હીરજી ભીંગરાડિયા
“ગો-રક્ષાપાત્ર” માં એક વાર્તા વાંચી. એક મા એની નાનકડી દીકરી સાથે સીટી બસમાં જતી હોય છે. બસમાં એક ગરીબ અને ચીંથરેહાલ છોકરો એમની પાસે આવે છે. એ એમને સીંગનું પેકેટ બતાવી ખરીદવા આગ્રહ કરે છે. એની પાછળ ઊભેલો વૃદ્ધ પણ ચીંથરેહાલ છે. એમને જોતા જ માતાને ચીતરી ચઢે છે. દીકરી માને કહે છે, “બિચારાં ભૂખ્યાં હશે, એમની પાસેથી સીંગનું એક પેકેટ ખરીદીએ તો ?” મા ના પાડે છે અને દીકરીને ખોળામાં ખેંચી લે છે. જેથી એને બે ગંદા લોકોનો સ્પર્શ થાય નહીં. બસમાંથી ઊતરતી વખતે દીકરી પેલા છોકરા સામે હાથ હલાવી ‘આવજો’ કહે છે.
મા-દીકરી લોકલ ટ્રેનમાં જાય છે તો ત્યાં પણ પેલા બે જણ એ જ ડબ્બામાં ચડે છે, અને સીંગ વેચવા લાગે છે. માતાનો તિરસ્કાર અને ભય વધી જાય છે. એ દીકરીને કહે છે, “ એવા લોકો ચોર અને ધુતારા હોય છે. તક મળતાં જ બાળકોને ભોળવીને ઊપાડી જાય છે.” એમનું સ્ટેશન આવે છે ત્યારે જલ્દી જલ્દી ટ્રેનમાંથી ઊતરે છે. મા દીકરીનો હાથ પકડીને ચાલવા લાગે છે. પાછળથી પેલા ગંદા-ગોબરા વૃદ્ધનો અવાજ સંભળાય છે, “મેડમ !” મા ગભરાઇને દીકરીનો હાથ ખેંચતી લગભગ દોડતી હોય એમ પ્લેટફોર્મની બહાર નીકળી આવે છે અને વૃદ્ધ આવી પહોંચે એ પહેલાં ટેક્સીમાં બેસી જાય છે. પરંતુ ટેક્સી ઊપડે એ પહેલાં વૃદ્ધ તેમની પાસે પહોંચી જાય છે. માતા ભિખારી જેવા માણસ પર ગુસ્સે થઈ જાય છે. વૃદ્ધના હાથમાં સોનાનો ચેન છે, એ કહે છે, “મેડમ ! ટ્રેનમાંથી ઊતરતી વખતે તમારી દીકરી મારા દીકરાને આ ચેન આપતી ગઈ હતી. એ અમારે ન જોઇએ. હું તો આ ચેન પાછો આપવા તમારી પાછળ દોડતો હતો.” મા જુએ છે તો ચેન એની દીકરીનો જ હતો. માનું મોઢું પડી જાય છે. વૃદ્ધ સીંગનું એક પેકેટ દીકરીને આપીને પૈસા લીધા વિના ચાલ્યો જાય છે. દીકરીની આંખમાં પ્રશ્ન છે- જાણે એ માને પૂછે છે “ મા ! તું ક્યા કારણસર એમનો તિરસ્કાર કરતી હતી ?”
આમ તો આ વાર્તા મૂલ્યબોધ આપતી વાર્તા છે. પણ એમાંથી માનવ-મનમાં રહેલા અકારણ પૂર્વગ્રહનો મુદ્દો સમજાય છે. અને આ પૂર્વગ્રહ માત્ર માનવ સંબંધોમાં જ નબળાં પરિણામો લાવે છે એવું નથી – ખેતી વ્યવસાયમાં પણ ખેડૂતોના મનમાં ઘૂસી ઘર કરી ગયેલા પૂર્વગ્રહો ખેતીના વિકાસમાં બહુ જ બાધક બની ખેતી વિકાસને રૂંધનારા બની રહે છે.
“પૂર્વગ્રહ” એટલે શું ? પૂર્વગ્રહ એટલે કોઇ વ્યક્તિ, સમૂહ, વ્યવસાય, પદ્ધત્તિ કે રીત-આયામ માટે કોઇ પણ જાતની પૂર્વ જાણકારી વિના બાંધી લેવામાં આવેલો ગેર વાજબી અભિપ્રાય. જે લગભગ બદલવાનું નામ લેતો જ નથી.
આપણી કેટલીક પરંપરાગત માન્યતાઓ પાછળ આપણી મર્યાદિત માહિતીઓ કે અનુભવ પડ્યાં હોય છે. તેમાં કોઇ નવું દર્શન થતાં એ બદલવાની તૈયારી ન હોય તો તે “પૂર્વગ્રહ” નું રૂપ ધારણ કરી લે છે. પૂર્વગ્રહોગ્રસ્ત મગજ સત્યને સ્વિકારતું નથી. તેવી પ્રકૃતિવાળાને પ્રકાશ ન ગમતો હોય તો દિવસે યે અંધારું ખોળી લે છે. તેથી જ કહેવાયું છે, “પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય છે.”
વિનેશ અંતાણીના કહેવા અનુસાર પૂર્વગ્રહો વારસામાં પણ મળતા હોય છે. આપણું માનસ પૂર્વગ્રહયુક્ત છે-તે વિષે આપણે સભાન હોતા નથી, અથવા સભાન બનવા માગતા નથી. ખેતી એ તો સાગરપેટો અને પળે પળે નવું દર્શન કરાવતો કુદરતના ખોળે ઝૂલતો વ્યવસાય છે ભાઇ ! એમાં માત્ર આપણે એક જ નહીં, કેટકેટલા કૃષિના વિજ્ઞાનીઓ, ખેતી રસિકો, પ્રયોગશીલ ખેડૂતો અને તરેહ તરેહના નુસખાબાજો દ્વારા કેવી કેવી અવનવી શોધો, રીત-પદ્ધત્તિઓ અને પાર વગરના આયામો બહાર આવી રહ્યા હોય, તે બધા વિષે આપણે કેટલું બધું ઓછું જાણતા હોઇએ છીએ ? અને જે જાણતા હોઇએ છીએ એમાંનું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એની ફેર તપાસ કરવા માટે પણ આપણે તૈયાર હોતા નથી.પૂર્વગ્રહ આધારિત બે-પાંચ સત્ય પ્રસંગોની અહીં વાત કરવીછે.
[1]……….સૌ પહેલાં મારી જ વાત કરું કે મને ખબર નથી કેમ, પણ મારા મનમાં કોણ જાણે ક્યાંથી એવું ભૂત ભરાઇ ગયેલું છે કે “જ્યાં ને ત્યાં નાના મોટા મંદિરો બાંધી, અડ્ડો જમાવી બેસી ગયેલા બાવા-સાધુઓ તો સમાજનો અસો છે. કામકાજ કરવું નહીં ને સમાજ માથે ભારરૂપ બની લોકોને અગડંમ બગડંમ ઊંઠા ભણાવી-સાચાખોટા ભ્રમમાં હડસેલી, એમની પાસેથી યેનકેન પ્રકારેણ પોતાને જોઇતી સગવડો મેળવી લઈ-સમાજના ભોગે ટેસડા ઠોકતા હોય છે.”
અને પરિણામે આજ દિન સુધી હું કોઇ સાધુ-સંતોની મઢી, કોઇ આશ્રમ કે કહેવાતા દેવ-દેવી-ભગવાનોના મંદિરનાં પગથિયાં ચડવાનો ઉત્સાહ દેખાડી શક્યો નથી. હું સમજું છું કે સાધુવેશમાં દેખાતી દરેક વ્યક્તિ કંઇ હું માનું છું એવી સમાજને સાવ ભારરૂપ હોય એવુંયે નથી જ . એવીયે કેટલીક વ્યક્તિઓ- જે સાધુવેશમાં હોવા છતાં ખેતી-ગોપાલન જાતે કરતા હોય, વૃક્ષોનો ખૂબ ઉછેર કરતા હોય, ખેતીના વિષય પર સભા-સંમેલનમાં અચ્છું માર્ગદર્શન આપી શકતી હોય, અરે ! કોઇ શિક્ષણ કે સામાજિક સંસ્થાના વડાને મળ્યા – જોયા અને સાંભળ્યા પછીયે તેમના પ્રત્યે મનમાં જો એક એમના વિષેનો પૂર્વગ્રહ બંધાઇ ગયો હોય તો મને આવા લોકોના સાન્નિધ્યમાં જતાં આજે પણ રોકી રહ્યો છે. સંભવ છે એના પરિણામે મને જ કેટલું નુકશાન થઈ રહ્યું હોય !
[2]…………અમારા પંચવટી બાગમાં તો છેલ્લા 25 વરસથી આખી વાડીમાં ટપક પધ્ધત્તિ અમલમાં છે. અમે જ્યારે મજૂરોને હાજરી ઉપર મહેનતાણું આપીને ખેતીકામમાં મદદગારી લેતા ત્યારે અમે કહીએ એમ જ ટપક પદ્ધત્તિથી પિયત અપાતું. પણ દસેક વરસ પહેલાં વાડીમાં એક ઘટના બની. મજૂર-પ્રથાને બદલે ભાગીદારી પ્રથાની શરૂઆત કરાઇ. એમાં ખેતીના તમામ કામો નું મજુરી કામ કરી આપવા બદલ કુલ ઉત્પાદનનો 25 % ભાગ મજૂરી પેટે ચુકવવાનું નક્કી થયું, અને ભાગિયાની ટુકડી હાજર થઈ. વાડીમાં આંટો મારતાં- ટપક લેટરલના ગૂંચળાં લીમડાને છાંયે લટકતાં ભાળી સીધો જ સવાલ કર્યો કે “ આ તો ઓછા પાણીવાળા ખેડૂતો માટેનું રાસ ગણાય. તમારી પાંહે તો પાણીનો ધરવ છે, ટીપે ટીપે તે કાંઇ છોડવા ધરાતા હશે ભૂંડ્યો ? અમને આ ટીપાંવાળી વાત મંજૂર નથી. અમે તો કેરા-પાળી ને પાટલા પલાળી પાકને પાણી પાશું, એમાં તમારી હા હોય તો ભાગવું રાખીએ, સારું ઇ તમારું !”
પરિસ્થિતિ એવી બનેલી કે રોજમદારી ઉપર કોઇ કામ કરનારું મળતું નહોતું, મારે ભાગીદારી પ્રથા અપનાવ્યા વિના છૂટકો નહોતો. મેં એ વખતે કહેલું કે “એ બધી ટપકની નળીઓના ગુંચળા ભલે ટીંગાતા એની જગ્યાએ. તમે એને વિંખશો નહીં. તમ તમારે ક્યારા-પાળી, પાટલે કે રેળ –તમને ફાવે તેમ પાણી પાજો, માત્ર હું કહું તે એક પ્લોટમાં લાઇનો લંબાવી છેલ્લે સુધી ટપકથી પિયત આપવાની તમારી હા હોય તો ચડી જાઓ કામે.” એમણે મારી શરત મંજુર રાખી અને કામે ચડી ગયા. એમનો આખું વરસ એની ધૂન પ્રમાણે ચાસે, પાટલે અને ક્યારા-પાળી થકી મોલાતોને પિયત આપતાં દમ નીકળી ગયો. લાઈટના ઝટકા, રાતના અંધારે ઉજાગરા, નિંદામણનો ઉપાડો અને સામે ટપકવાળા પ્લોટમાં મહેનત બાબતની બારબાદશાહી અને ઉત્પાદનમાં નરવાઇ ઉપરાંત ઉત્પાદનની અઢળકતા નજરે જોયા અને અનુભવ્યા પછી તો એવા પસ્તાયા કે ન પૂછો વાત ! એમના મનમાંથી ટપક વિષેનો અભિપ્રાય દૂર થયો અને કાયમ ખાતે ટપક્ના હામી બની ગયા. આમ અનુભવે બદલતો અભિપ્રાય પૂર્વગ્રહની જડતા સુધી પહોંચ્યો હોતો નથી.
[3]………. નામ તો એનું બીજું છે, પણ સૌ એને “રાધેશ્યામ” કહીને જ બોલાવે. બે વરહ પહેલાં એમને જરા કોંટામાં ભાળી મેં દરખાસ્ત કરી કે “ રાધેશ્યામ ! આવતી કાલે રાજકોટ કૃષિમેળામાં જઈએ છીએ. આવવું છે ?” તો કહે, “મેળામાં તો છોકરવેજા જાય. એલા લાજો લાજો જરાક ! કૃષિમેળો…. કૃષિમેળો કરી મોટા ઢાંઢા જેવડા જઈં હોય તઈં ઊપડો છો તે એનાથી ખેતી સુધરેલી થઈ જાહે એમને ?” એમના વેણ સાંભળી હું તો ભોંઠો પડી ગયો. ઘડીભરતો થઈ આવ્યું કે આમનું જાડું ક્યાં વતાવ્યું ? પણ પછી વિચાર આવ્યો કે એમાં રાધેશ્યામનો દોષ નથી. ‘મેળા’ –‘મેળા’ માં ફેર હોય છે એની એમને જાણ નથી. એમના મનમાં ‘લોકલ મેળા’ વિષેનો જે ખ્યાલ ઘૂસી ગયો છે, એના લીધે એ એમ બોલે છે.
આપણે તો જાણીએ જ છીએ કે કૃષિમેળો એ કોઇ મોજશોખ-મનોરંજન કે ડુગડુદિયાં, ફજેતફાળકા કે મોતના કૂવાની ઘઘરાટીના દેકારાને પડકારા કે ધૂળના ગોટેગોટા ઊડતા હોય એવો મેળો નથી. પણ જ્યાં ખેતી વિષયક તમામ બાજુઓના અદ્યતન સંશોધનો, પદ્ધત્તિઓ, બિયારણો, ઓજારો, યંત્રો ઉપરાંત સહકાર, પંચાયત, વહિવટ, સજીવ ખેતી, સરકારશ્રીની ખેડૂતલક્ષી યોજનાઓની સાથો સાથ જે તે વિષયને ઊંડાણથી સમજાવનાર વિષય નિષ્ણાંતોની સતત હાજરીવાળા કૃષિમેળામાંથી આપણાં આંખ-કાન અને મન ખુલ્લાં હોય તો ઘણું બધું પામી શકાય છે, અને પરિણામે ખેતીને તરોતાજા રાખી શકાય છે. પણ અમારા એ રાધેશ્યામ એના મનમાં ઘૂસી ગયેલ મેળા વિષેના મોળા અભિપ્રાયમાંથી આજ દિન સુધી છૂટી શક્યા નથી. અને ખેતીની કોઇ નવી વાત, નવું બીજ, નવી પદ્ધત્તિ અપનાવવામાં રસ દાખવી શક્યા નથી.
[4]………..અમારા અંગત સગાંને ત્યાં અમે પતિ-પત્ની બન્ને મહેમાન બનીને આંટો ગયેલાં. વાતમાંથી વાત નીકળતાં વાત થઈ કે “ હાથી જેવી ચાર ભેંસો આંગણે ઝૂલતી હોવા છતાં, મહિનો માસ અયણ્યું [ઘેર એક પણ દુજણું ઢોરું ન હોય તેવો ગાળો ] પડશે એવું લાગે છે.” અમે કહ્યું, ચિંતા કરોમા ! એમ કરીએ, અમારે ત્યાં ત્રણ ગાયો દૂજે છે. એક ગાય તમે લઈ જાઓ.” તો કહે “ ગાયની વાત રહેવા દ્યો મહેમાન ! અમને ગાય નહીં ફાવે અને ગાયનું દૂધેય નહીં ફાવે !” અમે ઘણો આગ્રહ કર્યો કે “ તમારે કાયમ ખાતે ક્યાં ગાય રાખવાની છે ? જ્યારે તમારી ભેંશ વિંયાય જાય ત્યારે ગાય પાછી મોકલી દેજો.” પણ તેઓ ન માન્યા.પણ એમની સાથેની વાતચીતમાંથી અમે પામી ગયા હતા કે “ગાય અને ગાયના દૂધ વિષેનો એમના મનમાં ઘર કરી ગયેલો પૂર્વગ્રહ જ એમને ગાયથી દૂર રાખી રહ્યો છે. કંઇ વાંધો નહીં ! આપણે એનો પૂર્વગ્રહ છોડાવીએ.” એવું નક્કી કરી અમે બીજો રસ્તો લીધો. એક સારી બીજા વેતરની દૂજણી ગીર ગાય વાહનમાં ચડાવી સામેથી એમને ઘેર મોકલી દીધી. એમને તો ગાયનું સોજાપણું અને ગાયનું દૂધ એવાં ફાવી ગયાં કે થોડે થોડે કરતાં ભેંશો બધી વેચી દીધી અને એ જ ગાયનો વેલો વધારતાં વધારતાં એટલો વસ્તાર વધારી દીધો કે એમની જરૂરિયાતથી વધતી ઓડકીઓમાંથી બે અમને અને બેત્રણ અન્ય ગૌશાળાને પણ આપી શક્યા.
[5]………વાત છે આજથી સાંઈઠેક વરસ પહેલાંની. તે દિ મારી ઉંમર હશે આશરે દસેક વરસની. ઉનાળાના દિવસો હતા. અમારે ઘેર કોઇ પ્રસંગ, અને અમારા સગાવહાલા અને ગામના ઘણા બધા વડિલ પુરુષો ભેગા મળેલા. એમાં વાત નીકળી ભણતરની. ચોસલાની નિશાળના ચાર ધોરણ મારે પૂરાં થઈ ગયાં હતાં. મારા બાપાએ વાત કરી કે “ મારી એવી ઇચ્છા છે કે એક મોટા દીકરા હીરજીને ખેડ્યમાં રોકવો છે, પણ એને ભણવું હોય એટલું પૂરેપૂરું ભણીને પછી એ ખેતી સંભાળે, એટલે તો વેકેશન ખૂલે એટલે આગળ ભણવા પહેલા તો માટલિયાભાઇ પાસે માલપરે મોકલવાનો છું.” અને માળા બધા તૂટી પડ્યા એમના ઊપર ! “ તમે એક બાજુથી ક્યો છો કે મોટા છોકરાને ખેડ્યમાં રાખવો છે અને પાછા આગળ ભણવાની વાત કરો છો ? ખેડ્ય કરવામાં વળી ભણતરની શી જરૂર ? આ આપણે ખેડ્યમાં ને ખેડ્યમાં ધોળા આવી ગયા, એમાં ક્યાંય ભણતરની ખોટ્ય વરતાણી ? આપણે તો ગાડું, બળદિયા.સાંતીડા ને કોહ, વધી વધીને પ્રસંગ ગણો તો વેહવાળ-વીવા, આણું-પરિયાણું, સાતમ આઠમ ને દિવાળી ! એમાં રૈ જાણે ને કાગળ-પતર ને બસુના બોડ વાંચી હકે એટલું આવડતું હોય એટલે ભયો ભયો ! ભણેલા છોકરા તો પાટલૂનના ખિસ્સામાં હાથ ભરાવી ખાખા ને ખીખી કર્યા કરે, ઇ થોડા ખેડ્યમાં ડીલ વળવાના હતા ? ”
અને જ્યારે તાળો મેળવું છું ત્યારે ખ્યાલ આવે છે કે મારા ગામના જે જે વડિલ પુરુષો ના આવા ખ્યાલો હતા તેમણે ખરેખર તેમના બાળકોને ગામની નિહાળ્યના 4 ધોરણ પછી આગળ થોડુંકેય ભણાવ્યાં નથી. એ તો એમના એટલા ભાગ્ય સમા કે હીરાનો ધંધો હાથ લાગી ગયો ને સૌ સુખે રોટલો ખાતા થયા. નહીં તો તો આજેયે ક્યાંય ઢેફા સાથે કુસ્તી કરતા હોત ! મારા ગામ ચોસલામાંથી સૌથી પહેલાં મને બહારગામ આગળ અભ્યાસાર્થે મોકાલાવાયો અને ખેતીનો ગ્રેજ્યુએટ થઈ જાતે ખેતી કરતો હોઊં એવો ખેડૂત બની ભણ્યા પછી ખેતી વધુ સારી રીતે કરી શકાય છે, એવું પૂરવાર કરી શક્યો.
આજની તારીખે પણ એવા ઘણાં ખેડૂત કુટુંબો જોવા મળી રહ્યાં છે કે જેને બસ, એવો જ પૂર્વગ્રહ બંધાઇ ચૂક્યો છે કે “વિલાયતી ખાતર અને ઝેરી દવા વિના ખેતી થાય નહીં.” અને ભરપેટ રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્ઝનો આડેધડ ઉપયોગ કર્યે રાખે છે. અરે, જે લોકો સજીવ ખેતી અભિગમના સથવારે આવા રસાયણો વાપર્યા વિના સરસ અને અહિંસક ઉત્પાદન મેળવી રહ્યા છે તે બધું નજરો નજર જુએ છે છતાં તેમના મનમાં બંધાયેલ પૂર્વગ્રહને આધિન બની એમાંથી બહાર નીકળી શકતા નથી. અને ખેતીને દુ:ખી કરી રહ્યા છે.
પૂર્વગ્રહ કેવા કેવા દુષ્પરિણામો લાવી શકે છે એની વાત કરતા વિનેશ અંતાણી “ગોરક્ષાપાત્ર”માં લખે છે કે આપણે જો પૂર્વગ્રહના શિકાર બનતા ન હોત તો ભીખ માગતી વ્યક્તિ ચોર જ છે, કે અન્ય સંપ્રદાયના લોકો સાથે ભળી જ શકાય નહીં એવી માન્યતાનો શિકાર બનતા ન હોત. હિટલરના મનમાં યહુદીઓ માટે પૂર્વગ્રહ ન હોત તો માનવ ઇતિહાસનો ભયાનક માનવસંહાર ન થયો હોત, ધર્મના નામે કતલો ન થઈ હોત. આપણો સમાજ ઊંચ નીચના ભેદભાવમાં રચ્યો પચ્યો રહેતો ન હોત. અરે ! નેલ્સન મંડેલાને 27 વરસ સુધી જેલમાં સબડવું ન પડ્યું હોત, અને ગાંધીજી પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે એમને ગોળીએ વીંધ્યા ન હોત .
પૂર્વગ્રહ માત્ર ખેતીનો જ નહીં સમગ્ર જીવનના વૈજ્ઞાનિક વિકાસનો જબરો દુશ્મન છે.
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
પૂર્વગ્રહ તો માનવ જાત નો દુશ્મન છે , એક ગ્રંથિ બંધાઇ જાય પછી એના લાખ સારા કામ દેખાય નહી પણ એક ખરાબ કામ વારંવાર દેખાય ને એને કોસ્યા કરે
સરસ લેખ