વાસ્તવિકતાલક્ષી હકારાત્મક વિચારધારા એટલે શું ?

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

ભવિષ્ય વિશે સારા વિચારો કરવા અને સારા સ્વપ્નાં જોવાં એટલે પોઝિટિવ થિંકીંગ? તો શેખચલ્લી સાચો પોઝિટિવ વ્યક્તિ ન કહેવાય?

તમે વારંવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે બી-પોઝીટીવ (Be Positive) સારા વિચાર કરો. હકારાત્મક વિચાર કરો.

કેટલાયે લોકોએ મને એવું કહ્યું છે કે અમારી સાથે બધું જ ઇચ્છા વિરૂધ્ધ, નકારાત્મક જ ઘટતું હોય તો હકારાત્મક વિચાર કેવી રીતે આવે ?

નોકરી જતી રહી હોય, ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય, નિષ્ફળતા જ્યારે રોજિંદી ઘટના બની ગઈ હોય ત્યારે પણ જાતને કહેવું Be Positive. આ કેવી રીતે શક્ય બને ?

એક યુવાને મને પૂછ્યું સાહેબ પોઝીટીવ થીકીંગ એટલે શું ? ભવિષ્ય વિશે સારા વિાચરો કરવા સારા સ્વપ્નો જોવા તે ? તો શું શેખચલ્લી સૌથી મોટો હકારાત્મક વર્તન અને વલણવાળો વ્યક્તિ ન કહેવાય ?

‘ના’

કારણ,

‘તમે તમારા ભવિષ્ય માટે સારા, હકારાત્મક વિચારો કરો કે પછી આકાશની ઉંચાઈઓને આંબવાના સ્વપ્નાં જુઓ તો તમારી સાથે બધું સારૂં જ બનશે.’ એ તમારૂં વિશફુલ થીંકીંગ છે. રીઆલીસ્ટીક પોઝીટીવ થીંકીંગ નથી.

‘તમારા હકારાત્મક વિચારોથી તમે નક્કી કરો કે કોઇપણ ભોગે અમુક સિધ્ધિ હું મેળવીને જ રહીશ. એટલે એ તમને મળી જ જશે. માત્ર હકારાત્મક વિચારધારા પ્રમાણે તમારૂં ભવિષ્ય ઘડાશે.’ એવા સારા વિચારો કરવા.

આ બન્ને ‘અવાસ્તવિક ઇચ્છાપૂર્તિ માટે કરાતા વિચારો છે.  ેંWishful thinking ને વાસ્તવિક્તા સાથે કોઈ સંબંધ નથી.’

યાદ રાખો મિત્રો હકારાત્મક વિચાર ધારા અપનાવવાથી એક ઘોડો સારો ઘોડો બની શકે પણ એક ઘોડો ક્યારેય હાથી ન બની શકે. મારી આ વાત રીઆલીસ્ટીક પોઝીટીવ થીંકીંગનો પાયો છે.

પોઝીટીવ થીંકીંગ એટલે એક એવી વિચારધારા જે જીવનમાં રચનાત્મક કાર્ય કરવા માટે આપણને પ્રોત્સાહિત કરે. હકારાત્મક વિચારધારા આપણને આપણા વિશે માત્ર સારી લાગણી રાખતાં શીખવાડે છે એવું નથી. પણ હકારાત્મક વિચારધારા આપણને ચોક્કસ કાર્ય કરવાની પ્રેરણા આપે છે અને આપણામાં બદલાવ લાવે છે.

હકારાત્મક વિચારધારા પ્રત્યેનો મારો અભિગમ વાસ્તવિક અને વ્યવહારૂ છે.

રીઆલીસ્ટીક પોઝીટીવ થીંકીંગનો આધાર, હકીકતો, પુરાવાઓ અને તર્ક હોય છે. તમારા સંજોગો સંપૂર્ણપણે તમારી તરફેણમાં કે સાનુકૂળ કે આદર્શ ન હોય. એ સત્ય સ્વીકારવું પડે.

હકારાત્મક થીકીંગ તમારી પસંદગી અને કાર્યો ઉપર પ્રભાવ પાડે એવું વ્યવહારૂ હોય એ જરૂરી છે. હકારાત્મક વિચારધારા તમારી માન્યતાઓ અને ક્રિયાઓને ચોક્કસ દિશામાં લઇ જાય તેવી હોવી જોઇએ.

શેખચલ્લી દિવાસ્વપ્નો જોતું ચરિત્ર છે. તેના વિચારો એ સ્વપ્નાઓમાં વાસ્તવિક્તા અને વ્યવહાર કુશળતાનો અભાવ હતો. ટૂંકમાં માત્ર સારા વિચારો કરવાથી સ્વપ્નાં સિધ્ધ ન કરી શકાય.

યાદ રાખો આશાવાદ ક્યારેય અંધ ન બની શકે. આપણને આપણી શક્તિઓ અને મર્યાદાઓનું સંપૂર્ણપણે ભાન હોવું જરૂરી છે. તદઉપરાંત આપણો કાબુ તમામ વસ્તુ પર નથી હોતો. એટલે જેના પર આપણો કાબુ નથી ત્યાં પણ હકારાત્મક વિચારો કરી ધાર્યું પરિણામ ન લાવી શકાય.

મારી વાત સમજાવવા હું તમને એક ઉદાહરણ આપું છું. એક બારમા ધોરણમાં ભણતા હોંશિયાર નવયુવાને ૯૬% સાથે પાસ થવાનું ધ્યેય નક્કી કર્યું. એણે કઠોર પરિશ્રમ કર્યો પણ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એના ૮૮% માર્ક આવ્યા. બસ આટલી અમથી વાત પર જીવન જીવવામાંથી જ તેનો રસ ઉઠી ગયો.

પરીક્ષામાં સારા માર્ક્સ આવે પણ ધાર્યા માર્ક્સ ન આવે. એવું સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સાથે બનતું હશે. જેનાથી આવા વિદ્યાર્થીઓ હતાશ હશે પરેશાન હશે. પરિણામ પછી જેમનો આત્મવિશ્વાસ તળીયે બેસી ગયો હોય અને હવે ભવિષ્યમાં તે કંઇપણ ઉકાળી નહીં શકે તેવો નિરાશાવાદી બની ગયો હોય તો તેમને શું કરવું ?

બસ નિર્ભય બની કોશિશો ચાલુ રાખવી તો એક દિવસતો લાયકાત પ્રમાણે સફળતા મળશે જ.

પોઝીટીવ થીકીંગ એટલે તમારા જીવનમાં બધુ શ્રેષ્ઠ થાય તે નહીં. પણ પોઝીટીવ થીંકીંગ એટલે આપણી સાથે જે કંઇ બન્યું છે તે ‘બેસ્ટ’ જ છે. એવું દ્રઢપણે માનવું તે પોઝીટીવ થીકીંગ છે.

હું જે ઇચ્છું છું તે મને મળી જાય તો સારી વાત છે. અને ન મળે તો પણ એ મને સ્વીકાર્ય છે. કારણ સારા માર્કસ લાવવાની વિચારધારા ધાર્યા માર્કસ ન આવે તો તમને હેરાન પરેશાન કરી મૂકે, તમારો આત્મવિશ્વાસ ખતમ કરી નાંખે, તમને હતાશાના શિકાર બનાવે તો એ પોઝીટીવ થીંકીંગ નથી.

રીઆલીસ્ટીક પોઝીટીવ થીકીંગનો પાયો નિર્ભયતાની માનસિકતા પર આધારિત છે. જેમાં ડર નથી, ડીપ્રેશન નથી. માત્ર પ્રયત્ન છે. અભ્યાસ કરીશ. જી જાન લગાવી દઈશ જેની ઇચ્છા રાખી છે એ મળી જાય તો બહુ જ સારી વાત છે અને ન મળે તો પણ સારી વાત છે. કારણ જે થાય છે તે સારા માટે જ થાય છે.

તમારી સમજમાં આ વાત આવે છે ? હું તમને સમજાવું છું…

કલ્પના કરો તમે ક્રીકેટની મેચ રમો છો અને બેટીંગ કરો છો.

જીવન પણ એક ક્રીકેટની મેચ સમાન છે જેમાં તમે બેટીંગ કરો છો. પણ અહીંયા પાછળ સ્ટમ્પ્સ નથી, કોઈ વિકેટ કીપર નથી, કોઈ પ્લેયર નથી.

સામે જિંદગી છે જે એક પછી એક બોલ ફેંકે છે. પહેલો બોલ તમારી તરફ આવ્યો તમે બેટ ઘુમાવ્યું, પણ બેટ અને બોલનો સંગમ ન થયો. શું કરશો ? નાસીપાસ થશો ? જાતને એમ કહેશો કે તું સાવ નકામો છે ? બસ તું કંઇ જ ઉકાળી નહીં શકે ?

ના ભાઈ. એવું શું કામ વિચારવું એક બોલ ગયો તો બીજો બોલ આવશે, એક પરીક્ષા ગઇ તો બીજી પરીક્ષા આવશે, એક તક ગઇ તો બીજી તક આવશે.

યાદ રાખો જિંદગીની આ ક્રીકેટની રમતમાં કોઈ સ્ટમ્પ નથી, વિકેટ કીપર નથી, પ્લેયર નથી. તમે કેચ આઉટ, રન આઉટ કે ક્લીન બોલ્ડ થવાના નથી. જ્યાં સુધી તમે મેદાન છોડી જતા નહીં રહો ત્યાં સુધી તમે આઉટ થવાના નથી.

એક બોલ છૂટી ગયો ? એક પરીક્ષામાં ધાર્યા માર્કસ ન આવ્યા ? શું ફેર પડે છે ? બીજો બોલ આવશે.

માની લો બીજો બોલ આવ્યો… એ પણ ખાલી ગયો કોઈ વાંધો નહીં જીવનમાં એક પછી એક હજારો પરીક્ષા આવશે. લગે રહો… મેદાન ન છોડો આમ ત્રીજો બોલ આવશે બેટ ફેરવ્યું પણ બેટ બોલનો સંગમ ન થયો. અને ચોથો બોલ તમે બરાબર બેટની મીડલમાં લીધો અને બાઉન્ડ્રી બહાર છગ્ગો ફટકાર્યો.

બસ એક જ બોલમાં બાકીના બોલની ખોટ પૂરી દીધી.

જીવન છે, ખેલતા રહો. નિષ્ફળતા પર ધ્યાન નહીં આપો. પીચ પર લાગ્યા રહો. કોશિષ કરતા રહો. કારણ જે કોશિષ કરે છે એ સફળ થવાનો જ છે. જે થાકીને બેસી જશે એ ક્યારેય સફળ નહી થાય.

રીઆલીસ્ટીક પોઝીટીવ થીકીંગ એટલે ભવિષ્ય વિશેના સારા વિચારો કરો. એ વિચારોની પૂર્તિ માટે તનતોડ મહેનત કરો અને પરિણામ સ્વીકારી લો. મેદાન પર ટકી રહો. બીજી તકની રાહ જોતા રહો.

ન્યુરોગ્રાફ:

હકારાત્મક વિચારધારા એટલે ભવિષ્યમાં બધું સારું જ થશે એની કલ્પના માત્ર નહીં પણ આપણી સાથે જે કંઇ બન્યું છે તે બધું સારું જ છે તેવી સ્પષ્ટ માન્યતા.


Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

1 thought on “વાસ્તવિકતાલક્ષી હકારાત્મક વિચારધારા એટલે શું ?

Leave a Reply

Your email address will not be published.