મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
જે વ્યક્તિ કે વસ્તુ એકની સંખ્યામાં હોય તો તેને માટે આપણે એકવચન અને એક કરતા વધારેની સંખ્યામાં હોય તો તેમને માટે બહુવચનનો પ્રયોગ કરીએ છીએ. પરંતુ કેટલીક વ્યક્તિ એક હોય તો પણ તેને માટે માનાર્થે બહુવચનનો ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિની જેમ કેટલીક ચીજવસ્તુઓને પણ આપણે સન્માન આપીને તેમને માટે પણ બહુવચન વાપરીએ છીએ. આવી જ એક નસીબદાર વસ્તુ છે ચશ્મા.
પરંતુ કોઈને પણ સહેલાઇથી માનસન્માન નહિ આપવું એવો દૃઢ નિર્ધાર કરીને બેઠેલા વાચકમિત્રો દલીલ કરશે કે ચશ્મા માટે કરવામાં આવતો બહુવચનનો પ્રયોગ તેમને માન આપવા માટે નહિ, પરંતુ એક ચશ્મામાં એક કરતા વધારે ગ્લાસ હોવાથી કરીએ છીએ. પરંતુ આ મિત્રો ભૂલી જાય છે કે એક ચડ્ડી કે પાટલૂનને બે પાયચાં હોવા છતાં તેને ચડ્ડીઓ કે પાટલૂનો નથી કહેતા. એ જ રીતે એક નાકને બે નસકોરાં હોવા છતાં તેનો પ્રયોગ એકવચનમાં જ કરીએ છીએ. આમ સૌએ સ્વીકારવું જ રહ્યું કે ચશ્માને આપણે સન્માનિત જ કરીએ છીએ.
આટલું સ્વીકાર્યા પછી સવાલ થવો સ્વાભાવિક છે કે ચશ્મા આપણા સન્માનના અધિકારી શા કારણે બને છે ? તો તાત્કાલિક તો એવો જવાબ આપવા પ્રેરાશું કે ચશ્મા આપણી દૃષ્ટિની ખામી દૂર કરીને આપણને દૂરનું જોવા માટે મદદ કરે છે, આથી ઉપકૃત થઈને આપણે તેને સન્માન આપતા હોઈશું. પરંતુ જીવનમાં કેટલી બધી વ્યક્તિઓ કે ચીજવસ્તુઓ હોય છે જે આપણને માત્ર ઉપયોગી જ નહિ પરંતુ તેના વિના જીવન અશક્ય બની જાય છે. તેમને પણ આપણે એક વચનમાં સંબોધીએ છીએ. ઉદાહરણ તરીકે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ પરંતુ તેને માનાર્થે સંબોધતા નથી. એ જ રીતે જેના વિના જીવન શક્ય નથી એવા હવા, પાણી કે ખોરાક પણ માનાર્થે સંબોધન પામતા નથી. એથી વિપરીત રાજકીય નેતાની ઉપયોગિતા કેટલી હોય છે તે જણાવવાની જરૂર નથી. પરંતુ તેમનું તો આપણે (જાહેરમાં) હંમેશા સન્માન જ કરતા હોઈએ છીએ. હકીકતમાં તો જે ખરેખર ઉપયોગી હોય છે તેને આપણે ભાગ્યેજ સન્માનીય ગણતા હોઇએ છીએ. આ માટેનાં ઉદાહરણો શોધવાનો વ્યાયામ કરવાનું વાચક મિત્રો પર જ છોડી દઉં છું.
ચશ્મા આપણી દૃષ્ટિની ખામીનો નિર્દેશ કરતા હોવાથી અન્ય શારીરિક ખામી ધરાવતી વ્યક્તિની જેમ લગ્નનાં બજારમાં ચશ્મા પહેરેલા ઉમેદવારની કિંમતમાં ઘટાડો થાય છે. ચશ્મા પહેરનારને અભિનેતા બનવાની તક ઓછી છે. એ જ રીતે વિમાનનો પાયલોટ બનવા માટે પણ ચશ્મા અવરોધરૂપ છે. અરે નાના બાળકો પણ ઇચ્છતાં હોય છે કે માણસના ચહેરા પર ચશ્મા ન જોઈએ એટલે ન જ જોઈએ. આથી જ કોઇ ચશ્મા પહેરેલી વ્યક્તિ નજીકમાં આવતા બાળક સૌ પ્રથમ તેના ચશ્મા ખેંચી લેવાનું કામ કરે છે. આ દૃષ્ટિએ જોતા ચશ્માને સન્માન આપવા માટેનું કોઇ કારણ નથી.
તો પછી શા માટે ચશ્મા સન્માન પામતા હશે? આ સવાલનો જવાબ થોડા દિવસો પહેલાં બનેલી એક ઘટના પરથી મળી ગયો.
બન્યું એવું કે અમે ત્રણ મિત્રો એક રાત્રે ગરમીથી બચવા બે ત્રણ સોસાયટીની વચ્ચે આવેલાં એક ખુલ્લાં મેદાનમાં બેઠા હતા. ત્રણેય ચશ્માધારી હતા. અમે વાતોમાં તલ્લીન હતા તેવામાં થોડા માણસો લાકડીઓ લઈને અમારી તરફ ધસી આવ્યા. નજીક આવીને તેમણે આમારા પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો અને જેવા અમે દેખાયા કે તે લોકો ખડખડાટ હસવા લાગ્યા અને બોલી ઉઠ્યા “અલ્યા, આ બધા તો ચશ્માવાળા છે”. પછીથી તેમાંના એકે સમજાવ્યું, “અહીં આજબાજુ ચોરીનો ઉપદ્રવ વધી ગયો છે. આથી તમને લોકોને અહીં બેઠેલા જોઇને અમને શંકા ગઈ પરંતુ તમે તો ચશ્માવાળા છો” આમ ચશ્મા તો શાહુકારને જ હોય -ચોરને ના હોય- એ માન્યતાએ અમને બચાવી લીધા. સાથે સાથે ચશ્મા માણસને પ્રતિષ્ઠા અપાવે છે એ વાત સમજાઈ.
વાચકો કદાચ દલીલ કરશે કે સમાજમાં કરચોરી કરતા વેપારીઓ કે ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ નેતાઓ કે સરકારી અધિકારીઓ તો એક રીતે ચોર જ કહેવાય અને તેમાના ઘણા બધા ચશ્માધારી હોય છે. પરંતુ આપણે તેમને ચોર તો ખાનગીમાં માનતા હોઈએ છીએ, જાહેરમાં તો સન્માન જ આપીએ છીએ. સાદો ચોર કે ખિસ્સાકાતરુ ગુનો કરતા પકડાઇ જાય તો ટોળું જ તેનો ન્યાય કરી લે છે, જ્યારે પેલા સફેદ ચોરોને સજા કરતા પહેલાં ન્યાયતંત્રે પણ હિંમત એકઠી કરવી પડે છે.
જેમ ચોરને તેમ સમાજમાં જેમની પ્રતિષ્ઠા નથી થતી એવા શ્રમજીવીઓને પણ ચશ્મા નથી હોતા. નલિનીબેન ગણાત્રા નામના એક હાસ્યલેખિકા બહેને “કામવાળીને કોલોસ્ટ્રોલ નથી હોતું” એ વિષય પર લખેલા હળવા લેખમાં ઉમેરીને કહી શકાય કે કામવાળી બહેનો કોલોસ્ટ્રોલ ઉપરાંત ચશ્માથી પણ વંચિત હોય છે. આમ ચશ્મા તો એ લોકોના ચહેરા પર જ શોભે છે જેઓ પોતાને કરવો જોઈતો શારીરિક શ્રમ અન્યની પાસે કરાવીને પ્રતિષ્ઠિત બને છે. આથી જ ધનવાન લોકો ઉપરાંત જ્ઞાનવાન એવા સાહિત્યકારો, ફિલોસોફરો, શિક્ષકો, પત્રકારો વગેરેને પણ ચશ્મા હોય છે.
અહીં બીજો સવાલ ઉભો થશે કે (કહેવાતા) પ્રતિષ્ઠિત લોકોની સાથે સાથે તેમણે ધારણ કરેલા ચશ્મા શા માટે સન્માનના અધિકારી બને છે. હંમેશની જેમ આ સવાલનો જવાબ પણ આપણા ધર્મ કે શાસ્ત્રો પાસેથી મળે છે. હળાહળ ઝેરથી ભરેલો હોવા છતાં ભગવાન શંકરનાં ગળે વીંટળાયેલો હોવાથી સર્પને પૂજવામાં આવે છે. બલિરાજા પાસે સાડા ત્રણ પગલાંની માગણી કર્યા પછી વામનજીએ પોતાની ઊંચાઇ ખૂબ વધારી દીધી તો તેની સાથે તેમણે ધારણ કરેલો દંડ પણ ઊંચાઇને પામ્યો. બિલકુલ એ રીતે જ સમાજના પ્રતિષ્ઠિત માણસનો સંગ કરવાથી ચશ્મા પણ સન્માન પામ્યા હશે.
શોધવા બેસીએ તો મોટા માણસનો સંગ કરનારનો મોભો વધી જાય છે તેવાં અસંખ્ય ઉદાહરણો આપણને મળી રહેશે. સામાન્ય રીતે ઓફિસના પટાવળાને આપણે માન નથી આપતા. પરંતુ એ જ પટાવાળો સાહેબની કેબિનની નજીક બેઠો હોય તો આપોઆપ સન્માનિત થઈ જાય છે. નેતાઓને આપીએ છીએ એટલું, ક્યારેક જરૂર પડે તો વધારે માન જેમને લોકભાષામાં ચમચા કહેવાય છે તેમને આપવું પડે છે.
જો કે ચશ્મા પહેરનારને તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણને જ્યારે ખ્યાલ આવે છે કે આપણે દૂરનું જોઇ શકતા નથી ત્યારે આંખના ડોક્ટર પાસે જઈએ છીએ. ત્યાં આખા જીવન દરમિયાન આપણે નક્કી કરી શકતા નથી કે આ સારું કે તે સારું અથવા આ સાચુ કે તે સાચું એવા પ્રકારના સવાલનો જવાબ ડોક્ટરને મિનિટાંશમાં આપવો પડે છે. ડોક્ટરે એક પછી એક એમ જુદા જુદા નંબરના ગ્લાસ મૂક્યા પછી છેવટે આપણે જણાવીએ કે આ બરાબર છે, તો પણ ડોક્ટરને સંતોષ થતો નથી અને વળી પાછો બીજો ગ્લાસ મૂકીને પૂછે છે “ હવે જુઓ આમાં કેવું લાગે છે?” અહીં આપણી મુઝવણ ખૂબ વધી જાય છે. છેવટે કોઇ એક પર મંજૂરીની મહોર મારી દેતા હોઈએ છીએ.
ચશ્મા અંગેની મુશ્કેલીનો અહીં અંત નહિ પણ આરંભ થાય છે. ચશ્મા પહેરેલાં નાના બાળક માટે બેટરી કે ચશ્મીશ એવા વિશેષણો શરૂ થાય છે. ત્યાર પછી શરૂ થાય છે એક ચશ્મા ખોવા અને શોધવાની વધારાની કામગીરી. ચશ્મા તૂટી જાય કે નંબર બદલાય તો નવા ચશ્મા બનાવરાવવા પડે છે. ચશ્મા માટેનાં વાયપરની શોધ હજુ નહિ થઈ હોવાથી ચશ્મા પહેરીને રસ્તે ચાલતાં ચાલતાં વરસાદમાં ભીંજાવાનો આનંદ મેળવી શકાતો નથી. આવા અનેક કારણોસર ચશ્મા એ કોઇની પસંદગીની વસ્તુ નથી જ. એટલે આપણા પ્રયાસો તો ચશ્મા ના આવે તે માટેના હોવા જોઈએ. પરંતુ બાળપણથી જ આપણે દૂરનું જોવાનું છોડી દીધું છે. દિવસે આકાશમાં વાદળોની લીલા નથી જોતા કે આકાશમાં ઊડતા પંખીઓને નથી જોતા. રાત્રે ચંદ્ર કે તારાઓને નિહાળતા નથી. પુસ્તક, મોબાઇલ અને વધુમાં વધુ ટીવીથી વધારે દૂરની વસ્તુ જોતા નથી. શહેરીકરણને કારણે રસ્તા ઉપર પણ દૂર જોવાનું શક્ય નથી. આથી આપણી દૃષ્ટિ ટૂંકી થઈ જાય છે અને દૂરનું જોવા માટે ચશ્માનો સહારો લેવો પડે છે. જીવનમાં પણ આપણી સતત ટૂંકી એટલે કે સ્વાર્થી દૃષ્ટિથી આપણાં લાંબાગાળાના હિતો જોઈ શકતા નથી. ભૂતકાળમાં આપણા રાજામહારાજાઓ તેમની ટૂંકી દૃષ્ટિને કારણે માહોમાહે લડી મર્યા અને આપણે વિદેશીઓના ગુલામ બન્યા. વર્તમાનમાં પણ આપણે જ્ઞાતિવાદ અને તથા ધાર્મિક કટ્ટરતાની સંકુચિતતાને કારણે દેશ અને સમાજના લાંબા ગાળાના હિતો જોઈ શકતા નથી. આ રીતે ચશ્મા આપણને બોધ આપે છે કે સતત ટૂંકી દૃષ્ટિ જેમ આંખને નુક્શાન કરે છે તેમ વ્યક્તિ કે સમાજ પણ સતત ટૂંકી દૃષ્ટિને કારણે અધોગતિ તરફ ધકેલાય જાય છે.
આ રીતે પોતે પ્રતીક બનીને આપણને સત્ય સમજાવતા ચશ્મા યોગ્ય રીતે જ સન્માનના અધિકારી છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનાં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269
કિશોરભાઇ , આપનો લેખ “આદરણીય ચશ્માજી “ ગમ્યો હળવા લેખ દ્વારા આપે બહુ મોટી વાત કહી
સુક્ષ્મ નિરિક્ષણ, ચિંતન અને વિનોદવૃત્તિ સિવાય આવો સરસ હાસ્યલેખ લખવો મુશ્કેલ છે. સરસ લેખ છે. કિશોરભાઈને અભિનંદન ્
બોધ આપતો સરસ હળવો લેખ.માણસે પોતાની દ્રષ્ટી વિશાળ રાખવી જોઈએ. જો કે ઘણીવાર ચશ્મા ધારણ કરવાથી વિદ્વાન માં ખપી જવાય છે.મોતિયાના ઓપરેશન પછી મારા દૂરના ચશ્મા નીકળી ગયા પણ નજીકના એટલે કે વાંચવાના આવ્યા.
ચશ્મા તૂટી જાય તો માણસ કેટલો હાંફળો ફાંફળો થઈ જાય તે મે અનુભવ્યુ છે. તેથી એક ચશ્માની ત્રણ જોડી હોવી જોઈએ. કારણ ચશ્મા, એ જ હવે આંખ છે.લેખકને અભિનંદન.
આભાર સંતોષભાઈ
શું લખું? શું ના લખું?
વાક્યે વાક્યે રમૂજ છંટાય છે પણ કોથળામાં પાંચશેરી જેવાં વાક્યો વિચાર પ્રેરક છે. ચશ્માં અને દ્રષ્ટિ જેવા સાવ સામાન્ય લાગતા વિષયને જીવનની ફિલસૂફી સાથે સાંકળી લઈને મર્મપૂર્ણ લેખ આ નકારાત્મકતાના વાતાવરણમાં હળવા તો કરે જ છે પણ મારા જેવાને કથાબીજ પૂરું પાડે એમ કહું તો અસ્થાને નથી. લોકોને હાસ્ય વિખેરવા માટે પ્રેરિત કરવા અભિનંદન.
આભાર આરતીબેન
એક ગીત પણ છે.ચશ્મા.ઉતારો ઔર દેખો યારો😊
ચશ્મા વિશે ઉત્તમ હાસ્ય લેખ. નાની નાની રોજબરોજની વાતોને સાંકળીને એના દ્વારા સમાજને સૂક્ષ્મ સંદેશા આપવાની દૃષ્ટિ આપે તેવા ચશ્મા કિશોરભાઈ પાસે છે એ વાત ફરી સાબિત થઈ.
બે પ્રખ્યાત “ચશ્મા”ને આમાં સાંકળી લેવાય તો વધારે મજા આવે… એક “ગાંધીબાપુના ચશ્મા”, જેના પર ઘણાએ ઘણું લખ્યું હશે (સંતોષભાઈ વધારે માહિતી આપી શકે)…. ને બીજા “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા”….