ન વધુ, ન ઓછું; સપ્રમાણ સાચું

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

એક સાગર થઈને ગરજું,
એક સરિત થઈને સરકું,
એક ઝરણ થઈને ઝરવું
એક માનવ થઈને મહેકું…!

મુકુન્‍દ પરીખ

વર્તમાન સમયમાં મમ્મી-પપ્પા તેમના સંતાનના ભવિષ્ય માટે અત્યંત જાગૃત છે. બાલ્યાવસ્થાથી જ તેઓ સુટેવોના ઘડતર માટે પ્રયત્નશીલ હોય છે. અભ્યાસની સાથે સાથે બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લે તેવા સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. બાળકો સંપૂર્ણપણે વિકાસ પામે તેવા તમામ દ્વાર ખોલી આપવામાં સહાયભૂત બને છે. આજે કુટુંબમાં વધુમાં વધુ બે બાળકો હોય છે. આ સંજોગોમાં તેમની યોગ્ય કાળજી રાખવાનું અનુકૂળ પણ બન્યું છે. પરંતુ કાળજી રાખવી અને લાડ વચ્ચેનો તફાવત સમજવામાં વાલીઓ કયારેક ભૂલ કરી બેસતા હોય તેવું નજરે પડે છે. સંભાળ અને લાડ વચ્ચેની ભેદરેખા અત્યંત પાતળી છે. બાળકને તમામ સવલતો પૂરી પાડી દેતાં મમ્મી-પપ્પા તેનો યોગ્ય ઉછેર કરે છે તેવી માન્યતા હોય તો તે કયારેક ભૂલ ભરેલી છે. બાળકને કેટલું અને કયારે આપવું અથવા ન આપવું તેની સમજ મમ્મી-પપ્પામાં હોય તો જ બાળઉછેરમાં સફળતા પ્રાપ્ત થાય.

એક ગામમાં બે મકાનો, વચ્ચે માત્ર એક દિવાલ. એક મકાનમાં એક અધિકારી અને બીજા મકાનમાં એક શિક્ષક રહેતા હતા. અધિકારી અને શિક્ષક વચ્ચે સારો મૈત્રી સંબંધ હતો. બંનેએ પોતપોતાના ભાગની જગ્યામાં એક સરખા રોપા રોપી દીધા. તેઓ રોપાનું અત્યંત કાળજીપૂર્વક જતન કરતા હતા. અધિકારી તેમના સ્વભાવને અનુરૂપ રોપાને નિયમિત રીતે પાણી પીવડાવતા અને સમયાંતરે ખાતર પણ નાખતા. પરંતુ શિક્ષક થોડા ઓછા પ્રમાણમાં પાણી અને ખાતર વાપરતા. અધિકારીનો રોપો પૂરતું પોષણ મળવાને કારણે મજબૂત બન્યો. તેના ઉપર સરસ મજાના પાન ઝડપથી ઉગી નીકળ્યાં. સુંદર લીલુંછમ વાતાવરણ તેયાર થઈ ગયું તેથી અધિકારી અત્યંત ખુશખુશાલ થઈ ગયા. શિક્ષકનો છોડ લીલોછમ તો બન્યો, પરંતુ પાડોશમાં રહેતા અધિકારીના જેટલો અડિખમ, ખડતલ બન્યો નહીં. બંને વચ્ચે વાતચીત થતાં અધિકારી છોડના વિકાસ ઉપર સગર્વ રજૂઆત કરતા. છોડની વધારે સારી રીતે માવજત કેવી રીતે કરી શકાય તેની શિક્ષકને સલાહ આપતા.

એક રાત્રે વાવાઝોડું આવ્યું. મુશળધાર વરસાદ તૂટી પડયો. ભયંકર પવન ફૂંકાયો. વરસાદ અને વાવાઝોડાના કારણે વાતાવરણ અત્યંત તોકાની બની ગયું. બંને પાડોશીઓને લાગ્યું આ પરિસ્થિતિમાં આપણા નાના છોડ તો નાશ પામી જશે. બીજા દિવસે સવારે તેઓ તેમના છોડવાઓની સ્થિતિ જોવા માટે બહાર નીકળ્યા. અધિકારીએ જોયું કે તેમનો છોડ જડમૂળમાંથી ઉખડીને બહાર આવી ગયો હતો. જ્યારે તેમના પાડોશી શિક્ષકના છોડને ખાસ કાંઈ નુકસાન પહોંચ્યું નહોતું. આ સ્થિતિ જોઈ અધિકારીએ શિક્ષકને પૂછ્યું, “મેં તો મારા છોડની ખૂબ કાળજી રાખી હતી તેમ છતાં તે ઉખડી ગયો છે. તમે તમારા છોડની મારા જેટલી સંભાળ લીધી નહોતી તેમ છતાં તમારો છોડ આટલા ભયંકર તોફાનમાં પણ કેવી રીતે ટકી શકયો?”

શિક્ષકનો ઉત્તર અત્યંત સૂચક અને માર્મિક હતો. “જૂઓ ભાઈ, તમે તમારા છોડને જે જરૂરી હતું તે તમામ પૂરું પાડ્યું હતું અને તે પણ જરૂરીયાત કરતાં વધારે પ્રમાણમાં આપ્યું હતું. જેથી છોડે સંઘર્ષ કરીને કાંઈ પ્રાપ્ત કરવાનું નહોતું. જેથી તમારા છોડના મૂળિયાએ ખૂબ નીચે સુધી જવું પડ્યું જ નહીં. હું માત્ર છોડ જીવતો રહે તેટલું જ આપતો હતો. બાકીનું વધારે પ્રાપ્ત કરવા માટે તેણે જમીનમાં ખૂબ ઊંડે સુધી જવું પડતું. તેથી મારા છોડનાં મૂળિયાં જમીનમાં ખૂબ અંદર સુધી વિસ્તરતા રહ્યાં.”

આજ બાબત બાળઉછેરને સંપૂર્ણપણે લાગુ પડે છે. જે વાલીઓ તેમના સંતાનોને જે જરૂરી છે તે અત્યંત સહેલાઈથી આપી દે છે અને જરૂરીયાત કરતાં વધારે આપે છે તે બાળકોનો વિકાસ થતો નથી. નાની મુશ્કેલીઓ વેઠીને આગળ વધવાનું શીખવાને બદલે સંઘર્ષ ટાળવાનો પ્રયત્ન કરે છે. સમસ્યા ઉકેલનું તેમના જીવનમાં સ્થાન જ નથી. જીવનમાં જયારે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે તેની સામે લડવાને બદલે પલાયનવાદી બની સ્થળ છોડીને ભાગી જાય છે. આ રીતે તેઓ છાતી કાઢીને આગળ વધી શકતા જ નથી.

ભારતના ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાએ એક શાળાના બાળકો સમક્ષ પ્રવચન આપતાં નીચે જણાવેલ મુદ્દાઓ તેમના વિકાસ માટે આવશ્યક હોવાનું જણાવ્યું હતું :

(૦૧) જીવનમાં ઉતાર-ચઢાવ સ્વાભાવિક હોવાથી તેનાથી ટેવાઈ જાવ.

(૦૨) પહેલાં પોતાનું વ્યકિતત્વ અન્યો કરતાં અલગ છે તે સાબિત કરી દો. કારણ કે લોકો તમારા અભિમાનની પરવા કરતા નથી.

(૦૩) કોલેજનો અભ્યાસ પૂર્ણ થાય કે તરત જ પાંચ આંકડાવાળા પગાર વિશે વિચારશો નહીં. રાતોરાત કોઈ મહાન બનતું નથી. ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ મહેનત કરવી પડે.

(૦૪) તમને તમારા શિક્ષકો અત્યારે કડક લાગતા હશે, તેમની બીક લાગતી હશે કારણ કે અત્યાર સધી તમે બૉસ નામના પ્રાણીનો રૂઆબ જોયો નથી !

(૦૫) બીજાને દોષિત ઠેરવવાને બદલે તમારી ભૂલમાંથી તમે શીખી આગળ વધો. તમારી ભૂલ તમારી અને તમારો પરાજય પણ તમારો છે.

(૦૬) તમારા માતાપિતા આજે તમને જેટલા નિરસ અને થાકેલા લાગે છે તેટલા તેઓ તમારા જન્મ સમયે નહોતા. તમને મોટા કરવામાં તેમણે અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ સહન કરી છે તેથી તેમનો સ્વભાવ બદલાઈ ગયો છે.

(૦૭) આશ્વાસન ઈનામ માત્ર શાળામાં આપવામાં આવે છે. કેટલીક શાળાઓમાં તો પાસ થયા બાદ પુનઃ પરીક્ષા લઈ પાસ કરવાની વ્યવસ્થા હોય છે. પરંત જીવનની દુનિયાના નિયમો તદ્દન અલગ હોય છે. ત્યાં એક વાર જે હારી જાય તેને ફરી કયારેય તક મળતી નથી.

(૦૮) જીવનશાળામાં ધોરણ અને વર્ગો હોતા નથી. ત્યાં મહીનાઓ સુધી રજાઓ હોતી નથી. તમને શીખવવા માટે બીજા કોઈ પોતાનો સમય આપતા નથી. તમામ બાબતો તમારે અને માત્ર તમારે જાતે જ સમય ફાળવીને શીખવાની હોય છે.

(૦૯) ટી.વી.માં આવતું જીવન સત્ય નથી હોતું. જીવન ટી.વી.ની સિરીઅલ જેવું નથી. રોજિંદા જીવનમાં આરામનું કોઈ સ્થાન નથી. ત્યાં તો કામ અને માત્ર કામ જ હોય છે.

(૧૦) સખત અને સતત મહેનત કરતા તમારા શાળાના મિત્રોને કયારેય ચીઢવશો નહીં. એક સમય એવો આવશે કે તમારે તેમના હાથ નીચે કામ કરવું પડશે.

અને શ્રી ટાટાની અંતિમ શિખામણો ખૂબ ઘ્યાનમાં લેવા જેવી છે.

(૧૧) તમે સૌના ઉપર ભરપૂર વિશ્વાસ રાખો કે જેથી તેઓ જ્યારે તમને ફસાવી નાંખવા માંગતા હોય ત્યારે તે પોતાની જાતને જ દોષિત સમજે.

(૧૨) કોઈને પણ દિલોજાનથી પ્રેમ કરો કે જેથી તેના મનમાં તમને ગુમાવવાનો સતત ડર રહ્યા કરે.

ઉપરની સલાહ બાળઉછેરમાં અત્યંત ઉપયોગી બને તેવી છે. બાળઉછેર એ ખાવાના ખેલ નથી, એ તો રણસંગ્રામ છે.  જે જીતે તે આગળ વધે અને હારે તે નાશવંત બને છે.

આચમનઃ

વિશ્વાસ

માપી લે પળભરમાં પૂરો ક્યાસ એનું નામ છે,
ઝળહળે અંધારામાં અજવાસ એનું નામ છે,
છો ઉછાળો બે અઢી ફૂટ ઉંચે એને આભમાં,
તોય મરકે છે શિશુ, વિશ્વાસ એનું નામ છે.

‌- શોભિત દેસાઈ


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીરો નેટ પરથી)

Author: Web Gurjari

1 thought on “ન વધુ, ન ઓછું; સપ્રમાણ સાચું

Leave a Reply

Your email address will not be published.