ખુલ્લાં આંખ-કાન …ને… દ્રષ્ટિ હોય ચકોર ….તો…મળતું રહે નવું નક્કોર !

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

        ઘણાં વરસો પહેલાં પંચવટી બાગમાં મોટેપાયે ફળઝાડોના રોપા અને કલમો તૈયાર કરવાની નર્સરી શરૂ કરેલી. નર્સરી બાબતેના કમકાજમાં સૌથી પહેલું અને અગત્યનું અને મુંઝવતું જો કોઇ કામ હોય તો તે છે પ્લાસ્ટીકની નાની નાની કોથળીઓમાં માટી ભરી બેડમાં ગોઠવવાનું. નાની નાની કોથળીઓમાં માટી ભરવાનું કામ બહુ વિલંબવાળું હોય છે. એક જણ એ નાનકડી થેલીનું મોઢું પહોળું કરી હાથથી ખુલ્લું પકડી રાખે અને બીજો જણ માટી ભરેલ ખોબા વચ્ચેથી પાતળી ધાર કરી એમાં જવા દે. ઘણા બધા મજૂરોની મજૂરી ચડે પણ બીજો રસ્તો મળેલો નહીં, એટલે આ વિલંબ સ્વાભાવિક લાગેલો. આ કામમાં ગહણાબધા મજૂરોને રોકી રાખેલા.

નવી ટેકનીકના સંશોધકો:  બનેલું એવું કે સમય હતો બરાબર ઉનાળાનો. અમારા મોટા કુટુંબના પાંચ-સાત બાળકોને નિશાળમાં વેકેશન ચાલતું હોવાથી રોજેરોજ સવારમાં જ એ સૌ અમારી હારોહાર વાડીએ આવવા ગાડામાં ચડી બેહતા. એ બધાને તો વાડીએ આવી બીજી તો શું પ્રવૃત્તિ કરવાની હોય ? બસ ટીટોડીએ ઇંડા ક્યાં મૂક્યા છે એનાં ઠેકાણાં શોધવાનાં, ખાવું-કુદવું ને કુંડીમાં નહાવું-એવી મોજ-મસ્તી જ કરવાની હોય !! એમાં એના દેકારા-પડકારા સંભળાતા બંધ થતાં મેં ધ્યાન કર્યું તો આખી ટોળકીને દૂર લીંબડાને છાંયડે કંઇક બથોડા ભરતી ભાળી.માળાં ઝઘડતા તો નથીને ? એમ ધારી હું ત્યાં ગયો અને જોયું તો એમણે તો અમારા મજૂરોએ ફેંકી દીધેલી તૂટેલી-ફૂટેલી કોથળીઓ ઉપાડી જઈ “નર્સરી-નર્સરી” ની રમત શરૂ કરેલી. અને તેઓએ પણ અમારી જેમ થેલીઓમાં માટી ભરવાનું શરૂ કરેલું. હવે એ શું કરે છે તે જોવા હું ત્યાં જરાક રોકાઇ ગયો. ત્યાં તો એક ટાબરિયો દોડતો જઈ થોડે દૂર પડેલા દેશી નળિયાના ઢગલામાંથી એક નળિયું લઈ આવ્યો અને એ નળિયાના પાતળા છેડાને પ્લાસ્ટીક બેગના મોઢામાં ભરાવી, બીજો પહોળો છેડો માટીના ઢગલામાં ભરાવ્યો અને સવળો કર્યો તો નળિયા મારફત આખી થેલી માટીથી છલકાઇ ગઈ ! બીજો ટાબરિયો એ જોઇ ગયો. એ ય દોડાદોડ એક નળિયું લઈ આવ્યો. ત્રીજો-ચોથો –બધા જ એક એક નળિયું ઉપાડી આવ્યા અને એરીતે થેલીઓમાં માટી ભરવા લાગ્યા. હું તો એની માટી ભરવાની શોધી કાઢેલી નવી ટેકનીક જોઇને આભો બની ગયો !  માળાં ટાબરિયાં ! આ તો અમારાયે ગુરુ નીકળ્યાં ! અમને થયેલ મુંઝારાનો ઉકેલ તો આ લોકોએ જ આપી દીધો ! તરત જ મેં પણ ત્રણ ચાર જણને બોલાવી દેશી નળિયાના એ ઢગલામાંથી થોડાં નળિયાં ઉપડાવી, દરેકને એક એક સોંપી થેલીઓમાં માટી ભરવાનું કામ ઝડપથી કરવા માંડ્યું. તે દિવસોમાં મોબાઇલ ફોન તો હતા નહીં, એટલે દામનગર જઈ, એસ ટી ડી માંથી નાનાભાઇ રામજીને સુરત ફોન કર્યો કે તમારી ફેક્ટરીમાંથી તળિયા વિનાના ગ્લાસ જેવા જે હળવાં બોબીન આવે છે તે મોકલો. અને આનાથી અમને મુંઝવતું એ આખું કામ સરળ બની ગયું.

[2] ભાંગ્યાના ભેરૂ : આપણ ખેડૂતોને ગાયો, બળદો. ભેંશો અને ગાડા-ટ્રેક્ટર સાથે વધુ વ્યવહાર હોય. એટલે પ્રશ્નોતો જાજા એને લગતા જ હોયને ? અમારો એક બળદ જીવડું અડી જતાં મરી જવાથી બીજો કાબરો બળદ ખરીદ્યો. જોયો હોયતો લોહીએ લથબથ – ભાળ્યે ભૂખ ભાંગે એવો ! હળવા કામે વાંધો નહીં – પણ બેડિયા બળદે રજકાવાયું ખેડવા લોઢાના હળે જોડ્યો ને માળો એક બે ને ત્રીજી ઉથલે અધવચ્ચે જ રહ્યો ઊભો ! ને પરોણો મારતા ગયો બેહી ! હવે ? ‘ બાપો…..બાપો…, ઉઠ ભાઇ….ઉઠ ..’ કહી ઘડિક ફોહલાવ્યો- પણ વ્યર્થ ! નાથ પકડી આગળ ખેંચ્યો પણ માળો ઊભા થવાનું નામ ન લે ! અમારા સાથી ગોવિંદભાઇએ લીધો એક પરોણો ! ફડૂહ…ફડૂહ   વાંહામાંને બરડે માંડ્યા દેવા ! પરોણાના સળ ઉઠી આવ્યા પણ, મારનેયે ગણકારે એ બીજા ! એતો લાબી ડોક ભોંયે અડકાડી આંખો મીંચી થઈ ગયો ઠોઠડો  ! મારવો કેટલોક ? થાક્યા અમેતો ! શું કરવું હવે ? અમારા મુંજારાનો પાર ન રહ્યો. ત્યાં વાડીએ બેઠેલા અમારા કાકા આ ધમાલ જોઇ ગયા ને હાંકલો કર્યો અમને “ એલા મારોમા…..મારોમા..” ઉતાવળે આવી પહોંચ્યા અને કહ્યું “એક કામ કરો-એની રાશ ઢીલી કરી દ્યો ને તરેલાની સંબોલ કાઢી લઇ-ધરમાંથી છૂટો કરી મેલો ” અને એમ કર્યા ભેળું માળો હફડકદઇ ઉભો થઇ ગયો બોલો ! બળ કેટલું વાપરી જોયું અમે ? પણ એનાથી કામ ન થયું .ને કાકાના આવા ખુંટલ પાસેથી કામ લેવાના તરીકાએ અમારો પ્રશ્ન ઉકેલી દીધો. ભાંગ્યાના ભેરુ અમારા કાકા બની રહ્યા બોલો !

[3]અદમ્ય ઇચ્છાની પૂર્તિ……….એ તો હવે પંદરેક વરસથી અમારા વિસ્તારમાં બીટી કપાસના વાવેતર ખુબ વધ્યા છે, બાકી પહેલાં તો અમારે ત્યાં મગફળીનાં જ મોટાં વાવેતર થતાં. પણ મગફળી પાક પાસેથી વધુમાં વધુ ઉતારો મેળવવાના પૂરતા પ્રયત્નો કરવા છતાં એક વીઘે [૧૬ ગુંઠા] વધુમાં વધુ ૨૮ મણ સુધી પહોંચી શકેલા. પણ જ્યારથી અમારા કૃષિ વિકાસ મંડળની મીટીંગમાં શ્રી રવજીભાઇ સાવલિયા પાસેથી સાંભળ્યું કે “પરદેશોના ખોડૂતો તો વીઘાદીઠ ૬૦ -૬૫ મણ ઉતારો આસાનીથી મેળવી રહ્યા છે.” ત્યારથી મનમા એક જ વાત રમ્યા કરતી હતી કે “એવું અઢળક ઉત્પાદન મેળવાની ખેતી પદ્ધત્તિ નજરે જોવા-સમજવાનો મોકો ક્યારે ઊભો થાય ? અને ક્યારે હું પણ એવું રાક્ષસી ઉત્પાદન મેળવતો થાઉં ?

અને મિત્રો ! “મન હોય તો માળવે જવાય” એ ન્યાયે કુદરતને કરવું છે તે એ મોકો ઊભો થઈ ગયો ૨૦૧૦ની સાલમાં. ખાસ મગફળીની ખેતી નજરે જોવા અને તેની ખેતી પદ્ધત્તિને સમજવા સૌરાષ્ટ્રમાંથી ૬ ખેડૂતો અને બે વિજ્ઞાનીઓને “IOPEPC” દ્વારા ચીનમાં જવાનું ગોઠવાયું. અને ત્યાંના મગફળીના પાક પર આવેલા ખેતરોમાંથી એક ગુંઠો જમીન માપીને, અંદરની મગફળી જાતે ખેંચી, એમાંથી ડોડવા તોડી એનું વજન [લીલા ડોડવા સામે સૂકા ડોડવા બદલીને] કરતાં ૯૪ કીલો એટલે કે આપણા નાના વિઘે ૧૫૦૮ કીલો વજન ઉતર્યું ! મગફળીની ખેતી બાબતેના ઊભા થયેલા પ્રશ્નનો જવાબ અમને પરદેશની ખેતીમાંથી મળ્યો બોલો ! અને અમે પંચવટી બાગમાં ચાઇનામાંથી જાણી લાવેલ મગફળીની ખેતી પદ્ધત્તિને અમલમાં મૂકી આપણી પરંપારિક પદ્ધતિ કરતા વીઘે બમણું ઉત્પાદન મેળવવા બાબતે સફળતા મેળવી ત્યારે સંતોષ થયો..

[4]મુંઝવણનો ઉકેલ : ૧૦૦ વિઘાનો આખેઆખો પંચવટી બાગ “ટપક સિંચાઇ પદ્ધતિ” ને ચરણે ધર્યો એને તો આજ પૂરા ૩૨ વરસ થઈ ગયાં. પણ શરૂ શરૂમાં ફળપાકોમાં અંદરની જમીનમાં ખેતીકામોમાં નડતરરૂપ ન બને અને વારંવાર લેટરલને પાથરવા-સંકેલવા જેવી કડાકૂટમાથી બચી શકાય એ વાસ્તે ઝાડના થડથી 4-5 ફૂટ દૂર બન્ને બાજુ એક એક લેટરલ લાઈન જમીનમાં 6 ઇંચ ઊંડે દાબી જોઇ હતી. પણ ચાર જ મહિનામાં અમે જોયું કે કેટલાક ડ્રીપર્સ પાણી છોડતાં બંધ જણાતાં અમે એને બહાર કાઢીને તપાસ કરી તો જોવા મળ્યું કે બંધવાઇ ગયેલાં બધાં જ ડ્રીપર્સની અંદર પાકનાં મૂળિયાં ઘૂસી ગયેલાં છે ! અને અમારે બધી જ લેટરલ બહાર ખેંચી લેવી પડેલી. તે દિવસનો એક સવાલ મનમાં રમ્યા કરતો હતો કે લેટરલ જમીનમાં દાબવા છતાં પાકના મૂળિયાં અંદર ન ઘૂસે એવો કોઇ ઉપાય ખરો ?

અને એ ઉપાય તાજેતરમાં ૨૦૧૫ની સાલમાં અમોને ઇઝરાયલની કૃષિયાત્રા દરમયાન મળ્યો. અમે ત્યાં જોયું કે પેર, બદામ, સફરજન, આંબા જેવા વૃક્ષોના બગીચાઓમાં ક્યાંય ટપક પદ્ધત્તિની લેટરલ નજરે ન ચડતાં અમે પ્રશ્ન કરેલો કે “ઝાડ ફરતે ક્યાંય લેટરલ લાઈન તો દેખાતી નથી, તો પછી તમે આ ફળઝાડોને પિયત કેવી રીતે આપો છો ?” એમનો જવાબ હતો કે “અમે ઝાડના થડથી ૫ ફૂટ દૂરી પર બન્ને બાજુ એક એક લેટરલ જમીનમાં 6 ઇંચ ઊંડી દાબી દીધેલી છે.” તો મેં એમને અમારો અનુભવ જણાવ્યો કે “અમે પણ એવું કરી જોયું હતું, પણ એમાં તો ડ્રીપર્સની અંદર પાકનાં મૂળિયાં ઘૂસી જઈ પાણી છોડવામાં રૂકાવટ ઊભી કરી દેતા ભાળ્યાં છે.” તો કહે “ અમારે ત્યાં ઇઝ્રાયલમાં આવું નથી બનતું. કારણ કે અમે પાણીની ભેળું એવું રસાયણ ભેળવી દઈએ છીએ કે મૂળિયાં ડ્રીપર્સની નજીક આવે જ નહીં !” “વાહ ! તો પછી અમે ભારતમાં એ રસાયણનો ઉપયોગ ન કરી શકીએ ?”  તો કહે “ના, એ રસાયણ તમારે ત્યાં માન્ય નથી.” જવાબ સાંભળી અમે તો છક થઈ ગયા કે ઇઝરાયલનું તો કહેવું પડે ભાઇ ! કોઇ સવાલ એવો  નથી કે જેનો જવાબ ઇઝરાયલ પાસે ન હોય !

[5]વારંવારની ધમાલમાંથી મૂક્તિ :.અમે આમળાની ખેતી શરૂ કર્યા પછી ફળો ઉતરવાની શરૂઆત થયે જિલ્લાના બાગાયત-કેનીંગ સેંટરમાંથી એક વિષય નિષ્ણાંતને ઘેર બોલાવી ફળોમાંથી મૂલ્યવર્ધિત બનાવટો શીખવવાનો ત્રીસેક બહેનોનો એક વર્ગ લેવરાવેલો અને આમળા ફળમાંથી જીવન, જામ, મુરબ્બો, સરબત, મુખવાસ, અથાણા, પાવડર, તેલ અને કેંડી [ચોકલેટ ] જેવી બનાવટો કેમ બનાવવી તે શિખવાડેલું. અને એ બધી બનાવટો બનાવવામાં ગોદાવરીનો હાથ એવો બેસી ગયેલો કે ૨૦૦૧ની સાલમાં આણંદ કૃષિ યુનિ.માં યોજાએલી હરિફાઇમાં મુકાએલી ૩૫૦ કેંડીના નમૂનાઓમાં અમારે ત્યાં બનાવેલી કેંડી સૌથી પહેલા ઇનામને પાત્ર બનેલી. છતાં પણ હજુ “આનાથીયે  ઉત્તમ કેંડી કેવીરીતે બનાવી શકાય”? એ ગોદાવરીને મન એક સંશોધનનો વિષય બની ગયેલ.

કેંડી બનાવવાની જે રીત એના વિષય નિષ્ણાંતે  શિખવાડેલી એમાં આમળાને બાફવાના, અને પછી ચાર-પાંચ વખત ચાસણી બનાવી તેમાં ડૂબાવ્યા કરી, પછી ચીરીઓ અલગ કરવાની, પછી જુદી પાડી સુકવવાની…જેવી લાંબી કડાકૂટને હિસાબે અન્ય સ્ત્રીઓ કેંડી બનાવવાથી દૂર રહેતી હતી. એટલે મનમાં એક જાતનો મુંઝારો કાયમ રહ્યા કરતો કે કેંડી બનાવવા માટેની બીજી કોઇ સહેલી રીત ન શોધી શકાય ? એ અંગેના થોડા પ્રયોગોના અંતે બાફેલા આમળાને ચાસણીમાં ડુબાડવાનું બંધ રાખી, દળેલી સાકર કે ખાંડ ચીરીયો સાથે ભેળવીને ત્રણેક દિવસ રાખી મૂકીએ ત્યાં ગળપણ આપોઆપ ચીરીયોમાં દાખલ થઈ જાય છે અને તૂરાશ-ખટાશ પાણીરૂપે બહાર આવી જાય છે, પરિણામે પરિણામ ચાસણીમાં ડુબાવ્યાથી પણ સારું મળી જાય છે-એટલો સુધારો કોઠાસૂઝથી એણે મેળવી જ લીધો હતો. કહોને વારંવાર ચાસણી બનાવવાની ધમાલમાંથી તો છૂટકારો મળી જ ગયો હતો ! બસ હવે એ રીતે જ બનાવવાનું અને અન્ય બહેનોને શિખવવાનું ચાલુ હતું.

એવામાં અમારા બેન-બનેવી રાજસ્થાનમાં સર્વિસ કરતા હતા ત્યાં આંટો જવાનું થયું. બહેનની બેનપણીને ત્યાં ચા-પાણી પીવા ગયા તો ત્યાં એ બહેને પણ આમળાની કેંડી બનાવેલી તે અમોને દેખાડી-ચખાડી. અરેઅરે ! આ તો અમે બનાવીએ છીએ એ કેંડી કરતાં પણ સારી છે એવું લાગતાં એમની પાસેથી તે બનાવવાની પદ્ધત્તિ જાણીને અમે તો દંગ રહી ગયા ! એ રીતમાં ફેરફાર બસ એટલો જ હતો કે આમળાને કુકરમાં નાખી બાફવાને બદલે બે દિવસ રેફ્રીઝરેટરના “ફ્રીઝર” [બરફનું ખાનું ] માં મૂકી રાખવાના અને પછીથી બહાર કાઢી 3-4 કલાક બહાર પડ્યા રહેવા દઈએ ત્યાં જાણે કે કુકરમાં બાફ્યા હોય એવા જ ઢીલાં પડી જાય છે. બસ, હવે એની દરેક ચીરીઓ હાથથી જુદી પાડી બીયા અલગ કરી દઈ, દળેલી સાકર કે ખાંડમાં ભેળવી –બે-ત્રણ દિવસ રાખી મૂક્યા પછી દરેક ચીરીઓ અલગ કરી સ્ટીલના ત્રાંસમાં પંખા નીચે સૂકાવી દેવાથી કેંડી તૈયાર થઇ જાય છે, જેને બાર મહિના ફ્રીઝમાં રાખવાની પણ જરૂર પડતી નથી.ઉત્તમ કેંડી બનાવવાની કોઇ ઉત્તમ રીતની શોધમાં હતા,જે રાજસ્થાન માહ્યલા એક બહેન પાસેથી મળી ગઈ

[6]સીતાફળ ખાવા બાબતે સરળતા : જ્યારે  પંચવટી બાગમાં જામફળ, ચીકુ, લીંબુ, આમળા, દાડમ, બોર, ખારેક, ગુંદા અને સીતાફળ જેવા અનેક ફળઝાડોની ખેતી શરૂ હતી ત્યારે કાયમ અમને થયા કરતું કે “ ચીકુ કે જમરૂખને તો સીધેસીધું મોઢું લગાડીને કે ચીરીઓ કરીને ખવાય, લીંબુ કે કેરીનો ઉપયોગ એનો રસ કાઢીને કરી શકાય, જ્યારે ખારેક, ગુંદા કે બોરને પણ સીધા હાથમાં પકડીને જ ખાઇ શકાય, પણ સીતાફળ એવું ફળ છે કે જેને નથી સીધેસીધું બટકુ ભરી ખાઈ શકાતું કે નથી એની ચીરીઓ કરી શકાતી, કેમ કેળાની જેમ એની છાલ અલગ કરીને પણ નથી ખાઇ શકાતું ! પાછું ફળ એવું મીઠું કે ખાધા વગર રહી પણ ન શકાય ! ખાતી વખતે એના બે ભાગ કરી, અંદરની કળીઓ હાથથી પકડી ખાતા ગોબરવેડા લાગે અને ખાવાની મજા બધી મારી જાય ! મનમાં કાયમ એવો વિચાર આવ્યા કરે કે સીતાફળ સરખી રીતે ખવાય એવી કોઇ રીત હશે કે હશે જ નહીં ?

એવામાં અમારે સજીવખેતીના પિતામહ ગણાય એવા શ્રી ભાસ્કરભાઇ સાવેની વાડી જોવા દેહરી જવાનું થયું. એમની વાડી જોયા પછી બાજુમાં આવેલ ગાલાફાર્મ જોવા ગયા. ત્યાં અમારા સ્વાગતમાં દરેકને બેબે સીતાફળ ભરેલી એક એક ડીશ અપાઇ. પણ સાથે આ શું ? દરેકની ડીશમાં બે સીતાફળની સાથે એક ચમચી શા માટે મુકાઈ હશે? અમારામાંથી કોઇને આ કોયડાનો ઉકેલ મળતો નહોતો. અમે સૌએ થોડી ધીરજ ધરી. થોડી વારે વાડીના માલિક આવ્યા અને એમને માટે પણ અમારી જેમ જ મૂકાયેલી ડીશમાંથી એક ફળને ડીંટિયું નીચે રહે તેમ ડાબા હાથમાં પકડ્યું અને જમણા હાથે ફળની ઉપલી છ-સાત કળીઓની ઉપરની છાલ હળવે હળવે ઉપાડી લીધી અને પછી ચમચીથી જેમ આઇસ્ક્રીમ ખાતા હોઇએ એમ ફળમાં ઉપરથી ચમચી દાખલ કરી,અંદરનો ગર બીજ સાથે ચમચીમાં લઈ ખાવાનું શરૂ કર્યું. બીજ ચગળીને પછી કાઢી નખયાં. વાહ ! સીતાફળને લિજ્જતથી કેમ ખવાય તેનો ઉપાય અમને અહીં નજરો નજર મળી ગયો ! અત્યાર સુધી સીતાફળ ખાવામાં હાથ બગડે અને જે ગોબરવેડા થતા તેના હેસાબે સીતાફળ ખાવાનું બંધ રાખતા, પણ પછીથી કાયમ ચમચી વડે સીતાફળ ખાતા થઈ ગયા, અને ઘણાબધાને એ રીતે ખાતા કરી દીધા. તમે પણ સીતાફળને આ રીતે ખાવાનું ગોઠવશો તો ઓર મજા આવશે, કરી જોજો !

આંખ-કાન ખુલાં રાખીએ તો ઉપાયો – નુસ્ખાઓ  અને નવી વાતો ગમે ત્યાંથી હાથ લાગી જાય છે.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.