નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૩૫

માની ગરજ સારે એવી સાસુઓ પણ હોઈ શકે છે

નલિન શાહ

ફિલોમિનાએ દરવાજો ખોલ્યો ને સફેદ વસ્ત્રોમાં શોભતી રાજુલ દાખલ થઈ. માનસી ઊઠીને એને ભેટી પડી. સંવેદનાના આવેગમાં શબ્દોને અવકાશ નહોતો.

‘તને બે વાર ફોન કર્યો હતો. કોઈએ તારી નાનીની બીમારીના સમાચાર ન આપ્યા. એક વાર તો તારી સાસુ હતી ફોન પર ’ ‘ક્યાં ગઈ છે, ક્યારે આવશે ખબર નથી’ કહીને ફોન કાપી નાંખ્યો. એમના મરણના સમાચારે કોઈએ ન આપ્યા. તારી મા કરતાં પણ વધારે એ દેવીના એક વાર તો હું દર્શન કરી શકી હોત!’

માનસીની આંખોમાંથી બે આંસુ સરી પડ્યાં, ‘શું કરું?’ એ બોલી, ‘ફિલોમિના તને જાણતી નહોતી ને હું તો સૂનમૂન થઈ ગઈ હતી. જે કર્યું તે બધું યંત્રવત્‍  કર્યું.’

રાજુલે માનસીનાં આંસુ લૂછી એને સોફા પર બેસાડી ને કહ્યું, ‘પરાગે સાગરને મકાનની બાબતમાં ફોન કર્યો હતો. એ તો સાગરે તારા સમાચાર પૂછ્યા ત્યારે જાણ્યું ને અહીંનું સરનામું પણ. મને અફસોસ વધારે એ વાતનો થાય છે કે તે નાનીને આપેલું વચન પાળ્યું, પણ તારી ઉન્નતિ જોવા એ ના રોકાયાં.’

માનસી વિષાદમય વદને સાંભળી રહી. રાજુલે માનસીનાં ગળામાં હાથ વીંટી એને છાતીએ ચાંપી, ‘નાનીના આત્માની શાંતિ માટે પણ, માનસી તારે દુઃખને વિસારે પાડવું જરૂરી છે.

નાનીની વાતો કરતાં કરતાં સમય વીતી ગયો. જમવાનો સમય થતાં માનસીએ પૂછ્યું, ‘રાજુલ જમીશ ને?’

‘કાંઈ બનાવ્યું હોય એમ લાગતું નથી!’

‘ના, મારે ફિલુને તકલીફ નહોતી આપવી. એટલે બહારથી મંગાવવાનું છે, હમણાં જ આવી જશે. તારી કોઈ ખાસ ફરમાઇશ હોય તો કહે.’

‘ના, હું ડ્રાઇવરને કહું છું. મારી પસંદગીની જગ્યા છે. ખૂબ જ પૌષ્ટિક ને સ્વાદિષ્ટ ખાવાનું આવશે.’

‘મારે ત્યાં આવીને તું મંગાવીશ?’

‘તું આવો શિષ્ટાચાર ક્યારથી કરવા માંડી? તારામાં ને મારામાં ફર્ક કરે છે!’ ને માનસીના પ્રત્યુત્તરની વાટ જોયા વિના ડ્રાઇવરને સૂચના આપવા રાજુલ દાદરો ઊતરી ગઈ.

જમતાં જમતાં માનસીએ પૂછ્યું, ‘તારા બાપુને કેમ છે? તું લગ્નમાં ના આવી ત્યારે જાણ્યું કે તારા બાપુ માંદા છે ને તું ગામ ગઈ છે.’

‘હવે ઠીક છે. ઉંમર પણ થઈ છે. મુંબઈ આવવા કહ્યું તો ના માન્યા. મેં પણ બહુ આગ્રહ ના કર્યો. કારણ કોઈ ચિંતાજનક બીમારી નહોતી. ડૉકટરી વ્યવસ્થા પણ ત્યાં હવે પહેલાં કરતાં વધુ સારી છે. શશી પણ નજદીકમાં જ છે. રોજ આવે છે, પણ એક વાત કહું માનસી, હું બે દિવસ પછી પણ ગઈ હોત તો ચાલત, પણ આ તો તારા લગ્નમાં આવવાનું ટાળવા બહાનું મળી ગયું.’

માનસી વિસ્મયથી સાંભળી રહી. બોલી, ‘હું નથી માનતી કે તું આવું કરે!’

‘તારી શ્રદ્ધાની હું કદર કરું છું. તારા પ્રસંગમાં તો હું કોઈ પણ કામ છોડીને આવું ને આ ન માનવા જેવી વાત પણ તારે માનવી રહી કે તારા લગ્નમાં ન આવવા માટે મારે બહાનું શોધવું પડ્યું. તને એટલો ભરોસો તો છે જ મારા પર કે કોઈ ચોક્કસ કારણ વગર હું આમ ના કરું. તું એ કારણ જરૂર જાણવા માંગીશ પણ અત્યારે એની ચર્ચા કરવી યોગ્ય નથી લાગતી. સમય આવે તું જાતે જ સમજી જઈશ.’

‘તારી વાત એક કોયડા જેવી લાગે છે.’

‘સાચુ છે. એક વાર તને જાતઅનુભવ થાય ને થયા વગર નહીં રહે – ત્યારે તને મારી વાતનું તાત્પર્ય સારી રીતે સમજાશે. અત્યાર પૂરતું એ બધું ભૂલીને તારા વ્યવસાયના સેટઅપનો વિચાર કર. સાંભળ્યું છે કે, પરાગનું નર્સિંગ હોમ તૈયાર થઈ ગયું છે? જોયું?’

‘ના, મોકો મળે ત્યારે વાત. પહેલાં આ આપત્તિમાંથી તો બહાર આવું.’

થોડી વારની ચુપકીદી બાદ માનસી વાત બદલતા કહ્યું, ‘રાજુલ, તારી પાસે મેં જેટલું જાણ્યું છે એ ઉપરથી તારી બહેન શશી ને મારી નાની વચ્ચે બહુ સામ્ય લાગ્યું છે. તારી બહેને પણ તારા માટે બહુ ભોગ આપ્યો છે ને ગરીબ અને પછાત પ્રજાની સેવામાં જિંદગી ગાળે છે. કેટલું ધૈર્ય ને માનસિક પ્રબળતા હશે એનામાં! ક્યારે મળાવીશ એને?’

‘તું કહે ત્યારે. સાથે સાથે મારું ગામ પણ જોવાશે.’

‘અઠવાડિયા પછી જઇશું. બે-ત્રણ દિવસ જુદા વાતાવરણમાં સારું લાગશે. તારી સગવડ જોઈને મને જણાવજે. અને તારાં સાસુની સ્તુતિ જે તારી પાસે સાંભળી છે ત્યારથી એમને પણ મળવાની ખૂબ આતુરતા થાય છે.’

‘એ મારી સાથે અહીં આવવાનાં હતાં, પણ પછી એમણે જ કહ્યું કે આ બનાવ પછી આપણે પહેલી વાર મળીએ છીએ એટલે એમની હાજરીમાં આપણે છૂટથી વાત ન કરી શકીએ એટલે એ ન આવ્યાં.’

‘ખરેખર માની ગરજ સારે એવી સાસુઓ પણ હોઈ શકે છે. એ માનવામાં ન આવે એવી વાત કહેવાય.’ માનસીએ પ્રશંસાયુક્ત સ્વરમાં કહ્યું.

‘ઘણું ખરું ખામી બેમાંથી એકમાં હોય છે. પણ જો બંનેનો સમન્વય સધાયો હોય તો સંસાર સ્વર્ગ જેવો લાગે.’

‘રાજુલ, તને નથી લાગતું કે સાસુ-વહુના આવા સંબંધો ઘણું ખરું કલ્પનાનો વિષય લાગતો હોય છે.’

‘તારી એક વાત સાચી છે કે આવા સંબંધો સામાન્ય ઘટના નથી હોતી. આવા સંબંધો તો ગોતવા પડે છે. સ્ત્રીઓ એ સમજતી નથી હોતી કે જો આવા સંબંધો એક આદર્શ તરીકે અપનાવ્યા હોય તો ઘણાં દુઃખો નિવારી શકાય. આજકાલ તો સ્ત્રીઓ લગ્ન કરીને પહેલું કામ સાસુથી છૂટાં થવાનું કરે છે. એમ માનીને કે એમની સાથે નહીં ફાવે, આઝાદી છીનવાઈ જાય. સાથે સાથે એ વાત પણ સ્વીકારવી રહી કે કેટલીક સાસુઓ પણ એવી હોય છે જે વહુઓને એના તાબામાં રાખવામાં વિકૃત આનંદ અનુભવતી હોય છે.’ રાજુલનો નિર્દેશ સાસુના રૂપમાં ધનલક્ષ્મી તરફ હતો પણ માનસીને આઘાત ના પહોંચે એ વિચારે વધુ ના બોલી.

ફિલોમિનાને સાંજે વહેલાં જવાનું હોવાથી માનસી રાજુલની સાથે જ નીકળી ગઈ. એને સુનિતાને મળવાની બહુ ઇચ્છા હતી અને રાજુલે પણ ખાસ આગ્રહ કર્યો, ‘જમીને ડ્રાઇવર તને ઘેર છોડી આવશે.’ એણે સૂચન કર્યું ને માનસી માની ગઈ. રસ્તામાં રાજુલે કહ્યું કે પરાગ બંગલાની બાબતમાં સાગરની સલાહ લેવા આવ્યો હતો. સાગરે કહ્યું કે સાંતાક્રુઝનો નક્શો બદલાઈ ગયો હતો. વાહન-વ્યવહાર પણ વધી ગયો હતો ને ચારે તરફ ઊંચાં મકાનો બની રહ્યાં હતાં. આવા વાતાવરણમાં આ રસ્તાની સાવ નજદીક બંગલો શોભે તેમ નહોતો. ને જગ્યાના ભાવ વધવાથી જૂના બંગલા અદૃશ્ય થઈ રહ્યા હતા. જ્યારે બંગલો બંધાયો ત્યારે વસ્તુસ્થિતિ જુદી હતી. હવે તો ઝાડપાનનું કુદરતી સૌંદર્ય પણ નષ્ટ થઈ ગયું હતું ને પહેલાં જેવી પ્રાઇવસી પણ નહોતી રહી. એની જગ્યાએ એક ઊંચું મકાન બને તો ઉપરના બે માળ એના કબજામાં રાખી બાકીના ફ્લેટ્સ ઊંચા ભાવે વેચી શકાય. પરાગને આ સૂચન પસંદ પડ્યું. ખાસ કરીને એટલા માટે કે બંગલામાં તો બધાએ સાથે રહેવું પડે જ્યારે અહીં એક ફ્લેટ તમારે માટે ને બીજો મમ્મી માટે ફાળવી શકાય. એણે સીધી વાત તો ના કરી પણ આડકતરી રીતે જણાવ્યું કે તું ને મમ્મી સાથે ન રહે તો વધુ સારું. હવે પરાગ એની મમ્મીના મગજમાં આ વાત ઠસાવશે ને પછી નિર્ણય લેશે.

રસ્તો લાંબો હતો. એટલે બંને આડીઅવળી વાતો કરતાં રહ્યાં. જ્યારે ઘરઆંગણે ગાડી પહોંચી ત્યારે નીચે ઊતરી માનસી વિસ્મયથી ચારે તરફ જોઈ રહી. આટલાં બધાં ઝાડ-પાન ને આટલી શાંતિ એણે મુંબઈમાં ક્યાંય નહોતી અનુભવી. સર્વત્ર ધનાઢ્ય લોકોના ઇલાકાની છાપ ઉપસી આવતી હતી. ‘હવે ધીરે ધીરે એ પણ અદૃશ્ય થવા માંડ્યા છે.’ રાજુલે માનસી ભણી જોઈ કહ્યું, ‘અહીં જમીન એટલી મોંઘી છે કે લોકોને બંગલા ભારરૂપ લાગવા માંડ્યા છે. મમ્મીને પૈસાની ખોટ નથી એટલે આ બંગલો હજી ટકી રહ્યો છે. જોઈએ કેટલો વખત રહે છે!’ બોલીને રાજુલે એક ઊંડો નિસાસો નાખ્યો.

નોકરે દરવાજો ખોલ્યો. વિશાળ ડ્રોઇંગ રૂમમાં સુનિતા સોફામાં બેસી વાંચવામાં મગ્ન હતી. ‘મમ્મી, આ માનસી!’ રાજુલે ઓળખ આપી. સુનિતા ચોપડી બંધ કરી ઊભી થઈને ચાલીને સામે આવી. માનસીને ગળે લગાવીને બોલી, ‘એ તો દૂરથીય વરતાઇ આવે એવી છે.’ સુનિતાએ હસીને કહ્યું, ‘રાજુલે તારી એટલી વાતો કરી છે કે તને મળ્યા વગર પણ જાણતી થઈ ગઈ હતી. મને અફસોસ તારી સેવાભાવી નાનીને ના મળ્યાનો છે. બે સહેલીઓની વાતોમાં નડતરરૂપ થવાના ડરથી હું ચાહવા છતાં તને મળવા ના આવી શકી. મને માફ કરજે.’ એમણે માનસીને પાસે બેસાડી સાંત્વના આપી. થોડી વારે વાતાવરણને હળવું બનાવવા એમણે માનસીને એના વ્યવસાયની જોગવાઈની બાબતમાં પૃચ્છા કરી.

‘થોડો થાક ઊતરે એટલે કન્સલ્ટેશન શરૂ કરવા બાબતમાં વિચારીશ.’ થોડી વાર થંભીને માનસી બોલી, ‘રાજુલ પાસેથી તમારા વિષે ઘણુ જાણ્યું છે મેં. ખાસ કરીને તમારી સામાજીક પ્રવૃત્તિઓની બાબતમાં. એક ડૉક્ટર તરીકે હું તમારા કોઈ પણ કામમાં મદદરૂપ થઈ શકું તો કહેતાં અચકાતાં નહીં. મારે માટે માનવતાનું મૂલ્ય પૈસા કરતાં વધુ છે.’

‘તારી પાસે એ જ આશા રાખી હતી. જરૂર પડ્યે તારી સેવાનો લાભ હું જરૂર લઈશ.’

સુનિતાએ માનસીને પરાણે જમાડી. જમતાં જમતાં ઘણી વાતો કરી, ‘રાજુલે મને ઘણી જવાબદારીઓમાંથી મુક્ત કરી છે. એટલે ગામ જઈ શશી સાથે સમય ગાળવાની તકો વારેવારે સાંપડે છે. એનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી છે કે એ ધારત તો ઘણાં ભૌતિક સુખોની હકદાર બની શકી હોત. પણ એની સુખની વ્યાખ્યા બધા કરતાં જુદી છે એટલે જ એ બધી સ્ત્રીઓમાં જુદી તરી આવે છે. એ તો મારી પણ પ્રેરણામૂર્તિ બની ગઈ છે. જો કે, ઉંમરમાં મારા કરતાં ઘણી નાની છે.’ રાજુલ નીચું મોં રાખીને સાંભળી રહેતી. માનસીએ કહ્યું કે ‘રાજુલ પાસે શશીની સ્તુતિ સાંભળીને એને મળવા ઘણી આતુર હતી,’ ત્યારે સુનિતાએ કહ્યું, ‘જ્યારે તને ફાવે ત્યારે જણાવજે. આપણે ત્રણેય ત્યાં બે દિવસ જઈશું.’

‘આવતા અઠવાડિયે વાત.’ કહીને માનસી ઊભી થઈ. સુનિતાએ ડ્રાઇવરને સૂચના આપી અને માનસીની પ્રેમથી વિદાય કરી. ગાડીમાં માનસીને એક જ વિચાર વારે-વારે આવ્યા કર્યો, ‘આવી સાસુ પણ હોય છે!’

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.