‘વિકાસ’ને ‘વિનાશ’ના પર્યાય તરીકે મૂકીએ તો?

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કહાણી એની એ જ છે, પાત્રો પણ એનાં એ જ. વન, તેમાંથી પસાર થતો ધોરીમાર્ગ, તેના વિસ્તરણ માટેનું આયોજન, એ અંગેની અધિકૃત પરવાનગી માગવી અને આ બાબતનો વિરોધ. પરિણામ હજી આવ્યું નથી, પણ એ શું હશે એ કલ્પવું મુશ્કેલ નથી.

કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાંથી બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.181 અને બીજો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.788. ધોરીમાર્ગ નં.181 તમિલનાડુના કોઈમ્બતુરથી કર્ણાટકના ગુન્‍ડલુપેટ સુધીનો છે, જેનો ઉપયોગ ઉટી જનારા પ્રવાસીઓ મહત્તમ કરે છે અને એ કારણે આ ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર ઘણો રહે છે. આ જ કારણથી તેને પહોળો કરવાની માગણી ‘ભારતીય રાજકીય રાજમાર્ગ પ્રાધિકરણ’ (એન.એચ.એ.આઈ.) દ્વારા કેન્‍દ્રના પર્યાવરણ મંત્રાલય પાસે માગવામાં આવી છે. આમ કરવા માટે તેમને ચોવીસ એકરનો વનવિસ્તાર જોઈએ છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં રહેતી વાહનોની અવરજવરને કારણે પ્રાણીઓના અકસ્માતની અનેક ઘટનાઓ બનતી હતી. આ અકસ્માતનો ભોગ બનેલાંમાં હાથી અને વાઘથી લઈને દીપડો, ચીતળ, સાબર, હરણ, લંગૂર જેવાં વિવિધ શ્રેણીનાં પ્રાણીઓનો સમાવેશ થતો હતો. આથી કર્ણાટક વડી અદાલતે માત્ર આપાતકાલીન વાહનો અને જાહેર પરિવહનની સોળ બસોના અપવાદ સિવાય આ વિસ્તારમાં રાત્રે વાહનવ્યવહાર બંધ કરાવેલો છે.

અપેક્ષા મુજબ જ આ સમાચારથી પર્યાવરણપ્રેમીઓ નારાજ થઈ ગયા છે, કેમ કે, અગાઉ સંરક્ષિત વિસ્તારોમાંથી પસાર થતા માર્ગ અંગેની માર્ગદર્શિકા બાબતે નેશનલ બૉર્ડ ફોર વાઈલ્ડલાઈફની ઉપસમિતિએ ઠરાવેલું કે રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘના મહત્ત્વના આવાસ હોય એવા વિસ્તારોમાંથી પસાર થતા માર્ગને ‘એમના એમ’ રખાશે. તેના ‘વર્તમાન સ્વરૂપ અને પહોળાઈ’ની મરમ્મત કરી શકાય, પણ તેનું વિસ્તરણ કરવું નહીં. અલબત્ત, બાંદીપુરને લગતા ઈકો-સેન્‍સિટીવ ઝોનના અધિનિયમ અનુસાર અહીંના માર્ગનું વિસ્તરણ નિયમિત શ્રેણી અંતર્ગત આવતું હોવાથી તે કરી શકાય ખરું, પણ તે માટેના યોગ્ય ઉપાય તેમજ પર્યાવરણ પ્રભાવનું આકલન (એન્‍વાયર્નમેન્‍ટ ઈમ્પેક્ટ એસેસમેન્‍ટ) કર્યા પછી જ.

વન્યજીવન કર્મશીલ ગુરુપ્રસાદ તિમ્માપુરના જણાવ્યા અનુસાર ‘ભારતીય રાજકીય રાજમાર્ગ પ્રાધિકરણ’ દ્વારા કરાયેલી અરજીમાં જણાવાયું છે કે આ પ્રકલ્પ માટે પર્યાવરણ પ્રભાવનું આકલન કરવાની કશી જરૂર નથી. આ કાનૂનનો ખુલ્લો ભંગ છે.

આ મામલે સરકારી બાજુ પણ જોવા જેવી છે. ભારતીય રાજકીય રાજમાર્ગ પ્રાધિકરણ, બંગલૂરુના કાર્યપાલક ઈજનેરે માયસુરૂના સહાયક કાર્યપાલક ઈજનેરને આ વર્ષની 29 મેના રોજ લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે આ કામ શરૂ કરવામાં વનવિભાગ તરફથી કશો અવરોધ નથી. મુખ્ય વન સંરક્ષક (વન્ય જીવ) વિજયકુમાર ગોગીએ એક અખબારને જણાવ્યા અનુસાર રાજ્યના વનવિભાગને આ પ્રકલ્પને મંજૂરી આપવાની કોઈ દરખાસ્ત મળી નથી. આવું કશું પણ થવાનું હોય તો ભારતીય રાજકીય રાજમાર્ગ પ્રાધિકરણ સીધેસીધો કેન્‍દ્ર સરકારનો સંપર્ક કરી ન શકે. વિધિ અનુસાર તેમણે રાજ્યના વન વિભાગને નોડલ ઑફિસરના સ્તરે જાણ કરવી પડે અને સાથેસાથે તેમણે વાઈલ્ડલાઈફ બૉર્ડને એ અરજી મોકલવી પડે.

પર્યાવરણ જાળવણી સાથે સંકળાયેલા કર્મશીલો કહે છે કે બાંદીપુર જેવાં સ્થળો દેશના ભૌગોલિક વિસ્તારનો માત્ર એકાદ ટકો રોકે છે, આથી આ સૂચિત વિસ્તરણની પરવાનગી કોઈ પણ ભોગે અપાવી ન જોઈએ. વર્તમાન કાનૂન અને માર્ગદર્શિકાઓ અનુસાર પણ એ મળી શકે એમ નથી. આમે અહીંથી પસાર થતા બબ્બે ધોરી માર્ગોને કારણે વન્યજીવનને પૂરતી ખલેલ પહોંચેલી છે. પ્રવાસીઓની આવનજાવનને કારણે ઘોંઘાટ, કચરો વગેરે વધારાની સમસ્યાઓ છે. વાહનોની અવરજવર વન્ય જીવોના વિચરણમાં આડખીલી બનેલી છે. હજી એ માર્ગ વિસ્તારવામાં આવે તો આ વિપરીત અસર વધતી જ જવાની. તેમને એવી પણ આશંકા છે કે ભવિષ્યમાં મુદુમલાઈમાંથી પસાર થનારા માર્ગ માટે પણ ભારતીય રાજકીય રાજમાર્ગ પ્રાધિકરણ આવી જ માંગ કરશે.

આ ઘટનાક્રમ દેશનાં વિવિધ રાજ્યોમાં એક યા બીજી રીતે ચાલતો જ રહ્યો છે. વિકાસના નામે ચાલી રહેલી આંધળી દોટમાં પર્યાવરણનો ખો વાળવાની હોડ કેવળ આપણા દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ચાલી રહી હોય એમ લાગે છે. પર્યાવરણના ભોગે વિકાસની યોજનાઓ ઘડાય, એ અગાઉ પર્યાવરણ પર થનારી વિપરીત અસરોનો અભ્યાસ થાય, એના અમલની બાંહેધરીઓ અપાય, પણ સરવાળે પર્યાવરણને જે નુકસાન થવાનું હોય એ થઈને રહે. કારણ સ્પષ્ટ છે. અસરગ્રસ્ત વૃક્ષો, વનસ્પતિ કે વન્ય જીવો ક્યાં કદી કહેવા કે ફરિયાદ કરવા માટે આવવાના છે કે તેમની પર શી વીતી છે! ભરપાઈ થઈ ન શકે એવું નુકસાન પર્યાવરણને સતત થતું આવ્યું છે, પણ હવે તેની ગતિ જાણે કે ઉતરતા ઢાળેથી ગબડવા જેટલી ઝડપી બની ગઈ છે.

બાંદીપુરના ટાઈગર રિઝર્વમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કદાચ પહોળો થતો અટકશે, તો પણ ભવિષ્યમાં તેનું વિસ્તરણ નક્કી જ છે. વનવિસ્તારમાં આ રીતે માનવોની ઘૂસણખોરીનો કોઈ અંત નથી. એક યા બીજા બહાને એ સતત ચાલતી આવી છે. પર્યાવરણ અંગેની જાગૃતિ નહોતી ત્યારે આડેધડ શિકાર કરીને વન્ય પશુઓનો ખાત્મો બોલાવ્યો. પર્યાવરણ બાબતે જાગૃતિ આવ્યા પછી કેવળ વન્ય જીવો જ નહીં, સમગ્ર વન્ય સૃષ્ટિ અને એ રીતે પર્યાવરણનો જ ખુરદો બોલાવાઈ રહ્યો છે. હવે તો પર્યાવરણ પર થતી વિપરીત અસરો વિશે પૂરેપૂરી જાણકારી છે, એટલું જ નહીં, એવી વિપરીત અસરોનો આરંભ સુદ્ધાં થઈ ગયો છે. વક્રતા એ છે કે આ બધું વિકાસના નામે થાય છે. અધોગતિ અને વિનાશ જેવા શબ્દોના પર્યાય તરીકે વિકાસ શબ્દને મૂકવાનો સમય ક્યારનો પાકી ગયો છે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩- ૦૯–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

2 thoughts on “‘વિકાસ’ને ‘વિનાશ’ના પર્યાય તરીકે મૂકીએ તો?

  1. આ જ રીતે હમણા વાંચવા મા આવ્યું કે વેરાવળ થી એક બરોડગેજ લાઇન ગીર ના જંગલ માથી પસાર થવા ની છે જેનું કામ તરત મા શરુ થશે . આ રીત ગીર ના પરયાવરણ ને ખુબ જ નુકશાન પહોંચી શકે તેમ છે , વિકાસ ગાંડો થયો છે એન નથી લાગતું ?

Leave a Reply

Your email address will not be published.