હકારાત્મક અભિગમ- ૮– મન રે તું કાહે ક્રોધ કરે

રાજુલ કૌશિક

વાલ્મીકિ ઋષિ એક વાર મધ્યાન સંધ્યા કરવા ગંગા તટે જતા હતા. રસ્તામાં તમસાના નિર્મળ જળ જોઈને તેમાં ગંગાજળ જેવી પવિત્રતા અનુભવાતા ત્યાંજ મધ્યાન સંધ્યા કરવાનો નિર્ણય કર્યો.

એકાંત સ્થળ શોધી બેસવાનો કરતા હતા ત્યાં બે ક્રૌચ પંખીઓને સુખેથી ગેલ કરતા જોયા. તે જ વખતે સનનન કરતુ તીર આવીને નર પંખીનો વધ કરી ગયું વાલ્મીકિએ પુઠળ નજર કરી તો ત્યાં ધનુષ્ય -બાણ લઇને ઉભેલો પારધી નજરે પડ્યો. એને જોઇને ઋષિને ક્રોધ કરતાં તો થઇ ગયો, શ્રાપ આપતા તો આપી દીધો પણ પછી ઋષિને પારાવાર પસ્તાવો થયો.

ક્રોધ એક માનવ સહજ લાગણીની અભિવ્યક્તિ છે. આત્મા અને પરમાત્મા જેના એકમેવમાં લીન છે એવા ઋષિ-મુની જો ક્ષણિક આવેશમાં આવી ક્રોધિત થાય તો સામાન્ય માનવ માટે ક્રોધને સંયમમાં રાખવો અઘરો જ નહીં પણ અશક્ય જ છે.

રજનીશજી કહે છે “ગુસ્સો માણસનો એક પ્રકારનો કચરો ફેંક્વાનો રસ્તો છે. માણસના મનમાં ભરેલા જાતજાતના પૂર્વગ્રહો, જાતજાતની માન્યતાઓ અને જાતજાતના વિચારોને ગુસ્સા નામના રસ્તા વાટે નીકળતા હોય તે તેમ નીકળી જવા દેવા જોઇએ.”

સ્વામી સચ્ચીદાનંદજી કહે છે,“અન્યાય, અત્યાચાર કે ખોટી વાતો જોઈ-સાંભળીને પણ ગુસ્સો ન કરે તે કાયર કે નમાલો કહેવાય.”

જુદા જુદા માણસની ગુસ્સા વિશેની જુદી જુદી માન્યતા છે પણ સો વાતની એક વાત ચોક્કસ છે કે “excess of everything is always bad.” જ્યારે જે અતિ વિષય છે તે અસહ્ય જ છે. ગુસ્સો જ્યારે માઝા મુકે ત્યારે તેને ક્રોધનું સ્વરુપ કહેવાતું હશેને?

કોઇપણ વસ્તુ જ્યારે માઝા મુકે ત્યારે તે વિનાશ સર્જે.  શાંત નિઃરવ નદીના વહેતા જળની જેમ અગ્નિ પણ પૂજનીય છે. અગ્નિ પાવક પણ છે અને દાહક પણ. અગ્નિ જ્યારે દાવાનળનું સ્વરુપ લે ત્યારે તાંડવ સર્જે છે.

એવી જ રીતે ક્રોધ આભાનો વિભાવ છે. આત્માની મલિનતા છે. જેમ બગડેલું દૂધ એ દૂધની વિકૃતિ છે તેમ ક્રોધ આભા આત્માના ક્ષમાગુણની વિકૃતિ છે. અતિશય ક્રોધ સારાસારનું વિવેકભાન ભૂલાવે ત્યારે સામી વ્યક્તિ માટે જ નહીં પણ સ્વ માટે પણ અહિતકારી છે.

જ્યારે આપણે કોઇ તરફ એક આંગળી ચિંધીએ ત્યારે બાકી ત્રણ આંગળીઓ આપણા તરફ જ વળેલી હોય છે.  તો પછી કોઈના નુકશાન સાથે આપણા પોતાના નુકશાનને પણ શા માટે ઇજન આપવું ? વાત કરવી કે કહેવી સરળ છે. તેનું અમલીકરણ જ અધરું છે. છતાંય સજાગ મનથી કરવામાં આવેલા પ્રયત્નો ક્યારેય સાવ નિષ્ફળ જતા નથી. ક્યારેક સામે આવેલી પરિસ્થિતિ, પ્રસંગ કે સંયોગોનું સકારાત્મક અર્થઘટન કરી જોઈએ. આમ કરવાથી સાચા અને હિતકારી નિર્ણયો લેવાશે.

ક્ષમા અને સમાપના જો ખરા મનથી કરવામાં આવે તો સામેની વ્યક્તિ કરતાં પણ સ્વ માટે વધુ શાતાદાયી બને છે. જે કંઇ આસુરી વિચાર, વાણી અને વર્તન નીપજ્યા હોય તેની આત્મસાક્ષીએ માફી માગી લઇએ અને બીજાને ક્ષમા આપી દઇએ તો એ અન્યની સાથે આપણા માટે પણ ઉત્તમ. જેમ વ્યક્તિ સ્નાન કરીને મેલથી મુક્ત થાય છે તેમ આ આત્માની મલિનતાઓથી શુધ્ધ કથિત ટેકનિક છે. આત્માના કચરાને દૂર કરવાની ટેકનિક છે. જેનાથી ક્રોધ પેદા થતો જ નથી. આત્મા જાગૃત બને છે.

જો કોઇ વ્યક્તિ વિચારે કે હું ક્રોધથી મુક્ત થઇ જ શકું છું, જો કોઇ વ્યક્તિને પોતાની જાત માટે ૧૦૦ ટકા શ્રધ્ધા પ્રાપ્ત થાય તો તેનો પુરુષાર્થ પણ ૧૦૦ ટકા સફળ થવાનો જ છે. આત્મા સાથે સંવાદ કરો. “હે મન! તું ક્રોધરહિત છે, ક્રોધ તારું સ્વરૂપ જ નથી, તું ક્ષમા સ્વરૂપ છે, તારાથી ક્રોધ થાય જ નહિ, ક્રોધ કરીને તું તારું પોતાનુ જ અહિત કરે છે. જેમ પિતા પુત્રને, શિક્ષક વિધાર્થીને,ભાઇ ભાઇને, માં પુત્રીને સમજાવે તેમ આપણે આપણાં મનને સમજાવી શકીએ. આત્મા જ આત્માનો મિત્ર છે. આત્મા સાથે સંવાદ કરી ધીરે ધીરે ક્રોધથી અવશ્ય મુક્ત બની જ શકાય છે.


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “હકારાત્મક અભિગમ- ૮– મન રે તું કાહે ક્રોધ કરે

  1. ક્રોધ થી મુક્ત થવુ અતિ દુષ્કર છે
    એનો પર્યાય ક્ષમા છે જૈન ધર્મ મા આત્મસાત છે
    મિચ્છા મિ દુક્કડં

Leave a Reply

Your email address will not be published.