… અને પરવીન બાબીએ જાહેર કર્યું, ‘અમિતાભ બચ્ચન તો ઇન્ટરનેશનલ ગેન્ગસ્ટર છે!’

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

બોલીવુડને અને એના ચાહકોને હચમચાવતો એક ઓર કેસ ચર્ચામાં આવી ગયો છે. વાત શાહરુખ ખાનના દીકરા આર્યનની છે. આ બધું હવે પ્રકાશમાં આવે છે અને એના ઉપર દિવસો સુધી ચર્ચા ચાલતી રહે છે, એનું મુખ્ય કારણ એટલું જ કે અત્યારે મીડિયા પહેલાની સરખામણીએ બહુ સક્રિય છે, પછી એ ઈલેક્ટ્રોનિક મીડિયા હોય કે સોશિયલ મીડિયા. એક જમાનો હતો કે ગમે એવી મોટી ઘટના બની જાય તો પણ એને લાંબો સમય સુધી ખેંચવાની પ્રિન્ટ મીડિયાની એક મર્યાદા હતી. પણ ઈલેક્ટ્રોનિક મીડિયા અને ખાસ કરીને સોશિયલ મીડિયાના આગમનને પગલે હવે સેલિબ્રિટીઝના જીવનમાં બનતી ઘટનાની ઝીણામાં ઝીણી વિગતો પણ ચર્ચાતી રહે છે. ખાસ કરીને ડ્રગ્સ, આત્મહત્યા કે હત્યા જેવી ખરા અર્થમાં ગંભીર ગણવી પડે એવી ઘટનાઓ અંગે ખાસી એવી વિસ્તૃત ચર્ચાઓ થાય છે. એ સારું ગણાય કે ખરાબ, એના વિષે વળી જુદી જ ચર્ચા થઇ શકે એમ છે. પણ એક વાત તો નક્કી, કે આજના જમાનામાં ગમે એવા મોટા ભૂપનું ભોપાળું લાંબા સમય સુધી છાવરી શકાતું નથી! એ જમાનામાં પરવીન બાબી સાથે જે બન્યું, એવું આજની કોઈ હિરોઈન સાથે બને, તો આખું ગામ ગાજી ઉઠે!

પરવીન બાબી. છ અક્ષરનું આ નામ એક સમયે બોલીવુડના આકાશમાં પુરજોશથી ઝળહળતું હતું. જૂનાગઢના નવાબી બાબી વંશનું એ ફરજંદ. આ બાબીઓ મૂળે પશ્તુન પ્રજાતિના, પણ લાંબા અરસાથી ગુજરાતમાં સ્થાયી થઇ ગયેલા. જૂનાગઢના તત્કાલીન વહીવટદાર અને નવાબના નજદીકી માણસ ગણાતા વલી મોહમ્મદખાન બાબીને ઘરે લગ્નના ચૌદ વર્ષ બાદ ૪ એપ્રિલ, ૧૯૪૯ના દિવસે પ્રથમ અને એકમાત્ર સંતાન અવતર્યું. નામ પડ્યું પરવીન. પરવીન માત્ર પાંચ વર્ષની હતી અને એના પિતા વલી મોહમ્મદખાનનું મૃત્યુ થયું. પરવીનને ભણતર માટે અમદાવાદની માઉન્ટ કાર્મેલ હાઈસ્કુલમાં મોકલી આપવામાં આવી. ત્યાર બાદ અમદાવાદની જ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એ ઈંગ્લીશ લિટરેચરમાં સ્નાતક થઇ. પણ એ જમાનામાં એના ભણતર કરતા એના રૂપની ચર્ચા વધુ હતી. બીજી કોઈ કેરિયર પસંદ કરવાને બદલે પરવીને મોડેલિંગ કરવા તરફ નજર દોડાવી.

૧૯૭૦ પછીનો એ સમય ઘણા બદલાવ લાવી રહ્યો હતો. ભારત આઝાદ થયાને બે દાયકા વિતી ચુક્યા હતા અને લોકોની વિચાર પદ્ધતિ અને જીવનશૈલીમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ચૂકી હતી. પ્રોડક્ટ માર્કેટિંગનું એક આખું નવું ક્ષેત્ર ખૂલી રહ્યું હતું, જેનું ટોચનું સોપાન હતું ફિલ્મી કેરિયર. પરવીને ૧૯૭૨માં મોડેલિંગ શરુ કર્યું, અને એના રૂપના કામણ એવા પથરાયા કે બીજે જ વર્ષે એક ફિલ્મ મળી ગઈ. એ સમયે ભારતીય ક્રિકેટ ટીમના લોકપ્રિય ખેલાડી ગણાતા સલીમ દુર્રાનીને હીરો તરીકે ચમકાવતી એક ફિલ્મ બની, ‘ચરિત્ર’. એમાં પરવીનને દુર્રાનીની સામે હિરોઈનનો મહત્વનો રોલ મળી ગયો. પહેલી જ ફિલ્મમાં લીડ રોલ મળે અને સામે હીરો તરીકે એ જમાનાનો લોકપ્રિય ક્રિકેટર હોય તો પૂછવું જ શું! જો કે ચરિત્ર ફ્લોપ ગઈ, ફિલ્મક્ષેત્રે સલીમ દુર્રાનીની ઇનીન્ગનું પણ બાળમરણ થયું, પણ પરવીનનું નામ ચાલી નીકળ્યું. ૧૯૭૪માં ‘મજબુર’ ફિલ્મમાં લીડ રોલ મળી ગયો, જેમાં સામે હીરો તરીકે હતા ‘ધી અમિતાભ બચ્ચન’. ફિલ્મ હીટ ગઈ અને ઇન્ડસ્ટ્રીને એક નવી જ ભાતની હિરોઈન મળી ગઈ. પછી તો ‘દીવાર’, ‘અમર અકબર એન્થની’, ‘સુહાગ’, ‘કાલા પથ્થર’ જેવી અનેક બ્લોક બસ્ટર ફિલ્મ આવતી રહી. ‘શાન’ જેવી કેટલીક મોટી ફિલ્મો ફ્લોપ ગઈ, એમાં ય પરવીનની નોંધ તો લેવાઈ જ. ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ થતાની સાથે જ પરવીનની ગણતરી ટોપ રેન્કની હિરોઇન્સમાં થવા માંડેલી. એ સમયના ટોચના સ્ટાર ગણાતા અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, શશી કપૂર વગેરે સામે એણે લીડ રોલ્સ કર્યા. માત્ર દસેક વર્ષના ટૂંકા ગાળામાં જ પરવીનની પચાસેક જેટલી ફિલ્મો રિલીઝ થવા પામી. એ પૈકી દસેક ફિલ્મો તો બ્લોક બસ્ટર સાબિત થઇ. અમિતાભ સાથે એની કેમેસ્ટ્રી બરાબર જામી. આ એ દાયકો હતો જ્યારે અમિતાભને મેગા સ્ટાર બનાવનારી ફિલ્મો એક પછી એક ધડાધડ રિલીઝ થઇ રહી હતી. અને નસીબ જોગે એમાંની ઘણી ફિલ્મોમાં અમિતાભની સામે લીડ રોલ કરવાનો મોકો પરવીનને મળ્યો. પણ પછી…

અચાનક શું થયું કે…

એ સમયે પરવીનની ગણના ‘લેડી સુપરસ્ટાર’ તરીકે થવા માંડી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી લેતી હિરોઈન તરીકે પરવીનનું નામ બોલાવા માંડ્યું. વિખ્યાત ટાઈમ મેગેઝીનના કવર પેજ પર ચમકવાવાળી પ્રથમ ભારતીય અભિનેત્રી એટલે પરવીન બાબી. પરવીન બાબીના આવ્યા પછી હિન્દી ફિલ્મોમાં હીરોઈનનું આખું સ્વરૂપ જ જાણે બદલાઈ ગયું. જ્યાં એક જમાનામાં સાડી કે પંજાબી ડ્રેસ પહેરેલી હિરોઈન્સ વધુ દેખાતી, ત્યાં ઓફ શોલ્ડર ડ્રેસમાં જેના ખભા અને ક્લીવેજ દેખાતી હોય એવી એક હિરોઈને અલગ જગ્યા બનાવી લીધી હતી. સીધી સાદી ભારતીય નારીને બદલે વેસ્ટર્નાઈઝ્ડ કલ્ચરને ફોલો કરનારી સ્ત્રી હીરોઈન તરીકે સ્થાપિત થઇ રહી હતી.

બધું જ સારું-સારું થઇ રહ્યું હતું, એવામાં પરવીનને કોણ જાણે શું સૂઝ્યું તે અચાનક અધ્યાત્મિક શાંતિની ખોજ માટે એ ગુરુ યુ.જી. કૃષ્ણમૂર્તિ સાથે વિદેશ પ્રવાસે ઉપડી ગઈ. આ યુ. જી કૃષ્ણમૂર્તિ એટલે મહેશ ભટ્ટના પણ અધ્યાત્મિક ગુરુ. ૩૦ જુલાઈ, ૧૯૮૪ના દિવસે એણે ભારત છોડ્યું, એ પછી લાંબો સમય એ હ્યુસ્ટન અને કેલિફોર્નિયા જેવા સ્થળોએ રહી. છે…ક ૧૯૮૯ના નવેમ્બરમાં એ ભારત પાછી ફરી. એક ટોચની હીરોઈન અચાનક પાંચ વર્ષ માટે અધ્યાત્મિક માર્ગે વળી જાય અને પાછી ફરે તો સ્વાભાવિક રીતે જ પહેલા જેવું સ્થાન મેળવવામાં તકલીફ પડે. વિનોદ ખન્ના જ્યારે સ્ટારડમની ટોચ પર હતા, ત્યારે એમણે પણ આવું કરેલું, પણ ખન્નાનું નસીબ જોર કરતું હતું અને બીજી ઇનિંગ રમવા મળી, પરંતુ પરવીન કમનસીબ સાબિત થઇ. પરવીન પાછી ફરી એ પછી એવા સમાચારો વહેતા થયા કે એ પેરાનોઈડ સ્ક્રીઝોફેનીયા નામના માનસિક રોગનો શિકાર બની ચૂકી છે. આ રોગને કારણે પરવીનને સતત એવું લાગતું કે કોઈક એની હત્યા કરવાની કોશિશ કરી રહ્યું છે. એક તબક્કો એવો આવ્યો કે પરવીન પોતાની આજુબાજુની દરેક વ્યક્તિ ઉપર શક કરવા માંડી. હદ તો ત્યારે થઇ જ્યારે એણે એવા પ્રખ્યાત વ્યક્તિઓ પર આરોપ મુક્યા કે લોકો હચમચી ઉઠ્યા.

અમિતાભ બચ્ચનનું ઇન્ટરનેશનલ માફિયા સાથે કનેક્શન?

મીડિયામાં પરવીનની માનસિક બીમારી વિશેના અહેવાલો છપાયા, પણ પરવીન સતત એ બાબતોનો ઇનકાર કરતી રહી. પરવીનનું કહેવું હતું કે કેટલાક પ્રભાવશાળી લોકો અને મીડિયા ભેગા થઈને ગંદી રમત રમી રહ્યા છે, જેથી પરવીનની કેરિયર બરબાદ થઇ જાય, અને પરવીન એ લોકો વિશેની સાચી વાતો દુનિયા સમક્ષ બોલતી અટકે ! શું ખરેખર આવું હતું? પરવીન એવા તે કયા સત્યો ઉજાગર કરવા માંગતી હતી, જેનાથી કહેવાતા પ્રભાવશાળી લોકો ડરતા હતા? અને મુખ્ય વાત એ, કે કોણ હતા એ ‘પ્રભાવશાળી’ લોકો, જેઓ પરવીનને પાગલમાં ખપાવવા માંગતા હતા? પરવીનના પોતાના કહેવા મુજબ આવા લોકોમાં ટોચનું નામ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું હતું! હકીકત એ હતી કે પરવીને સૌથી વધુ ફિલ્મો અમિતાભ સાથે કરી હતી. એટલું જ નહિ, પણ આ એ ફિલ્મો હતી જેણે આ બન્ને સ્ટાર્સની કેરિયરને ઊંચાઈ બક્ષવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

૧૯૮૯માં પરવીને એક ફિલ્મ મેગેઝીનને બહુ સ્ફોટક ઇન્ટરવ્યુ આપ્યો. આ ઇન્ટરવ્યુમાં પરવીને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પર બહુ ગંભીર આક્ષેપો કર્યા. પરવીને પત્રકારને કહ્યું કે, ‘અમિતાભ બચ્ચન એક સુપર ઇન્ટરનેશનલ ગેન્ગસ્ટર છે! તે મને ગમે તે ભોગે ખતમ કરી નાખવા માંગે છે. અમિતાભના ગુંડાઓ મને કિડનેપ કરીને એક આઈલેન્ડ ઉપર લઇ ગયેલા. ત્યાં મારા ઉપર એક સર્જરી કરવામાં આવી, અને મારા શરીરમાં એક ખાસ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ બેસાડવામાં આવ્યું. જેથી તેઓ મારી દરેક ગતિવિધિ ઉપર નજર રાખી શકે.’ પરવીને પોતાના કાનની પાછળ પડેલો સર્જરીનો ડાઘ પણ બતાવ્યો.

પરવીન માત્ર અમિતાભ બચ્ચન પર આરોપ મૂકીને જ અટકી નહોતી. એણે એ સમયના અનેક વિદેશી મહાનુભાવોનું નામ પણ લીધેલું. પરવીન બાબીને લાગતું હતું કે પ્રિન્સ ચાર્લ્સ, અમેરિકન એક્ટર રોબર્ટ રેડ્ફોર્ડ, રાજકારણીઓ બિલ ક્લિન્ટન અને અલ ગોર વગેરે વ્યક્તિઓ એના વિરોધી હતા. એટલું જ નહિ પણ રોમન કેથોલિક ચર્ચ, સીઆઈએ, સીબીઆઈ, કેજીબી, મોસાદ જેવી સંસ્થાઓ પણ પોતાનું કાસળ કાઢી નાખવા માટે તત્પર છે, એવું પરવીનને લાગતું!

શું પરવીન સાચું બોલતી હતી? શું ખરેખર અમિતાભ બચ્ચન સહિતના પ્રભાવશાળી લોકો એનું ખુન કરવા માંગતા હતા? કે પછી પરવીન પોતાના માનસિક રોગની અસર હેઠળ આવો વાણી વિલાસ કરી રહી હતી? જવાબ મેળવીશું ૯-૧૨-૨૦૨૧ના મણકામાં.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “… અને પરવીન બાબીએ જાહેર કર્યું, ‘અમિતાભ બચ્ચન તો ઇન્ટરનેશનલ ગેન્ગસ્ટર છે!’

  1. આ ટાયમ મેગેઝીનના કવર ઉપર ફોટો પરવીન બાબીનો હતો. પણ અંદર ટાયટલપેજ પરનાં ફોટામાં નામ ઝીન્નત અમાનનું હતું.

Leave a Reply

Your email address will not be published.