દેવદાસીની કુપ્રથા હજુ જીવંત છે

નિસબત

ચંદુ મહેરિયા

આ વરસના ફેબ્રુઆરી મહિનામાં કર્ણાટકના વિજ્યનગર જિલ્લાના કુડલિગી ગામની બાવીસ વર્ષની દલિત યુવતીએ તેને બળજબરીથી દેવદાસી બનાવવાનો વિરોધ કર્યો હતો. ‘દેવદાસી નિર્મૂલન કેન્દ્ર’ની સહાય અને પરિવારની હૂંફથી તે દેવદાસી બનતાં બચી ગઈ હતી.પુરીના જગન્નાથ મંદિરના બાણું વર્ષના દેવદાસી શશિમણીનું ૨૦૧૪માં અવસાન થયું ત્યારે માધ્યમોમાં તેમને છેલ્લા દેવદાસી ગણાવી, દેવદાસીની કુપ્રથા નામશેષ થઈ ગયાના નગારા પીટ્યા હતા.અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદામાં ૨૦૧૫માં  થયેલા સુધારામાં, દલિત-આદિવાસી સ્ત્રીઓને દેવદાસી બનાવવાના કૃત્યને, અત્યાચારની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યું હતું શશિમણીના અવસાન પછીના વરસે સંસદ કાયદામાં સંશોધન કરી દેવદાસીને અત્યાચારની વ્યાખ્યા સામેલ કરે અને કર્ણાટકના કુડલિગીની યુવતીનો આ વરસે દેવદાસી બનવાનો ઈન્કાર- દેવદાસીની કુપ્રથા આજે પણ જીવંત હોવાનો પુરાવો છે.

ભારતમાં ‘દેવદાસી’ના નામે વેશ્યાવૃતિને ધાર્મિક આધાર આપવાની હલકટ પ્રથાનો ઈતિહાસ બહુ દીર્ઘ અને જટિલ છે. ‘દેવની દાસી’ એવો સામાન્ય અર્થ ધરાવતી આ પરંપરા મુજબ, મંદિરોમાં નાચગાન માટે સ્ત્રીઓનો ઉપયોગ છઠ્ઠી સદીમાં શરૂ થયાનું મનાય છે. બારમી સદીમાં આ પરંપરા તેના ચરમ પર હતી. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં, કાલિદાસના ‘મેઘદૂત’માં, અશોકના શિલાલેખોમાં અને ચીની મુસાફર હ્યુ-એન-સાંગના પ્રવાસ વર્ણનોમાં એનો ઉલ્લેખ મળે છે. કર્ણાટક,ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં આ પ્રથા હતી. આજે દેવદાસીમુક્ત ગુજરાતમાં મહમદ ગઝનીએ ઈ.સ. ૧૦૨૬માં સોમનાથ પર ચડાઈ કરી, મંદિર લૂંટ્યું ત્યારે તેમાં ૫૦૦ દેવદાસીઓ હતી. જુદા જુદા રાજ્યોમાં આ પ્રથા દેવદાસી, જોગિણી, મુરળી, દેવકન્યા, અછૂતી, સુલે ,ભાવિણી જેવા વિવિધ નામે ઓળખાય છે.

ગરીબ દલિત કન્યાઓને કુમળી વયે દેવદાસી બનાવી વેશ્યા બનવા મજબૂર કરાય છે. આ કુપ્રથાને ધર્મનું સમર્થન છે.ગામનો ધનાઢ્ય જમીનદાર ગામના નિર્ધન દલિતની રૂપાળી સગીર દીકરીની પોતાની દેહવાસના માટે ‘દેવદાસી’ તરીકે પસંદ કરે છે. ધાર્મિક અંધશ્રધ્ધા,દેવીના પ્રકોપનો ડર, શિક્ષણનો અભાવ અને ગરીબી કન્યાઓને દેવદાસી બનાવે છે. દેવદાસી બનવા માટે કન્યાનું વિધિપૂર્વક દેવી યેલમ્માને સમર્પણ કરાય છે.

જાણીતા મરાઠી લેખક-પત્રકાર ઉત્તમ કાંબળેએ એમના શોધપુસ્તક , ’દેવદાસી’માં દેવી યેલમ્માની  ઉત્પતિની જે દંતકથા વર્ણવી છે તે મુજબ, સેંકડો વરસો પૂર્વે બ્રાહ્મણ યુવતી બળાત્કારીઓથી બચવા ભાગી ત્યારે તેને યેલમ્મા નામક દલિત યુવતીએ આશરો આપીને બચાવી હતી. એટલે બ્રાહ્મણોએ રક્ષક યેલમ્માને દેવી ગણી તેનું મંદિર બનાવ્યું હતું કાળક્રમે  યેલમ્માનો મહિમા વધ્યો અને સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ, એને પોતાનો દેહ સમર્પિત કરવા માંડી. રક્ષણહાર પોતે જ ધર્મપ્રણિત યૌનશોષણનો શિકાર બને એવી પુરોહિતવર્ગની કુટિલતા રચાયેલી અહીં જોવા મળે છે.

આરંભે મંદિરમાં દેવદાસીનું સ્થાન અને મહત્વ પૂજારી પછીનું હતું. તે અખંડ સૌભાગ્યવતી અને શુકનવંતી મનાતી હતી. પરંતુ પિતૃસત્તા અને સામંતવાદના પ્રભુત્વે દેવદાસીને પૂજારીઓ અને જમીનદારોની હવસ તરફ ધકેલી હતી. જે સ્ત્રીને દેવદાસી બનાવાય તે લગ્ન કરી શકતી નહીં. ક્યારેય પોતાના ઘરે પરત જઈ શકતી નહીં. ગામનો જમીનદાર તેની સાથે લગ્નબાહ્ય સંબંધ રાખતો, પણ તેના ગુજરાનની જવાબદારી લેતો નહીં. દેવદાસીને તો ગામના છેડે ઝૂંપડીમાં રહેવું પડતું અને મજૂરી કરવી પડતી. મંદિરમાં નાચગાન કરતી દેવદાસી કદી મંદિરના ગર્ભગૃહમાં જઈ શકતી નહીં. તેની દયનીય સ્થિતિનું વર્ણન કરતાં ‘બ્રોકન પીપલ’ પુસ્તકમાં સ્મિતા નરુલા લખે છે :  “ દેવદાસી ગામમાં અલગ રહે છે. દલિત પુરુષો સહિત તમામ પુરુષો એમનો ઉપભોગ કરે છે. દેવદાસી સાથેના બળજબરીથી થતા શરીરસંબંધને કોઈ બળાત્કાર ગણતું નથી.”

દેવદાસી પ્રથાની નાબૂદી માટે પ્રયાસોનો દક્ષિણમાં પેરિયાર રામાસ્વામી નાયકરે અને મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલેએ આરંભ કર્યો હતો. ડો.આંબેડકરે ૧૯૩૬ અને ૧૯૩૮માં દેવદાસી અને વેશ્યાઓની સભાઓ કરીને,તેમને કલંકિત જિંદગી છોડી સ્વમાનભેર જીવવા હાકલ કરી હતી. ૧૮૯૩માં મૈસુર સરકારે મંદિરમાં દેવદાસીઓના નાચગાનને પ્રતિબંધિત કરતો કાયદો કર્યો હતો.૧૯૨૦માં શાહુ મહારાજે કોલ્હાપુર રાજ્યમાં દેવદાસીનાબૂદીનો નિયમ ઘડ્યો હતો. અંગ્રેજ સરકારે ૧૯૩૪માં ‘બોમ્બે દેવદાસી પ્રતિબંધક કાયદો’ બનાવ્યો હતો. આઝાદી પછી કર્ણાટક અને આંધ્ર સરકારે દેવદાસી પ્રથા વિરુધ્ધ કાયદા બનાવ્યા હતા.  તેમ છતાં આ પ્રથા બેરોકટોક એટલા માટે ચાલે છે કે મોટાભાગના રાજ્યોની સરકારોના કાયદા દેવદાસીને જ ગુનેગાર ઠેરવે છે. ! દેવદાસીને આ વિક્રુત પ્રથામાં ધકેલનાર કે તેનો ઉપભોગ કરનારને કોઈ સજાની જોગવાઈ જ કાયદાઓમાં નથી.

દેશમાં દેવદાસીના પ્રમાણ અંગે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. મહિલા સાંસદ ઉષાપ્રકાશ ચૌધરીએ પહેલીવાર ૨૫મી ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ લોકસભામાં દેવદાસીઓનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે આઝાદી પછીના પાંત્રીસ વરસોમાં દોઢ લાખ અને વરસે સાડા ચાર હજાર કન્યાઓને દેવદાસી બનાવાતી હોવાની રજૂઆત કરી હતી. માત્ર દક્ષિણ ભારતમાં જ પાંચ લાખ દેવદાસીઓ હોવાનો એક અન્ય અભ્યાસનો અંદાજ છે. તેમાંથી પંચાણુ ટકા દલિત સ્ત્રીઓ  અને અઠ્ઠાવન ટકા ત્રીસ વરસ કરતાં ઓછી વયની હતી. કર્ણાટકની દેવદાસીઓ અંગેનો ૨૦૧૮નો અભ્યાસ, રાજ્યમાં નેવું હજાર દેવદાસીઓ હોવાનું  જણાવે છે. દેવની આ દાસીઓના સંતાનો સાવ  અનાથ ગણાય છે. દેવદાસીનું સંતાન પુત્રી હોય તો તેણે દેવદાસી જ બનવું પડે છે. દેવદાસીના એંસી ટકા બાળકો નિરક્ષર હોય છે. અને બાળમજૂરી કરે છે. દેશના નાના મોટા શહેરોના દેહવ્યાપારમાં ધકેલાયેલી સ્ત્રીઓનો મોટો હિસ્સો દેવદાસીઓનો હોય છે, કેમ કે મંદિરો અને જમીનદારો એમનું પેટ ભરતા નથી.

સામાજિક સંસ્થાઓ, કાર્યકરો અને સરકારી વહીવટી તંત્ર દેવદાસી નિર્મૂલન, દેવદાસી મુક્તિ અને તેમનાં પુન:સ્થાપનનું કાર્ય કરે છે.કેટલાંક મુક્ત થયેલાં દેવદાસી પણ  આ કામ સાથે જોડાયેલાં છે. મહિલા અનામત, મહિલા શિક્ષણ અને મહિલા સમાનતા જેવા મુદ્દે સમાજમાં થોડી પ્રગતિ જોવા મળે છે. પણ દેવદાસીની કુપ્રથાનો અંત આણવા બાબતમાં  ઝાઝુ કશું થયું નથી. નારી આંદોલનમાં દેવદાસી મુક્તિંને પ્રાધાન્ય મળ્યું નથી .દલિત આંદોલનમાં પણ દેવદાસીનો સવાલ કદી મુખ્ય મુદ્દો બન્યો નથી. સરકારો અને રાજકીય પક્ષોમાં પણ આ બાબતે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે. સ્ત્રીને દેવી કે શક્તિ માનવામાં આવે છે. નવરાત્રિ તો શક્તિની આરાધનાનું પર્વ છે. આ દિવસોમાં સહુ શક્તિની આરાધના કરે છે. ત્યારે શોષણનો ભોગ બનેલી અને  નારીને પૂજવાના દંભનું પ્રતીક બની રહેલી દેવદાસીઓને શક્તિ નહીં તો કમ સે કમ  સ્ત્રી તરીકેનું તેનું સ્થાન –સન્માન મળી રહે તો ય ઘણું.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “દેવદાસીની કુપ્રથા હજુ જીવંત છે

Leave a Reply

Your email address will not be published.