સમજણનું અજવાળું

રક્ષા શુક્લ

ધીમે ધીમે ઓરડામાં ઊતરી આવતા અંધકારમાં ઝેરની બોટલને તાકતો અયાન બેઠો હતો. બોટલને ખોલવા તેના ટેરવા આગળ વધ્યા. ૯૦-૯૫%ના બદલે આવેલા ૬૫% એ અયાનને સાવ નિરાશાની ગર્તામાં ધકેલી દીધો હતો. દિવસ-રાત જાગીને મેડીકલમાં જવાના સપનાંને સાકાર કરવા તેણે કેટકેટલી મહેનત કરી હતી. સાયન્સનું પેપર થોડું અઘરું લાગેલું પણ આટલી હદે નબળા પરિણામની કલ્પના ન હતી. તેનું મગજ સુન્ન થઈ શૂન્યના સરનામે જઈ ચડ્યું. ભવિષ્ય અંધકારમય લાગ્યું. હૃદયમાં ઉથલપાથલ મચી હતી. છેલ્લા પાંચેક દિવસથી જીવનના અંત સિવાય કોઈ માર્ગ તેને દેખાતો ન હતો. આત્મહત્યા માટે જાતજાતના ઉપાય અજમાવી અંતે ઝેરની બોટલ લઇ આવ્યો. કોઈ ઉહાપોહ કે ઉપદ્રવ વગર અનંત નિદ્રામાં પહોચાડી દેતી આ પ્રયુક્તિ તેને સરળ લાગી. ઝેરની બોટલ ખોલી ‘ને પીવા માટે હજુ મોં ખોલ્યું ત્યાં જ બંધ બારણાં પાછળથી માનો અવાજ કાને પડ્યો. ‘અયાન, આ ચકલી જો તો. ફરી માળો કરવા માંડી. બિલાડીએ તોડી નાખ્યો તોય બીતી નથી. ચાલને, માળો થોડો ઉપરની બાજુ ખસેડી દે ને. બિલાડી આંબે નહીં.’ ‘ને અયાન એકદમ ચોંકી ગયો ‘ને ભાનમાં આવ્યો. તેને થયું ’આ નાનકડી ચકલી ય ખરી છે. હિંમત તો જો એની ! તેનાથી પોતાની સરખામણી ચકલી સાથે થઈ ગઈ. પપ્પાના મૃત્યુ પછી તેણે અને તેની માએ કરેલો દારુણ સંઘર્ષ તેને યાદ આવ્યો. એમાંથી પાર પડવા ભણતરની સાથે તેણે પાર્ટટાઈમ જોબ અને ટ્યુશન કરી ઘરની આર્થિક જવાબદારી કેવી હિંમતપૂર્વક નિભાવી હતી. નાના ભાઈને ભણાવ્યો હતો. આત્મહત્યાના વિચારથી એ શરમનો માર્યો કોકડું વળી ગયો. બહાર ચકલીનો ‘ચીં ચીં’ અવાજ આવ્યો અને એણે  ઝેરની બોટલનો ઘા કરી દીધો.

બહારથી માએ પૂછ્યું ‘શું થયું ?’ અયાને હસતા હસતા કહ્યું  કે ‘બોટલે આત્મહત્યા કરી’

ભોળી માએ કહ્યું કે ‘કાચ ફૂટે એ તો શુકન થયા કહેવાય, બેટા’

અયાનની જેમ જ આત્મહત્યા કરવા ઈચ્છતી દરેક વ્યક્તિ જો જરાક થંભી જઈ, એ નબળી ક્ષણને જીતી લે તો આવી કેટલીયે મૂલ્યવાન જિંદગી બચી શકે. આત્મહત્યામાં કંઈ બહાદુરી નથી. કાળીડીબાંગ કાયરતા છે. ખરી હિંમત અને હિકમત તો જીવનમાં સામે આવેલા પડકારો જીલીને લડી લેવામાં છે. દુષ્યંતકુમાર કહે છે તેમ… कैसे आकाश में सुराख नहीं हो सकता, एक पथ्थर तो तबियत से उछालो यारो… રાજેન્દ્ર શાહની કવિતા ‘ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર’ વાંચીને એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનું ટાળેલું. સારો  વિચાર એક ડોકટરની ગરજ સારે છે. દરેકે વિચારવું રહ્યું કે કેટકેટલાં નાના કે નબળા, ગરીબ કે અપંગ માણસો આખી જિંદગી સંઘર્ષમાં જ પસાર કરતા હોય છે. સાવ સામાન્ય માણસ પણ આર્થિક કે શારીરિક વિટંબણાઓ વચ્ચે કુટુંબનું ભરણપોષણ કરતા હોય છે. સારા-નરસાં વ્યાવહારિક પ્રસંગો પાર પાડતા જ હોય છે. તો પોતે કેમ ન લડી શકે ? જીવનમાં માત્ર સુખનું જ સાતત્ય ન હોય શકે. તડકો અનુભવેલો હોય છે એટલે છાયો મીઠો લાગે. દુઃખ અને પીડાની ગેરહાજરી આપણને સુખની પ્રતીતિ કરાવે છે. અંધકાર છે એટલે એના ન હોવાની સ્થિતિને આપણે પ્રકાશ કહીએ છીએ. વળી કોઈ પણ ઘટનાની એક અવધિ હોય છે. એ સુખ હોય કે દુઃખ. બે દિવસ, ચાર દિવસ કે થોડું વધુ પણ એનો અંત નિશ્ચિત છે. દુઃખની ઘડીઓ વીતી જતા આપણે કેવો હાશકારો અનુભવીએ છીએ કે ‘અરે, હું તો મુશ્કેલીની ક્ષણોને જીતી ગઈ. એ કસોટીમાંથી પાર ઉતરી ગઈ. I can fight.’ ‘ને વ્યક્તિ માં આત્મવિશ્વાસના અમીઝરણાં ફૂટે છે. દુઃખ પછી આવતું સુખ વધુ મીઠું અને મસાલેદાર લાગે છે. સંઘર્ષ વિનાનું જીવન ફિક્કું ફરાળ જેવું હોય છે. ઝરણાંનું મીઠું ગાન પથ્થરો વચ્ચે વહેવાને લીધે જ નીપજે છે. સુખનું એકધારાપણું એકધારી મીઠાઈ ખાવા જેવું જ અળખામણું થઈ પડે છે. એકલા સુખમાં જીવતો માણસ ખરેખર સુખી હોતો નથી. નર્યા સુખથી માણસ ઉબાઈને કંટાળી જાય છે. આનાથી મોટું કોઈ દુઃખ નથી. પૈસાથી મેળવેલું સુખ અંતે ક્ષણિક હોય છે અને પીડા આપે છે પણ પ્રેમમાં મળેલું દુ:ખ પીડાદાયી હોવા છતાં સુખ આપે છે. સતત કોઈ એક સ્થિતિમાં જીવી શકાતું  નથી. પરિવર્તનની પાંખને ઊડવા જોઈએ છે. સુખ પછી આવતા દુઃખ સામે માણસે ધીરજપૂર્વક લડવું જોઈએ. ટૂંકી અવધિની નાની નાની મુશ્કેલીથી હરેરી જઈને માણસ જો આખું જીવન હારી જાય અને શ્વાસ મૃત્યુને સોંપી દે તો એ વાત કેટલે અંશે યોગ્ય હોય શકે ? આ તો ઈન્ટરવલમાં જ અડધું નાટક છોડીને જવા જેવું થાય. ‘સારાંશ’ ફિલ્મના નાયક અનુપમ ખેર કહે છે તેમ ‘આત્મહત્યામાં હિંમતની જરૂર નથી પણ જીવન જીવવામાં હિંમત જોઈએ.’ ‘આઉટસાઈડર’નો નાયક મ્યૂરસોલ્ટ, ‘આકાર’નો નાયક યશ ન. શાહ કે ‘અમૃતા’નો નાયક ઉદયનની આત્મહત્યાના કારણો તપાસવા જેવા છે.

ઈશ્વરે માણસ રૂપે આપણને આ ધરતી પર જન્મ આપ્યો છે તો તેની પાછળ જરૂર કોઈ ચોક્કસ ગણતરી હોય છે. કોઈ સારો હેતુ પાર પાડવા માટે તેણે આ માનવદેહ આપ્યો હોય છે. જીવનમાં કશું વ્યર્થ હોતું જ નથી. વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે ‘We are all warms, but I do believe that I am a glow-warm.’  આપણે સૌ પણ આવા વિશિષ્ટ, ઝગમગતા જીવ જ છીએ. જીવનમાં દરેકે મહાન કે સફળ હોવું જરૂરી નથી. પૃથ્વી પર એવો કોઈ નિયમ પણ નથી કે માત્ર સફળ કે મહાન માણસો જ જીવી શકે. બીજા કીડા કે મકોડા જેવા નગણ્ય છે. માત્ર સમૃદ્ધિ, સિદ્ધિ કે વિદ્વતા જ સર્વસ્વ નથી. પોતાના કુટુંબનું જવાબદારીથી, પ્રેમપૂર્વક પૂરું કરી શાંતિથી જીવતો સામાન્ય માણસ ખરેખર ઉત્તમ જ જીવે છે. ઈશ્વરે કેટલા બધા માણસોને એવરેજ કે સામાન્ય ઘડ્યા છે. શા માટે ? લિંકન કહેતા કે ‘It seems that God likes common men  more. Otherwise He would not have created so many of them.’ ઈશ્વરને ય આ સીધાસાદા એવરેજ માણસો ખૂબ ગમતા હોવા જોઈએ. એટલે સ્તો અગણિત ઘડ્યા. અહીં સ્નેહરશ્મિનું કાવ્ય યાદ આવે છે.

‘રે જીવ, શાને ઓછું આણે !
ગાણું તારું હોંશે ગા ને.
ખાલી ભલે તું હોય અધૂરો
ચિંતા તેની શાને ?
ઘડો ભરે તો ડૂબે વ્હેણે,
અધૂરો મોજ માણે.’               

ક્યારેક નિષ્ફળતા મળી તોય શું થઈ ગયું ? નિષ્ફળતામાંથી તો શિખવાનું છે. એ જ તો સફળતા માટેની સીડી છે. જગતમાં માણસ એક જ બુદ્ધિશાળી પ્રાણી છે. તેથી સફળ થવા માટે હાર માન્યા વિના તેણે સતત પ્રયત્ન કરવો જોઈએ. સંસ્કૃતમાં કહ્યું છે કે ‘यत्ने कृते अपि न सिध्यति, कः अत्र दोषः I’ કદાચ સફળ ન પણ થવાય તો કચાશ ક્યાં રહી ગઈ છે તે માણસે વિચારવું જોઈએ. ઋગ્વેદમાં તો કહ્યું છે કે ‘अयं मे हस्तो भगवान्, अयं मे भगवत्तरः’. આ મારો હાથ ભગવાન છે, એ ભગવાનથી પણ ચડિયાતો છે.’ સખત પરિશ્રમથી માણસે કંઈક સંશોધનો કર્યા છે. સિદ્ધિઓ મેળવી છે. પરિશ્રમ કરનારને તેના કર્મનું ફળ આપવા માટે ઈશ્વર પણ બંધાયેલો છે. વાત માત્ર હકારાત્મક વલણોની છે જે માણસની સમજણ અને વિચારયાત્રામાંથી જન્મે છે. આ સમજણ ક્યાંય બ્હારથી આવતી નથી. એ કેળવવી પડે છે.

વિપરીત પરિસ્થિતિમાં પણ જે માણસ હસી શકે છે એ સઘળી બાજી જીતી જાય છે. ગાંધીજી હંમેશા કહેતા કે ‘જો મારામાં રમૂજવૃત્તિ ન હોત તો મેં ક્યારનો ય આપઘાત કર્યો હોત’ આજના જમાનામાં હાઈ બી.પી. કે ડાયાબીટીસ જેવા રોગોએ દરેક ઘરમાં પગપેસારો કર્યો છે. એ તણાવ, ચિંતા અને નકારાત્મક વલણોની દેણગી છે. ક્રોધ કે વધુ પડતો ગુસ્સો પણ નાની વાતને મોટું સ્વરૂપ આપે છે જેનાથી માણસ પોતાને જ નુકશાન પહોચાડે છે અને ક્યારેક મૃત્યુ સુધી ધકેલાય છે. વાત એ જ કે તમે જો કુટુંબને કે બીજી વ્હાલી વ્યક્તિઓને ખરેખર પ્રેમ કરતા હો તો એના માટે જીવી જાણો. જીવી બતાવો. મૃત્યુ સ્વીકારીને તો તમે ઉલટાના એની આખી હયાતીને અળખામણી બનાવી દ્યો છો. તમારા મૃત્યુથી એની હયાતીનો એક ટૂંકડો કાયમ માટે ખરી જાય છે જે કોઈને દેખાતો નથી. કોઈ એક કુઠારાઘાતથી નકારાત્મકતાનું નાળિયેર પકડીને બેસી ન રહેવાય.

આત્મહત્યા કરનાર વ્યક્તિને મૃત્યુના નકારાત્મક વિચારોમાંથી પાછી વાળવા અમુક વાતો વિચારી શકાય. જેમ કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારતી હોય છે તે મૃત્યુ પહેલા પોતાની વાણી કે વર્તનથી, સીધી કે પરોક્ષ રીતે કોઈક ને કોઈક સંજ્ઞા કે નિશાનીઓ આપતી હોય છે. આવી વ્યક્તિઓના કોઈ ફિલસૂફીવાળા કે નેગેટીવ વાક્યો, કોઈ સૂચના કે નોટ્સ, અથવા પીડા, ઈચ્છા કે અફસોસ દર્શાવતી વાતો જેને તેના માતા-પિતા, મિત્રો કે શિક્ષકોએ હળવાશથી ન લેતા ગંભીરતાથી ધ્યાન આપવું  જોઈએ. વ્યક્તિના વાણી-વર્તનમાં જો અચાનક જ કોઈ ફેરફાર જોવા મળે તો તેની પાસે શાંતિથી બેસી તેને પીડા આપતી વાતોને તે તમારી સાથે ખુલ્લા મને શેર કરે તેવું વાતાવરણ ઊભું કરવું. તેને આશ્વાસન આપી, સતત લાગણીની હૂંફ મળે તે જોવું. હતાશ વ્યક્તિને જરા પણ એકલી પડવા ન દેવી. તેની આસપાસ રહીને તેનું નિરીક્ષણ કર્યા કરવું. તેના ગુસ્સાને પી જવો. તેની સાથે સતત હૂંફાળી વાતો કરી તેનો આત્મવિશ્વાસ અને જીવન તરફ શ્રદ્ધા પ્રગટે એવો પ્રયત્ન કરવો જોઈએ. સાંભળનાર વ્યક્તિએ કોઈ નેગેટીવ વાતો ન કરવી કે નથી તેણે કાજી બનવાનું. તમે તેના હિતેચ્છુ જ છો એવો આત્મવિશ્વાસ તેનામાં જાગવો જોઈએ. વળી તેની કોઈ અંગત પીડાની કે સિક્રેટ વાત તમે ખાનગી જ રાખશો એવું પ્રોમીસ એને આપો ખરા પણ લાગતા વળગતાને તુરંત જાણ કરો.

કોઈ વ્યક્તિ ડિપ્રેશન, મેન્ટલ ઈલનેસ કે વર્તનના ડિસઓર્ડરથી પીડાતી લાગે તો ડૉક્ટર સાથે તે બાબત ચર્ચા-વિચારણા થાય તે અત્યંત આવશ્યક છે. તેના રૂમમાંથી કે તેની તે આસપાસથી સ્યુસાઇડ કરી શકે તેવી કોઈ પણ સામગ્રી દૂર કરવી. કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક વાતમાંથી બળ મળે તેમ હોય તો એ રીતે ય તેની માનસિકતા બદલી શકાય કે જીવનથી મૂલ્યવાન કશું છે જ નહીં. જીવન હશે તો મુશ્કેલીના ઉપાયો પણ મળશે. જિંદગી જીન્દાદિલીનું નામ છે.


સુશ્રી રક્ષાબહેન  શુક્લનો સંપર્ક  shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.