કલમના કસબી : કનૈયાલાલ મુનશી
રીટા જાની
ગત ત્રણ અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની પ્રસિદ્ધ નવલકથા “ગુજરાતનો નાથ”ની. આ અંકમાં આપણે એક એવા પાત્રનો પરિચય મેળવવો છે જે આમ તો નાનું છે પણ છે ખૂબ તેજસ્વી. માળવી યોદ્ધો કિર્તીદેવ તેના જીવનનું મહાકાર્ય આરંભવા તત્પર થયો હતો. તેના જીવનની બે નેમ હતી : તેના પિતાની શોધ અને તેના દેશનું ઐક્ય. તે સિદ્ધ કરવા તે અમાનુષી – અચેતન, સૃષ્ટિના મહત્ત્વ જેવો નિશ્ચલ – સચોટ બની રહેતો. એક કામ સાધવા તેણે કાળભૈરવને આરાધ્યો હતો, ને બીજું કામ સાધવા રાજખટપટમાં ભૈરવ સમા મુંજાલ મંત્રીને મનાવવા તે જતો હતો.
કીર્તિદેવ મહાપુરુષ હતો છતાં તેની વય કોમળ હતી. તેની ભાવનામય દ્રષ્ટિ, અણઘડાયેલી કલ્પનાશક્તિ – એ બેથી મુંજાલના પૌઢ વ્યક્તિત્વનો ખરો પ્રભાવ તે પારખી શક્યો નહીં. મુંજાલના પ્રભાવમાં જે પ્રતાપી સર્જકશક્તિ હતી એ પણ જોઈ શક્યો નહીં. તેના અદભુત વ્યક્તિત્વનો અસહ્ય પ્રતાપ તેણે જોયો ન હતો. નાના ગામડાના માલિકમાંથી પાટણની આજે બાર મંડળ ને 52 શહેર પર એકહથ્થુ સત્તા એને લીધે ચાલતી હતી તેની ખબર ન હતી. મુંજાલ મનુષ્યોનો હીરાપારખુ હતો. જ્યારથી તેણે કીર્તિદેવ ને જોયો ત્યારથી તેના પ્રભાવના તેને ભણકારા વાગ્યા હતા. એની મોહક મુખમુદ્રા તેના મનમાં રમી રહી હતી. તેણે આ નવા ઝગમગતા રત્નને મીઠાશથી ભરપૂર હાસ્યથી આવકાર આપ્યો. મંત્રીએ કીર્તિદેવને પૂછ્યું,” બોલો શું કામ છે?”
કીર્તિદેવે કહ્યું, “ભરતખંડનું ભાગ્ય તમારા હાથમાં છે. જેમ ગુજરાતનું રાજ્યતંત્ર એક આંગળીએ ધારો છો, તેમ આર્યાવર્તનું રાજ્યતંત્ર પણ ધારો. તમારે જેવાએ માત્ર એક રાષ્ટ્રની રાજનીતિ પાછળ જીવન જીવવું ન જોઇએ. આખા આર્યાવર્તની રાજનીતિ હાથ કરો. છિન્નભિન્ન થઈ ગયેલા રાષ્ટ્રોને, કુસંપી બનેલા રાજ્યોને એક તંતે બાંધો.
મુંજાલના મુખ પર એકાગ્ર થયેલી કીર્તિદેવની આંખોમાંથી તેજના તણખા નીકળવા માંડ્યા. જેમ તેની વાચાનો પ્રવાહ વધ્યો તેમ મુંજાલના પ્રભાવનો ખ્યાલ ઓછો થયો. કીર્તિદેવ એક દેવદૂત હોય તેવો લાગતો હતો. તેની નિર્મળ કાંતિ ભભૂકી ઊઠી. તેણે કહ્યું કે આર્યાવર્તને માથે ભય ઝઝૂમે છે મંત્રીરાજ. એટલે આપણા રાજ્યો વચ્ચે સંધિ કરાવી એ અરિદલો સંહારવા છે અને મ્લેચ્છને હાંકી કાઢવા છે. મુંજાલ મનમાં આ બાલયોદ્ધાની પ્રશંસા કરી રહ્યો હતો. તેણે કહ્યું કે તમારી વાત સાચી છે પણ મારાથી કે ગુજરાતથી એમાંનું કંઈ નહીં બને. શક્ય વસ્તુ ન હોય તે હાથમાં ન સાહવી એ મારું સૂત્ર છે .
મુનશીએ કીર્તિદેવનું પાત્રાલેખન અતિ સુંદર અને ખૂબ નાટ્યાત્મક ઢબે કર્યું છે. કીર્તિદેવ કોણ છે, કોનો પુત્ર છે, પિતાને શોધવા શું કરે છે ને ક્યા સંજોગોમાં પિતાને મળે છે ને પાછો દૂર થાય છે તેની કથા થોડી રહસ્યમય અને નાટ્યાત્મક પણ છે. પણ આપણે તે ટુંકમાં જાણીએ. મીનળના પ્રેમમાં પડેલો મુંજાલ તેની પત્ની ફુલકુંવરને અને તેના પુત્રને ઘરથી દૂર ધકેલી દે છે. ફુલકુંવર ભાઈ સજ્જન મહેતાને ત્યાં દેહ છોડે છે અને તેના પુત્રને સજ્જન મહેતા નબાપા છોકરા તરીકે અવંતિના ઉબક પરમારને આપે છે, જ્યાં તે મોટો થાય છે. પણ તે પોતાનું કુળ જાણવા ઘણા પ્રયત્નો કરે છે ને છેવટે કાળભૈરવની આરાધના કરે છે. મુંજાલ કીર્તિદેવને જયદેવ મહારાજની સેવા સ્વીકારવાનું અથવા યમસદનમાં – એવો વિકલ્પ આપે છે ને તેને કેદ કરે છે . કીર્તિદેવ તો અડગ છે અને અહી મુંજાલ અને કીર્તિદેવના સંવાદો ખૂબ ધારદાર છે.
કીર્તિદેવ : “તમારા જયદેવ મહારાજને કહો કે અવંતીનાથના સામંત થાય. એટલે હું તેની સેવા સ્વીકારીશ.”
મુંજાલ : “મારું કહેવું નહિ માનવાનું પરિણામ શું આવશે તે ખબર છે?”
કીર્તિદેવ : “પરિણામ જાણવાની મને પરવા નથી.”
મુંજાલ : “ઠીક , તું વચન નથી આપતો, એમ?”
કીર્તિદેવ : “નહીં આપું તો શું કરશો?”
મુંજાલ : “છોકરા, તારું આવી બન્યું છે.”
કીર્તિદેવ : “તે તો લલાટના લેખની વાત છે. તેમાં તમે શું કરશો?”
મુંજાલ : “જો હવે તારે લલાટે શું લખાયું છે?”
અને મુંજાલ કીર્તિદેવને મારે એ પહેલા કાકની ખબરદાર બુમથી રોકાઈ ગયો. કાક કાળભૈરવ પાસેથી કીર્તિદેવનું કુળ જાણીને આવતો હતો.
કીર્તિદેવ :” કેવું કુળ છે?
કાક : “કુળ પ્રાગ્વાટ, તેની નામના નવે ખંડે પ્રસરે છે. તમારા પિતા છે સુવિખ્યાત પણ બૈરી મારી, બહેન મારી ,પુત્રને મારવા તલસી રહે એવા છે. સુરપાલ, હવે શિરચ્છેદ કર.”મુંજાલ તેને રોકી લે છે ને હકીકત જાણે છે.
આ સંજોગોમાં પિતા અને પુત્રનું મિલન થાય છે. દરેક ચોધાર આંસુએ રડી પડે છે.
મુનશી ભલે એક નવલકથાકાર કે વાર્તાકાર હોય પણ તેમના પાત્રો અને પ્રસંગો કોઈ કારણ અને દૃષ્ટિબિંદુને આધીન હોય છે. અસ્મિતાના આરાધક મુનશી અહી ત્રણ પગથિયાંમાં અસ્મિતાને ઉજાગર કરે છે. પહેલા સ્તર પર રેવાપાલ છે જે લાટના માટે કામ કરે છે. બીજા સ્તર પર કાક અને મુંજાલ છે, જે સમગ્ર ગુજરાતને લક્ષમાં રાખીને કાર્યરત છે. ને ત્રીજા સ્તર પર કિર્તીદેવ છે જે અખંડ આર્યાવર્તના સ્વપ્ન જુએ છે. મુનશીના અંગત જીવનમાં પણ આ ત્રણ તબક્કા જોઈ શકાય છે. પહેલો તબક્કો જેમાં મુનશી ભાર્ગવ અને આર્ય પ્રકાશમાં લખે છે. તેમાં તેઓ રેવાપાલ છે. બીજો તબક્કો જેમાં તેઓ સાહિત્ય પરિષદના પ્રમુખ બને છે. અહીઁ તેઓ કાક અને મુંજાલના સ્થાને છે. અને ત્રીજો તબક્કો જેમાં તેઓ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરે છે. અહીં તેઓ કીર્તિદેવની જેમ આંખોમાં વિશાળ સ્વપ્ન સજાવી રહ્યા છે. આજે પણ એ વાત સો ટચના સોના જેવી સાચી છે કે સ્વપ્ન ગમે તેટલું હિતકારી કે સારું કેમ ન હોય તે પૂર્ણ થાય એ જરૂરી નથી. અહીં કીર્તિદેવનું સ્વપ્ન કથામાં સાકાર નથી થતું. મુનશી એને માત્ર સ્વપ્ન જ રહેવા દે છે.
વાર્તાના અંતે એક હોડીમાં લાટ જવા ત્રિભુવનપાળ અને કાક તથા હંમેશનો ખોવાયેલો પુત્ર કીર્તિદેવ સરસ્વતી ઓળંગતા ચાલ્યા ને બીજી હોડીમાં કાશ્મિરાદેવી, મંજરી અને અન્ય યુવતીઓ હતાં. ઓવારા પર બધાયથી નિરાળો, ટટ્ટાર બની, પાટણની સત્તાનો પ્રતિનિધિ, અરણ્યમાં એકલું એક મહાવૃક્ષ ઉભુ હોય તેમ, દુઃખભરી આંખે , દેખીતી સ્વસ્થતાથી નાવડીઓને જતી જોઈ રહે છે. આમ “ગુજરાતનો નાથ” , પાટણનો પ્રતાપ સાચવતો એકલવૃક્ષ પેઠે ઊભો છે…..
મુનશી પોતે પણ સ્વપ્નદૃષ્ટા છે. આઝાદી પહેલાં લખાયેલ આ નવલકથામાં ગુજરાતની વાત કરતાં મુનશી આર્યાવર્તની એકતાનું સ્વપ્ન પણ જુએ છે. ભાવાત્મકતા એ ઐક્ય માટે આવશ્યક છે. રાજનીતિજ્ઞ અને રાજકર્તાનો ભેદ મુનશી સુપેરે સમજાવી દે છે. કથા રસમય તો છે જ, પણ જ્યારે વાચક તેના રસપ્રવાહમાં તણાય છે ત્યારે જ તેનો રસાસ્વાદ માણી શકાય છે. સમય અને પ્રવાહ ક્યારેય રોકાતા નથી, ચાલ્યા જ કરે છે. મુનશી ભલે સ્પષ્ટ નથી કહેતાં કે કોણ છે “ગુજરાતનો નાથ”, પણ વાચક સમજી જાય છે કે “ગુજરાતનો નાથ” કોણ છે -જયસિંહદેવ,કાક, ત્રિભુવનપાળ કે પછી મુંજાલ….
સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
સાહેબ નમસ્તે
આ પહેલી વખત મારી સામે “ગુજરાતનો નાથ” ચોથો ભાગ આવ્યો
આગલા ત્ર્ણ ભાગ વાંચવા મળી શકે ????
હું નાનો હતો ત્યારે રાજકોટ જે મારુ જન્મ સ્થળ મારા પિતાજી વાંચતા
એમને વાંચવાનો બહુ શોખ હતો એ સિવાય જવેરચંદ મેધાણીની અસંખય
નોવેલો વાંચતા અને “વસૂધરાના વહાલા દવલા” ખાસ મારા બા અને સૈની સમક્ષ
વાંચતા અત્યારે અહી Texas મારી પાસે અરધી સદીની વાચનયાત્રા ૧ અને ૨ ભાગના પુસ્તકો છે
ઘાણા વર્ષો પહેલા મહેંદ્ર મેઘાણી અહી આવેલ ત્યારે અહી “ગુજરાતી સાહીત્ય સરીતાના
ઉપકર્મે યોજાયેલ બેઠક વખતે મળવાનુ થયેલ
અકબર અલી નરસી
If you will click the tag કલમના કસબી – કનૈયાલાલ મુનશી all previous articles will open in your browser. You can then read previous episodes of ગુજરાતનો નાથ from there.
ગુજરાતના નાથનામોટાભગના પાત્રો ઐતિહાસિક હોવા છતાં કીર્તિદેવ અને મંજરી એ બે પાત્રો કાલ્પનિક છે.અહીં વર્ણવેલ સંવાદો જે પ્રકરણમાંથી લેવાયેલ છે એ “ગુજરતના નાથ’નું પ્રકરણ ‘કેર્તિદેવનો મુંજાલ સાથેનો મેળાપ વારેવારે વાંચવાનું ગમે તેવું છે.