ન્યાયતંત્રમાં મહિલા પ્રતિનિધિત્વ : વાસ્યાં કમાડ હવે ખોલો

નિસબત

ચંદુ મહેરિયા

ભારતના ન્યાયતંત્રમાં દેશની અડધી આબાદી એવી મહિલાઓનું પ્રતિનિધિત્વ પર્યાપ્ત નથી. ૧૯૫૯માં અન્ના ચાંડીની કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી એટલે આઝાદીના એકાદ દાયકે જ વડી અદાલતને મહિલા ન્યાયાધીશ મળી ગયા પણ દેશની સર્વોચ્ચ અદાલતને મહિલા ન્યાયાધીશ મળતાં ચાર દાયકા લાગ્યા હતા. ૧૯૫૦માં સ્થપાયેલી સુપ્રીમ કોર્ટમાં ૧૯૮૯માં ફાતિમા બીવી પ્રથમ મહિલા જજ બન્યાં હતાં. દેશને મહિલા વડાપ્રધાન, મહિલા રાષ્ટ્રપ્રમુખ, મહિલા મુખ્યમંત્રીઓ અને મહિલા રાજ્યપાલો તો મળ્યાં છે. પણ આઝાદીના પંચોતેર વરસો વીતી ગયા હોવા છતાં હજુ કોઈ મહિલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બન્યાં નથી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં નિમાયેલા ત્રણ મહિલા જજો પૈકીના એક બી.વી.નાગરત્ના માંડ છત્રીસ દિવસો માટે ૨૦૨૭માં દેશના પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે તેને પણ હજુ છ વરસ લાગશે.

છેલ્લા ઈકોતેર વરસમાં દેશની સર્વોચ્ચ અદાલતમાં ૨૫૬ ન્યાયાધીશોની નિમણૂક થઈ છે.તેમાં મહિલા ન્યાયાધીશો એક ડઝન પણ નથી. ૨૫૬ કુલ નિયુક્ત ન્યાયાધીશોમાં માત્ર ૧૧ જ મહિલા ન્યાયાધીશો હોઈ તેમનું પ્રતિનિધિત્વ  માંડ ૪.૨ ટકા જ થયું છે. હાલમાં નિયુક્ત ત્રણ મહિલા ન્યાયાધીશો સાથે સુપ્રીમ કોર્ટના કાર્યરત ૩૩ ન્યાયાધીશોમાં ૪ મહિલા છે.એટલે તેમનું પ્રમાણ ૧૨.૧ ટકો જ છે. ડિસેમ્બર ૨૦૨૦માં દેશની ૨૫ હાઈકોર્ટસમાં ૧૧૧૩ ન્યાયાધીશોમાં ૮૦ મહિલા  હતાં. પટણા, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડ, મેઘાલય અને મણિપુર એ છ હાઈકોર્ટમાં એકેય મહિલા જજ નથી. જ્યાં સૌથી વધુ મહિલા જજ છે તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કુલ ૮૫ માં ૧૧  એટલે ૧૨ ટકા જ મહિલા છે.. ‘વિધિ: સેન્ટર ફોર લીગલ પોલિસી’નો ૨૦૧૮નો અભ્યાસ, દેશની નીચલી અદાલતોના ૧૫,૮૦૬ જજોમાં ૪૪૦૯ મહિલા (૨૭.૯ ટકા) હોવાનું જણાવે છે. બે બંધારણ સુધારા દ્વારા પંચાયતો અને પાલિકાઓમાં ૫૦ ટકા મહિલા અનામત દાખલ કરી દીધી છે પણ જ્યુડિશિયરીમાં તળિયેથી ટોચ સુધી મહિલાઓને તેમની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી.

પુરુષોના એકાધિકાર હેઠળની ભારતીય અદાલતોમાં મહિલાઓને વકીલ તરીકે જ પ્રવેશ નહોતો. બહુ લાંબો સંઘર્ષ કરીને મહિલાઓએ ન્યાયતંત્રના વાસ્યાં કમાડ ખોલ્યાં છે. ભારતની અદાલતોમાં લીગલ પ્રેકટિસનર્સ એકટ ,૧૮૭૯ની જોગવાઈઓ મુજબ માત્ર પુરુષો જ વકીલાત કરી શકતા હતા. ઈ.સ. ૧૯૧૬માં રેગિના ગુહાએ કોલકાતા અને ઈ.સ. ૧૯૨૧માં સુધાંશુ બાલા હાજરાએ પટણા હાઈકોર્ટમાં વકીલાત માટેની મંજૂરી માંગી હતી.પરંતુ કાયદાકીય જોગવાઈઓનો હવાલો આપીને બ્રિટિશ સરકારે તેમની માંગણી નકારી હતી. બ્રિટનમાં ૧૯૧૯માં સેક્સ ડિસ્ક્વાલિફિકેશન એક્ટ પસાર થયા પછી ભારતની અદાલતોમાં મહિલાઓ માટે વકીલાતના દ્વાર ખૂલ્યાં હતાં. ૧૯૨૧માં કોર્નેલિયા સોરાબજીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાત માટે માંગેલી દાદ, ૧૯૨૩ના લીગલ પ્રેકટિશનર (વિમેન) એકટથી, સ્વીક્રુત થઈ હતી. તેથી ભારતની અદાલતોમાં મહિલાઓ ૧૯૨૩ના કાયદાથી પ્રેકટિસ કરતી થઈ.શકી અને કાર્નેલિયા સોરાબજી દેશના પહેલાં મહિલા એડવોકેટ બન્યાં હતાં..

દેશના ૧૫ લાખ એડવોકેટસમાં માત્ર ૧૫ ટકા જ મહિલા છે. રાજ્યોની બાર કાઉન્સિલમાં ૨ ટકા જ મહિલા પ્રતિનિધિઓ ચૂંટાયા છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની  નેશનલ કમિટીમાં એક પણ મહિલા નથી. સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલોમાં ૪૦૩ પુરુષોની સરખામણીમાં મહિલાઓ માત્ર ૧૭ જ છે. દિલ્હી હાઈકોર્ટમાં ૨૨૯ પુરુષ સામે ૮ મહિલા અને બોમ્બે હાઈકોર્ટમાં ૧૫૭ પુરુષ સામે ૬ મહિલા સિનિયર એડવોકેટ છે.  કાયદાની કોલેજોના પ્રવેશ અને શિક્ષણમાં મહિલાઓ માટે અનામત ન હોવાથી તથા સિનિયર વકીલોમાં તેમનું પ્રમાણ અલ્પ હોવાથી મહિલાઓ માટે ન્યાયાધીશના પદે પહોંચવું બહુ કઠિન છે.

સુપ્રીમ કોર્ટ વુમન લોયર્સ એસોસિએશને ન્યાયતંત્રમાં મહિલાઓના પ્રતિનિધિત્વ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી હતી. આ જાહેર હિતની અરજીની સુનાવણી વખતે તત્કાલીન સીજેઆઈ શરદચંદ્ર બોબડેએ મહિલા જજીસના અલ્પ પ્રમાણ અંગે મહિલાઓનો જ વાંક કાઢ્યો હતો. તેમણે મહિલાઓ જ સામાજિક અને અન્ય કૌટુંબિક જવાબદારીઓને કારણે જજ બનવા રાજી ન હોવાનું જણાવ્યું હતું. અદાલતે સરકારને નોટિસ પણ જારી કરવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ બોબડેના આ વલણથી મહિલાઓ નારાજ થયાં હતાં. દિલ્હી હાઈકોર્ટ વુમન લોયર્સ ફોરમે ટ્વીટ કરીને સીજેઆઈને જણાવ્યું હતું કે તેઓ આનંદપૂર્વક જજની જવાબદારી સંભાળવવા તૈયાર છે.જો કે વર્તમાન સીજેઆઈ નૂતલપતિ વેંકટ રમન્નાનું વલણ આ બાબતે ઘણું જ હકારાત્મક છે. હાલમાં જ સુપ્રીમકોર્ટમાં ત્રણ મહિલાઓની ન્યાયાધીશ તરીકેની નિમણૂક અદાલતોમાં લૈંગિક અસંતુલન ઘટાડવાની દિશામાં અને મહિલા પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ ઐતિહાસિક છે.કેમ કે  સુપ્રીમ કોર્ટમાં એક સાથે ચાર મહિલા ન્યાયાધીશો કાર્યરત હોય એવું આ પૂર્વે કદી બન્યું નથી..

સુપ્રીમકોર્ટમાં નવ નિયુક્ત ન્યાયાધીશોના સન્માન સમારંભમાં મહિલા વકીલોને સંબોધતાં સીજેઆઈ રમન્નાએ અદાલતોમાં મહિલાઓના પચાસ ટકા પ્રતિનિધિત્વની જિકર કરી, તે કોઈ દયાદાન નથી પણ તેમનો અધિકાર છે તેમ જણાવ્યું હતું. મહિલા વકીલોને આ મુદ્દે કાર્લ માર્ક્સના વિધાન,ગુમાવીશું બેડીઓની, યાદ સાથે આક્રોશપૂર્વક ચીસો પાડીપાડીને માંગણી કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

જોકે આ બાબત સરકારની ઈચ્છાશક્તિ પર આધારિત છે. ન્યાયતંત્રમાં મહિલા પ્રતિનિધિત્વ માટે અને કાયદાની કોલેજોમાં પ્રવેશમાં મહિલા અનામત માટે સંસદે બંધારણમાં સુધારો કરવો પડે. અથવા સુપ્રીમ કોર્ટ ન્યાયિક આદેશ આપી શકે. અદાલતોમાં સિનિયર વકીલ તરીકે વધુ સંખ્યામાં મહિલાઓ હોવી જોઈએ. મહિલાઓને વકીલ અને ન્યાયાધીશ બનવામાં ઘણી અડચણો રહેલી છે. મહિલાઓ માટે પ્રતિકૂળ વાતાવરણ, અસીલો દ્વારા મહિલા વકીલની પસંદગી ન થવી,અદાલતોનું અસહજ વાતાવરણ , સિનિયરો દ્વારા યોગ્યતા પ્રમાણે કામ ન આપવું અને અદાલતોમાં અલાયદી સગવડોનો અભાવ પણ દૂર કરવાં જોઈએ.

અદાલતોમાં મહિલાઓનું તેમની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મહિલા અધિકાર ઉપરાંત ન્યાયસંગત કાનૂન વ્યવસ્થા માટે આવશ્યક છે. અદાલતોમાં ન્યાય તોળવા રચાતી જજીસની બેન્ચ જો લૈંગિક વિવિધતાવાળી હોય તો તે પૂર્વગ્રહમુક્ત રહી શકે છે.મહિલા અત્યાચાર કે ભેદભાવના કેસોમાં એકાદ મહિલા જજ બેન્ચમાં હોય તો તે આખી બેન્ચ પર પ્રભાવ પાડી શકે છે.બળાત્કાર, છૂટાછેડા, ઘરેલુ હિંસા અને સંપત્તિ અધિકાર જેવા મહિલા સંબંધી કેસો મહિલા જજ વધુ સારી રીતે સમજી શકે છે.

મહિલા જ મહિલાઓને અધિકાર અપાવી શકે કે મહિલાઓનો ઉધ્ધાર કરી શકે તેવું હંમેશા બનતું નથી. કેટલીક મહિલાઓમાં પણ પુરુષવાદી વલણ હોઈ શકે છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ અને પૂર્વ સીજેઆઈ રંજન ગોગાઈ સામે મહિલાના યૌન ઉત્પીડનની ફરિયાદ અંગેની સુપ્રીમ કોર્ટની બેન્ચમાં મહિલા જજીસ હોવા છતાં ફેંસલો મહિલાઓની તરફેણમાં આવ્યો નહોતો.  પોક્સો કાયદાનું જડ અર્થઘટન કરીને ચામડીથી ચામડીનો સીધો સંપર્ક ન થયો હોઈ  ઉત્પીડન થયું ન ગણાય તેવો ચુકાદો બોમ્બે કોર્ટના મહિલા જજનો જ હતો ને ? એટલે મહિલા જજીસથી મહિલાઓના સઘળાં દળદર ફીટી જવાનાં નથી. એ સાચું તો પણ મહિલાઓ તેમની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વની હકદાર તો છે જ ..


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.