઉચા સ્થાને બેસાડવામાં આવે તો ઘર્ષણ થાય તે સ્વાભાવિક છે. તેથી ઉલટું તેમને યુરેનિયમ ડિવિઝનના ડાયરેક્ટર ન બનાવ્યા તેથી એમણે ફરિયાદો શરુ કરી. ભુટ્ટોએ એમને લશ્કરના ઇન્જિનીયર કોરમાં Engineering Research Lab ( ERL) માં મુક્યા. બંને સ્થળે કામ ચાલુ રહ્યું. ભુટ્ટો પછી ઝિયાએ પણ એમને જાળવ્યા. ERL નું નામ ૧૯૮૩ માં KRL (ખાન રીસર્ચ લેબ) કરી આપ્યું. એની અંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ વધવા લાગી. ઈરાન, લીબિયા ને ઉત્તર કોરિયાને છડેચોક મદદ કરાઈ.  સરકારને એની જોડે સંબંધ ન હતો અને ખાન અંગત રીતે આ વ્યવસાય કરતા હતા તેવું એક વાતાવરણ ઊભું કરેલું હતું. પરંતુ એ  લેનદેનના ફાયદા પાકિસ્તાન ની સરકારને હતા જ. ઉત્તર કોરિયા એ મિસાઈલની ડિઝાઈન આપી જે ‘ઘોરી’ મિસાઈલ માં વપરાણી. ૧૯૮૭ માં ખાન અને કુલદીપ  નય્યરની વાતચીત દરમ્યાન ખાને તેમને જણાવ્યું કે અમે ખુબ ઓછા સમયની નોટીસથી બૉમ બનાવી શકીએ છીએ. આ વાત બહુ ઉછળી અને બંને દેશો થોડા સાવધ પણ થયા. પણ એ ગપ્પું નહોતું તે ૧૯૯૮ માં આપણે જોયું.

દુનિયાના જમાદાર અમેરિકાને ખાનના કામો વિષે ખબર હતી. પરંતુ તેને પાકિસ્તાનનો ખપ હતો અને ૧૯૯૧ ના ઉદારીકરણ પહેલા આપણા ગરીબ દેશની એને કોઈ પરવા નહોતી. પરંતુ ૨૦૦૩માં લિબિયાએ પોતાના અણુ કાર્યક્રમને ધોરણસર બંધ કર્યો અને International Atomic Energy Agency ( IAEA) ને બધા દસ્તાવેજ અને સામગ્રી સોંપી ત્યારે અમેરિકાને ઢોંગ કરવો મુશ્કેલ બન્યો. હોલેન્ડના ડ્રોઈંગ ઉપરાંત ચીનના માર્કા વાળા પૂરજા પણ તેમાં હતા. આને પરિણામે મુશર્રફે ચતુર ચાલ ચાલી. પાકિસ્તાન ટેલીવિઝન ઉપર આવીને ડૉ ખાને માફી માગી કે મેં જ પરમાણુ પ્રસારની પ્રવૃત્તિ કરી હતી. બીજા દિવસથી એમને ઇસ્લામાબાદ એરફોર્સના વિસ્તારમાં એક વૈભવશાળી બંગલામાં નજરકેદ કરાયા અને IAEA ના નિષ્ણાતોને પણ મળવા દેવાતા નહિ !! તેમાં કોઈને શંકા નહોતી કે માત્ર પાકિસ્તાન જ નહિ બીજા દેશોની સરકારો પણ એમની ગેરરીતિ માં મિલી ભગત હતી..  ૨૦૦૮ માં મુશર્રફે રાજીનામું આપ્યું ત્યારે દુનિયાના સૌથી મોટા  અણશસ્ત્ર પ્રસારકે ફેરવી તોળ્યું કે મેં તો દબાણ હેઠળ આવું કહ્યું હતું.

તે પછી વરસો બાદ અલ જઝીરા સાથે મુલાકાતમાં તેમણે કહ્યું કે મારા દેશ માટે મને જે યોગ્ય લાગ્યું તે કર્યું અને મને તેનો અફસોસ નથી.  આ જ કારણ છે કે એમના મૃત્યુ પછી પાકિસ્તાનની સરકારે તેમને રાજકીય દફનક્રિયા આપી.  પાકિસ્તાનના મીડિયામાં જે કઈ લખાયું તે એમને અંજલિ આપવા જ લખાયું, દોષ કાઢવા નહિ.  વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે એમણે તો “પાકિસ્તાનને આક્રમક પરમાણુ હથિયાર ધરાવતા મોટા પાડોશી સામે રક્ષણ આપ્યું”.  આપણે ભલે સહમત ન થઈએ, પાકિસ્તાનની પ્રજાને આ વાત ગમી જ હશે.


નોંધ: તસ્વીરો નેટ પરથી સાભાર


ડો. પરેશ ર વૈદ્યનોનો સંપર્ક  prvaidya@gmail.com    વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.