મંજૂષા ૫૧. ભગવાનનો સ્પર્શ આવો જ લાગતો હશે?
–વીનેશ અંતાણી
ભારતમાં જન્મેલા અને ભારતમાં રહેતા, બ્રિટિશ માતાપિતાના પુત્ર, પ્રસિદ્ધ અંગ્રેજી લેખક રસ્કિન બોન્ડને વાંચવાની જુદી જ મજા છે. હું ઘણી વાર એમનું ‘હિમાલયન ટેલ્સ’ અને ‘ટૂ મચ ટ્રબલ’ – સંયુક્ત પુસ્તક લઈને બેસું અને વાંચવામાં ગરકાવ થઈ જાઉં. મસૂરી અને આસપાસના પહાડી ઈલાકાના વાતાવરણમાં ડૂબી જવાય. રસ્કિનને વાંચતાં સમજાય કે ભારતના પહાડોનું આગવું તળપદ છે. રસ્કિનજી નાની નાની વાતોને એટલી બધી સહજતાથી ગૂંથતા જાય કે મજા આવી જાય. સાહિત્યિક લખાણનો જરાસરખોય ભાર ન હોય. ન તો કોઈ મોટી મોટી કળાકીય માથાકૂટમાં પડે. સાદી, સરળ ભાષામાં એમની વાત કહેતા જાય. એમણે કહ્યું છે: “લોકો ઘણી વાર મને પૂછે છે કે મારી લખવાની શૈલી આટલી સાદી કેમ છે. ખરેખર તો એની સાદગી છેતરામણી છે. હું મારા લખાણમાં સાદગીને નહીં, મારી વાત સ્પષ્ટ રીતે કહેવાનો પ્રયત્ન કરું છું. અલબત્ત, ઘણા લેખકો અઘરું અઘરું લખીને વાંચકોને મૂંઝવી દેવા માગતા હોય છે… મેં હંમેશાં સમજવામાં સરળ અને વ્યવહારમાં વપરાતા ગદ્યની શૈલીમાં લખવાનું પસંદ કર્યું છે.”
રસ્કિને ‘સોન્ગ ઓફ ધ વિસલિન્ગ થર્શ’માં મધુર અવાજવાળા પહાડના પંખી કસ્તુરા (‘ભગવદ્ગોમંડળ’ પ્રમાણે કસ્તુરા એટલે સિસોટી વગાડતી મેના) વિશે લખ્યું છે. કસ્તુરાનો કંઠ બહુ જ મીઠો. એને ગાતું સાંભળીને સાંભળનાર દૈવી સંગીતમાં ખોવાઈ જાય છે. એ ગાતું-ગાતું અચાનક વચ્ચેથી અટકી જાય અને થોડી વાર પછી ફરી શરૂ કરે. કસ્તુરા વિશે હિમાલયના પહાડી લોકોમાં પ્રચલિત દંતકથા મૂકી છે. એક વાર ભગવાન કૃષ્ણ પહાડના ઝરણા પાસે ઊંઘી ગયા હતા. એક નાનકડો છોકરો ત્યાં આવ્યો અને કૃષ્ણની બંસરી ઉપાડીને ચાલ્યો ગયો. કૃષ્ણ જાગ્યા ત્યારે બંસરી જોઈ નહીં એથી એ ગુસ્સે થઈ ગયા. એમણે બંસરીચોર બાળકને પક્ષી બની જવાનો શાપ આપ્યો. એ પંખી તે પહાડનું કસ્તુરા. છોકરો પંખી બની ગયો એ પહેલાં એણે કૃષ્ણની બંસરી કેટલીક ધૂન અધૂરીપધૂરી શીખી લીધી હતી. એથી કસ્તુરા ગાતાં ગાતાં આગળની ધૂન યાદ આવે નહીં ત્યારે વચ્ચેથી ગાતું અટકી જાય છે.
રસ્કિન બોન્ડની બીજી એક રચના છે – ‘ધ ચેરી ટ્રી.’ વાત સાવ સાદી છે. સાત-આઠ વરસનો છોકરો રાકેશ મસૂરીમાં રહેતા દાદા પાસે રહીને ભણે છે. એક દિવસ સ્કૂલથી પાછા આવતાં એણે થોડી ચેરી ખરીદી. એ ચેરી ખાતો ખાતો ઘેર પહોંચ્યો ત્યારે એની પાસે ત્રણ ચેરી બાકી રહી હતી. એક દાદાને આપી, બાકીની બે પોતે ખાવા લાગ્યો. રાકેશે દાદાને પૂછ્યું, “શું ચેરીનો ઠળિયો નસીબવંતો કહેવાય?” દાદાએ જવાબ આપ્યો, “તું એનો યોગ્ય ઉપયોગ કરે તો નસીબવંતો, નહી તો નહીં. તું ચેરીનો ઠળિયો જમીનમાં વાવ.” છોકરાએ ઠળિયો વાવ્યો. સમયની સાથે ઠળિયામાંથી ચેરીનો નાનકડો છોડ ઊગ્યો. ધીમેધીમે એ છોડ પાંગરવા લાગ્યો. હવામાન, પક્ષીઓ, જીવાતો જેવી અડચણોની વચ્ચે પણ એ છોડ વિકસતો રહે છે. સાથે સાથે રાકેશની ઉંમર અને કદ પણ વધતાં રહે છે. થોડાં વરસો પછી તો ચેરીની ઘટા વધી ગઈ. એક નમતા બપોરે રાકેશ અને દાદા એની છાયા નીચે આરામ કરતા હતા. રાકેશ અચાનક બેઠો થયો, દાદાને પૂછ્યું: “જંગલમાં કેટલાં બધાં ઝાડ છે, છતાં આપણને આ ચેરીનું ઝાડ કેમ વધારે ગમે છે?” દાદાએ જવાબ આપ્યો, “એને આપણે વાવ્યું છે એથી એ આપણા માટે ખાસ છે.” રાકેશ બોલ્યો, “એક નાનકડો ઠળિયો જ માત્ર…” એ ચેરીના થડ પર વહાલથી હાથ ફેરવે છે, પછી એના પાંદડાના છેડે આંગળી મૂકીને પૂછે છે, “શું ભગવાનનો સ્પર્શ આવો જ લાગતો હશે?”
રસ્કિનની વાતોમાં ખંડેર જેવાં પહાડી મકાનમાં વસતાં ભૂતની વાતો આવે, પીપળામાં વસતા તોફાની પ્રેતની વાતો પણ આવે. બધી જ બાળસહજ જિજ્ઞાસાથી કહેવાયેલી અને રમૂજી. એક મા એના દીકરાને અને એના દોસ્તોને ભૂત-જીનની જાતજાતની વાત કરે છે. મા કહે છે: એક વાર છોકરાં વર્ગમાં બેઠાં હતાં. શિક્ષકે એક છોકરાને થોડે દૂર પડેલા કબાટમાંથી ચોપડી લાવવા કહ્યું. એ છોકરાએ બાંકડા પર બેઠે બેઠે જ કબાટ તરફ હાથ લંબાવ્યો અને એનો હાથ ચાર વાર જેટલો લાંબો થઈ ગયો. ત્યારે જ બધાંને ખબર પડી કે એક જીન એમની સાથે ભણતું હતું!
રસ્કિને કહ્યું છે: “સુખ-પ્રસન્નતા પતંગિયાં જેવાં હોય છે. એને પકડવા એની પાછળ દોડવું નહીં. શાંત ચિત્તે, સ્થિર બેસી રહેશો તો પતંગિયું જાતે તમારા હાથ પર આવીને બેસી જશે, પરંતુ થોડી વાર પછી ઊડી જશે. એ ક્ષણોને તમારા મનમાં સાચવી રાખજો, કારણ કે પતંગિયાં વારંવાર આપણા હાથ પર બેસવા આવતાં નથી.” એંસી વરસના રસ્કિન બોન્ડનું નાનકડું કાવ્ય છે: “હું બાળક હતો ત્યારે શક્તિશાળી અને પ્રખ્યાત થવાનાં સપનાં સેવતો હતો. હવે હું વૃદ્ધ થયો છું ત્યારે ફરીથી બાળક બનવાનું સપનું સેવું છું.”
હવે એમને વાંચવા જ પડશે