ગેરકાયદે વસાહતી

વાંચનમાંથી ટાંચણ                       

સુરેશ જાની

‘મારું કિન્સેનેરા ક્યારે અને શી રીતે થશે?’

     આ પ્રશ્ન જુલિસાને દિવસ રાત સતાવતો હતો. વારંવાર પૂછવા છતાં, મામી (સ્પેનિશમાં મમ્મી) આ બાબતમાં કશો ફોડ પાડતી ન હતી. ચીઢિયા અને મિજાજી સ્વભાવના પાપીને( સ્પેનિશમાં પપ્પા)  પૂછવાનો તો કશો અર્થ જ ન હતો. જુલિસાને માબાપની આર્થિક મુશ્કેલીઓની બરાબર જાણ હતી.  છેવટે જુલિસાએ કંટાળીને મામા અને માશીને ફોન કર્યા. એની પર અનહદ પ્રેમ રાખતાં આ સંબંધીઓના સધિયારાથી   મેક્સિકોના ગુરેરો પ્રાંતના એમના શહેર ટેક્સકોમાં પાર્ટી માટેના સ્થળના ભાડા અને જમવાના ખર્ચની બાંહેધરી જુલિસાને મળી ગઈ.

મેક્સિકો અને મોટા ભાગના લેટિન અમેરિકન દેશોમાં છોકરી પંદર વર્ષની થાય ત્યારે એની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. એને કિન્સેનેરા કહેવામાં આવે છે. દરેક છોકરી માટે આ બહુ ઉત્સાહ અને ઉમંગની ઘટના હોય છે. બાલ્યકાળમાંથી યુવતિ બનવાની એને ખુશાલી હોય છે. સ્વાભાવિક રીતે જુલિસા પણ એનાં સપનાં સેવી રહી હતી.

છેવટે એણે માને આ બાબત જણાવી દીધું – “તમે બન્ને ખર્ચની ચિંતા ન કરતા. મેં મામા અને માશી સાથે આ બધું નક્કી કરી દીધું છે. “

ત્યારે માએ બોમ્બ ધડાકો કર્યો ,”તું અહીં ગેરકાયદે રહે છે. તારો મૂલાકાતી તરીકેનો વિસા તો ક્યારનો ય ખતમ થઈ ગયો છે. હવે તું કદી મેક્સિકો પાછી ન જઈ શકે.”

એ ધડાકા સાથે જુલિસાનો ભ્રમનો અંચળો ચીરાઈ ગયો. એના માથે આભ ટૂટી પડ્યું.

———-

ટેક્સાસના મોટા શહેર સાન એન્ટોનિયામાં જુલિસાનાં માબાપ ઘણાં વર્ષોથી ચાંદી અને બનાવટી મેટલનાં દાગીના મેક્સિકોમાંથી લાવી વેચવાનો ધંધો કરતાં હતાં. અવારનવાર દેશમાં જઈ માલ લઈ આવતાં અને તેમાંથી તેમનું ગુજરાન થતું અને દેશમાં મકાન બનાવવાનો અને દીકરીઓના ભણવાનો ખર્ચ નીકળી જતો . બે દીકરીઓ દેશમાં હતી અને નાની દીકરી જુલિસા અને દીકરો જુલિઓ તેમની સાથે રહેતાં હતાં. જુલિઓનો જન્મ અમેરિકામાં થયો હોવાના કારણે તે તો અમેરિકન નાગરિક હતો. પણ જુલિસા ગેરકાયદેસર વસાહતી હતી.

તે દિવસ સુધી જુલિસા એની સપન ભોમકામાં અને પરદેશની નિશાળમાં વિદેશી બાળકને પડતી જફાઓમાંથી રસ્તો કાઢવાના પ્રયત્નોમાં વ્યસ્ત હતી. પણ આ ધડાકાથી એની દુનિયા સાવ બદલાઈ ગઈ.

જુલિસાનું બાળપણ એના શહેર ટેક્સાકોમાં બહુ આનંદમાં વીત્યું હતું. એને એક માત્ર દિલગીરી હતી કે, એનાં માબાપ એની સાથે ખાસ સમય ગાળતાં ન હતાં. એમને  જીવન ગુજારા માટે વેચાણ કરવા મેક્સિકોના વિવિધ શહેરોમાં જવું પડતું. ઘણી વખત તો મહિનાઓ સુધી તેને આ વિરહ સાલતો. ઉપરોક્ત ઘટનાના પાંચ વર્ષ પહેલાં  તેઓ અમેરિકાના ટેક્સાસ રાજ્યના સાન એન્ટોનિયો શહેરમાં સ્થાયી થયાં હતાં અને વર્ષે માંડ એક વાર મેક્સિકો જઈ શકતા.

૧૧ વર્ષની ઉમરે જુલિસાને પણ માબાપ સાથે અમેરિકામાં રહેવાની તક મળી. પણ એ સાથે જ એનું  જીવન નવી જાતની વ્યથાઓથી ઊભરાવા લાગ્યું. માબાપ સાથે રહેવાનો આનંદ તો દૂર રહ્યો; પણ નિશાળમાં વસાહતી વિદ્યાર્થિની તરીકે સાથી સહેલીઓની ટીકાઓ, અવજ્ઞા અને ખામી ભરેલા અંગ્રેજી ઉચ્ચારોને કારણે ઉપહાસ – એ રોજની બબાલ બની ગયાં. એની  મા તો અહીં પણ ભાગ્યે જ ઘેર રહેતી. વેપારમાં બાપની અણઆવડત અને કઠોરતાના કારણે તે જુલિસા અને જુલિઓને સાચવવા ઘેર રહેતો હતો. પણ એની સતત હાજરી, દારૂ પીવાની અનિયંત્રિત આદત, અને નિર્દય  વ્યવહાર જુલિસાને માટે વધારાની વ્યથા બની ગયાં હતાં.

જુલિસાની આ વ્યથાઓમાં ઉપર ની ઘટના બાદ પાછા મેક્સિકો ડિપોર્ટ થઈ જવાના ભયનો ઉમેરો થયો. બે વખત માબાપના વેપારમાં સાથીએ બેઇમાની કરી  ચાંદીના ઘરેણાંઓ ચોરી લીધા. મધ્યમ વર્ગમાંથી હવે તેઓ સાવ ગરીબીની અવસ્થામાં પટકાઈ ગયાં/ એમને ઘરેણાંનો વેપાર ઓછો કરવો પડ્યો અને મોલ કે વિવિધ ઠેકાણે ફનેલ કેક બનાવી ગુજરાન ચલાવવાની નોબત આવી ગઈ. આ અત્યંત મહેનતનું કામ હતું.

આ બધી વ્યથાઓ વચ્ચે જુલિસાએ નક્કી કર્યું કે, શાળાના અભ્યાસ પર અને અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું, અને સ્નાતક બની ઉજળિયાત વ્યવસાયમાં આગળ ધપવું. તેના આત્મબળના પ્રતાપે આ બધી ઉપાધિઓ વચ્ચે પણ, અભ્યાસમાં એની પ્રગતિ થતી ગઈ.

પણ, વિધિની વક્રતા તો જુઓ. એક દિવસ ફનેલ કેક બનાવતાં બળતણની ટાંકી ફાટી અને એની મા સખત રીતે દાઝી ગઈ.  ત્રણેક મહિને તે બચી તો ગઈ. પણ તેના મગજને બહુ ઈજા થઈ હતી. આખા કુટુમ્બની આવકનો આધાર એની મા પર હતો. હવે તે બહુ જલદી થાકી જતી અને એની યાદદાસ્ત પણ બહુ નબળી પડી ગઈ હતી. હવે આ કામમાં તેને મદદ કરવાની જવાબદારી પણ જુલિસાના માથે આવી ગઈ.

આમ છતાં તેણે શાળાનો અભ્યાસ  બહુ સારા ગ્રેડથી પૂરો કર્યો. હવે કોલેજમાં પ્રવેશ મેળવી, સ્નાતક બનવાનું સ્વપ્ન તેણે સેવવા માંડ્યું. પણ ગેરકાયદે વસાહતીને કઈ કોલેજ પ્રવેશ આપે? સોશિયલ સિક્યોરિટી નંબર  ન હોવાના કારણે ૧૦૦ થી વધારે કોલેજોમાંથી જાકારાના આઘાતો જુલિસાને જીરવવા પડ્યા.

દુખિયાંનો બેલી રામ! ૨૦૦૧ની સાલમાં ટેક્સાસની સરકારે જુલિસા જેવાં ગેરકાયદે વિદ્યાર્થીઓને પણ કોલેજ પ્રવેશ મળી શકે, તેવો કાયદો કર્યો. [ house bill 1403, Texas]. અનેક નીરાશાઓ વચ્ચે જુલિસાને માટે આશાનું એક કિરણ ઝળકી ઊઠ્યું. એને ઓસ્ટિનની પ્રતિષ્ઠિત કોલેજમાં બીઝનેસ એડમિનિસ્ટ્રેશન  વિષય માટે પ્રવેશ મળ્યો.

પણ, હતાશ બનેલા એના બાપનો સ્વભાવ વધારે ને વધારે બગડતો ગયો. દારૂની લત પણ હવે એના માટે એક રોગ બની ગઈ હતી. આ બધાંના પ્રતાપે છેવટે એનાં માબાપે મેક્સિકો પાછા  જવાનું નક્કી કર્યું. હવે જુલિસા એકલી પડી ગઈ. એની બહેન અને બનેવી સાન એન્ટોનિયોમાં સ્થાયી થયાં હતાં – એ જ એનો એક સહારો હતો. પણ અભ્યાસનો ખર્ચ કાઢવા તે શનિ રવિ સાન એન્ટોનિયો જતી અને ફનેલ કેક બનાવી વેચવાનો  અત્યંત પરિશ્રમ વાળો ધંધો એકલા હાથે ચાલુ રાખતી.

આ બધા આઘાતોના કારણે જુલિસાનું પોત હવે વજ્જર જેવું બની ગયું હતું. ધીમે ધીમે નસીબ પણ એને યારી આપવા લાગ્યું. બધી જ અગવડોને અતિક્રમીને ૨૦૦૪ની સાલમાં જુલિસા બહુ સારા ગ્રેડ સાથે ગ્રેજ્યુએટ બની શકી. બીજા જ વર્ષે ન્યુ યોર્કના વોલ સ્ટ્રીટની પ્રતિષ્ઠિત કમ્પની ગોલ્ડમેન સાખ્સમાં તેને નોકરી પણ મળી ગઈ. અપ્રતિમ નિષ્ઠા અને થાક્યા વિના કામ કરવાના વર્ષોના મહાવરાએ તે વાઈસ પ્રેસિડેન્ટના પદ સુધી પહોંચી ગઈ. ૨૦૧૧ માં તે પ્રખ્યાત  મેરિલ લિન્ચ કંપનીમાં જોડાઈ.

સફળ કારકિર્દીના કારણે જુલિસાને અમેરિકન નાગરિક જીવનસાથી પણ મળી ગયો, જેના પ્રતાપે ૨૦૦૯ની સાલમાં તેને ગ્રીન કાર્ડ મળી ગયું. છેવટે ૨૦૧૪ના ઓગસ્ટ મહેનામાં તેનું અમેરિકન સપનું સાકાર બન્યું અને તે અમેરિકન નાગરિક બની શકી.  હવે તો જુલિસા પતિ સાથે  લોસ એન્જેલસમાં રહે છે, અને તેના જેવા અનેકને ઇમિગ્રેશન અને શિક્ષણ માટે સલાહ આપે છે. તેમને માટે જુલિસા મસીહા છે.૨૦૧૨માં અન્ય લોકોની સહાયથી તેણે Ascend Education Fund ની સ્થાપના કરી છે. એ ફંડમાંથી અત્યાર સુધીમાં  ૫ લાખ ડોલરની સ્કોલરશીપો આપવામાં આવી છે.

પોતાની જીવનકથાનાં બે પુસ્તકો પણ તેણે લખ્યાં છે; જેને જબરો પ્રતિસાદ મળ્યો છે. એના નીચેના પુસ્તકના આધારે જ આ ટૂંક પરિચય બનાવી શકાયો છે.

સંદર્ભ –

http://julissaarce.com/biography

https://en.wikipedia.org/wiki/Julissa_Arce

https://ascendfundny.org/

https://sites.udel.edu/movingfictions/the-books/someone-like-me-arce-bio/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: surpad2017@gmail.com

Author: Web Gurjari

1 thought on “ગેરકાયદે વસાહતી

Leave a Reply

Your email address will not be published.