વ્યંગ્ય કવન (૬૩)
—રક્ષા શુક્લ
ચાલો, ખુરશી ખુરશી રમીએ.
વાતોના બસ, વડાં બનાવી, પાંચ વરસ લગ જમીએ.
ચાલો, ખુરશી ખુરશી રમીએ.
ઈટલીનો આઈસ્ક્રીમ ખાવાનો, લોકો સમજે હિન્દુ,
સ્ટેશન પર ચાની કિટલી,લ્યો, ચર્ચાનું મધબિન્દુ
ગાંધીટોપી પ્હેરી પહેલા એ કહેવાતી ઇન્દુ,
જનતા ફંગોળાતી જાણે ઉડઝૂડ એક પરિન્દુ.
રાત ગઈ, લો બાત ગઈ. મૈ નેતા, કાહે નમીએ ?
ચાલો, ખુરશી ખુરશી રમીએ.
પંજો પગમાં આળોટે ત્યાં કમળ વેંત બે નમતું,
રેલી, સરઘસ વચ્ચે જનતાનું ભેજું યે ભમતું.
વોટબેન્કની લાલચ દઈ સૌ માલમલીદા જમતું,
શોર્ટ મેમરી જનતાની કે ઉલ્લુ બનવું ગમતું ?
એકમેકને પંપાળીને, એકમેકને ગમીએ.
ચાલો, ખુરશી ખુરશી રમીએ.
બ્યુગલ ચૂંટણીનાં વાગે ત્યાં જડતો એનો નેઠો,
વાગોળી વાણીવિલાસ જો, ઝુંપડીમાં ઝટ્ટ પેઠો.
‘જી હુજુર’ કહી ટોળે વળતા જગ્ગુ, જમાલ, જેઠો,
સળિયા તોડી કપિ કૂદ્યો ‘ને સંસદમાં જઈ બેઠો.
નવા થોટના, નવી નોટના, પાસા ફેંકી રમીએ.
ચાલો, ખુરશી ખુરશી રમીએ.
——————————————————-
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
Very much appropriate
ખૂબ આભાર જી
સરસ વ્યંગ-કવન.
આજની વેબગુર્જરીની ત્રણે રજુઆત રસપ્રદ છે.
સરયૂ પરીખ
જી, સરયૂબેન, આપને ગમી એનો રાજીપો…આભાર જી.