ચાલો, ગાંધીને શોધીએ…

શબ્દસંગ

નિરુપમ છાયા

ફરી એક વખત ગાંધી જયંતિ આવી અને ગઈ…એમ તો ગાંધી ૧૫૦ની ઘટના પણ આવી અને પસાર થઈ ગઈ, થોડાં બુદબુદો ઉઠ્યાં અને શાંત થઇ ગયાં. થોડી ઘણી સ્વચ્છતાની વાતો થઈ, સ્વચ્છતા મિશન શરુ થયું…થોડાક એવોર્ડ અપાયા અને  ફરી બધું ક્યાં ખોવાઈ ગયું એ ખબર જ ન  પડી..  જો કે ગાંધી પણ ખોવાઈ ગયા છે એની ક્યાં કોઈ ચિંતા કરે છે? પણ ના, ગાંધીને શોધવા તો પડશે જ.. આજે વિશ્વ જે અનિશ્ચિતતાઓ ભણી ઘસડાઈ રહ્યું છે, માનવ અસ્તિત્વનો હ્રાસ થઈ રહ્યો છે ત્યારે ગાંધીએ જે આપ્યું છે, જે સનાતન છે, માનવનો માનવ તરીકે સ્વીકાર કરી એનું ગૌરવ કરવા માટે જે મૂલ્યો, કાર્યો, પદ્ધતિ, વ્યાવહારિક જીવનદર્શનનો નમૂનો આપ્યો છે એ બધું ફરી ઘૂંટવાની જરૂર છે. ચાલો આપણે  ફરી એક પ્રયત્ન કરીએ ગાંધીને શોધવાનો અને જો નિષ્ઠાપૂર્વક, યોગ્ય માર્ગે, સાચા હૃદયથી શોધીશું તો એ જરૂર મળશે. એ ક્યાં દૂર છે, અહીં જ છે પણ છૂપાઈ ગયો છે…  એને શોધવાનું બીજી ઓકટોબર નિમિત્ત તો ખરું અને વીતી ગયું છે તોયે એ વીતેલું હજુ તાજું છે, બહુ દિવસો નથી થયા  આપણે પ્રયત્ન તો કરી જોઈએ. અને આમેય ઉમાશંકર જોશીની પંક્તિ યાદ કરીએ તો,

 માર્ગમાં કંટક પડ્યા સૌને નડ્યા; ઊંચકી તે બાજુએ મૂક્યા  
  તે દી નકી જન્મ ગાંધી બાપુનો, સત્યના અમોઘ મોંઘા જાદુનો.

કંઈક નાનું અમથું, બીજાને કષ્ટ આપતી પરિસ્થિતિ દૂર કરવાનું કામ કરીએ એ ગાંધી જયંતિ જ છે. આમ ગાંધી જયંતિ તો પળેપળ ઉજવી શકાય. માનવ માટે આટલો વિચાર કરવો એ કેટલી મોટી બાબત છે! ગાંધીકાર્યમાં ઓતપ્રોત થઈને ઉદાહરણરૂપ ગાંધીમાર્ગ ચિંધનાર શ્રી અરુણ ભટ્ટે 2 -10-2011ના રોજ વડોદરા મ્યુની. કોર્પો.ના  ઉપક્રમે આપેલાં વ્યાખ્યાન, “ગાંધી: યુગની માંગ’માં ઉચ્ચારેલા એ શબ્દો કાને ધરવા જેવા છે: “ખરી રીતે ગાંધી એ બોલવાનો વિષય નથી, એ જીવવાનો વિષય છે. ગાંધી જીવવાનો હોય, બોલવાનો ન હોય, ગાંધીએ એમના વિચારો પોતાના જીવનમાં ઉતાર્યા ન હોત અને ડહાપણડાહી વાતો માત્ર કહી હોત તો એમાં ગાંધી ન હોત. ગાંધીની મહત્તા એમના ઉન્નત વિચારોમાં છે તેના કરતાં અનેકગણી એ વિચાર અનુસારના એના જીવનમાં સમાયેલી છે. અને તેથી જ જયારે કોઈએ કોઈ સમારંભ માટે સંદેશો આપ્યો ત્યારે બાપુએ બેધડકપણે કહી દીધું, ‘મારું જીવન એજ મારો સંદેશ.’ “ પોતાના જીવનની ક્ષણેક્ષણની ચોકસી રાખનાર આવા ગાંધી જેવા વિરલા જ આવું વિશ્વાસપૂર્વક કહી શકે! પોતાનું જીવન જ સંદેશ બની શકે એમ છે એવું છાતી ઠોકીને કોઈ કહી શકે ખરું? સંસ્કૃત સુભાષિતનું સ્મરણ થાય.

યથા ચિત્તં તથા વાચા, યથા વાચા તથા ક્રિયા l
ચિત્તે વાચિ ક્રિયાયાં ચ મહતામેકરુપતા ll

અર્થાત્ જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવી ક્રિયા. મહાન પુરુષો મન, વાણી, અને ક્રિયામાં એકરૂપ હોય છે. એટલે કે મનમાં જે વિચારે છે તે વાણીમાં લાવે છે અને વાણી બોલે છે તેવી ક્રિયા કરે છે. આમ ત્રણેય વાતો એકસરખી હોય છે. ગાંધીજીને આ સુભાષિત એકદમ બંધબેસતું હતું. એટલે સ્વાભાવિક પ્રશ્ન થાય કે ગાંધીને ક્યાં શોધવા તો એનો ઉત્તર ઉપરનાં સુભાષિતમાંથી મળે છે. પણ આવું કોઈ મળે ખરું? પણ બીજે ક્યાંય શોધવા કરતાં પોતાથી જ શરુઆત ન કરવી? ગુણવંત આચાર્ય આપણા બહુ મોટા લેખક. તેમણે ‘નાના નાના ગાંધી’ લેખમાં  બહુ સરસ વાત લખી છે “……એક મહાન માનવી તો માર્ગ બતાવી શકે, દીવાદાંડી બની શકે. હજારો  નાનાંમોટાં સફારી જહાજો એ દીવાદાંડીથી સચેત બનીને ઘૂમે ત્યારેજ દેશ મહાન થાય. માટે જ નાનાં મનાયેલાં માનવીઓની કથાઓ મને  વધારે ગમે છે. “  આમાં પરિવર્તન કરીને વ્યક્તિ વ્યક્તિ ગાંધી એવું કહી શકાય અને વિચારી શકાય. વળી પાછો એવો વિચાર પણ આવે કે ગાંધી તો મહાત્મા હતા. એની તોલે આપણે કેમ આવી શકીએ? પણ એ યાદ રાખવું જોઈએ કે મહાત્મા બન્યા પહેલાં એ સાવ સાદા ‘મોહન’ જ હતા. મોહનમાંથી મહાત્મા બનવા એમને કઠણ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું છે.

હમણાં થોડા સમય પર ‘કૌન બનેગા કરોડપતિ’ માં પ્રતિભાવાન (CELEBRETY) વ્યક્તિઓની શ્રેણીમાં આપણા નાટકો, ગુજરાતી હિન્દી  ફિલ્મોના  અને ‘સ્કેમ ૯૨’ હિન્દી ફિલ્મથી પ્રખ્યાત  ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધી આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એમણે બહુ સરસ વાત કરી કે  બધા સફળતાની વાત કરે છે પણ સફળતાની પ્રક્રિયાને કોઈ જોતું નથી. મહાત્મા ગાંધી ની વાત થાય છે પણ મોહન તરીકે એમણે જે સંઘર્ષ કર્યો એની વાત બહુ ઓછી જાણીતી છે. પછી પોતે ભજવેલાં ત્રિભાષી (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી)નાટક ‘મોહનકા મસાલા’ માંનું એક  દક્ષિણ આફ્રિકામાં મારીત્સબર્ગ સ્ટેશને અપમાનિત થયા બાદ,જેમતેમ કરી આગળની મુસાફરી માટે સિગરામમાં જતાં, ગોરાઓ દ્વારા માનસિક અને શારીરિક માનહાનિ, અપમાનથી  થતી પીડાનું  ભાવવાહી દૃશ્ય ભજવ્યું. અરે દક્ષિણ આફ્રિકામાં જેલમાં ગોરા કેદીઓ દ્વારા જે અપમાન થાય છે, શારીરિક અત્યાચાર થાય છે એ વાંચીને આપણે ધ્રુજી ઉઠીએ. પણ ગાંધીજી આ પરીક્ષામાંથી  શુદ્ધ કંચનની જેમ ઝળહળી રહ્યા. વાચનયજ્ઞના ઋષિ મહેન્દ્રભાઈ મેઘાણી જેને ‘સોનાની ખાણ સમી ગ્રંથશ્રેણી’ કહે છે એ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ના એકસો ગ્રંથોનાં પચાસ હજાર પાનામાં ગાંધીજીએ લખેલા અને બોલેલા શબ્દોમાંથી પસાર થઈએ ત્યારે ડગલેને પગલે આવી કઠણ પરીક્ષા આપણે  જોઈ શકીએ છે. કારણ કે ગાંધીજીએ બોલેલા અને લખેલા શબ્દો એમાં ચીવટપૂર્વક સમાવાયા છે. રસ ધરાવતા લોકો  ‘GANDHI HERITAGE પોર્ટલ પર આ  ગ્રંથો જોઈ શકે છે. ગાંધીજીએ અંગ્રેજોની ગુલામીમાંથી જ મુક્તિ મેળવવા રાજનૈતિક આઝાદી માટે જ  સંઘર્ષ નહોતો કર્યો. સ્વરાજ્યમાં ‘સ્વ’ એટલે ભારતીયતા, સ્વદેશીપણુ, પછી ભલેને અધ્યાત્મ હોય, ધર્મ હોય, નીતિ હોય, કર્તવ્ય હોય, ફરજ હોય, મનુષ્યનું મનુષ્ય સાથે જોડાવું કે સત્ય અહિંસા હોય. બહુ વ્યાપક સ્તરે એ સમાજને લાગુ પડે  એટલું જ વ્યક્તિને પણ લાગુ પડે જ. એટલે ગાંધીજીએ એકવીસ રચનાત્મક કાર્યક્રમો અને અગિયાર મહાવ્રતો આપ્યાં. મહાત્મા ગાંધી શતાબ્દી ગ્રંથની પ્રસ્તાવનામાં ડૉ. રાધાકૃષ્ણન સરસ લખે છે:

“પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવા:l
ન પાપફલમિચ્છન્તિ,, પાપં કુર્વન્તિ યત્નત: ll

માણસોને પુણ્યનું ફળ જોઈએ છે, પણ તેઓ પુણ્ય કરતા નથી. તેમને પાપનું ફળ નથી જોઈતું છતાં તેઓ પ્રયત્નપૂર્વક પાપ કાર્ય એ કરે છે ! માણસ જેવો છે અને જેવો થવા ઈચ્છે છે એ બે વચ્ચે જીવલેણ અંતર છે.” ગાંધીજીએ આ અંતર ઘટાડતા જવની કેડી સર્જી આપી.

એટલે આપણે સત્ય અહિંસા જે સ્તર સુધી વ્યવહારમાં લાવી શકીએ તે સ્તર સુધી પ્રયત્ન કરતાં રહીએ. અગિયાર મહાવ્રતમાં પણ જે જેટલા અંશે અપનાવી શકીએ તેટલાં અપનાવવાં, પણ કેટલીક બાબતો તો આગ્રહપૂર્વક જીવનમાં અપનાવવી. જેમકે સાદગી, નિયમિતતા, સમય પાલન. સાદગીમાં આપણી શક્તિથી ઉપર ન જવું તેમ સર્વને લક્ષમાં રાખી, પર્યાવરણના હિતમાં હોય એ પ્રકારે વ્યવસ્થાઓનો ઉપયોગ કરી શકાય ને? એજ રીતે આજના વૈશ્વિક પ્રશ્નો સ્વચ્છતા અને પર્યાવરણનું પણ વ્યક્તિગત ધ્યાન  રાખી શકાય ને ? વહેતી નદીમાંથી માત્ર એક લોટો જ પાણી લેવું કારણ કે નદી તો કેટલાય લોકો માટે વહે છે એવું આચરણ કરતા ગાંધીજી  લીમડાનું દાતણ પણ માપનું જ લે અને પૂરું ઘસે, આપણને પ્રેરિત  ન કરે? ઊર્જા અને સ્ત્રોતો વેડફવા તો નહીં જ આ નિર્ણય પણ મહત્વનો છે.  વર્તમાન સમયનો મોટો રોગ એટલે સમયપાલન. ગાંધીજીના કેટલાયે પ્રસંગો આ માટે ઉદાહરણરૂપ છે. સમય જાળવવો એ તો ખરું જ પણ જે કામનો જે સમય નક્કી કર્યો હોય એ સમયે એ કામ કરવું જ, એથીયે આગળ કામ શરુ કરવાની સાથે કામ પૂરું કરવાનો સમય પણ નક્કી કરી લેવાથી કામ માટેની ગંભીરતા પણ રહે. ટૂંકમાં ગાંધી જેવા થઈએ એ શક્ય ણ હોય પણ ગાંધીએ પોતાના ઉદાહરણરૂપ જીવનથી જે માર્ગ ચીંધ્યો તે માર્ગે ચાલવાનો પ્રયત્ન પણ ગાંધીજયંતિની સાચી ઉજવણી બને.

-ચાલો, આપણે સહુ આપણામાં ગાંધીને શોધીએ, પ્રગટ કરીએ અને અનેક નાના નાના ગાંધીથી એક વિરાટ પુરુષ ગાંધી સર્જીએ.

શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “ચાલો, ગાંધીને શોધીએ…

  1. એક વિચાર – ન ગમે તો આગોતરી ક્ષમાયાચના.
    ગાંધીજીને આમ વર્ષે એક વાર કે થોડીક વધારે વાર યાદ કરવાની રસમ થઈ ગઈ છે. ભલે થાય. આપણા પોતાના જન્મદિનની ઉજવણી અને વધામણી જેવું સારું લાગે છે.

    પણ આજના યુગમાં પણ, આપણી આજુબાજુ સાવ નાના પાયે, સાવ નાનું સત્કાર્ય કરતા અદના જણ હોય જ છે. એમને પોંખવા માટે ચપટીક કાળજી રાખીએ તો?

Leave a Reply

Your email address will not be published.