આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૧

પ્રવાસી યુ. ધોળકિયા

પ્રસ્તુત લેખમાળાના ૧૦મા મણકામાં આપણે કળિયુગનાં બે ચરણોનો ૩,૦૦૦ વર્ષોનો ઇતિહાસ જોયો. આજના મણકામાં ૧,૨૦૦ વર્ષનું સંક્ષિપ્ત દર્શન કરશું.

કળિયુગ – ત્રીજું ચરણ

બીજું ચરણ જ્યારે સમાપ્તિ પર હતું ત્યારે  સાતવાહન વંશના સમર્થ શાસકો હોવા છતાં, એમના શાસન કાળનાં  છેલ્લાં ૫૦૦ વર્ષ દરમ્યાન અખંડ ભારતના ગાંધાર (અફઘાનિસ્તાન) અને ઉત્તર-પશ્ચિમ, એટલે કે હાલનાં પાકિસ્તાનના, વિસ્તારો પર અનેક મ્લેચ્છ વિદેશી પ્રજાઓએ આક્રમણ કરી તેના પર શાસન ચલાવેલું. એકંદરે ત્રીજા ચરણનું રાજકીય ચિત્ર નીચેના કોઠા પ્રમાણે આકાર લે છે –

વિદેશી પ્રજાઓ અને ભારતીય મૂળના વંશોનાં નામ રાજવીઓની સંખ્યા વિક્રમ સંવત પૂર્વે
વિદેશી પર્શિયનો, યવનો, શકો, પહલ્લવો, તુષાર, મુરુંડો, હુણો અને કેટલાક ખંડિયા રાજાઓ ૧૦૮ ૫૫૦ વિ.સં. પૂર્વેથી ૧૬૫ વિ.સં.
ભારતીય મૂળના આભીર, નાગ, વાકાટક, વનસ્ફર, આંધ્રભર્ત્ય અને પાશ્વગુપ્તો ૪૧ ૧૦૦ વિ.સં. પૂર્વેથી ૨૭ વિ.સં.
ક્ષુદ્રક (માલવ) અવંતિમાં ૧૫ ૨૭ વિ.સં. પૂર્વેથી  ૧૨૫ વિ.સં.
ગુપ્ત વંશ (મગધ)માં ૨૫ ૧૨૫ વિ.સં. થી   ૩૭૫ વિ.સં.
પુષ્યભૂતિ, મૌખરી, મૈકલ અને પલ્લવ ૫૦૦ વિ.સં. થી  ૭૦૦ વિ.સં.

ઉપરોક્ત વંશાવળીઓમાં જે નોંધપાત્ર રાજવીઓ થઈ ગયા તેના વિશે ટુંકી માહિતી અત્રે આપી છે.

શક રાજા આમ્લાટે ભારતના પ્રદેશો જીતીને પ્રથમ શક સંવંતનો વિ.સં. પૂર્વે ૫૫૦માં પ્રારંભ કર્યો. અન્ય એક શક રાજાએ પણ ભારતીય પ્રદેશ જીતવાના ઉપલક્ષ્યમાં બીજા શક સંવંતની શરૂઆત વિ.સં. પૂર્વે ૨૪૫માં કરી હતી. આ બન્ને શક સંવંતો આજે ભારતમાં પ્રચલિત નથી.

તુષાર જાતિના મહાન શાસક કનિષ્કે વિ.સં.પૂર્વે ૨૮૦થી  વિ.સં. પૂર્વે  ૨૩૮ દરમ્યાન ઉત્તર-પશ્ચિમથી મહાન વિશાળ સામ્રાજ્યને અસ્તિત્વમાં આણ્યું. અશોકની માફક તેઓ પણ બૌદ્ધ ધર્મના ચુસ્ત અનુયાયી હતા. કનિષ્કે પણ ભવ્ય વિહારો અને ચૈત્યો બંધાવ્યા હતા અને બૌદ્ધ ધર્મને એશિયાના મહાન ધર્મ તરીકે સ્થાપવામાં અનન્ય ફાળો આપ્યો હતો. તેમની નિશ્રામાં બૌદ્ધ ધર્મની ચોથી સંગતિ (સંમેલન) થયેલ, જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને ગ્રંથોને વ્યવસ્થિત કરવામાં આવ્યા. આ રાજવીના સમયમાં અશ્વઘોષ અને નાગાર્જુન નામના શ્રમણ ધર્મના પ્રકાંડ પંડિતો થયા.

શક યવનોએ લગભગ ૧૦૦ વર્ષ  રાજ્ય કર્યું. આ વંશમાં જ મિલિંદ નામના પ્રખ્યાત સમ્રાટે  બુદ્ધાચાર્ય નાગસેન સાથે વિદ્વતાપૂર્ણ પશ્નોત્તર સ્વરૂપે સંવાદ કર્યો. આ સંવાદ ‘મિલિંદ પન્હ ગ્રંથ’ (મિંલિંદના પ્રશ્નો)ના નામે ગ્રંથસ્થ થયો અને બહુ જ પ્રમાણિત  ધર્મવૈધાનિક ગંથ તરીકે તે સ્વીકૃત છે.. રૂદ્રદામન નામના શાસકે ગિરનારનો પ્રખ્યાત શિલાલેખ આજથી લગભગ ૨,૨૦૦ વર્ષ પૂર્વે કોતરાવ્યો. યવનો પછી વિદેશી મૂળના ૧૩ મુરુંડો અને ૧૧ હૂણોએ ભારતના ઉપરોક્ત વિસ્તારો  પર શાસન ચલાવ્યું. હૂણોમાં સૌથી પ્રખ્યાત શાસક તોરમાણ થયા. પરંતુ હૂણ  શાસક મિહિર હૂણે બૌધ્ધ ધર્મ અને જૈન ધર્મને ભારે ક્ષતિ પહોંચાડી. જોકે તેનો ગુપ્ત રાજાઓએ ભુંડો પરાજય કર્યો. અત્રે એ વાત ખાસ નોંધનીય છે કે આ બધા વિદેશીઓને ભારતીય સંસ્કૃતિએ આત્મસાત કરી લીધા. તેથી એમ કહી શકાય કે આજની ભારતીય પ્રજાઓમાં આ વિદેશીઓનાં રક્તનું સંમિશ્રણ થયું હશે.

ઉપરોક્ત કોઠામાં બીજા ક્રમે દર્શાવેલા ભારતીય મુળના ૪૧ રાજવીઓમાં ભારશિવ નાગો અને વાકાટકોએ ભારતીય રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. વાકાટકોએ આજના મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો પર સારી રીતે રાજ્ય કર્યું. તેઓના પ્રસિદ્ધ રાજાઓમાં વિંધ્યશક્તિ, નાગષેણ અને પૃથ્વીષેણ  થયા. ત્રીજા ક્રમે દર્શાવેલા ક્ષુદ્રક (માલવ)વંશની રાજધાની અવંતિ હતી. આ વંશના પ્રમુખ રાજવી ક્ષુદ્રક વિક્રમ થયા. તેણે હૂણના ક્રૂર રાજા મિહિરકુલનો પરાજય કર્યો. એ વિજયની સ્મૃતિમાં તેણે ત્રીજો શક સવંત ચલાવ્યો. તે શક સંવંત આજે પ્રથમ શક સંવંત તરીકે જાણીતો છે અને ઇસવી સનના વર્શોમાં ૫૭ વર્ષ ઉમેરવાથી મળે છે. વાચકોને આશ્ચર્ય થશે કે કવિ કાલિદાસ એક નહીં પણ બે થયા. મહાકાવ્ય શાકુંતલની રચના કાલિદાસ પ્રથમે ક્ષુદ્રક વિક્રમના સમય દરમ્યાન કરી હતી. તેઓ તેમના રાજકવિ હતા.

આ ચરણમાં સૌથી શક્તિશાળી ગુપ્તવંશ હતો. શ્રીગુપ્તે તેની સ્થાપના વિ.સં. ૧૨૫માં મગધમાં કરી હતી. ગુપ્ત વંશના સૌથી પ્રસિદ્ધ રાજવી સમુદ્રગુપ્તે ભારતીય ઉપખંડ ઉપર ૪૦ થી વધારે રાજવીઓને હરાવ્યા, અથવા તો તેનું આધિપત્ય સ્વીકારવાની ફરજ પાડી અને દિગ્વિજય સમ્રાટનું બિરૂદ પ્રાપ્ત કર્યું. તેના પછી આવેલા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વિતિય પણ એટલા જ મહાન શાસક હતા. તેણે પણ અનેક વિજયો પ્રાપ્ત કરી વિ.સં. ૧૩૫માં ચોથા શક સંવંતની શરૂઆત કરી. આ ત્રીજા અને ચોથા શક સંવંતો આજે ભારતમાં પ્રચલિત છે. તેમનો દરબાર પણ અનેક સાહિત્યકારોથી આજે પણ પ્રસિદ્ધ છે, જેમાં રઘુવંશના કર્તા કાલિદાસ દ્વિતિય, વાગભટ્ટ, વિશાખદત્ત, ભટ્ટારક અને જૈનાચાર્ય સિધ્ધસેન થયા. ગુપ્તવંશના નૃસિંહ બાલાનિત્યે હૂણોનો પરાજય કર્યો, જ્યારે કુમારગુપ્ત દ્વિતિયએ સૂર્યમંદિરની સ્થાપના કરેલી.નાલંદા યુનિવર્સિટીની સ્થાપના પણ આ રાજવીએ જ કરી હતી. વિ.સં. ૩૭૫માં હૂણોએ ગુપ્ત વંશનો અંત આણ્યો.

આપણે અવંતિના માલવવંશની વાત કરી હતી. તે અવંતિમાં જ આજથી ૨,૨૦૦ વર્ષ પૂર્વે પ્રસિદ્ધ રાજવી ભર્તૃહરિ થયા. તેમના રાગ-વિરાગની કથા બધાં જાણે છે.તેમની ત્રણ મહાન રચનાઓ – નીતિ શતક,શ્રૄંગાર શતક અને વૈરાગ્ય શતક -ની સમગ્ર વિશ્વએ નોંધ લીધી છે.

સામંત યુગ

હવે આપણે વિ.સં.ને બદલે ઈ.સ, એટલે કે કોમન એરા,માં આપણે વર્ષોની તવારિખ રજુ કરીશું.

ગુપ્ત સામ્રાજ્યનો હૂણો દ્વારા નાશ થયા પછી આ વંશના મોટા ભાગના સામંતો સ્વતંત્ર થયા. એ રીતે આપણા દેશમાં સામંત યુગની શરૂઆત થઈ.

સ્વતંત્ર થયેલા સામંતોમાં પુષ્યભૂમિના વર્ધનો, કનોજના મૌખરી લોકો, ગુજરાતના મૈત્રકો-વલ્લભીઓ, માળવામાં દેવગુપ્ત, બંગાળમાં ગૌડ વંશ અને આસામમાં ભાસ્કર વર્મનનો સમાવેશ થાય છે. આ સામંતો વચ્ચે ક્યાં તો લગ્ન સંબંધ અને સંધિકરાર હોવાથી મૈત્રી, અને ક્યાં તો ઉત્તર ભારતમાં આવેલા કનોજ શહેર પર એકાધિકાર જમાવવા માટે થયેલાં ભારે યુદ્ધો જોવા મળે છે.

ટુંકમાં જોઈએ તો, પુષ્યભુતિના શ્રીહર્ષે હરિયાણામાં આવેલા થાણેશ્વરમાં વર્ધન વંશ આગળ ધપાવ્યો. હર્ષની બહેન, રાજશ્રી,નાં લગ્ન મૌખરી વંશના રાજવી સાથે થયાં હતાં. આ રાજવીની માળવાના દેવગુપ્તે ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. રાજશ્રી તેની કેદમાંથી નાસી છૂટી સતી બનવા જઈ રહી હતી. ત્યારે હર્ષે આવીને તેનો બચાવ કર્યો અને બન્ને કનોજનું સંયુક્ત શાસન કરવા લાગ્યાં. પછીથી શ્રીહર્ષે રાજશ્રીની વિનંતિથી તેને રાજ્યકારભારમાંથી મુક્ત કરી થાણેશ્વર અને કનોજનું શાસન પોતે સંભાળી, ઈ.સ. ૬૦૭ થી ૬૪૭ સુધી, રાજ્ય કર્યું. તેણે માળવાના દેવગુપ્તને હરાવીને તેનો વધ કર્યો. એમ મનાય છે કે પુરૂં ઉત્તર ભારત શ્રીહર્ષના કબજામાં હતું.

શ્રીહર્ષ શરૂઆતમાં શિવ અને સૂર્યના ઉપાસક હતા. આપણે અગાઉ જે વાકાટક વંશની વાત કરી છે તેઓએ બૌદ્ધધર્મના ફેલાવા સામે ટક્કર ઝીલી વૈદિક-સનાતન ધર્મને પુનઃ આધાર આપ્યો, અને ઉત્તર તેમજ દક્ષિણ ભારતમાં સનાતન ધર્મના મજબૂત પાયા નાખ્યા.  ઈ. સ. ૬૩૦થી ૬૪૫ વચ્ચે ચીની પ્રવાસી હ્યુ-એન-સાંગ બૌદ્ધ ધર્મનું જ્ઞાન લેવા ભારત આવેલા. તેઓએ કાશ્મીર ઉપરાંત નાલંદા વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ હર્ષના આમંત્રણનો સ્વીકાર કરીને કનોજ આવ્યા. હ્યુ-એન-સાંગ મહામન બૌદ્ધ ધર્મના સમર્થક હતા. હર્ષ પર તેમનો એટલો પ્રભાવ પડ્યો કે હર્ષે સનાતન ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. આ યાત્રિકના પ્રવાસ વર્ણનમાં હર્ષે બોલાવેલી ૨૧ દિવસની ધાર્મિક સભા અને દર પાંચ વર્ષે પ્રયાગમાં થતા મહા મોક્ષ પરિષદ વિશે સંપૂર્ણ વર્ણન કર્યું છે. એવું મનાય છે કે હર્ષે પોતાનું સર્વ ધન મહામોક્ષ પરિષદમાં હાજર રહેલા પાંચ લાખ બૌધ્ધ સાધુઓ અને બ્રાહ્મણોને દાનમાં આપી દીધું હતું. હર્ષ પોતે નાટ્યકાર હતા. તેમની નાગાનંદ અને અન્ય બે કૃતિઓ આજે પણ પ્રાપ્ય છે. તેના દરબારમાં રાજકવિ બાણ ભટ્ટ હતા, જેમણે હર્ષચરિત્ર અને કાદંબરી જેવા મહાન ગ્રંથો રચ્યા છે. હર્ષે ચીનના ટાંગવંશના રાજવી સાથે પણ રાજકીય સંબંધો સ્થાપ્યા હતા. પરંતુ આ મહાન શાસકનો પરાજય દક્ષિણના ચાલુક્ય વંશના રાજા પુલકેશિન બીજાએ કર્યો હતો. તેના મૃત્યુ પછી વર્ધન વંશ થોડા સમયમાં સમાપ્ત થઈ ગયો.

પલ્લવ વંશ

ઈ.સ. ૬૦૧થી ૮૦૦ના ૨૦૦ વર્ષના ગાળામાં દક્ષિણ ભારતમાં પલ્લવ વંશનો ભારે પ્રભાવ રહ્યો. હાલના તામિલનાડુના ઉત્તર ભાગમાં અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો પર કાંજીપુરમમાં રાજધાની સ્થાપીને  પલ્લવોએ  રાજ્ય વહિવટ કર્યો.  આ વંશના કેટલાક પ્રમુખ રાજવીઓ અને તેમણે કરેલાં કાર્યો વિશે જોઇએ.

પ્રારંભમાં સૌથી પ્રતાપી રાજા વિષ્ણુ થયા. તેઓએ દક્ષિણમાં છેક નીચે આવેલાં પાંડ્ય અને ચેર રાજ્યો જીતી લીધાં. તેઓ વૈષ્ણવ ધર્મી હતા. મહાબલિપુરમનું પ્રખ્યાત વિષ્ણુ મંદિર તેમણે બંધાવ્યું. તેના રાજકવિ ભારવિ હતા, જેઓએ કિરાતાર્જુનિયમ કાવ્યની રચના કરી.

આ પછી મહેન્દ્ર વર્મન પ્રથમે ઈ.સ. ૬૩૦થી ૬૯૫ વચ્ચે પલ્લવ રાજ્ય સંભાળ્યું. આપાર નામના સંતની પ્રેરણાથી તેઓએ જૈન ધર્મનો ત્યાગ કરી શૈવ સંપ્રદાય અપનાવ્યો. એક જ મોટા કાળમિંઢ પથ્થરને કોતરીને તેમાંથી મંદિર બનાવવાનો પ્રારંભ આ રાજવીએ કર્યો.

અન્ય એક રાજા નૃસિહ વર્મનના સમયમાં ચીની યાત્રી હ્યુ-એન-સાંગ દક્ષિણમાં ગયા અને તેમણે આ રાજવીની ભારે પ્રશંસા કરી છે. દક્ષિણનું વિશ્વપ્રસિદ્ધ કૈલાસનાથ મંદિર પણ આ રાજાએ બંધાવ્યું.

શિવ સંપ્રદાયની જેમ દક્ષિણમાં વૈષ્ણવ સંપ્રદાય પણ આલવાર સંતોની પ્રેરણાથી ફૂલ્યો ફાલ્યો. નવમી સદીના પ્રારંભમાં ચોલ વંશના રાજવીઓએ પલ્લવ રાજ્યને હરાવીને પોતાના રાજ્યમાં ભેળવી દીધું.

ભારતમાં આરંભિક લોકશાહી કહી શકાય તેવાં ૧૬ જનપદોનો ઇતિહાસ આપણે અત્રે સમાવી શક્યાં નથી.

છેલ્લા કળિયુગનાં ૧,૨૦૦ વર્ષનો ઇતિહાસ હવે પછી…..


  ક્રમશઃ….ભાગ ૧૨ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૧

Leave a Reply

Your email address will not be published.