ગામનો ઉતાર !

ડૉ. શરીફા વીજળીવાળા

 

ઘર માથે વીજળી ત્રાટકી હોય ને બધાં મડાં થઈ ગયાં હોય એવી સ્મશાન સમી શાંતિ હતી. આખા ઘરમાં! બાપુ ફળીયામાં માથે હાથ દઈને બેઠા હતા. આમ તો અમે ગામથી દૂર આવળ, બાવળ, બોરડીના પાડોશમાં રહેનારા… પણ તોય જેમ જેમ ગામમાં ખબર પડતી ગઈ એમ એમ આઘે રે’નારા પણ આંગણામાં ઠલવાતાં ગયાં. આખું ગામ અમારા ઘરની હાલત જાણે. બાપુ છાપાં વેચવાની ટૂંકી આવકમાંથી ઘરના બે છેડા માંડ ભેળા કરતા, ને પાછા અમને ભણાવતાયે ખરા. ૧૯૭૨નું એ વર્ષ… ચોથું પાસ કરીને હું પાંચમામાં ગઈ હતી. હું સોનગઢની નિશાળમાં દાખલ થઈ અને મોટી બહેને મૅટ્રીક પાસ કરી નિશાળ છોડી. એને સણોસરાની લોકભારતી સંસ્થામાં પી.ટી.સી.માં પ્રવેશ મળી ગયો હતો. લોકભારતીમાં છ મહીનાના પૈસા એક સાથે ભરવા પડતા. પાંચ–દસ જણાં પાસેથી ઉછીના–પાછીના કરી બાપુએ ફી તો ભરી દીધેલી. હવે બેત્રણ ખાદીની જોડ્ય ને નાની–મોટી ચીજવસતનો મેળ પાડીને બાપુ બહેનને મુકવા સણોસરા જાતા’તા.

બસમાં ચડીને ટીકીટ લેવા ગજવામાં હાથ નાખ્યો ઈ ભેળી એમની રાડ્ય ફાટી રહી : અરે, મારું ખીસ્સું કાપી ગ્યું કો.’ તાણીતુસીને, બે–પાંચ પાંહેથી ઉછીના લઈને બાપુએ માંડ ત્રણસો રુપીયા ભેળા કર્યા’તા. ખીસ્સું કાપનારો બસની ટીકીટ જેટલા પૈસા પણ નો’તો મેલતો ગયો. ઘરમાં માણસ મર્યા જેવું માતમ ફેલાઈ ગયું’તું. માએ તો બસ, કુટવાનું જ બાકી રાખેલું, હાથ લાંબો કરી શકે એવાં હૈયાંવાળાંઓનાં ઘરની હાલત અમારા જેવી જ હતી. ઉઘાડો ઉઘાડાને શું રાખ ઢાંકે? બધા ઉભા હતા ફળીયામાં, પુતળાની જેમ. કોણ બોલે ને શું બોલે? રોંઢો થાતામાં તો હજારેકની વસ્તીવાળા આખા ગામમાં ખબર પડી ગઈ. અમને ભણાવવા માટે તુટી મરતાં મારાં માબાપના કારમા સંઘર્ષનું ગામ આખું સાક્ષી હતું. સૌનાં હૈયે સરખી જ અરેરાટી હતી. આમ જુઓ તો ત્રણસો રુપયડી જ ગઈ’તી ને એમ ગણો તો મોટી બહેનના ભણવાની દશ દેવાઈ જતી દેખાતી’તી. ( નો ભણી હોત તો, અમારામાંથી કોઈ ભણ્યું હોત કે કેમ તો ઉપરવાળો  જાણે!)

સાંજ પડવા આવી ને ધીરે ધીરે આંગણામાંથી લોક વીખેરાવા માંડ્યું. બપોર તો આ હૈયાહોળીમાં વીતી ગયેલી; પણ રાત પડે પેટ કંઈક માગશે એવું જાણતી મા ચુલા બાજુ વળી. રુંઝ્યું વળવા ટાણું થઈ ગયું’તું. ઝડવઝડ દી’ ર’યો’તો. મા આવગુણ્યમાંથી રાખ કાઢી અડાયાનો ઓંબાળ ભરતી’તી ને અમારા ગામમાં સાઈકલ રીપૅરીંગનું કામ કરતા ઓસમાણ ભાઈએ ફળીયામાં પગ દીધો. આમ તો ઈ કાળા પરસેવાની કમાણી ખાનારો માણસ; પણ ક્યારેક છાંટાપાણીની લત ને ગામના ઉતાર જેવા લોકો સાથે એનું ઉઠવું–બેસવું. એટલે ગામમાં કોઈ એની હાર્યે વેવાર નો રાખે.

અચાનક આ માણસને અમારા ફળીયામાં જોઈને નવાઈ તો બધાયને લાગી; પણ આજ આખા દી’માં ફળીયામાં કે દી’ પગ નંઈ મેલનારા પણ ખરખરો કરી ગ્યેલા એટલે બાએ ફળીયામાં ખાટલો ઢાળીને બેહાડ્યા. (આમ પાછા ઓસમાણભાઈ બાનાં એક બહેનપણીના ભાઈ થાતા એટલે બોલાવવું જરુરી થઈ પડે તો અમેમામાકેતાં પણ  ખરાં!) ખાટલે બેસતાંવેંત લાગલું એણે પુછ્યું : ખીસ્સું બસમાં બેઠાં પેલાં કપાણું કે પશી?’ આમેય કોઈનામાં માથા ફોડવાની તાકાત રઈ નો’તી. બાપુએ કહ્યું, ભાઈ, મને કાંઈ સરત રઈ નથી કે ખીસ્સું ક્યારે કપાયું; પણ બસ નોતી ઉપડી ન્યાં મને ખબર પડી; એનો અરથ તો થયો ને કે બસ આવ્યા પેલાં કોઈ હાથચાલાકી કરી ગયું હશે?’

ઓસમાણભાઈ કાંઈ બોલ્યા વગર જેવા આવ્યા હતા તેવા વયા ગ્યા. પાણી પણ નો પીધું. બાએ શાક–ખીચડી ને રોટલા કર્યાં ને બધાએ કટકબટક ખાધું. કોઈની આંખ્યુંમાં આજ નીંદર નો’તી. કુદરત સામે બથોડા ભરતા ભરતા બાપુ જાણે થાકી ગયા, ડુકી ગયા હોય એમ હામ હારી બેઠા’તા. ખુદા કરે  સારા માટે કરે એવો એમનો કાયમી તકીયાકલામ આજ હાથતાળી દઈ ગ્યો’તો. બીજો દી’ એમ ને એમ ગયો. રાત્યે ફળીયામાં ખાટલા ઢાળી, બધાં નીંદરની ગોત્યે ચડ્યાં’તાં. ન્યાં ઝાંપો ખખડ્યો ને કુતરાં ભસ્યાં. અમે જંગલમાં રે’નારાં… જરાક ખખડાટ ભેળાં બધાં સડાપ દેતાંકને બેઠાં થઈ ગ્યાં. ફાનસની વાટ ચડાવીને જોયું તો ઓસમાણભાઈ…!  ગામનો ઉતાર અટાણે કાં ગુડાણો?’ એવા બબડાટ સાથે મા ઉભી થઈ.      ઓસમાણભાઈ ઢાળેલા ખાટલે બેઠા. બેસતાંની સાથે જ બાપુના હાથમાં રુપીયા ૨૮૫ મુકી દીધા. કાંઈ બોલતા નંઈપણ  જાકુબીના ધંધા કરનારા હંધાયને હું પાક્કા ઓળખું. મને તમારી વાત પરથી ગેડ્ય બેહી ગ્યેલી કે કયો મોરલો કળા કરી ગ્યો હશેથયો સીહોર (તાલુકો) ભેળો અને તમારું કામ થઈ ગ્યું. પણ  માદરબખત આમાંથી પંદર રુપીયા વાપરી ગ્યો સે. તમે તો મારા ઘરની હાલત જાણો સોનકર હું દીકરીના નામે પંદર રુપયડી ઉમેરીને તમને પાછા વાળત; પણ…’ ઓસમાણભાઈને ગળે ખખરી બાઝી ગઈ. કાલે ચા–પાણી વગર જતા રહેલા આ ભાઈ, આજે પણ આંખ લુંછતાંક ઉભા થઈને વયા ગ્યા… અમારા બધાની નીતરતી આંખ્યું જોવાની હામ કદાચ ઈ ‘ગામના ઉતાર’ જેવા આદમીમાં નો’તી!

Author: Web Gurjari

3 thoughts on “ગામનો ઉતાર !

  1. શરીફાબેન નું કથાવસ્તુ,કહેવાની રીત અને પશ્ચાદભૂમિ હમેશા તેમની વાર્તાઓ ને રસપ્રદ બનાવે છે

Leave a Reply to Samir Cancel reply

Your email address will not be published.