માનવતાના ભેરુ : વ્યક્તિચિત્રોનું હૃદયસ્પર્શી આલેખન

પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ

આ પુસ્તકના લેખોના પરિચયમાં કહેવાયું છે, ‘ભારતીય સંસ્કૃતિના માનવમૂલ્યોનું જતન કરતાં રેખાચિત્રો.’ એ રીતે આ પુસ્તકમાં વિવિધ વ્યક્તિઓનાં રેખાચિત્રોનો સંગ્રહ છે.

લેખક ભગીરથ બ્રહ્મભટ્ટનું આરંભિક જીવન ગામડામાં વીત્યું હોવાથી ગ્રામ્ય જીવન અને ત્યાંના ભોળા જીવંત પાત્રોને તેમણે નજીકથી જોયા તેમજ અનુભવ્યા હતા. એ માટેની તેમની નજર પણ કેળવાઇ હતી.

કાર્યકાળની શરૂઆતે વિદ્યાનગરની નલિની આર્ટ્સ કોલેજના ચંદુ નામના સેવકપાત્રમાં લેખકને રસ પડ્યો. તે કોલેજના નોટીસ બોર્ડ પર દરરોજ સુંદર મરોડદાર અક્ષરે સુવાક્યો લખતો. તેના સુવાક્યોની કેટલાકે નોટ પણ બનાવી હતી. જેટલું સુંદર એ લખતો એવું જ સુંદર તેનું હૃદય હતું. પૂરી નિષ્ઠાથી કોઈ પણ કામ માટે ‘જી સાહેબ’ કહીને તત્પર રહેતો. લેખકે જે દિવસે તેને મળવાનું નકકી કર્યું, કમનસીબે એ જ તેના જીવનનો આખરી દિવસ નીવડ્યો! ‘ખોબો ભરી અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા.’ આ તેની બોર્ડ પર લખાયેલી આખરી પંક્તિ હતી. આ ઘટનાથી વ્યથિત થયેલા લેખકે ચંદુનું કાગળ પર અવતરણ કરાવ્યું, જે ‘કુમાર’માં પ્રકાશિત થયું હતું.

1977થી હંગામી ધોરણે પેટલાદ આર્ટસ્ કોલેજથી કારકિર્દીની શરૂઆત કરીને છેલ્લે ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીથી 2016માં નિવૃત્ત થતાં સુધીમાં તેઓ એવાં કેટલાંય પાત્રો સાથે પરિચયમાં આવ્યા જેમનામાં માણસાઈ હજી ધબકતી હોય! ભગીરથભાઈની કલમે ગામનો ઢોલી, ભૂવો, કોલેજનો પટાવાળો, રોજનું પેટિયું રળતો મજૂર, શાળાનો વિદ્યાર્થી, મદારી વગેરે જેવા અત્યંત સાધારણ કક્ષાનાં વ્યક્તિઓનાં રેખાચિત્રો આંક્યા, કે જેમનું  અસાધારણપણું તેમના માનવીય ગુણોમાં ઝળકતું હતું. આ એવાં પાત્રો છે કે જે તેમની – આપણી આસપાસનાં જ હોવાથી વાચક સહેલાઈથી જે-તે પાત્ર સાથે પોતાનું અનુસંધાન સાધી શકે. લેખકના પરોપકારી દાદા ઢઢોભા, કપડાં સીવવાનો ઉસ્તાદ કારીગર રામો મેરાઈ, બે પત્નિ સાથે મોજથી જીવન ગુજારતા જાડીયા જમાદાર કે કોઈ પણ બગડેલી ચીજને ઝડપથી રિપેરીંગ કરતા ઓપરેટર વગેરે આવા પાત્રો છે. વિશે વાંચતી વખતે ઘણું કરીને વાચકને તેની આસપાસની કોઈ ને કોઈ આ પ્રકારની વ્યક્તિની યાદ આવી જાય તેટલાં સરળ અને સાહજિક આલેખનો છે.

આમાંનાં કેટલાક કુમાર, નવનીત સમર્પણ, ઉદ્દેશ, વિશ્રામ વગેરે જેવાં સામયિકોમાં પ્રગટ પણ થયા. આ પુસ્તકમાં ભગીરથ બ્રહ્મભટ્ટે ઊંડી અનુકંપાથી આલેખેલા આવાં કુલ એકત્રીસ રેખાચિત્રો સમાવિષ્ટ છે.

ગામઠી વાતાવરણની હવા બાંધતા વર્ણન સાથે તદ્દન સરળ ભાષા અને ‘ચ્યોંથી આબ્બું થ્યું?’, ‘કુના ત્યો?’, ‘હારુસ.’, ‘પોણી પૌ સું’, જેવી તળપદી બોલીના છૂટથી ઉપયોગ  એ લેખનની ખાસિયત છે. ઘણે ઠેકાણે માત્ર એકાદ વાક્યથી પાત્રોની ઓળખ છતી થઈ છે તે ખાસ નોંધનીય છે. જેમ કે,

  1. રામસિંહની નિર્લેપતા – ‘ખાખી ગણવેશ પાછળ તેની ભાવનાઓનું ભગવાપણું સંતાડી રાખ્યું છે.’
  2. ઉદોજી – ‘ખેતરની મોકળાશ સીધી એના હૃદયમાં ઉતરેલી.’
  3. હરિભાઈ – ‘પ્રેમ શબ્દમાં કેવળ ખીલવવાની જ નહીં, મુરઝાવાની પણ કેવી ગજબ તાકાત હોય છે!’
  4. ચંદુ – ‘સાહેબ, વસાઈ ગયેલા તાળાનાં માંહલા મૂંઝારા મું જાણે સું.’

આ ઉપરાંત કેટલાંક વાક્યો અત્યંત સરળ હોવા છતાં ઊંડાણથી સમજો એટલીવાર કશું નવું જ નીપજી આવે અને વાચકને બે ઘડી વિચારતા કરી મૂકે તેવાં છે. જેમ કે,

  1. તળાવનું ડહોળું પાણી ઠરી જાય એટલે ચોખ્ખું નો લાગે?
  2. હથેળીમાં કાંટો વાગે ત્યારે એ હાથનો અંગૂઠો એ કાંટો કાઢવાના કામમાં નો લાગે.
  3. ‘ગાય ચલી ગઈ, અબ ગોબર નહીં હોગા.’

પુસ્તકમાં સમાવિષ્ટ કેટલાંક પાત્રો જેમ કે, લગ્ન અને જનસેવામાં લગ્નનો ભોગ આપતા રામસિંહ, ઘરના કકળાટથી વધુ અભ્યાસ ન કરી શક્યો પણ ગામનાં બાળકોને અભ્યાસ માટે ટ્રસ્ટ નીમનાર નરસિંહ, સફાઈકાર્યની સાથે ગામના પ્રત્યેક વ્યક્તિની ઓળખ રાખનાર પરંતુ  ‘માધ્યાની વહુ’ તરીકે પોતાનું અસ્તિત્વ ઓગાળી નાંખેલી શકરીનાં પાત્રાલેખન વાચકના હૈયાને ઝણઝણાવી જાય છે. ઊર્મીગીત, લઘુકથા, ટૂંકીવાર્તા, નિબંધ જેવાં સાહિત્યનાં ક્ષેત્રોમાં ખેડાણ કરી ચુકેલા તથા કુમાર સુવર્ણ ચંદ્રક સહિત અન્ય પુરસ્કાર મેળવી ચુકેલા ભગીરથ બ્રહ્મભટ્ટનું આ પુસ્તક ‘માનવતાના ભેરુ’ રેખાચિત્રો  આલેખતું પ્રથમ પુસ્તક છે. પ્રથમ વાર 1998માં પ્રકાશિત થયા બાદ તેની ઇસ. 2000માં બીજી અને 2013માં ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ.

પુસ્તકના અંતે અભ્યાસલેખોનો આખો વિભાગ છે, જેમાં લેખક ભગીરથ બ્રહ્મભટ્ટની  આ પુસ્તકના સંદર્ભે લેખનશૈલી, ખામી તેમજ ખૂબી અંગે કેટલીક રસપ્રદ ટિપ્પણીઓ પણ  સામેલ છે. માનવતાના ભેરુ પુસ્તકનો સમાવેશ ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સરદાર પટેલ યુનિવર્સીટી તેમજ એમ.એસ. યુનિવર્સીટીનાં અભ્યાસક્રમમાં કરાયો છે.

*** * ***

પુસ્તક અંગે:

માનવતાના ભેરુ : ભગીરથ બ્રહ્મભટ્ટ

પૃષ્ઠસંખ્યા : ‌ 156
કિંમત : ₹ 125
ત્રીજી આવૃત્તિ, ડિસેમ્બર 2013

મુદ્રક અને પ્રકાશક :  ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ
વિજાણુ સંપર્ક: divinebooksworld@gmail.com
વિજાણુ સરનામું :www.divinepublications.org


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.