સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૦) ફિલ્મી ગીતોમાં તાલ

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

 ગીતની સહાયક અંગથી લઈને તેનો ખુબ જ પ્રભાવશાળી તેમ જ પ્રભાવશાળી હિસ્સો બનવા સુધીની લાંબી મજલ તાલે તય કરી છે. ફિલ્મોમાં સંગીત ૧૯૩૦ના દાયકાની શરૂઆતથી આરંભાયું તે છેક ૧૯૯૦ના અરસામાં ‘દેખા હૈ પહેલી બાર સાજન કી આંખોં મેં પ્યાર’  કે પછી ‘તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત’  તથા ‘રંગીલા’ અને એવી અનેક ફિલ્મોનાં તાલનો પ્રભાવ ધરાવતાં ગીતો સુધી પહોંચ્યું.

તાલકેન્દ્રી સંગીતની મહત્તા સૌ પ્રથમવાર ૧૯૪૧માં ફિલ્મ ‘ખજાનચી’ ( સાવન કે નજારે હૈ ) થકી સ્થાપિત થઈ..

ગુલામ હૈદરે તાલનાં જટિલ પાસાંઓના પ્રવાહી શૈલીમાં કરેલા પ્રયોગો વડે ઈક તેરા સહારા (શમા,૧૯૪૬) અને અબ દિલ મેં હૈ બરબાદ તમન્ના કે સિવા ક્યા ( મહેંદી,૧૯૪૭) જેવાં ગીતોના અંતરંગ માધુર્યમાં પણ નિખાર આવવા લાગ્યો. સમજી શકાય છે કે હૈદરના તબલાવાદક મંઝૂર અન્ય સંગીતકારો માટે ઈર્ષ્યાનું કારણ બની રહ્યા. ગુલામ હૈદર એમના ‘આટે કા બાંયા’ના પ્રયોગ વડે નિપજાવેલા તાલની અસરના લીધે પણ ચર્ચામાં રહેતા હતા. ( ડાબા હાથે વગાડાતા તબલાની મધ્યમાં લગાડાતી કાળી શાહીની સાથે લોટના છંટકાવ વડે બનતી લુગદી જેવી બનાવટ લગાડવામાં આવતી). એ જમાનાના ધ્વનિમુદ્રણની મર્યાદાઓને લઈને  અમુક ગીતોના માધુર્યને ઉપસાવવામાં તાલના પ્રચ્છન્ન પ્રદાનને માણી નથી શકાતું, એ આપણી કમનસિબી છે.

અન્ય સંગીતકારોએ પણ તાલના ઉપયોગની પોતપોતાની વિશિષ્ટ શૈલીઓ વિકસાવી. એક સંગીતકાર તરીકેની તેમ જ તાલના સુરેખ ઉપયોગ માટેની ખેમચંદ પ્રકાશની સજ્જતાનો અંદાજ તેમનાં સંગીતબદ્ધ કરેલાં નૈના રો રો કે રહ જાયે (સમાજ કો બદલ ડાલો,૧૯૪૭) અને ના તુમ આયે, ના નીંદ આયી( રીમઝીમ, ૧૯૪૯) જેવાં ગીતો સાંભળીને આવી શકશે. પણ, કમભાગ્યે તેમનું મૃત્યુ ૪૨ વર્ષની વયે ૧૯૫૦માં થયું.

શ્યામસુંદરે ફિલ્મ ઢોલક(૧૯૫૧)ના ગીત મૌસમ આયા હૈ રંગીનના આરંભિક સંગીતમાં એક કરતાં વધારે ઢોલકનો પ્રયોગ કર્યો. તે અસાધારણ પ્રતિભા ધરાવતા સંગીતકાર હતા. બે વર્ષ જેટલી લાંબી બિમારી દરમિયાન પણ તેમની પ્રતિભાનો ક્ષય થયો નહોતો. તાલના ઉપયોગથી ગીતની વેદનાને શી રીતે ઉભાર આપી શકાય એનો પૂરાવો એટલે તેમણે સંગીતબદ્ધ કરેલું ફિલ્મ અલીફ લૈલા(૧૯૫૩)નું ગીત બહાર આયી ખીલી કલિયાં. નૌશાદે એમની યાદગાર ફિલ્મ રતન(૧૯૪૪)માં પૂરવાર કરી આપ્યું એમ દરેક સંગીતનિર્દેશકે ગીતમાં સંગીત અને લયનું સંમિશ્રણ કરતી વેળા પોતાની વિશિષ્ટ છાપ ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે.

૧૯૪૦ના અરસામાં મોટા ભાગે મહારથી સંગીતકારોએ કરેલા તાલના ઉપયોગ થકી ગીતો લોકપ્રિય બનતાં હતાં. તેમ છતાં તાલનો ફાળો બીજા ક્રમનો જ ગણાતો રહેતો હતો. ફિલ્મી સંગીતમાં ઢોલકનો ઉપયોગ કરનારા શરૂઆતના સંગીતકારોમાંના એક ગુલામ મહમ્મદ હતા. બરસાત મેં હમ સે મીલે તુમ સજન ( બરસાત, ૧૯૪૯)માં ઢોલ વડે ખાસ અસર નીપજાવવા માટે રાજકપૂરે (ધ્વનિમુદ્રક મીનુ કાત્રકના સૌજન્યથી, અલબત્ત) ગુલામને તેડાવ્યા હતા.

ગુલામ મહમ્મદે ૧૯૩૦ના દાયકાના મધ્યભાગમાં ઈનાયતી બેગમ શેરેવાલીના કંઠે ગવાયેલાં ગૈરફિલ્મી ગીતોમાં પણ ઢોલકવાદનના પ્રયોગો કર્યા હતા. ચોક્કસ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન કરવા માટે એ ઢોલક વગાડતી વખતે આંગળીમાં વીંટી પહેરતા હતા (જમાલ સેન આ જ હેતુ માટે આંગળીના નખનો ઉપયોગ કરતા હતા). દિલ કા સહારા તૂટ ન જાયે (પારસ, ૧૯૪૯) અને જીયા લાગે નહીં મેરા દેખો દેખો સજન બિન (પરદેસ, ૧૯૪૯) જેવાં ગીતો સાંભળીને કહી શકાય કે ગુલામ મહમ્મદનાં બનાવેલાં હલકદાર ગીતોનું શ્રેય એમણે કુશળતાપૂર્વક કરેલા તાલના ઉપયોગને પણ આભારી છે.

ગુલામ મહમ્મદ

માધુર્ય અને તાલના સુયોગ્ય સંમિશ્રણ થકી ગુલામ મહમ્મદનું સંગીત સમયના સીમાડાથી બંધાઈને કેદ થવાથી બચી ગયું. પાકીઝા(૧૯૭૧)ના સંગીતની અપ્રતિમ સફળતાને જોવા માટે એ જીવિત ન રહ્યા એ ગમગીન કરી દે એવી હકીકત છે. તાલના ઉપયોગ વડે ગીતને ઉઠાવ આપવાની એમની અસાધારણ ક્ષમતાનો પરિચય થાડે રહીયો ઓ બાંકે યાર અને ઈન્હી લોગોં ને લે લીયા જેવાં એ ફિલ્મનાં ગીતોમાં મળી આવે છે.

(એ અરસામાં) મુખ્યત્વે ભારતીય તાલવાદ્યોનો ઉપયોગ થઈ રહ્યો હતો, પણ સમયસમયે પાશ્ચાત્ય તાલના પ્રયોગો પણ થતા રહેતા હતા. અનિલ બીશ્વાસે ફિલ્મ અલીબાબા(૧૯૪૦)ના ગીત હમ ઔર તુમ ઔર યે ખુશી વૉલ્ટઝ તરીકે જાણીતા પાશ્ચાત્ય લયનો ઉપયોગ કર્યો હતો. ૧૯૪૬માં પંકજ મલ્લિકે પોતાનાં બે ગૈરફિલ્મી ગીતો _ પ્રાન ચાહે નૈન ન ચાહે અને યાદ આયે કે ન આયે તુમ્હારી _ ને પાશ્ચાત્ય તાલ વડે સજાવ્યાં હતાં. કાસાનોવા નામના એક યુરોપીયન સંગીતકારની નિગેહબાની હેઠળ ધ્વનિમુદ્રીત થયેલાં આ ગીતોનો ‘નવી શૈલી’ના સંગીત તરીકે બહોળો પ્રચાર કરાયો હતો. સમય વિતવાની સાથે ગીતોમાં તાલનું પ્રાધાન્ય વધતું ચાલ્યું. ઉદાહરણ તરીકે બરસાત મેં હમ સે મીલે તુમ સજન, લારા લપ્પા લારા લપ્પા (એક થી લડકી, ૧૯૪૯) અને ઘર આયા મેરા પરદેસી (આવારા, ૧૯૫૧) જેવાં ગીતો ગણાવી શકાય.

ઓ પી નૈયરે એક ડગલું આગળ વધીને તાલને જ પોતાનાં સ્વરનિયોજનોનો મુખ્ય આધાર બનાવ્યો. ૧૯૮૦ના દાયકાની શરૂઆત થતાંની સાથે ઘોંઘાટ અને ધમાલનો જમાનો આવી ગયો. નિરર્થક અને ઘોંઘાટીયું સંગીત પૂરેપૂરું હાવી થઈ ગયું. ધૂનની આછીપાતળી પણ મહત્તા તાલને ઉપસાવવા માટે જ રહેવા લાગી. શ્રોતાઓ જ્યારે માધુર્યસભર ધૂનનું સામ્રાજ્ય હતું અને તાલનો ઉપયોગ સહાયક તરીકે કરાતો હતો, એ સમયની યાદમાં હિજરાવા લાગ્યા. નવા યુગમાં સ્વરનિયોજન કરનારા (સંગીતકારો નહીં પણ) ‘ધૂનબાજો’ દ્વારા વધતા ચાલેલા ઈલેક્ટ્રોનીક વાદ્યોના વપરાશને લીધે તબલાં, મૃદંગ અને ઢોલક જેવાં તાલવાદ્યોની અસર ઓસરવા લાગી છે. આમ થતાં સંગીત એનો મૂળ જાદુ ગુમાવી બેઠું છે. લોકપ્રિયતા હવે કામચલાઉ બની રહી છે. નૌશાદ કટાક્ષમાં કહેતા કે સારંગી, શરણાઈ, વીણા કે મૃદંગ જેવાં જમાનાઓ વિતાવી ચૂકેલાં વાદ્યોને જોવા સંગ્રહાલયમાં જવું પડે એવો દિવસ દૂર નથી. ગ્લાનિની લાગણી સાથે કહેવું રહ્યું કે એ દિવસ આવી ગયો છે.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.