નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૩૩

માણસ ગમે તેટલું જીવે તો પણ આકાંક્ષાઓ ફળીભૂત થતી જોવા જીવન હંમેશાં ઓછું પડે છે.

નલિન શાહ

જમણવિધિ પતી ગઈ. મહેમાનો વિદાય થયા, ધનલક્ષ્મીની સહેલીઓએ પ્રસંગ માણવા માટે એનો આભાર વ્યક્ત કર્યો. ધનલક્ષ્મી એની તીતલીઓ જેવી સહેલીઓનું પ્રસંગ માણવાનું કારણ સમજતી હતી, પણ સમસમીને ચુપ રહેવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નહોતો.

ઘરે જઈ માનસીએ ઘરમાં પહેરવાના બે-ચાર કપડાં ને જરૂરી સામાન કાઢી બેગ તૈયાર કરીને નાનીને ત્યાં જવા માટે રૂમની બહાર આવી.

‘આ બેગ લઈ અત્યારે ક્યાં જાઓ છો?’ ધનલક્ષ્મીએ કુતૂહલતાવશ પૂછ્યું.

‘હું એકલી જ જાઉ છું.’ માનસીએ સમજણ પાડતાં કહ્યું, ‘મારી નાની બહુ બીમાર છે. કદાચ બે-ચાર દિવસ રહેવું પડે.’

‘શું?’ ધનલક્ષ્મીને એના કાન પર વિશ્વાસ ના બેઠો, બોલી, ‘શહેરમાં બીજા ડૉક્ટર મરી ગયા છે કે તારે જવું પડે ને તે પણ આજે લગ્નના દિવસે?’

‘મારી મરતી માને વિસારી મને લગ્ન માણવાનું કહો છો?’ મનમાં ગણગણતી હોય એમ ઉચ્ચારાયેલા એ શબ્દોમાં દર્દનો રણકો હતો.

‘ઈ તો લગન કરીએ પછી પિયરનો વિચાર સુદ્ધાં ના કરાય.’

‘એ તમારો મત છે, મારો નહીં.’ બોલી માનસીએ દરવાજા ભણી પગ માંડ્યા.

દરવાજો ખોલતાં જ સાસુના શબ્દો કાને અથડાયા, ‘કોઈ સારા ઘરની હોત તો ઘરનો ઉંબરો પણ ના ઓળંગત.’

માનસી જાણે કશુ સાંભળ્યું ના હોય એમ બહાર નીકળી ગઈ.

ધનલક્ષ્મી ધુંઆપૂંઆ થઈ ગઈ. એણે પરાગને બુમ પાડી.

‘શું મમ્મી?’ પરાગે બહાર આવી પૂછ્યું’

‘તારી આ બૈરીને બહાર જવા માટે, ને તે પણ આજના પ્રસંગે સાસુને પૂછવાની તો જરૂર ના લાગી, પણ તને પણ પૂછવું જોઈએ કે નહીં?

‘મમ્મી, એની નાની એની મા કરતાં પણ વધુ છે એને માટે, ને એ બહુ બીમાર છે; કદાચ બે દિવસ પણ ના કાઢે. મેં જ માનસીને કહ્યું કે એ એની નાની પાસે જ રહે. એણે બહુ વિરોધ કરી કીધું, ‘આજના દિવસે તો હું ઘરે જ રહીશ નહીં તો મમ્મીને ખરાબ લાગશે; મારા માટે શું ધારશે?’

ધનલક્ષ્મી સાંભળીને બબડી, ‘જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય ત્યાં શું થાય!’ સાથે સાથે પરાગના જુઠાણાએ એનામાં ઉત્સાહનું સિંચન કર્યું, ‘આખરે એને પણ સાસુનું વર્ચસ્વ સ્વીકાર્યા વગર છૂટકો નથી.’

‘એ તને તુંકારે કેમ બોલાવે છે ને તે પણ નામ લઈને?’

‘મમ્મી, અમે ઘણાં વર્ષોથી મિત્રો છીએ, ને હવે તો જમાનો પણ બદલાઈ ગયો છે.’

‘એ હું કાંઈ ના જાણું. કોઈ સાંભળે તો મને નીચું જોવા જેવું થાય. એને કહી દેજે કે તને માનથી બોલાવે ને તારું નામ તો ક્યારેય મોં પર ન લાવે.’

હજી સમય આવે, એક માત્ર સંતાન હોવાના કારણે, માની સામે માથું ઊંચકવાની ક્ષમતા પરાગ ધરાવતો હતો, પણ એનામાં માનસીને માનો હુકમ સંભળાવવાની હિંમત નહોતી. માનસીને પત્નીના રૂપમાં પામીને એ ધન્ય થઈ ગયો હતો, પણ પતિ તરીકે માનસીને હુકમ આપવાની કે એની મરજી વિરુદ્ધ કાંઈ પણ કરવાની ફરજ પાડવાની વાત એની કલ્પનાની બહારનો વિષય હતો. મા અને માનસીના સંભવિત ઘર્ષણના વિચારે એ કમકમી ગયો.

માનસીની સફળતા ભલે નાનીનાં બલિદાન અને માનસીની કાબેલિયતનું પરિણામ હોય,  પણ ધાર્મિક વૃત્તિનાં નાની તો એનું શ્રેય કેવળ એના પ્રભુ શ્રીનાથજીની કૃપાદૃષ્ટિને આપતાં હતાં, ને પ્રાતઃકાળે એની સેવાની ક્રિયામાં કદી ખલેલ પડવા નો’તી દીધી. એને ક્યારે પણ તીર્થ-યાત્રા કે મંદિર જવાની જરૂર નહોતી લાગી. હોસ્પિટલમાં ગરીબ બીમારોની તન્મયતાથી થતી સેવાને પણ એ પૂજાનો એક પ્રકાર માનતાં હતાં. જ્યારે એ પથારીવશ થયાં ત્યારે એ પ્રાતઃકાળની સેવાનું કામ ફિલોમિનાએ બજાવ્યું. એને માટે જીસસ, કૃષ્ણ ને શ્રીનાથજી એક જ વિભૂતિનાં જુદાં જુદાં સ્વરૂપો હતાં.

માનસી મહેમાનોને વિદાય કરી પાછી આવે એ પહેલાં જ નાની કોમામાં સરી ગયાં હતાં; જાણે કેવળ માનસીને નવોઢાના લિબાસમાં જોવા જ ટકી રહ્યાં ના હોય !

માનસી અને ફિલોમીના સતત નાનીની પાસે હાજર રહેતાં હતાં. નાનીની ઉંમર જરૂર થઈ હતી, પણ કોમામાં કેટલો સમય ગાળે એની કોઈ ખાતરી નહોતી. નાનીને આ માંદગીમાંથી ઉગારવાનું અશક્ય હતું એ માનસી ડૉક્ટર તરીકે બરાબર જાણતી હતી, છતાં એક વહાલસોઈ પૌત્રીને નાતે કોઈ ડૂબતો માણસ તણખલાનો સહારો લે તેમ એ પણ કોઈ અણકલ્પી આશાને વળગી રહી.

ધનલક્ષ્મી એક વાર પણ જોવા નહોતી મળી, જ્યારે પરાગ દિવસમાં બે વાર આવી જતો હતો. જ્યારે નાનીને યાતનામાંથી મુક્તિ અપાવવાના ભાવથી પરાગે મર્સિ કિલિંગનું સૂચન કર્યું ત્યારે માનસી સ્તબ્ધ થઈ ગઈ. આવી વ્યક્તિ સાથે લગ્નનાં બંધનમાં બંધાવા માટે એને પોતાના પ્રત્યે ઘૃણા ઉપજી. ‘હવે બહુ મોડું થઈ ગયું’ એ વિચારે એક ઊંડો નિસાસો સરી ગયો.

નાનીની ચાકરીમાં ગાળેલા રાતોના ઉજાગરા અને માનસિક તણાવ સહેવા છતાં માનસી થાકી નહોતી. નાની વગરની જિંદગી કેટલી એકલતા ભરેલી હશે એ કલ્પના એને ડરામણી લાગતી હતી. તેર દિવસને અંતે જ્યારે નાનીએ છેલ્લો શ્વાસ લીધો ત્યારે માનસી ભાંગી પડી. આટલા દિવસોમાં એણે પહેલી વાર થાક અનુભવ્યો. ફિલોમીનાએ એને સહારો આપી ખુરશીમાં બેસાડીને જરૂરી વ્યક્તિઓને ખબર આપવાનું કામ હાથમાં લીધું.

નાનીનું મોત માનસીનાં હૃદય પર કારમો ઘા કરી ગયું. જ્યારથી નાની કોમામાં ગયાં ત્યારથી એ સમજી ગઈ હતી કે એમના બચવાની શક્યતા નહીંવત્‍ હતી. ઉંમર ઉપરાંત બીજા કોમ્પ્લિકેશન્સ પણ એમાં કારણભૂત હતાં. પણ કોણ જાણે કેમ આ ઘડી માટે એ મનને તૈયાર નહોતી કરી શકી. એની આકાંક્ષાને કોઈ સમજી શકે તેમ નહોતું. જ્યારથી એ મેડિકલમાં ગઈ ત્યારથી માનસી એ પળની પ્રતીક્ષામાં હતી કે નાની એના કન્સલ્ટિંગ રૂમમાં પહેલો ચરણ મૂકે, એની ખુરશીમાં બેસે, એની કાર્યક્ષમતા નિહાળે, કોઈ જનરલ હોસ્પિટલમાં રાઉન્ડ લેતાં એની સાથે રહી ગર્વ અનુભવે!

માનસીને પોતાની કાબેલિયત અને વ્યાવસાયિક સફળતાનો પૂરો ભરોસો હતો. પણ હવે એ ઉત્કંઠા શમી ગઈ હતી. જો એ બધું જોવા ને માણવા નાની હાજર ના હોય તો એ બધાની મહત્તા પણ શું? ભગવાન જેવું કોક હોત તો નાનીને થોડું વધારે જીવાડત. પણ કોણ જાણે કદાચ એવું કોઈ હોય પણ ખરું ને એટલે જ નાનીને માનસીને ડૉક્ટર થયેલી જોવાના સપનાં પૂરાં થયેલાં જોવા જીવતી રાખી હોય અને મને સંભવિત સફળતાની સીડીઓ ચઢતી જોવા એના આત્માને પણ જીવંત રાખ્યો હોય! બાકી આકાંક્ષાની તો સીમા હોતી નથી. માણસ ગમે તેટલું જીવે તો પણ આકાંક્ષાઓ ફળીભૂત થતી જોવા જીવન હંમેશાં ઓછું પડે છે. કેટલાયે સવાલો છે જેના ચોક્કસપણે કોઈ જવાબો નથી. એટલા માટે જ માનવીને પામર કહ્યો છે. એ તો કેવળ સંજોગોનો ગુલામ છે. એ જે જાણે છે એ બધું મિથ્યા છે ને જે નથી જાણતો એ કદી જાણવાનો નથી. મૃત્યુ પછીની ‘જિંદગી’નું રહસ્ય વણઉકલ્યું જ રહેવાનું છે.

માનસીએ એની વેદનાનું પ્રદર્શન કોઈ સામે ના કર્યું, ન કલ્પાંત કર્યું, ન આંસુનું ટીપુંયે આંખમાંથી સરકવા દીધું. નાનીની અંતિમ વિધિ માટે થતી તૈયારી એક નિર્જીવ પૂતળાની જેમ જોતી રહી. જ્યારે ઠાઠડી તૈયાર થઈ ત્યારે સાહજિકપણે એક બાજુથી ઊંચકી કાંધે મૂકી અને ડાઘુઓ સાથે સ્મશાન ભણી પગ માંડ્યા. લોકો વિસ્મય પામી જોઈ રહ્યાં. ‘પરદેશમાં ભણેલી છે’ કોઈ સ્ત્રીએ ટકોર કરી, તો ‘નરકમાં જશે. આપણે શું?’ કોઈકે ઉચ્ચાર્યું. બધી વાતોથી બેધ્યાન અને બેપરવા માનસી ચાલતી રહી. ન કોઈને એનો ભાર લેવાની ઔપચારિકતા કરવા દીધી. કેટલાક માટે મરનાર એક માણસ હતું, જ્યારે એની તો નાની હતી ને પોતે એના જીવનનું કેન્દ્રબિંદુ હતી. સ્મશાનમાં શાંત ભાવે તદ્દન સ્વાભાવિકપણે સળગતું લાકડું લઈ ચિતામાં આગ ચાંપી ત્યારે લોકો ડઘાઈ ગયા. વિધિ પૂરી થતાં જ લોકો ધીરે ધીરે વિખરાતા ગયા, પણ માનસી નાનીનું પાર્થિવ શરીર રાખ થયું ત્યાં સુધી ફિલોમીનાનો હાથ પકડી બેસી રહી. જ્યારે પરાગે પાસે આવી પૂછ્યું, ‘હવે જઈશું?’ એણે કોઈ પ્રતિસાદ ન આપ્યો. એ જે કરી રહી હતી એ એને માટે સ્વાભાવિક હતું; કોઈને એનું નિરાકરણ કરવા બંધાયેલી નહોતી. જેમ એક અંગ્રેજી લેખકે કહ્યું છે તેમ લોકોને અજુગતાં લાગતાં તમારા વર્તનનું નિરાકરણ કરવાની કોઈ જરૂર નથી; કારણ તમારા વિરોધીઓ એ નહીં સ્વીકારે ને તમારા હિતેચ્છુઓને એની આવશ્યકતા નથી.

ઘરે પહોંચી પરાગે એની ચાવીથી દરવાજો ખોલ્યો. માનસી યંત્રવત્‍ દાખલ થઈ. એની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. પગમાં ઊભા રહેવાની પણ તાકાત હણાઈ ગઈ હતી. હૉલમાં દાખલ થઈને એ સોફામાં ફસડાઈ પડી.

માનસીના ભરરસ્તે ઠાઠડી ઊંચકવાનાં, સ્મશાન જવાના ને અગ્નિદાહ દેવાનાં ચોંકાવનારાં સમાચારો વીજળીની ગતિથી ધનલક્ષ્મી પાસે પહોંચી ગયાં હતાં. એને ધરતી રસાતાળ થતી લાગી.

કોઈના આવવાનો અણસાર થવાથી ધનલક્ષ્મી બહાર આવી. પરાગ નહાવા ચાલી ગયો હતો. માનસી એકલી આંખો બંધ કરી સોફામાં આડી પડી હતી. ‘એ કાળમુઈ!’ ધનલક્ષ્મી બરાડી. માનસીએ કોઈ જવાબ ના આપ્યો.

‘કેમ, બહેરી છે-મૂઈ….કભારજા! ’ ધનલક્ષ્મી ધૂંધવાઈને અવાજ મોટો કરી બોલી.

‘કેમ? મારું નામ ખબર નથી?’ માનસીએ આંખ ખોલ્યા વગર પૂછ્યું.

‘નામ તો બોળી આવી ને સાથે સાથે કુટુંબનું પણ. ભરરસ્તે ઠાઠડી ઊંચકી મસાણ સુધી ગઈ ને, ઈ ઓછું હોય ઈમ આગ પણ ચાંપી. હાય હાય! શું થવા બેઠું છે આ ઘરનું? હે પ્રભુ, એક તો પાછી સુતકવાળી ને નાહ્યાધોયા વગર પડી છે સોફામાં. આખું ઘર અભડાવવું છે? અમારા કુટુંબને કલંક લગાડતી ગઈ એ ડોસી મરતાં મરતાં…’

‘ચૂપ!’ માનસીએ ચિત્કાર કર્યો. એની ધીરજ ખૂટી ગઈ હતી. ધનલક્ષ્મી અવાક્‌ થઈ ગઈ. એની સામે બળવો એ તો ન કલ્પેલી ઘટના હતી ને જો એ હાર માની લે તો એનું ભવિષ્ય અંધકારમય થઈ જાય. એ અવાજ વધુ ઊંચો કરી બોલી, ‘મને ચૂપ કહેનાર તું કોણ? બોલીશ, લાખ વાર બોલીશ, મારું ઘર છે.’

‘તો જાઓ, પેલા તમારા પૂજાના ઓરડામાં ને બરાડો જેટલું જોઈએ એટલું. એ પથ્થરની મૂર્તિ સાંભળશે, હું નહીં.’ કહીને માનસીએ નોકરને સાદ આપ્યો ‘રામુ, જરા પીવાનું પાણી આપ.’ રામુએ પાણીનો ગ્લાસ લાવી એની સામે ધર્યો.

ધનલક્ષ્મીએ ત્રાડ પાડી, ‘નથી અડવાનું ગ્લાસને. એક તો મડદાને અડીને આવી છે ને પાછી સુતકવાળી છે.’

માનસીએ કાંઈ પણ બોલ્યા વગર પાણી પીધું ને ગ્લાસ નોકરને આપતાં બોલી ‘મારી નાનીનું મડદું પણ એના જેટલું જ પવિત્ર હતું; તમારા પૂજાના ઓરડા કરતાંયે વધારે.’ એટલું કહી એ એના રૂમમાં જવા ઊભી થઈ.

ધનલક્ષ્મી ધૂંઆપૂંઆ થઈ એની સામે આવી, ‘શું બોલી? મારા ભગવાનને મુડદા સાથે સરખાવે છે?’ ને ઉશ્કેરાટમાં એણે હાથ ઉગામ્યો. એનો હાથ માનસીના ગાલ પર પડે એ પહેલાં જ માનસીએ પકડી લીધો ને જોરથી આમળ્યો. ધનલક્ષ્મીના મોંમાંથી રાડ નીકળી ગઈ, ‘ઓ મા!’

માનસીએ હાથ છોડી દીધો ને બોલી, ‘જો બીજી વાર હાથ ઉગામ્યો છે તો એ તમારો હાથ કોઈ કામનો નહીં રહે.’ ધનલક્ષ્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડીને માનસી એના રૂમમાં જઈને પલંગ પર આડી પડી. પરાગ બાથરૂમમાંથી બહાર નીકળ્યો ને માનસીને જોઈ પૂછ્યું, ‘કેમ, નહાવું નથી? હું તો એટલે કહું છું કે આટલા દિવસોના થાક ને ઉજાગરા છે તો ગરમ પાણીએ નાહીશ તો તાજગી આવશે. ભૂખ પણ લાગી હશે. ખાઈને પછી સૂઈ જા.’

‘મારે નહાવું પણ નથી ને ખાવું પણ નથી.’

‘કેમ?’ પરાગે વિસ્મય પામી પૂછ્યું.

‘મારી નાનીના પવિત્ર શરીરનો સ્પર્શ એટલો જલદી ધોઈ નથી નાખવો એટલે સવારે જ નાહીશ ને ખાવાની કોઈ ઇચ્છા નથી. રામુને કહેજે પીવાના પાણીનો જગ મૂકી જાય ને….’

પરાગ દરવાજા તરફ જતાં અટકી ગયો, ‘તારી એ માને સમજાવી દેજે કે મારી સાથે બદસલુકી કરી છે તો આ ઘરમાંથી બેમાંથી એકે જવું પડશે. નિર્ણય તારા પર છોડું છું.’ એટલું બોલીને પડખું ફેરવી આંખ મીંચી દીધી.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.