ભાષાનું રાજકારણ કાયમ ઉકળતું રહે છે

નિસબત

ચંદુ મહેરિયા

જમ્મુ-કશ્મીરને લગતા અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી સાથે તેનો રાજ્યનો દરજ્જો પણ નાબૂદ કરવામાં આવ્યો હતો.તે ઉપરાંતના પણ કેટલાક પરિવર્તન જમ્મુ-કશ્મીર સંદર્ભે થયા છે. ૧૩૧ વરસોથી આ રાજ્યની એક માત્ર રાજભાષા ઉર્દૂ હતી. ગયા વરસે પસાર થયેલા ‘જમ્મુ કશ્મીર રાજભાષા વિધેયક’થી હવે ત્યાં ઉર્દૂ ઉપરાંત અંગ્રેજી, હિંદી, કશ્મીરી અને ડોગરી એમ પાંચ રાજભાષા બની છે. તેને કારણે કશ્મીરી અને ડોગરી ભાષાને ઉપેક્ષામાંથી મુક્તિનો અને જમ્મુ-કશ્મીરની સમાવેશી સંસ્ક્રુતિનો ભાવ જન્મ્યાનું કહેવાય છે.

ઝારખંડની હેમંત સોરેન સરકારે હવેથી રાજ્યની વર્ગ-૩ અને ૪ની નોકરીના ઉમેદવારોને બંગાળી, ઓડિયા, ઉર્દૂ ઉપરાંત રાજ્યની બાર જનજાતીય ભાષાઓમાંથી કોઈ એકનું જ્ઞાન હોવું ફરજિયાત કર્યું છે. આ નિર્ણયને વિરોધીઓ હિંદીની ઉપેક્ષા તરીકે વખોડે છે અને સમર્થકો જનજાતીય ભાષાઓના સ્વીકાર તરીકે આવકારે છે. રાજભાષા કહેતાં વહીવટની ભાષા અંગેના આ નિર્ણયો પાછળ રાજકારણ  રહેલું છે. છતાં તે લોકોને તેમના રોજબરોજના જીવનવ્યવહારની ભાષામાં વહીવટની પ્રતીતિ સાથે શાસનમાં તેમની ભાગીદારીનો અહેસાસ પણ કરાવે છે.

ધાર્મિક ધોરણે દેશના ભાગલાના તાજા ઘા પછી ભાષાના ધોરણે રાજ્યોના વિભાજનની ફરજ પડી હતી.બંધારણની આઠમી અનુસૂચિમાં બાવીસ ભાષાઓનો રાજભાષા તરીકે સ્વીકાર અને ભાષાના આધારે મોટાભાગના રાજ્યોની રચના પછી પણ ભાષાનું રાજકારણ શમ્યું નથી. તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને ‘ઓફિશિયલ લેન્ગવેજ એક્ટ-૧૯૬૩’ના અમલની તાકીદ કરતાં જણાવ્યું છે કે તમિલનાડુ સરકાર, રાજ્યના જનપ્રતિનિધિઓ અને લોકો જો કેન્દ્ર સરકારને અંગ્રેજીમાં પત્રો લખે તો કેન્દ્ર તેનો હિંદીમાં જવાબ આપી શકશે નહીં. કેરળના ઉત્તરી ભાગના કર્ણાટકને અડીને આવેલા કાસરગોડ જિલ્લાના ગામોના કન્નડ નામો બદલીને મલયાલી કરવાની હિલચાલનો ભારે વિરોધ થયો છે.

પ્રત્યાયનનું માધ્યમ એવી ભાષાના મામલે.ભારત બહુભાષી દેશ છે. બાર ગાઉએ બોલી બદલાય એ હદની દેશમાં ભાષા અને બોલીઓની  વિવિધતા જોવા મળે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીનો ભાષા સંબંધી અભ્યાસ જણાવે છે કે બેંગલુરુમાં ૧૦૭, નાગાલેન્ડના દિમાપુરમાં ૧૦૩, અસમના સોણિતપુરમાં ૧૦૧ અને દિલ્હી, પૂણે, દાર્જિલિંગમાં ૯૦ ભાષાઓ બોલાય છે. ભાષા સંબંધી એક અન્ય અભ્યાસમાં દેશમાં ૭૮૦ ભાષાઓ બોલાતી હોવાનું નોંધાયું છે. દસ હજાર કરતાં ઓછા લોકો બોલતા હોય તેવી ભાષાઓ હવે વસ્તી ગણતરીમાં નોંધાતી નથી તેથી ૧૯૬૧ની વસ્તી ગણતરીની ૧૬૫૨ માતૃભાષા આજે ૧૧૦૦ જેટલી છે.

ભાષાની આ વિવિધતા આપણો સમૃધ્ધ વારસો છે. પણ એ વિદ્વેષ પણ સર્જે છે. આંધ્ર કે ગુજરાતના ભાષાવાર રાજ્યોની  રચના માટેના આંદોલનો એ વાતની ગવાહીરૂપ છે. જોકે ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગણાની રચના સમાનભાષી રાજ્યોના વિભાજનથી થઈ હતી.કોંગ્રેસ પક્ષમાં માત્ર એક મતની બહુમતીએ હિંદી રાજભાષા બની છે. એટલે દક્ષિણના રાજ્યોનો હિંદી વિરોધ કાયમી છે. ગુજરાત સહિતના ઘણાં રાજ્યોના સીમાવર્તી જિલ્લાના લોકોની બે રાજ્યોની ભાષાનો મુદ્દો પણ વિવાદનો વિષય રહ્યો છે. ગયા વરસે કેરળના કર્ણાટકના સીમાવર્તી એક ગામની કન્નડ માધ્યમની શાળામાં મલયાલમભાષી શિક્ષિકાની નિમણૂકનો વાલીઓ, વિધ્યાર્થીઓ અને શિક્ષકોનો એટલો મોટો વિરોધ હતો કે તે શિક્ષિકાને પોલીસ રક્ષણ હેઠળ હાજર થવું પડ્યું હતું.!

પાંચમી ઓકટોબર ૧૮૧૭ના રોજ બ્રિટિશ શાસનકાળમાં કોલકાતામાં પહેલી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થઈ એ ઘટનાને બસો કરતાં વધુ વરસો વહી ગયા છે. સશક્તીકરણની મનાતી અંગ્રેજી ભાષાના વર્ચસનો વિરોધ અને અંગ્રેજી શિક્ષણનો વધતો વ્યાપ બંને આજની વાસ્તવિકતા છે.

તેલુગુ ભાષી રાજ્ય આંધ્ર અને હિંદી ભાષી રાજ્ય ઉત્તરપ્રદેશ એમ બેઉના મુખ્યમંત્રીઓ રાજ્યમાં અંગ્રેજી માધ્યમના શિક્ષણનો વ્યાપ વધારે છે. નગરો-મહાનગરોમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ૧૯૯૮માં ગુજરાતી માધ્યમની શાળાઓ ૩૪૪ હતી તે ૨૦૨૧માં ઘટીને ૩૨૮ થઈ છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ ૨ હતી તે વધીને ૩૨ થઈ છે. મહાનગરોમાં ભાષાકીય લઘુમતી શાળાઓ જરૂરી હોવા છતાં અમદાવાદમાં હિંદી, ઉર્દૂ અને મરાઠી માધ્યમની પ્રાથમિક શાળાઓ ઘટી છે અને તમિલ, તેલુગુ, મલયાલમ અને સિંધી માધ્યમની શાળાઓ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે.

નવી શિક્ષણ નીતિમાં અને વડાપ્રધાનના આ વરસના આઝાદી દિનના લાલ કિલ્લાની રાંગેથી કરેલ પ્રવચનમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ અંગ્રેજીને બદલે ભારતીય ભાષા રાખવાનો ઉલ્લેખ હતો. તે દિશામાં સરકારના નક્કર પ્રયાસો ખાસ જોવા મળતા નથી.તો કેટલાક પ્રયાસો સાવ  અધકચરા હોય છે. દેશની કેટલીક ઈજનેરી કોલેજોએ ભારતીય ભાષાઓમાં તકનિકી શિક્ષણ આપવાની જાહેરાત તો કરી છે પણ અધ્યયન સામગ્રીના કોઈ ઠેકાણા નથી. ગ્રામીણ ગરીબોના બિનઅંગ્રેજી માધ્યમમાં ભણેલા યુવાન-યુવતીઓ અંગ્રેજીને કારણે સ્પર્ધામાં પાછળ રહે છે. આઈ આઈ.ટી, આઈ આઈ એમ અને અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા દલિત-આદિવાસી બાળકો નબળા અંગ્રેજીને કારણે ભેદભાવનો ભોગ બની આત્મહત્યા કરતા હોવાના ઘણા બનાવો બને છે. અન્યથા હોંશિયાર પણ અંગ્રેજીમાં નબળા હોઈ તબીબી કોલેજોમાં પ્રવેશ માટેની ‘નીટ’ પરીક્ષામાં નિષ્ફળ રહેતાં, તબીબી શિક્ષણથી વંચિત રહી જતા, વિધાર્થીઓનો  સવાલ પણ ભારતીય ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણની આવશ્યકતા સ્પષ્ટ કરે છે.

ભારતીય ભાષાઓના વિકાસનું જે કામ સરકારો અને પ્રિન્ટ મીડિયા નથી કરી શક્યાં તે ડિજિટલ ટેકનોલોજીએ કરી દેખાડ્યું .ટેક કંપનીઓના સાથથી  ભારતની ઘણી સ્થાનિક ભાષાઓ ઓનલાઈન દુનિયામાં ઉભરી રહી છે. સ્થાનિક ભાષામાં બનેલી એપ્સે ઘણા સામાન્ય ભારતીયોના જીવનને સરળ બનાવ્યા છે. ઈન્ટરનેટ પર આજે ય અંગ્રેજીની બોલબાલા છે પણ ભારતીય ભાષાઓ પણ પાછળ નથી. ભારતમાં ઈન્ટરનેટના ૫૦ કરોડ વપરાશકારોમાં ૩૦ કરોડ ભારતીય ભાષાઓના છે. યૂટ્યૂબ પર સૌથી વધુ વીડિયો તેલુગુ, તમિલ અને હિંદીમાં સર્ચ થાય છે. નેટ પર હિંદીનો સૌથી વધુ ઉપયોગ થાય છે, તે પછીના ક્રમે મરાઠી, બંગાળી અને ગુજરાતી છે.

ભાષાનું ગુમાન અને ઉપેક્ષા બેઉ સરખા હાનિકારક છે. આ વરસના હિંદી દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, જો વડાપ્રધાન વૈશ્વિક મંચો પર હિંદીમાં બોલતા હોય તો, આપણને હિંદી બોલવામાં શરમ શાની ? તેમ જણાવી ભાષાના મામલે આત્મનિર્ભરતાનો રાગ આલાપ્યો છે. અંગ્રેજી ન આવડે એટલે વિશ્વ મંચો પર હિંદી બોલવું અને તેને ભાષા મુદ્દે આત્મનિર્ભરતા ગણવી તે જેમ ખોટું છે તેમ ભાષાનીતિ એટલે હિંદીનો જ વિકાસ અને પ્રોત્સાહન તે પણ ખોટું છે. અંગ્રેજી સહિતની તમામ ભાષાઓને લોકપ્રિય, સર્વમાન્ય અને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “ભાષાનું રાજકારણ કાયમ ઉકળતું રહે છે

Leave a Reply

Your email address will not be published.