બાળ ગગન વિહાર : મણકો – ૫ : મોનિકા – અમારી રાજકુમારી

શૈલા મુન્શા

“મને ઘેરે પતંગિયાંનું ટોળું
કે મન મારું ભોળું!
કૈં કેટલાય રંગ હું તો ઘોળું….કે મન મારું ભોળું”

કવિ સુરેશ દલાલની આ કાવ્ય પંક્તિ અમારી મોનિકા પર બરાબર બંધબેસતી થાય છે.

મોનિકા અમારા ક્લાસમાં લગભગ ત્રણ વર્ષથી છે. અહીં અમેરિકામાં હું સ્પેસિઅલ નીડ વાળા બાળકો સાથે કામ કરૂ છું જેમની વય ત્રણ થી પાંચ વર્ષની હોય, અને મોનિકા જેવી ત્રણ વર્ષની થઈ અને અમારા ક્લાસમાં આવી. આ બાળકોને ત્રણ વર્ષે એટલે સ્કૂલમાં પ્રવેશ મળે છે કારણ એમને જોઈતી બધી થેરેપી મળવાની શરુ થઈ જાય. આ થેરેપીના પરિણામે ત્રણ વર્ષમાં જે પ્રગતિ થાય બાળકમાં એના આધારે પહેલા ધોરણથી એ સામાન્ય બાળકના વર્ગમાં જઈ શકે.

વાત અહીં મારે મોનિકાની કરવી છે.

મોનિકા ખરેખર અમારી રાજકુમારી છે. કાળા ભમ્મર ઘુઘરાળા વાળ અને રંગ ખૂબ ગોરો. ત્વચા એટલી કોમળ કે ગાલ જાણે રૂના પોલ. જ્યારથી ક્લાસમાં આવી ત્યાર થી પોતાની દુનિયામાં મસ્ત. આમ તો મેક્સિકન છોકરી પણ એટલી ગોરી, જાણે યુરોપિયન જ લાગે, એમાં પણ શિયાળામાં જ્યારે લાંબો ગરમ કોટ પહેરીને આવે ત્યારે તો જાણે કોઈ ફ્રેંચ નમણી બાળકી મગરુરીમાં ચાલી આવતી હોય એવી લાગે. એવા મેક્સિકન મેં ઓછા જોયા હતા, પણ સમન્થાએ મને કહ્યું કે સાઉથ અમેરિકાના કોલમ્બિઆ દેશના મેક્સિકનો આટલા રૂપાળા હોય છે.

મોનિકા ત્રણ વર્ષથી અમારી સાથે છે અને હવે પહેલા ધોરણમાં જશે એટલે બીજા ક્લાસમાં જશે પણ એના જેવી હોશિયાર પણ સાથે સાથે ખૂબ જ Autistic બાળકી મેં જોઈ નથી. આ બાળકો જેટલા હોશિયાર હોય એટલા જ એક પધ્ધતિ પ્રમાણે જ કામ કરવા ટેવાયેલા હોય. એમાં કોઈ ફેરફાર સહન ના કરી શકે અને ક્યારેક ઉગ્ર બની જાય. મોનિકા ભગવાનની દયાથી ઉગ્ર ના બનતી, પણ એની મરજી પ્રમાણે કામ ના થાય ત્યાં સુધી એનો તંત ના મુકે. ઘરમાં સહુની ખુબ લાડકી એ દેખાઈ આવે. દાદી એના ઘુઘરાળા વાળને સરસ પોનીટેલમાં બાંધી ઉપર સરસ મજાનુ બક્કલ નાખી આપે.

મોનિકા એક Autistic બાળકી અને આ બાળકોને કોઈ એક વસ્તુનુ વળગણ ખૂબ જ હોય. મોનિકાને પણ કલર પેન્સિલ, ક્રેયોન, પેપર ખૂબ જ ગમે. આવી ત્યારથી એને કલર કરવાનુ ખૂબ ગમે. કોઈપણ ચિત્ર આપીએ એટલે કલાક સુધી એમાં રંગ ભર્યા કરે, અને રંગ પણ એટલી સરસ રીતે કે ચિત્રનો ઉઠાવ આવે. એ જ્યાં જાય ત્યાં એના હાથમાં એકાદ કલર પેન્સિલ પકડેલી જ હોય. જેટલા ક્રેયોનના બોક્ષ હોય એ બધા એને જોઈએ. અમારી હાલત એવી થઈ ગઈ કે અમારે મોનિકાના આવતાં પહેલા બધા બોક્ષ સંતાડી રાખવા પડે. હોશિયાર એટલી કે બીજા બાળકોને રંગ પુરવા ક્રેયોન આપીએ અને એને જુના, એના તોડેલા ક્રેયોન આપીએ તે ના ચાલે. એને પણ નવું બોક્ષ જ જોઈએ.

હવે તો ઘણુ બોલતાં શીખી ગઈ છે એટલે ક્લાસમાં આવતાની સાથે “color a cow” બોલવાનુ શરૂ કરે. અમે ના પાડીએ એટલે color a Bever, color a Lion એમ એક પછી એક પ્રાણી ઉમેરાતા જાય. એને ચીઢવવા જ અમે ના કહીએ એટલે એનો ગુસ્સો જોવા જેવો “Alright I can wait” સાંભળવા મળે. જે ગુસ્સા અને રૂવાબથી મોનિકા બોલે એ સાંભળવા જ અમે ના પાડીએ, પણ મોટાભાગે તો અમારે તરત ગુગલમાં જઈ એ પ્રાણીનુ પિક્ચર એને બતાવવું પડે, અમારી રાજકુમારી રાજી થાય એ જ પિક્ચરની કોપી કાઢી એને કલર કરવા આપવું પડે.
મોનિકાનુ ડ્રોઈંગ પણ સરસ. સરસ મજાની બિલાડી કે માછલીનુ ચિત્ર દોરે અને પછી રંગ ભરે.

સંગીતનો પણ એટલો જ શોખ પણ ભાઈ આ તો અમારી રાજકુમારી, જે ગીત એને સાંભળવું હોય એ જ અમારે કોમ્પ્યુટર પર ચાલુ કરી આપવું પડે. અમારા બાળકો સામાન્ય રીતે હજી એ,બી, સી, ડી વાંચતા શીખતાં હોય પણ મોનિકા તો પાંચ વર્ષની થતાં થતાં તો પહેલા ધોરણના બાળકો વાંચે એ સ્ટોરી બુક વાંચી શકે, પણ એનો મુડ હોય તો!

ઘણીવાર મોનિકા બીજા બાળકો રમતા હોય એ રમકડું કે સ્ટોરી બુક માંગે તો અમે એને કહીએ “That is not yours” એટલે અમારા ચાળા પાડતાં એ શબ્દો અમને જ સંભળાવે “That is not yours” અને પછી ખડખડાટ જાણે અમારી મશ્કરી કરતી હોય એમ હસી પડે.

એક સોમવારે એ સ્કૂલમાં આવી તો એના કાળા ભમ્મર ઘુઘરાળા વાળ જેને દાદી મહામુશકેલીએ પોનીટેલમાં બાંધતી એની જગ્યાએ ઘુઘરાળા બોયકટમાં અમારી રાજકુમારી આવી, જાણે સત્ય સાંઈબાબાનુ નાનકડું રુપ. રુપાળી તો એમાં પણ લાગતી જ હતી. અમે એના પપ્પાને પુછ્યું કે શું થયું, ગરમી શરુ થઈ રહી છે એટલે વાળ કપાવી નાખ્યા? મોનિકાના પપ્પાએ જે જવાબ આપ્યો એ સાંભળી હસવું કે ચિંતા કરવી એ જ ના સમજાયું. મોનિકાના હાથમાં કાતર આવી ગઈ અને એણે કાગળ પર કરતી કલાકારી પોતાના વાળ પર અજમાવી. આડા અવળાં વેતરી નાખ્યાં. પપ્પાને છેવટે મોનિકાને સલૂનમાં લઈ જઈ સરખા કરાવવા પડ્યાં.

સ્કૂલમાં તો અમે આવી ઝીણી ઝીણી બાબતોનો ખૂબ જ ખ્યાલ રાખીએ. કાતર, સ્ટેપલર જેવી બાળકોને હાનિ પહોંચાડે એ વસ્તુ એમના હાથમાં ન આવે એમ ઉપરના ખાનામાં રાખીએ, પણ કોઈવાર કાતર સાથે કાગળ પર કાંઈ કામ કરતાં હોઈએ તો આવી કારીગરી બાળકો પોતાના વાળ પર કે બાજુવાળાના વાળ પર કરતાં જરાયે વાર ન લગાડે. નજર હટી, દુર્ઘટના ઘટી.

મોનિકા હવે છ વર્ષની થઈ અને પહેલા ધોરણમાં જશે. એની હોશિયારી જોઈ એને ખાસ ક્લાસમાં મોકલશે જ્યાં એની પ્રતિભા, આવડત પ્રમાણે એને દોરવણી મળશે.

ભવિષ્યમાં મોનિકા નીલ ગગનનો ચમકતો સિતારો બની ચમકશે એમાં કોઈ શંકા નથી.

આવી અમારી રાજકુમારી અમને છોડીને બીજા ક્લાસમા જશે પણ એની યાદ સદા અમારા દિલમાં રહેશે.


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “બાળ ગગન વિહાર : મણકો – ૫ : મોનિકા – અમારી રાજકુમારી

  1. અદ્ભુત આલેખન.. મોનિકા સાથેની આત્મીયતા ખૂબ ગમી.. આવાં બાળકોને એ જ તો જોઈતું હોય, પોતાનાં તરફ લક્ષ! એનાં રૂપનું અને ઠસ્સાનું વર્ણન સરાહનીય .. અભિનંદન 💐

  2. Very well described, lovely beautiful Child Monica.You have good grip on Gujarati words and you are blessed for writing such beautifully on just Autistic Child Monica.

Leave a Reply

Your email address will not be published.