નદીકાંઠે પાંગરેલી સંસ્કૃતિ દફન પણ નદીકાંઠે જ થશે?

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

‘માનવસંસ્કૃતિ નદીકાંઠે પાંગરી હતી.’ આ વિધાન અને તેની સચ્ચાઈ આપણે સૌ અભ્યાસક્રમમાં ભણી ગયા છીએ. માયસોરના પર્યાવરણવિદ્‍ પી. જેગનાથન હવે જણાવે છે કે માનવસંસ્કૃતિનું દફન પણ નદીકાંઠે જ થઈ રહ્યું છે. આમ કહેવા પાછળ તેમનો હેતુ કોઈ સનસનાટી પેદા કરવાનો નથી, બલ્કે નજર સામે દેખાઈ રહેલી ક્રૂર વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરવાનો છે. પી.જેગનાથન મુખ્યત્વે નદીકાંઠાની જોખમગ્રસ્ત પ્રજાતિઓની જાળવણી અને સંશોધન અંગે કાર્યરત છે, જેમાં ખાસ કરીને પક્ષીઓ અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે.

આ વર્ષના આરંભે તેમની ટીમે કાવેરી નદીના કાંઠે કૈંચીપૂંછ વાબગલી અને કાળા પેટવાળી વાબગલી નામના પક્ષીઓના અભ્યાસ માટે પ્રવાસ ખેડ્યો. આ બન્ને પ્રજાતિ જોખમગ્રસ્ત ગણાય છે. મેટ્ટુર બંધ અને તેના અત્યંત વિશાળ એવા સ્ટેન્‍લી જળાશયથી આરંભાયેલા પ્રવાસમાં લગભગ દર અડધા કિ.મી.ના અંતરે તેમને કાવેરીના કાંઠે આ પક્ષીઓ અને તેના આવાસ જોવા મળ્યા. ટીમે નોંધ્યું કે આ કિનારા પર કુદરતી વનસ્પતિઓ સાવ ઓછા ભાગમાં રહી ગઈ છે, જ્યારે નીલગીરી, સુબાવળ અને બીજી અનેક વનસ્પતિઓ આ કાંઠે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે ખરેખર આ વિસ્તારની નથી.

નદીમાં ઠેરઠેર ગટરનું પાણી ઠલવાતું રહે છે અને નદીકાંઠે ઘન કચરાના વ્યવસ્થાપનના અનેક એકમો આવેલાં છે. આ ઉપરાંત ઈંટના ભઠ્ઠા, કારખાનાં, દફનભૂમિ અને ઈલેક્ટ્રોનિક તેમજ પ્લાસ્ટિકનો કચરો બાળવામાં આવતો હોય એવાં ડમ્પિંગ યાર્ડ નદીકાંઠે ઠેકઠેકાણે છે. નદીકાંઠાના આ પટ્ટામાં ભાગ્યે જ કોઈ એવો હિસ્સો છે કે જે પ્રાકૃતિક રહી શક્યો છે.

આ અભ્યાસનોંધમાં ટીમે તમામ બાબતોની વિગતવાર નોંધ કરી છે, જેમાં કયા વિસ્તારમાં કેટલાં ઔદ્યોગિક એકમો, આડબંધ, પમ્પિંગ સ્ટેશન, વનસ્પતિઓ વગેરે વિશે જણાવાયું છે. સાથેસાથે તેમણે સદ્‍ગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થપાયેલા ઈશા આઉટરીચ ફાઉન્‍ડેશનના અતિ મહત્ત્વના અભિયાન ‘કાવેરી કૉલિંગ’ વિશે પણ ટીપ્પણી કરી છે. આ અભિયાન અંતર્ગત કુલ 242 કરોડ વૃક્ષો કાવેરીના તટીય વિસ્તારમાં ઉછેરવાનું અભિયાન હાથ ધરાયું હતું, જે હવે સંપન્ન થઈ ગયું છે. પર્યાવરણલક્ષી બાબતો સાથે સંકળાયેલા નિત્યાનંદ જયરામન સહિત બીજા અનેકોની દૃષ્ટિએ આવું અભિયાન ફાયદાને બદલે નુકસાન વધુ કરે છે. કેમ કે, સવાલ વૃક્ષોની સંખ્યાનો નથી, પણ કયાં પ્રકારનાં વૃક્ષો ઉછેરવામાં આવે છે તેનો છે. કાવેરીના તટીય વિસ્તારમાં આવતાંજતાં કે વસતાં પક્ષીઓને આવાસ માટે અનુરૂપ હોય એવાં વૃક્ષો ઉછેરવાની જરૂર છે. શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં વૃક્ષો ઉછેરવામાં આવે તો એ વિસ્તારનું ભૂજળ શોષાવા લાગે અને ત્યાંના પક્ષીઓ પર એની વિપરીત અસર થાય. તટીય વિસ્તારમાં કેવળ વૃક્ષો જ નહીં, ઝાડી, ઘાસ, કળણભૂમિ, કળણભૂમિની વનસ્પતિઓ સહિત અનેક સૂક્ષ્મ જીવો અને તેના આવાસ હોય છે. પર્યાવરણક્ષેત્રે વિવિધ અભ્યાસ માટે ખ્યાતનામ એવા અશોક ટ્રસ્ટ ફોર રિસર્ચ ઈન ઈકોલોજી એન્‍ડ ધ એન્‍વાયર્નમેન્‍ટના વિજ્ઞાનીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં એ હકીકત પુરવાર થઈ ચૂકી છે કે નદીકાંઠે વૃક્ષો ઉછેરવાથી નદી બચી શકે નહીં. એથીય આગળ નદીકાંઠે વૃક્ષોના આડેધડ ઉછેરને કારણે કેટલીક પર્યાવરણપ્રણાલિઓના જળવિજ્ઞાન પર નકારાત્મક અસર થઈ શકે છે.

વક્રતા એ છે કે કાવેરીકાંઠે વૃક્ષો ઉછેરવાના સદ્‍ગુરુના અભિયાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જનહિતયાચિકાને કર્ણાટક વડી અદાલતે ખારીજ કરી દીધી છે. સાથે આ અભિયાનની તરફેણમાં એવી પણ ટીપ્પણી કરી છે કે ‘ઉજ્જડ ભૂમિમાં વૃક્ષો ઉછેરવાં એ ગુનો નથી.’

અદાલતના આ વલણે અનેક પર્યાવરણવિદોને ચિંતિત કરી મૂક્યા છે. આ નિષ્ણાતો માને છે કે કાવેરીને સ્વચ્છ કરવી હોય, તેને પુનર્જીવિત કરવી હોય તો કેવળ તેના કાંઠે વૃક્ષો ઉછેરવા સિવાય બીજું ઘણું કરવાનું છે. સ્રાવ વિસ્તારમાં રેતીનું ખનન અને વનનાબૂદીને અટકાવવાની જરૂરિયાત સૌ પ્રથમ છે. નદીકાંઠાના વૈવિધ્ય મુજબ તેની પર્યાવરણપ્રણાલિ અને તેની પર નભતા અનેક જીવો પર આની વિપરીત અસર થાય છે. પ્રત્યેક આવાસ નૈસર્ગિક છે, અને એક પ્રકારના આવાસનું રૂપાંતર બીજા પ્રકારના આવાસમાં કરવું ન જોઈએ. ઘાસિયાભૂમિ, રેતાળ કાંઠો કે કાદવિયાભૂમિ હોય તો તેને એમ જ રાખવાની હોય. તેની પર વૃક્ષો ઉછેરવાથી તેની વિપરીત અસર સમગ્ર પર્યાવરણપ્રણાલિ પર થાય જ.

ઈશા આઉટરીચ સંસ્થાનો મૂળભૂત હેતુ કદાચ સારો હશે, પણ યોગ્ય અભ્યાસ અને જાણકારી વિના તેનો થઈ રહેલો અમલ ફાયદાને બદલે નુકસાન વધુ કરશે. પ્રાકૃતિક બાબતો અંગે આટલા મોટા પાયે કોઈ પ્રકલ્પ હાથ ધરવામાં આવે તો તેની અસરો અંગે યોગ્ય અભ્યાસ થાય, જાણકારી મેળવાય અને સંકળાયેલા દરેક સુધી એ પહોંચાડાય એ આવશ્યક છે. આમાં ન્યાયતંત્રનો સમાવેશ પણ થઈ જાય.

કાવેરીતટે થયેલા વૃક્ષઉછેર પ્રકલ્પમાં આમાંનું કશું થયું નથી એ બાબતે પર્યાવરણ સાથે સંકળાયેલા ચિંતીત છે અને એમાં કર્ણાટક વડી અદાલતની ટીપ્પણીએ એ ચિંતામાં ઉમેરો કર્યો છે.

આવા સમયે પરોપકારી વાંદરાની વાર્તા યાદ આવે એ સ્વાભાવિક છે. નદીકાંઠે આવેલા એક વૃક્ષ પર બેઠેલો વાંદરો નદીમાં તરતી માછલીઓને જુએ છે. તેને એમ લાગે છે કે આ માછલીઓ નદીના વહેણમાં તણાઈ રહી છે. પરોપકાર અને જીવદયાનો માર્યો એ નીચે ઉતરે છે અને માછલીઓને બચાવવા માટે તેમને એક પછી એક પકડીને પાણીની બહાર કાઢતો જાય છે. માછલીઓનો જીવ બચાવવાની તેની ભાવના સારી હોય છે, પણ યોગ્ય જાણકારીના અભાવે એમ કરવા જતાં તે માછલીઓનો જીવ લઈ લે છે.

આ મામલો ફક્ત કાવેરી પૂરતો છે એમ માનવાની જરૂર નથી. પૂરતી જાણકારી વિના, માત્ર જીવદયા અને પરોપકારની ભાવનાથી પ્રેરાઈને ગમે ત્યાં કૂદી પડતાં પહેલાં પુખ્ત રીતે વિચાર કરવો જરૂરી છે. ચાહે એ વ્યક્તિ હોય કે સંસ્થા. સત્કાર્યનું બંધાણ ક્યારેક બીજા અનેકો માટે જીવલેણ નીવડી શકે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭ – ૧૦ –૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “નદીકાંઠે પાંગરેલી સંસ્કૃતિ દફન પણ નદીકાંઠે જ થશે?

  1. નદી કાંટે વ્રુક્ષો વાવવાનું અભિયાન વડોદરામા વિશ્વામૈત્રી પર થઇ રહ્યું છે. તેની પર્યાવરણ પર અસર રહી છે તે અંગે માહિતિ એકઠી કરી શકાય. શ્રી શ્રી રવીશંકર જી એ યમુનાનાં પટ ઉપર આવુંજ કોઇ અભિયાન ચલાવી રહ્યા છે. ગાંધીનગર માં સહુથી વધારે ઝાડવાં વાવ્યાં છે. તેની અસર પણ કેવી રહી તેનો અભ્યાસ રસપ્રદ રહે.

Leave a Reply

Your email address will not be published.