ધનિક કોણ? બટુક કે બેઝો?

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

                                                    કટકા દાતણ

કોક માણસ જરઝવેરાત પારખુ હોય, કોક સોનું હાથમાં જાલે ને કઈદે કે સોળવલ્લું છે કે નહીં, કોકને સ્થાવર મિલકતની ઓળખ હોય, ઘણા શેરબજારના રાજા હોય, કેટલાયને સારાં દાળદાણા ગોતવે ફાવટ હોય, ઘણા વળી ઉનાળે કેરી હાથમાં જાલીને ઈ કઈદે કે ઈ ગળીમધ હસે કે ખાટી બડબો, ગાંડી ગર્યમાં અનુભવી માલધારી અષાડી આકાશે મીટ માંડીને કઈદે કે વરસ કેવું થાસે તો એમાનો કોક વળી રાયણની લાકડી પકડીને કઈદે કે ૧૬ મણકાની ને હિરણના કાંઠાવાસની ઉપજ છે કે નહીં, તો થોડાક વળી માણસ પારખુ પણ હોય. હવે અમારામાંથી કેટલાય કે જેને છસાત દાયકા જીવી કાઢ્યા છ એને તો સારાનરસા જીવનસાથી પણ પાંચદસ મિનિટની મુલાકાતમાં પારખ્યા છ ને પડ્યાં પાનાં નીભાવે જાય છ. ટુંકમાં, સાચીખોટી પણ માણસને જુદીજુદી પરખ હોય છ. પણ સાહેબ અમારા જૂનાગઢમાં જેને રોજેરોજ પસંદ કરવાની છ એવી દાતણની છડી પારખવા દર સાંજે પુરી પંદર મિનિટ વાપરે છ ઈવો તો એક વિરલો બટુક જ છે. એને અત્યાર સુધીમાં એના આયુનું એકાદ વરસનું રોકાણ તો આ દાતણની સાડાત્રણ ફૂટની સોંટી ગોતવામાં જ કર્યું છ. હકીકતે અમને મિત્રોએ બટુકની આ દાતણની છડી-પરખ સાંઈઠેક વરસ પેલાં અનુભવી’તી ને મને રોજ બ્રશ કરતાં એની ઈ કળા નજરે રમે છ પણ આજતો નક્કી જ કર્યું છ કે એને શબ્દદેહ આપવો.

હવે ઈ વખતે અમે દોસ્તારું રોજ સાંજના મોતીબાગ, નગરઉદ્યાન, વિલિંગ્ડન ડેમ કે ભૂતનાથ એમ ફરવા ને “ફૂડીંગ” કરવા જાતા. જે દી’ મારે ક્રિકેટ પ્રેક્ટીસ હોય ઈ દી’ હું પાછળથી જોડતો, પણ જોડાતો કારણ ઈ ઉમરે ફરવા જાવું ને તાજી હવા ફેફસે ભરવી એના કરતાં “ફૂડીંગ” કરી ને ઈ રૂપાળી છોડીયુંને આંખમાં ભરવી ઈ વધુ જરૂરી લાગતું. પછી અમે સૌ સાંજના સાડાસાતેક વાગે ફરીને પાછા આવીયેં ત્યારે કાળવાચોકમાં દેવીપુજક લીલીબાઈ આગળ આમારી રોજની રોકત. આ લીલીબાઈ મૂળ ઈવનગરની ને કાળવાચોકમાં ગિરધર કોલ્ડ્રીંકની સામે, “વેજ્નાથ” લોટ દળવાની ચક્કીની પડખે ને માંગનાથ રોડ જ્યાંથી સરુ થાય યાં નીચે મોટું ધોળું પાણકોરું પાથરી ને બીજી ચારપાંચ બાયું હારે દાતણની છડીનો ભારો લઇને બેસે. અમે દોસ્તારું મરકતામરકતા ઈ બાયું આગળ ઉભીયેં, ઈ બાયું ને હારે દાતણના ભારા જોવાય એટલાં જોયેં ને એકાદ ભારા માંથી એકએક લાંબી છડી પાંચ પૈસા આપીને હાથમાં પકડીયેં ને દાતણ પારખુ બટુકની રાહમાં ઉભીયેં.

ઈ બટુક પેલાં તો જાણે લેંઘો ગોઠણે ચડાવીને લીલીબાઈ સામે અધુકડો બેસે. પછી એનાં સોડાબાટ્લીના તળીયા જેટલા જાડા કાચના ચશ્માંમાંથી એની જુકેલી નજર દાતણની છડીના ભારા ઉપર નાખી ને એને એવી ઠેરવે કે જાણે:

“મોરકો ધ્યાન લગો ઘનઘોરસે, પનીહારી કો ધ્યાન લગો મટકી…”

પછી ઈવડો ઈ પાંચસાત નાની ને લીલીછમ છડી બેચાર વાર ઉથલાવે, ફેરવે, જોવે ને પછી એમાંથી ત્રણચાર પસંદ કરે. એની પસંદગીની છડીઓને એનાં ચશ્મામાંથી ફાંગી આંખે જોવે કે સીધી છે કે નહિ. જો ઈ સીધી હોય તો જ એમાં ગાંઠ ગણે ને જો ઈ ગાંઠો ભીનાસે હોય તો કેટલી ગાંઠોમાંથી કૂંપળો દેખાય છ ઈ પાકું કરીને બેએક છડી પસંદ કરે. આમ પાંચસાત છડીમાંથી ઈ બેએક ઉપર આવે. આ છડીઓ ઉપર એનો બાવળના બડુકા જેવો જમણો હાથ બેત્રણ વાર ફેરવી ને નક્કી કરે કે એમાંથી કઈ સંગેમર્મરે જેવી લીસી છે ને ઈ છડી ઈ અંતે પસંદ કરે. આ બધા પછી એનો ભાગ બીજો શરુ થાય. આમાં ઈ એની “સો ગયણે ગાળી”ને પસંદ કરેલ છડીની ખામીઓ લીલીબાઈને વર્ણવે ને બટુકથી ઉતરતી છડીનું અમે પંચીયું દીધું હોય એના ઈ એની પસંદગીની છડીના છેલ્લે ચાર પૈસા દે ને થાક્યોપાક્યો ઈવડો ઈ ઘરભેગો થાય.

સાહેબ, ઈમાં એક દી’ બટુકને છીંક આવી ને એને રૂમાલ કાઢવા ગજવે હાથ નાખવો પડ્યો તે એની છડી એને મને જાલવા દીધી. હવે “કાગને બેસવું ને તાડને પડવું” તે છેલ્લે એની છડી મારી આગળ રઇ ગઈ ને મારી એની આગળ ગઈ. હું ઘેર પુગ્યો એટલે મારાં માંએ મારી છડી ફેરવીફેરવી ને જોઈ, જાણે મારી સગાઇ પછી કન્યા પેલીવાર અમારે ઘેર આવી. છડીનાં ખુબ વખાણ કરીને માં થાક્યા એટલે મેં પૂછ્યું:

“માં, આ છડીમાં સું હીરામોતી ટાંગ્યાં છ?”

એટલે માંનો જવાબ:

“આખી છડી હીરે જ મઢી છ. લીલી છમ ને ચાર કોરતી આંખે છે, એકએક આંખે કાપો એટલે દાતણના ચાર કુણા કટકા થાય, ક્યાય ગાંઠો નથી, છડી સીધી સોંટો છે, ચાવો એટલે સુવાળો કુચો થાય એટલે ઈ બે દાંતની વચે પણ જાય, ને મોઢામાં આખો દીબાવળની ધમરક રે‘.”

હવે હું સત્યવાદી હરીશચંદ્રનો દીકરો એટલે મેં ખુલાસો કર્યો કે આ છડી આજ બટુક હારે બદલાઈ ગઈ છ. એટલે માં એ વખાણની તાવડી બીજી બાજુ મૂકી ને બટુકનાં માં-બાપ માથે જશના ટોપલા ખાલી કર્યા:

“કેવું શીખવાડ્યુ છ ઈ દાણીયા જેવા દીકરાને દાતણ લેતાં. ઈ શીખે જ ને? એના બાપ ભગુભાઈ સોમનાથમેલમાં ટી.ટી. ઈ માખીના ટાંગા જેવા અક્ષરો ટિકિટ ઉપર વાંચીને ઈ નક્કી કરે કે કોઈ વડાલની ટિકિટ લઈને વેરાવળ લગી નથી જાતુંને, ને અંધારામાં ટિકિટનો રંગ જોઈને પાકું કરે કે નીચલા વરગની ટિકિટે કોઈ ચડિયાતા વરગમાં નથી ઘુસી ગ્યુંને. એના માં કંકુબેનનું કુટુંબ પણ કેવું ઉંચુ. એનાં બાપ બળિયાશેઠનાં નામાં લખે તો માં તાલુકાશાળામાં છોકરાંઉને પાણી પાય છ, ને એટલે જ આમ ભગુ ને કંકુનાં છોકરાંઉ હુશિયાર જ હોયને? ને તમે ઓટીવાળ છો ને રેસો.”

હવે મારાં માં નથી પણ એનો ઓટીવાળ દીકરો હું ને મારો મિત્ર બટુક બેય છીંયે. આજ એટલું તો હું ચોક્કસ કઈ સકું કે જો બટુક યુ.એસ.માં હોત તો એના ઘરમાં અંબાણી, અદાણી, બિલ ગેઇટ્સ, વોરન બફેટ કે બ્રુનાઈના શેખ જેવા કચરાંપોતાં કરતા હોત, ને “એમેઝોન” નામની ઓનલાઇન દુકાનનો માલિક ને દુનિયાનો સૌથી ધનિક જેફ બેઝો ને બટુકમાં જાજો ફરક ન હોત. મારા આ વિધાન પાછળ મારી ગણત્રી ઈ છે કે આજની તારીખમાં “એમેઝોન” ઉપર યુ.એસ.માં એક ડોલરનું એક દાતણ મળે છ ને યુ.એસ.ની વસ્તી આશરે ૩૩૦ મીલીયન છે. હવે જો વસ્તીના દસ જ ટકા (૧૦%) લોકો દાતણ વાપરતા થઇ જાય તો ૩૩ મીલીયન લોકો વાપરે અને બટુકના ચુનનંદા દાતણનો લોકો ડોલર નહીં પણ “એમેઝોન”થી અરધા એટલે કે પચાસ સેન્ટ્સ જ આપે ને ધારો કે બટુક દાતણ દીઠ પચીસ સેન્ટ્સ એનો ખરચ બાદ કરે તો પણ એનો રોજનો નફો ૮.૨૫ મીલીયન ડોલર્સ થાય કે જે જેફ બેઝોથી કદાચ જાજો હોત.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

4 thoughts on “ધનિક કોણ? બટુક કે બેઝો?

  1. વાંચવાની મજા આવી. જુનાગઢની વાત પણ અમારાં ભાવનગરની લાગે છે. સરસ રજુઆત.
    સરયૂ મહેતા-પરીખ

  2. વધુ એકવાર મોજ કરાવવા આભાર. નકલ વગર મનકી બાત કહેવામાં તમે માહેર છો. વ્યક્તિચિત્રો આલેખવા પુ. લ. દેશપાંડે અજોડહતા. આપ પણ આજની જેમ આવા વ્યક્તિચિત્રો વિના વિરામ આલેખતા રહો તો સારું

  3. મને તો મારુ ભૂજ યાદ આવી ગયું , શાક માર્કેટ પાસે સાંજ ના દાતણ ની ‘ કામ ‘ લેવા હુ પણ ગયો છું , આ દાતણિયા પાછા અમદાવાદ બાજુ ના એટલે તળપદી ગુજરાત બાજુ ની અમદાવાદી ભાષા જ બોલે , આપણે પૂછીયે કેટલા ની આપી તો કે ઢીંગલા ( કચ્છી નાણું ) ની બે , આપણે કહીયે ત્રણ તો કહે ના ત્રણ ના આલુ , ત્યાં એનો ઘરવાળો કહે આલી દે આલી દે , બાબાભાઇ રોજ આવે છે ( કાના જડી હોય તો આલ , રાસ રમંત…..)
    ભાઇ અત્યારે જેફ બેઝોસ ટીંબર મરચંટ કહેવાય

    મજા આવી વાંચવા ની

Leave a Reply

Your email address will not be published.