નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૩૮

આ દવાખાનું છે કે શૉ રૂમ?

નલિન શાહ

જુહુના બંગલાનું કામ પૂરઝડપે ચાલુ હતું. ઇમારતને છેલ્લો ઓપ અપાઈ રહ્યો હતો. રાજુલ એના બીજા પ્રદર્શનની તૈયારીમાં ડૂબેલી હતી. સુનિતાએ એને ઘરની રોજિંદી જવાબદારીમાંથી મુક્ત રાખી હતી. એનો પુત્ર કરણ એની મમ્મી કરતાં દાદી સાથે વધારે હળી-મળી ગયો હતો. સુનિતા અને સાગરે બંગલાની યોજના બધાંથી ગુપ્ત રાખી હતી. તેઓ રાજુલને એના જન્મદિને આવી અમૂલ્ય ભેટ પામી આશ્ચર્યમાં ગરકાવ થતી જોવા આતુર હતાં.

બીજી બાજુ પરાગના કન્સલ્ટિંગ રૂમનું કામ પૂરું થયું હતું. જોનારને આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવો એ કન્સલ્ટિંગ રૂમ ધનલક્ષ્મીની નજરમાં પરાગની સૌથી મહત્ત્વની ઉપલબ્ધિ હતી. સાગરે મોકલેલા ઇન્ટિરિઅર ડેકોરેટર્સે પરાગની સૂચના પ્રમાણે ઊડીને આંખે વળગે એવી સજાવટ કરી હતી. પરાગ અને માનસીના કન્સલ્ટિંગ રૂમ અલગ અલગ હતા, પણ વિશાળ વેઈટિંગ રૂમ બંને વચ્ચે એક હતો. આવું જ એક કન્સલ્ટિંગ રૂમ જુહુની એક અદ્યતન ઊંચી ઇમારતમાં હતું. સારી રીતે કરેલો ખર્ચો પરાગ માટે ફાયદામંદ રીતે કરેલું એક ઇન્વેસ્ટમેન્ટ હતું. એને વારસામાં મળેલી સંપત્તિ ભવિષ્યમાં સંઘરેલાં સપનાં સામે ઓછી લાગતી હતી. એની નજર સામે એના પિતાને તપાસવા આવતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ. મેહતા મર્સિડીઝમાં ફરતા હતા ને બંગલામાં રહેતા હતા. એની કાબેલિયત કરતાં એની સમૃદ્ધિએ એને સફળ ડૉક્ટર તરીકે પ્રસિદ્ધિ અપાવી હતી. એનાં પગલાંને અનુસરીને પરાગે પણ એક મોંઘીદાટ કારનો ઓર્ડર આપી દીધો હતો.

બીજે દિવસે માનસીએ સુનિતા અને રાજુલ સાથે ગામની મુલાકાત લેવાનો કાર્યક્રમ ઘડ્યો હતો. ગામ જતાં પહેલાં પરાગનાં સતત દબાણને ખાતર માનસી એની સાથે વોર્ડન રોડનો કન્સલ્ટિંગ રૂમ જોવા ગઈ. કન્સલ્ટિંગ રૂમના ભપકાથી માનસીને આંજી દેવાની પરાગની ધારણા ખોટી પડી. જોનારને પહેલી નજરમાં પ્રભાવિત કરે એવી આડંબરયુક્ત સજાવટ જોઈ માનસી ડઘાઈ ગઈ. એ એનો અણગમો છુપાવી ના શકી.

‘આ દવાખાનું છે કે શૉ રૂમ! અને પેલો જુહુનો શૉ રૂમ પણ આવો જ હશે.’

‘લોકોને ઇમ્પ્રેસ કરવા માટે આ બહુ જરૂરી છે.’ પરાગે સમજણ પાડતાં કહ્યું, ‘બાહ્ય દેખાવથી ખ્યાતિ પહેલાં મળે છે; કાબેલિયતથી પછી. ધંધા માટે આની જરૂરિયાત પહેલી હતી.’ સમયે સમયે થતાં જતાં પરાગનાં કદી ન કલ્પેલાં એવાં સ્વરૂપો માનસીને આઘાતજનક લાગ્યાં.

‘તો શું તું ધંધો કરવા ડૉક્ટર થયો છે?’ માનસીએ ગુસ્સામાં પૂછ્યું.

‘ત્યારે તું શું ધારે છે, પેલા બાબા આમ્ટેની જેમ સડતા, ગંધાતા, રક્તપિત્તથી પીડાતાની સારવાર કરી સમાજસેવકનું બિરુદ પામવા અમેરિકા ગયો હતો?’ પછી અવાજમાં નરમાશ લાવી કહ્યું, ‘તું જરાયે ચિંતા ના કરતી. જોજે થોડા સમયમાં હું તને ક્યાંથી ક્યાં પહોંચાડી દઉં છું.’

‘મારે જ્યાં જવું છે ત્યાં જવા માટે તારી મદદની જરૂર નથી.’ માનસીએ મક્કમતાથી કહ્યું, ‘હું અહીં પ્રેક્ટિસ નહીં કરું.’

‘તો શું આ બધો ખર્ચો કોના માટે કર્યો છે?’

‘મને પૂછીને તો નથી કર્યો ને, બસ, મારો રસ્તો હું જાતે શોધી લઈશ.’ કહીને માનસી દાદર ઊતરીને ગાડીમાં બેસી ગઈ.

માનસી આઘાતમાંથી બહાર નહોતી આવી. ગાડીમાં બેસી વિષાદમય વદને વિચારતી રહી, ‘શું આવી છે મારી કારર્કિદીની શરૂઆત! એ મારી નાની જેણે જિંદગીનો મોટો ભાગ ગરીબ બીમારોની ચાકરીમાં ગાળ્યો હતો ને એક ડૉક્ટર સાથે મારાં લગ્નના પ્રસ્તાવથી કેટલાં ખુશ થયાં હતાં, આજે આ ભપકો ને પૈસા કમાવાની હવસ જોઈ મને સવાલ કરત તો હું શું જવાબ આપત? આસિતે ઉંમરના તફાવતને લીધે મને પ્રેમમાં આગળ વધવા પ્રોત્સાહન ના આપ્યું. આજે એ સામે હોત તો હું એમને સવાલ પૂછત કે હું ને પરાગ તો લગભગ સરખી ઉંમરના હતાં તોયે લગ્નજીવન નિષ્ફળ થવાનો ભાવ થાય છે! મનના મેળ માટે ઉંમરના તફાવતનું શું મહત્ત્વ હોઈ શકે? આજે હું એને પ્રત્યક્ષરૂપે પુરવાર કરી આપત કે મારી બાબતમાં એનો નિર્ણય ખોટો હતો. તર્ક અને વાસ્તવિકતા હંમેશાં મેળ ખાય એ જરૂરી નથી.’

માનસીનું મન ચકડોળે ચઢ્યું હતું, ‘શું મને પ્રભાવિત કરવા અત્યાર સુધી પરાગે મુખવટો પહેર્યો હતો!’ માનસીની આંખમાં આંસુ આવી ગયાં. એને પરાગે અમેરિકામાં મજાકમાં કરેલી ટકોર યાદ આવી ગઈ, “આજે મેડિકલ ને શિક્ષણનાં ક્ષેત્રે ધૂમ કમાણી છે.” શું સાચે જ એ મજાક હતી કે એની ભાવના? હું જ ભરમાઈ ગઈ. માણસને પારખી ના શકી.’ એને વિચાર આવ્યો કે કહેનારાં સાવ ખોટું તો ના કહેતાં હોય કે એના સસરાએ ગરીબોનું શોષણ કરીને પૈસા ભેગા કર્યા હતા ને એની સાસુ આજે દીકરાની સફળતા કેવળ પૈસામાં જ આંકવા માંગતી હતી. આવી વિચારધારા ધરાવતાં લોકો સાથે જિંદગી કેમ ગુજારીશ?’ આજે પહેલી વાર માનસીને નાનીનાં મોતનો અફસોસ ના રહ્યો. સારું હતું કે એની હતાશા અનુભવવા એ હયાત નહોતાં.

ત્યાં પરાગ આવ્યો, ‘કેમ, આમ આવી ગઈ?’

માનસીએ જવાબ ના આપ્યો. એનું સાંકેતિક મૌન બધા સવાલોનો જવાબ હતો. પરાગે સમજીને જુહુનું નર્સિંગ હોમ જોવાનું સૂચન ના કર્યું.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.