ભગવાન થાવરાણી
કેટલાક શાયરોના મારા પસંદીદા શેરો સાથે પૂર્ણ ન્યાય કરી શકાય એ માટે એમની અન્ય રચનાઓમાંથી પસાર થવું જરૂરી બની જાય છે. આવી કૃતિઓ શોધતાં – શોધતાં ક્યારેક જડી આવે ક્યારેક એવા શાયરો જેમના વિષે પહેલાં ન કશું સાંભળ્યું હોય, ન વાંચ્યું હોય ! આવું જ એક નામ છે વકીલ ‘ અખ્તર ‘ . માત્ર પાંત્રીસ વર્ષની વયે દુનિયાને અલવિદા કરનાર કલકત્તાના આ શાયરનો આ શેર દાયકાઓથી ડાયરીમાં હતો પણ એ વકીલ અખ્તરનો હતો એ જાણકારી નહોતી :
ઉસ શખ્સ કે ગમ કા કોઈ અંદાઝા લગાએ
જિસ કો કભી રોતે હુએ દેખા ન કિસી ને ..
આ એક રીતે એક રહસ્યોદ્ઘાટન છે કારણ કે આપણે હમેશા એમ માનતા આવ્યા છીએ કે જે રડતો નથી એ સૌથી સુખી છે !
આંખ સૂકી જોઈ એની ભ્રમ ન કરશો દોસ્તો
આંસૂઓં અંદર વહેલા છે – હું એને ઓળખું છું
‘અખ્તર’ સાહેબની વિચારસરણીનો એક ઓર નમૂનો:
ઝુક કે જો આપ સે મિલતા હોગા
ઉસકા કદ આપ સે ઊંચા હોગા
અને આ જ ગઝલનો મક્તો :
વો જો મરને પે તુલા હૈ ‘ અખ્તર ‘
ઉસને જી કર ભી તો દેખા હોગા
પરંતુ ‘ અખ્તર ‘ સાહેબનો જે શેર વિચારવા વિવશ કરે છે તે છે આ :
અજબ ખામુશી ઉસકે હોટોં પે થી
અજબ શોર ઉસકી નિગાહોં મેં થા..
કેટલાક લોકો દેખાય બહુ ગુમસૂમ પરંતુ એમની આંખો બહુ વાચાળ હોય છે. થોડાક હપ્તા પહેલાં મોહસીન નકવી સાહેબના આવા એક શેરની ચર્ચા કરેલી.
તો જનાબ, માત્ર હોઠોથી થતા કથનને ન સાંભળો, આંખો ઘણી વાર એનાથી ઘણું વધુ કહી દેતી હોય છે ! આ નાચીઝે લખ્યું છે :
બજા ઉસ શખ્સ કી બાતેં બડી હી ખૂબસૂરત થીં
મગર ઉસસે કહીં દિલચસ્પ થે વો બીચ કે વક્ફે..
( વક્ફા = વિરામ , pause )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Aaahaaaaa
આભાર બહેન!
રાવજી પટેલ (૨૯), અંગ્રેજ કવિ કિટ્સ (૨૯), કલાપી (૨૬), વકીલ અખ્તર (૩૫); આ બધા નાની વયે અવસાન પામ્યા છતાં નામના મૂકી ગયા.
આભાર વલીભાઈ!
ઉર્દૂના તો અનેક શાયરઓ અકાળે અસ્ત થયા! જેમ કે shakeb જલાલી…
बातें खूबसूरत और बीच का विराम उस से भी बढ़िया…क्या बात है. …
धन्यवाद सुनीलभाई !