ખેડૂતોની આવક બમણી કરવી શક્ય છે ?

નિસબત

ચંદુ મહેરિયા

ત્રણ કૃષિ કાનૂનો વિરુધ્ધના કિસાન આંદોલનને નવ મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન દેશમાં ખેડૂતોની હાલત અને તે સુધારવાના સરકારી પ્રયાસો ચર્ચામાં રહ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં ભારતીય જનતા પક્ષે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૬માં ઉત્તરપ્રદેશના બરેલીની જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સાર્વજનિક ઘોષણા કરી હતી. ૨૦૨૨માં જ્યારે આઝાદીનું પંચોતેરમુ વરસ ઉજવાય ત્યારે ખેડૂતોની આવક બમણી થઈ જશે તેવી ખાતરી વડાપ્રધાને આપી હતી. આઝાદીના અમૃત પર્વની ઉજવણીનો તો આરંભ થઈ ગયો છે પણ ખેડૂતોની આવકમાં વધારો થયાના કોઈ અણસાર વર્તાતા નથી.

ભારતની ૬૫ થી ૭૦ ટકા ગ્રામીણ વસ્તી ખેતી પર નભે છે. ૨૦૧૭-૧૮ના આર્થિક સર્વેક્ષણ મુજબ ૧૪.૨ કરોડ હેકટર જમીન પર ખેતી થાય છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દેશમાં ૧૧. ૮૭ કરોડ ખેડૂતો છે. ૨૦૧૩ના નેશનલ સેમ્પલ સર્વેમાં પશુપાલન, મજૂરી અને બિનકૃષિ વ્યવસાય સહિતની દેશના ખેડૂત કુટુંબની સરેરાશ માસિક આવક રૂ. ૬૪૨૬ દર્શાવવામાં આવી છે. એ હિસાબે પાંચ વ્યક્તિના બનેલા ખેડૂત કુટુંબના કોઈ એક સભ્યની સરેરાશ માસિક આવક માત્ર રૂ. ૧૩૦૦ છે. તાજા સર્વેમાં ૨૦૧૮-૧૯ની ખેડૂત કુટુંબની સરેરાશ માસિક આવક રૂ. ૧૦,૨૧૮ જણાવી છે.  આટલી ટૂંકી આવકમાં દેશનો અન્નદાતા જીવન ગુજારતો હોય તે સ્થિતિ અકળાવનારી બનવી જોઈએ.

દેશમાં ખેડૂતોને તેમની ઉપજના વાજબી ભાવ મળતા નથી. ખેત ઉત્પાદન માટે જરૂરી બિયારણ, ખાતર, જંતુનાશકો અને વીજળી-પાણી મોંઘા છે. આકાશી ખેતી અને અનિયમિત સિંચાઈ, નિષ્ફળ જતા પાક માટે મળતા વીમા કરતાં વધુ પ્રિમિયમ, સતત વધતું કૃષિ ઋણ અને સરકારની નીતિઓથી તંગ આવીને ખેડૂતો ખેતી છોડે છે કે પછી આત્મહત્યા કરે છે. દર કલાકે સો, રોજના ચોવીસો અને મહિને બોંતેર  હજાર ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. ૨૦૦૧ની સરખામણીએ ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૮૬ લાખ ખેડૂતો ઓછા થયા છે. સામે આ  દાયકામાં જમીનવિહોણા ખેતકામદારો ૩.૭૬ લાખ વધ્યા છે. રોજના એકત્રીસ અને વરસે લગભગ સાડા અગિયારસો ખેડૂતો આત્મહત્યા કરે છે. હરિયાળી કૃષિક્રાંતિના ધામ પંજાબમાં ૨૦૦૦ થી ૨૦૧૭ દરમિયાન ૧૬,૬૬૦ અને દેશમાં ૨૦૧૪ થી ૨૦૧૮ના વરસોમાં ૫૭,૩૪૫ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

વર્તમાન સરકારે ૨૦૧૬-૧૭ના બજેટમાં ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કરી હતી. તે જ વરસે  અશોક દલવાઈના નેતૃત્વમાં ‘ડબલિંગ ઓફ ફાર્મર્સ ઈન્કમ કમિટી’ની રચના કરી હતી.બે વરસ પછી, ૨૦૧૮માં જાહેર થયેલ,  ચૌદ ખંડોમાં વિભાજિત, દલવાઈ  સમિતિના દળદાર અહેવાલમાં ખેડૂતોની આવક બમણી કરવા ચૌદ ભલામણો  કરવામાં આવી હતી. સમિતિએ નેશનલ સેમ્પલ સર્વેના આધારે ૨૦૧૫-૧૬ના વરસને આધાર વરસ ગણ્યું હતુ. તે વરસે ખેડૂત પરિવારની વાર્ષિક આવક રૂ.૯૬,૭૦૩ હતી. પાંચ વરસે તેને બમણી કરીને રૂ.૧,૭૨, ૬૯૪ કરવાની છે..

ફેબ્રુઆરી ૨૦૧૯માં લોકસભામાં કૃષિ મંત્રીએ ખેડૂત કુટુંબની માસિક આવક રૂ. ૬૪૨૬  અને ખર્ચ રૂ.૬૨૨૩ હોવાનું જણાવ્યું હતુ. ખેડૂતોની આવક અને ખર્ચ દેશના બધા  રાજ્યોમાં એકસરખાં નથી. સૌથી વધુ આવક પંજાબના ખેડૂત પરિવારની માસિક રૂ. ૧૮,૦૫૯ છે . ગુજરાતના ખેડૂત પરિવારની આવક રૂ. ૭૯૨૬ છે. પંજાબ, હરિયાણા, કેરળ, કર્ણાટક અને જમ્મુ-કશ્મીર એ પાંચ રાજ્યો સિવાયના રાજ્યોના ખેડૂત પરિવાર એક લાખ કરતાં વધુ  વાર્ષિક આવક મેળવતા નથી.વળી  કૃષક પરિવારની આવકમાં ક્રુષિની આવક ૩૪.૫ ટકા છે અને બાકીની આવક પશુપાલન અને બિન ક્રુષિ વ્યવસાયની છે. એટલે રાજ્યવાર આવક-ખર્ચની વિવિધતા અને ક્રુષિ ઉપરાંતની બિનકૃષિ વ્યવસાયની આવકમાં વધારો કરવા વિચારવાનું રહે..

ખેડૂતની આવકમાં વધારા માટે ખેત ઉત્પાદનમાં જોરદાર વૃધ્ધિ કરવી અનિવાર્ય છે. ક્રુષિ વૃધ્ધિ દર વાર્ષિક  દસ થી ચૌદ ટકાના દરે વધે તો જ બમણી આવક શક્ય બની શકે. દેશમાં .૨૦૧૨-૧૩માં ૧.૫ ટકા, ૧૩-૧૪માં ૫.૬ ટકા, ૧૪.૧૫માં માઈનસ ૦.૨ ટકા, ૧૫-૧૬માં ૦.૬ ટકા, ૧૬-૧૭માં ૬.૩ ટકા ૧૭-૧૮માં ૫.૦ ટકા, ૧૮-૧૯માં ૨.૯ ટકા, અને ૧૯-૨૦માં ૨.૮ ટકા ક્રુષિ વ્રુધ્ધિ દર હતો. દેશનો રેરાશ કૃષિ વૃધ્ધિ દર ૧.૯ ટકા  છે. એટલે આ દરે કૃષિ ઉપજની વૃધ્ધિ આવક બમણી કરી શકે નહીં. વળી માત્ર ખેત ઉત્પાદન વધવાથી જ આવક વધશે નહીં. ખેડૂતનું ખેતી માટેનું ખર્ચ  ઘટે અને વાજબી ભાવ મળે તો જ આવક વધી શકે. ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર, અને જંતુનાશક દવાઓ જો સસ્તી હોય છે તો તેની ગુણવત્તા હલકી હોય છે.એટલે પણ ખર્ચ ઘટતો નથી.

ખેડૂતોનાં દેવાં માફ કરવાના વચનો રાજકીય પક્ષો આપે છે ખરા પણ તેના ઢીલાઢાલા અમલથી પ્રશ્ન ઉકલતો નથી. ખેડૂતની વર્તમાન હાલતમાં ક્રુષિ ઋણનો સવાલ અગત્યનો છે. દેશભરના ખેડૂતોના માથે  રૂ. ૧૬.૮ લાખ કરોડનું દેવું હોવાનો અંદાજ છે. તમિલનાડુના ખેડૂતો સૌથી વધુ રૂ.૧.૮૯ લાખ કરોડનું દેવું ધરાવે છે. એન એસ ઓના નવા આંકડા પણ દેશના ૫૦.૨ ટકા ખેડૂતો દેવાદાર હોવાનું જણાવે છે. એક ખેડૂત પરિવારના માથે   સરેરાશ રૂ.૭૪,૧૨૧નું દેવું છે.તેમાં ૫૭.૫ ટકા કૃષિઋણ છે.  જૂનું દેવું માફ થાય તે  પછી કોઈ નવું દેવું ન લેવું પડે તેવી સ્થિતિના નિર્માણ સિવાય ખેડૂતનો ઉધ્ધાર શક્ય નથી.

દલવાઈ સમિતિએ જે ચૌદ સૂત્રી ભલામણો કરી છે તેમાં ૨૦૨૧ સુધીમાં કૃષિ માટે રૂ. છ લાખ કરોડની જોગવાઈ, ખેતી પરનું ભારણ ઘટાડી ખેડૂતોને બિનખેતી વ્યવસાયોમાં વાળવા, ખેત બજારોમાં સુધારણા,  ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ, ઈ-નામ, પાકવીમો, ટપક સિંચાઈ, જૈવિક ખેતી, રાષ્ટ્રીય વાંસ મિશન , વાંસને વૃક્ષને બદલે ઉત્પાદન ગણવું, ખેત ઉપજનું દોઢ ગણું ન્યૂનતમ સમર્થન મૂલ્ય, વૃક્ષ , બાગ-બગીચા અને મધમાખી ઉછેર,  સમુદ્રી મત્સ્યનું ઉત્પાદન , પશુ અને માછલીપાલન મુખ્ય છે.

દર વરસે ખેડૂતને છ હજાર રૂપિયા આપવાની જોગવાઈ ધરાવતી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના’ની ભલામણ દલવાઈ સમિતિએ કરી નહોતી. ૨૦૧૮માં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના વિપરીત પરિણામો પછી ૨૧૯માં ‘કિસાન સન્માન યોજના’ અમલી બની હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પરિણામોની તુલનાએ ૨૦૧૯માં ભાજપના કુલ મતોમાં ૬ ટકા વધારો થયો હતો પણ ખેડૂતોના મતો ૮ ટકા વધ્યા હતા. ક્રુષિ કાનૂનો અને અન્ય કિસાન સમસ્યાઓને લઈને સરકારનો કિસાન વિરોધ તે પછી વધુ જોવા મળે છે.

દેશના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોએ ‘ડબલિંગ ફાર્મર્સ ઈન્કમ વિલેજ’  રૂપે પ્રત્યેક જિલ્લાના બે ગામો દત્તક લઈને એક મોડેલ વિલેજ ઉભા કરવાના છે.  ક્રુષિ વિજ્ઞાન કેન્દ્રોએ ૧૪૧૬ ગામો દત્તક લીધા છે. ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સુગર રિચર્ચ’, લખનૌએ ઉત્તરપ્રદેશના ૮ ગામો દત્તક લઈ શેરડી ઉગાડતા ખેડૂતોની આવક બમણી કરવાના મોડેલ ઉભા કરે છે. જોકે આ યોજનાનો યોગ્ય અમલ થતો નથી. વળી જો મોડેલ ગામો આગામી પાંચ વરસો પછી ઉભા થવાના હોય તો તેનો અન્યત્ર અમલ ક્યારે થશે.? અને ક્યારે આવક બમણી થશે તે સવાલ છે.

૨૦૧૬માં ખેડૂતોની આવક બમણી કરવાના વચનના ચાર વરસ  પછી ૨૦૨૦માં સરકાર ત્રણ કૃષિ કાયદા લાવી હતી. હવે નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ તેને ખેડૂતોની આવક બમણી કરવાનો ઉપાય ગણાવે છે..તે રીતે  સરકાર કૃષિ કાયદાઓનો  વિરોધ કરતા ખેડૂત આંદોલનના માથે આવક બમણી કરવાના તેના વચનની નિષ્ફળતાનું ઠીકરું ફોડવા માંગે છે. ખેત ઉપજમાં વ્રુધ્ધિ, યોગ્ય ભાવ, ખર્ચમાં ઘટાડો, ખેતીમાં યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ, ખેત પાકોમાં વિવિધતા અને કુશળ ખેત વ્યવસ્થાથી જ ખેડૂતોની આવક બમણી થઈ શકશે. સરકારના તે દિશાના  પ્રયાસો પાંખા હોઈ  ખેડૂતોની આવક બમણી કરવાનું વચન વધુ એક જુમલેબાજી બની જવાની શક્યતા છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “ખેડૂતોની આવક બમણી કરવી શક્ય છે ?

  1. Wow. Nice coverage of data and schemes. Was happy to read the name of ‘Bee Mission, Bamboo mission’ and many more in Gujarati language 😀.
    Also, one point could be analysed that average landholding size was reduced to 1.08ha while number of marginal farmer increased indicating division of land. (Data as per 10th agri Census)
    Sir, always comes up with data and to the point analysis. Thank you Sir for the insightful article. ✨

Leave a Reply

Your email address will not be published.