ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૫૭: કૅબિનેટ મિશન(૫)

દીપક ધોળકિયા

કોંગ્રેસનું વલણ

કૅબિનેટ મિશનના ૧૬મી મેના સ્ટેટમેંટ પછી બીજા જ દિવસે કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવી અને સ્ટેટમેંટ વિશે ચર્ચા કરી. તે પછી ૨૪મી તારીખે કોંગ્રેસે નિવેદન બહાર પાડ્યું. તે પહેલાં અને પછી પણ કોંગ્રેસે કૅબિનેટ મિશન  અને વાઇસરૉય સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો, એમાં મિશનના સ્ટેટમેંટમાં કોંગ્રેસને સ્વીકાર્ય ન હોય તેવી ભલામણો અને વચગાળાની સરકારમાં જોડાવા બાબતમાં કેટલાયે મુદ્દા ઉપસ્થિત કર્યા અથવા ખુલાસા માગ્યા.

સૌથી પહેલાં તો કોંગ્રેસ પ્રમુખે ૨૦મીએ લૉર્ડ પૅથિક લૉરેન્સને પત્ર લખીને કહ્યું કે તમારા સ્ટેટમેંટમાં બંધારણ સભાની રચના કરવાનો ઉલ્લેખ છે. અમારી કમિટી માને છે કે આ બંધારણ સભાને બંધારણ બનાવવા માટે સાર્વભૌમ સત્તા હશે અને એમાં કોઈ બાહ્ય દરમિયાનગીરી માટે તક નહીં હોય. તે ઉપરાંત, બંધારણ સભાને કૅબિનેટ મિશને સૂચવેલી કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર કરવાની સત્તા  મળશે. બંધારણ સભા પોતે સાર્વભૌમ સંસ્થા હોવાથી એના નિર્ણયો પણ તરત લાગુ પડશે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે મિશને સૂચવેલા કેટલાક મુદ્દા કોંગ્રેસે સિમલા કૉન્ફરન્સમાં લીધેલા વલણથી વિરુદ્ધ છે. આથી અમને ભલામણોમાં જે ખામી જણાય છે, તે દૂર કરવા માટે અમે બંધારણ સભામાં પ્રયાસ કરશું, એટલું જ નહીં, અમે દેશની જનતા અને બંધારણ સભાને અમારું દૃષ્ટિબિંદુ સમજાવવાનો પ્રયાસ પણ કરશું. તે પછી એમણે બહુ મહત્ત્વનો મુદ્દો ઉપાડ્યો.

કૅબિનેટ મિશને ગ્રુપ બનાવવાં કે નહીં તે પ્રાંતો પર છોડ્યું. ગ્રુપમાં જોડાવાનું ફરજિયાત ન બનાવ્યું. તે સાથે જ એનાથી તદ્દન ઉલટી ભલામણ પણ કરી કે બંધારણ સભામાં પ્રાંતોમાંથી ચુંટાયેલા પ્રતિનિધિઓ ત્રણ જૂથમાં વહેંચાઈ જશે અને દરેક જૂથ પ્રાંતોનાં બંધારણ બનાવશે અને એ પણ નક્કી કરશે કે ગ્રુપનું બંધારણ હોવું જોઈએ કે નહીં. આ બે અલગ ભલામણો પરસ્પર વિરોધી છે. પહેલી ભલામણમાં પ્રાંતોને ગ્રુપમાં જોડાવું કે નહીં, તે નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે, પણ બીજી ભલામણમાં ગ્રુપ બનાવીને બંધારણ બનાવવાની વ્યવસ્થા છે, જે ફરજિયાત જેવી છે. જેમને ગ્રુપમાં જોડાવું જ ન હોય તેમની પણ ગ્રુપમાં આવીને બંધારણ બનાવવાની ફરજ બની જાય છે. એ રીતે જોઈએ તો, વિભાગ ૨ (પંજાબ, વા.સ. અને સિંધ) અને વિભાગ ૩(બંગાળ, આસામ)માં એક પ્રાંતની  ભારે બહુમતી છે. બન્નેમાં નાના પ્રાંતોની ઇચ્છા વિરુદ્ધ ગ્રુપનું બંધારણ બની શકે છે.

લૉર્ડ પૅથિક લૉરેન્સે એનો જવાબ આપ્યો કે અમારા ડેલીગેશને બે મુખ્ય પક્ષોના વિચારોને સમાવી લેવા માટે સૌથી નજીક રસ્તો દેખાયો તેની ભલામણો કરી છે. એટલે આ આખી યોજના છે, એનો અમલ સહકાર અને બાંધછોડની ભાવનાથી થાય તો જ એ ચાલી શકે. ગ્રુપિંગ શા માટે કરવાં પડે છે, તે તમે જાણો છો; એ જ આ યોજનાનું મુખ્ય ઘટક છે. એમાં ફેરફાર કરવો હોય તો બન્ને પક્ષોની સમજૂતી જરૂરી છે. બંધારણ સભા રચાઈ ગયા પછી એના કામમાં માથું મારવાનો દેખીતી રીતે જ કોઈ વિચાર નથી. નામદાર સમ્રાટની સરકાર પણ સ્ટેટમેંટમાં જણાવેલી બે શરતોના આધારે જ ભારતીયોના હાથમાં સત્તા સોંપશે. વળી, અમારી સરકાર ઇચ્છે છે કે સત્તા સોંપણીનો ગાળો લંબાઈ ન જાય. તમે સમજી શકશો કે જ્યાં સુધી નવું બંધારણ લાગુ ન પડે ત્યાં સુધી સ્વતંત્રતા પણ ન આપી શકાય.

જિન્નાનું નિવેદન

કૅબિનેટ મિશન અને વાઇસરૉયના ૧૬મી મેના સ્ટેટમેંટ પર ૨૨મીએ મુસ્લિમ લીગ વતી વિગતવાર ટિપ્પણી કરી. એમને લાગ્યું કે       કૅબિનેટ મિશને પાકિસ્તાનની માગણીને હુકરાવી દીધી છે અને કોંગ્રેસને પસંદ આવે તે રીતે યોજના તૈયાર કરી છે. એમણે સિમલા કૉન્ફરન્સમાં લીગે શા માટે સામેલ થવાનું નક્કી કર્યું તે સમજાવતાં કહ્યું કે કૅબિનેટ મિશને કૉન્ફરન્સમાં જોડાવા આમંત્રણ આપ્યું ત્યારે  લખ્યું હતું કે કેન્દ્રમાં સંઘની એક સરકાર હશે, જે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર સંભાળશે. તે ઉપરાંત પ્રાંતોના ભાગ કરીને બે ગ્રુપ બનાવાશે – એક ગ્રુપમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હશે. પ્રાંતોને જે વિષયો સમાન રીતે લાગુ પડતા જણાય તે ગ્રુપને સોંપાશે અને બાકીની બધી સત્તા પ્રાંતો હસ્તક રહેશે. કોંગ્રેસનું સૂચન હતું કે વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશવ્યવહાર ઉપરાંત ચલણ, કસ્ટમ, ટૅરીફ જેવા વિષયો પણ સંઘ સરકાર હસ્તક રહેવા જોઈએ. કોંગ્રેસે ગ્રુપના વિચારને ફગાવી દીધો હતો.

મુસ્લિમ લીગનું કહેવું હતું કે – (૧) ઉત્તર-પૂર્વમાં બંગાળ અને આસામ, અને ઉત્તર-પશ્ચિમમાં પંજાબ, સિંધ, વાયવ્ય સરહદ પ્રાંત અને બલુચિસ્તાનને સ્વાધીન રાષ્ટ્ર તરીકે પાકિસ્તાન ઝોનમાં મૂકવા અને એ વિના વિલંબે લાગુ કરવાની ખાતરી આપવી; (૨) પાકિસ્તાન અને હિન્દુસ્તાન માટે બે અલગ બંધારણ સભાઓ બનાવવી; (૩) પાકિસ્તાન અને હિન્દુસ્તાનમાં લઘુમતીઓ માટે પૂરતા રક્ષણની જોગવાઈ કરવી; (૪) લીગની માગણીનો તરત સ્વીકાર થાય એ કેન્દ્રમાં વચગાળાની સરકારમાં જોડાવાની પૂર્વશરત  હશે, અને (૫) લીગે બ્રિટિશ સરકારને ચેતવણી આપી કે અવિભાજિત ભારત પર એકમાત્ર ફેડરલ બંધારણ  અથવા કેન્દ્રમાં વચગાળાની સરકાર ઠોકી બેસાડવાનો કોઈ પણ પ્રયાસ થશે તેનો મુસ્લિમ ભારત મુકાબલો કરશે.

આ મંત્રણાઓ પડી ભાંગી. લીગનું કહેવું હતું કે સંઘ હસ્તક સંરક્ષણ માટે જરૂરી હોય તેટલો જ સંદેશવ્યવહાર રાખવો જોઈએ. સંઘની અલગ ધારાસભા હોવી જોઈએ કે નહીં, તે પણ બન્ને ગ્રુપોની બંધારણ સભાઓ સંયુક્ત રીતે નક્કી કરશે. સંઘને નાણાકીય સાધનો કેમ પૂરાં પાડવાં તે પણ આ સંયુક્ત બંધારણ સભાઓ જ નક્કી કરશે.

જિન્નાએ સમજાવ્યું કે હવે કૅબિનેટ મિશને પોતાની યોજના જાહેર કરી છે તેમાં બે ગ્રુપને બદલે ત્રણ ગ્રુપ છે, એટલે કે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી નાખ્યું છે. તે ઉપરાંત ત્રણેય ગ્રુપોની ઉપર એક સંઘ સરકાર પણ છે અને એની ધારાસભા પણ છે. બંધારણ સભા પણ બે નહીં, એક જ રહેશે. આમ મિશને લીગની માગણીઓની સદંતર અવગણના કરી છે. આપણી માગણી હતી કે પાકિસ્તાન ગ્રુપને શરૂઆતનાં દસ વર્ષ પછી સંઘમાંથી હટી જવાનો અધિકાર હોવો જોઈએ – અને કોંગ્રેસને પણ આવી શરત સામે ગંભીર વાંધો નહોતો – તેમ છતાં એ માંગ મિશનના સ્ટેટમેંટમાં કાઢી નાખવામાં આવી છે. સંઘની બંધારણ સભામાં પ્રાંતોના ૨૯૨ પ્રતિનિધિઓ હશે, એમાં માત્ર ૭૯ મુસલમાનો હશે. બીજી બાજુ, રજવાડાંઓના ૯૩ પ્રતિનિધિ હશે જે મોટા ભાગે હિન્દુ હશે. આમ મુસલમાનોનું પ્રતિનિધિત્વ વધારે પાતળું થઈ જશે.

હવે આ યોજના સ્વીકારવી કે નહીં તે લીગની વર્કિંગ કમિટીએ નક્કી કરવાનું છે.

કૅબિનેટ મિશનની ટિપ્પણી

૨૫મીએ કૅબિનેટ મિશને આ બન્ને નિવેદનો પર ટિપ્પણી કરી. એમણે કહ્યું કે લાંબી ચર્ચાઓ છતાં બન્ને પાર્ટીઓના નેતાઓ સમાધાન નથી કરી શક્યા. તે પછી, મિશનના સભ્યોએ બન્ને પક્ષોની રજૂઆતોમાંથી સૌને નજીક લાવે એવાં તત્ત્વો એકઠાં કરીને પોતાની યોજના રજૂ કરી છે. એના કેટલાક મુદ્દા તો સ્પષ્ટ છે, જેમ કે, બંધારણ સભાની સત્તાઓ અને કાર્યોમાં દખલ કરવાનો કોઈ વિચાર નથી. નામદાર સમ્રાટની સરકાર માત્ર બે બાબતો માટે આગ્રહ રાખે છેઃ લઘુમતીઓ માટે પૂરતા રક્ષણની વ્યવસ્થા અને સત્તાની સોંપણીની પ્રક્રિયામાં ઊભી થતી બાબતો માટે  બ્રિટિશ સરકાર સાથે સમજૂતી કરવાની તૈયારી. તે ઉપરાંત સ્વતંત્ર ભારતની સરકારની ઇચ્છા વિના ભારતની ભૂમિ પર બ્રિટિશ સૈન્યો રાખવાનો પણ સવાલ નથી, પરંતુ વચગાળામાં, બ્રિટિશ પાર્લામેંટની બધી જવાબદારી હોવાથી હમણાં તો બ્રિટિશ સૈન્યો અહીં જ રહેશે.

નહેરુ અને વેવલ વચ્ચે પત્રવ્યવહાર  

વર્કિંગ કમિટીની બેઠક ૨૪મીએ ઠરાવ પસાર કરીને મોકૂફ રખાઈ અને ફરી નવમી જૂને મળી પણ તે દરમિયાન જવાહરલાલ નહેરુએ વાઇસરૉય લૉર્ડ વેવલ સાથે પત્રવ્યવહાર કર્યો. નહેરુએ લખ્યું કે કોંગ્રેસની શરૂઆતથી જ એ માંગ રહી છે કે વચગાળાની સરકારને ખરા અર્થમાં રાષ્ટ્રીય સરકારનો દરજ્જો આપવા માટે કાયદાકીય અને બંધારણીય સુધારા જરૂરી છે. વર્કિંગ કમિટી માને છે કે ભારતની સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે એ મહત્ત્વનું છે. જો કે, આપ અને લૉર્ડ પૅથિક લૉરેન્સે ખાતરી આપી છે કે બંધારણીય સુધારા માટે અમુક સમય લાગશે, પણ તે દરમિયાન વચગાળાની સરકાર વ્યવહારમાં ખરેખર રાષ્ટ્રીય સરકાર હશે. તે ઉપરાંત, હમણાંની સ્થિતિ મુજબ સરકાર સેંટ્રલ ઍસેમ્બ્લીથી સ્વતંત્ર છે, પણ આપણે નવી પરંપરા શરૂ કરવી જોઈએ કે સરકારનું અસ્તિત્વ સેંટ્રલ ઍસેમ્બ્લીનો વિશ્વાસ ટકાવી રાખવા કે ગુમાવવા પર આધારિત રહેશે. આ બે મુદ્દા પર સંતોષકારક પગલાં લેવાય તો બીજા જે પ્રશ્નો છે તેનું આપણે નિરાકરણ લાવી શકીશું.

વેવલે જવાબમાં કહ્યું કે “બહુ જ ઉદાર ઇરાદા હોય તે પણ કાગળ પર ઉતારતાં ઔપચારિક ભાષામાં એ ઓળખાય તેવા નથી રહેતા.” એણે ઉમેર્યું કે એક વાત સ્પષ્ટ છે કે મેં તમને એવી ખાતરી નથી આપી કે વચગાળાની સરકારને ડોમિનિયન સરકાર જેવી જ સત્તાઓ મળશે; પરંતુ મેં કહ્યું છે કે બ્રિટિશ સરકાર વચગાળાની સરકારને ડોમિનિયન સરકાર જેવી જ માનશે અને શક્ય હોય તેટલી વધુમાં વધુ સ્વતંત્રતા આપશે.

આમ છતાં વર્કિંગ કમિટીની બેઠક નવમી જૂને મળી તે પછી ૧૩મીએ કોંગ્રેસ પ્રમુખે વેવલને લખ્યું કે જવાહરલાલ નહેરુએ એમના પત્રવ્યવહાર વિશે ચર્ચા કરી છે અને અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે વચગાળાની સરકાર ‘સમાનતા’ (કોંગ્રેસ અને મુસ્લિમ લીગના સભ્યોની એકસરખી સંખ્યા)ના આધારે બનાવવાની છે પણ અમે એવી સરકાર બનાવી શકીએ તેમ નથી. ૧૯૪૫માં તમે સિમલામાં કૉન્ફરન્સ બોલાવી હતી તેની ફૉર્મ્યુલા એ હતી કે ‘સમાનતા’ સવર્ણ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે રાખવાની હતી. એ વખતે લીગ માટે મુસ્લિમ સીટો અનામત નહોતી રાખી, અને મુસ્લિમ સીટો પર બિન-લીગી મુસલમાનને પણ લેવાની વ્યવસ્થા હતી. હવે મુસ્લિમ સીટો લીગ માટે અનામત છે, એટલે બિન-લીગી મુસલમાન પણ ન આવી શકે.  આથી હિન્દુઓ સાથે અન્યાય થાય છે. અમે આવી વ્યવસ્થા સ્વીકારી ન શકીએ. વળી મિશ્ર સરકારનો એક સહિયારો દૃષ્ટિકોણ હોવો જોઈએ. તે વિના સરકાર ચાલી જ ન શકે. આવી સરકાર બનાવવાની યોજનામાં આ વાતને તો તિલાંજલી આપી દેવાઈ છે. આથી મારી વર્કિંગ કમિટીને વિશ્વાસ નથી કે સરકાર ચલાવી શકાશે. ૧૪મીએ કોંગ્રેસ પ્રમુખે બીજો પત્ર લખ્યો. તે પહેલાં એ વેવલને મળી આવ્યા હતા. એ વખતે વેવલે એમને કહ્યું હતું કે મુસ્લિમ લીગે જે નામો આપ્યાં છે તેમાંથી એક વાયવ્ય સરહદ પ્રાંતનો છે, જે હાલની ચૂંટણીમાં હારી ગયો હતો. મૌલાના આઝાદે એને સામેલ કરવા સામે પોતાના પત્રમાં વાંધો લીધો, પરંતુ વેવલે જવાબમાં કહ્યું કે કોંગ્રેસને લીગના પ્રતિનિધિ સામે વાંધો લેવાનો હક નથી. ૧૪મીએ મૌલાના આઝાદે ફરી પત્ર લખીને પોતાના વાંધાઓનું પુનરાવર્તન કર્યું.

પણ વેવલે કહ્યું કે વાતચીતમાં થોડા વિરામની જરૂર છે. એણે કહ્યું કે માત્ર રાજકીય પ્રતિનિધિઓની નહીં પણ અધિકારીઓની સરકાર બનાવવી પડશે.. તે પછી ફરી ઘટનાચક્ર ફર્યું.  વાઇસરૉયે નવી જ જાહેરાત કરીને બન્ને પક્ષો સામે નવી સ્થિતિ ઊભી કરી દીધી. આના વિશે આવતા અઠવાડિયે વાત કરીશું.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register – Jan-June 1946 Vol. I


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

2 thoughts on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૫૭: કૅબિનેટ મિશન(૫)

  1. સ્વાતંત્ર્ય નો આટલો વિસ્તૃત ઇતિહાસ ભાગ્યેજ ક્યાંય જોવા મળે .આપનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ દાદ માંગી લે છે.નવી પેઢીના અભ્યાસુ માટે તો આ ગ્રંથ બની રહે.શુભકામના દિનેશ.લ.માંકડ અમદાવાદ

Leave a Reply

Your email address will not be published.