(૯૯) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૫ (આંશિક ભાગ – ૧)

– મિર્ઝા ગ઼ાલિબ

વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક

(શેર ૧ થી ૨)

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક
કૌન જીતા હૈ તિરી જ઼ુલ્ફ઼ કે સર હોતે તક (૧)

[આહ= નિસાસો, હાય; જીતા= જીવવું, જીતવું; જ઼ુલ્ફ઼= બાલની લટ]

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબના દીવાનમાંની આ ગ઼ઝલના રદીફ ‘હોતે તક’ને અહીં હું કાયમ રાખું છું, પરંતુ ઘણા વર્તમાન તફસીરકારોએ તેને હાલની પ્રણાલિએ ‘હોને તક’ માન્ય રાખેલ છે. જો કે આ બંને પ્રયોગોમાં પાતળી ભેદરેખા તો છે જ; જેમ કે ‘હોતે તક’માં ક્રિયા હજુય અધૂરી હોવાનો આભાસ સમજાય છે, જ્યારે ‘હોને તક’માં ક્રિયા લગભગ પૂરી થઈ હોવાનું મનાય છે.

આ શેરમાં બુદ્ધિચાતુર્યની ચમત્કૃતિ કરતાં અન્ય આવા શેર જેવું પ્રભાવક સૌંદર્ય વિશેષ જોવા મળે છે. વળી આ શેર શું કહેવા માગે છે, તેમાંય વિદ્વાનોમાં મતભેદ વર્તાય છે. આ મતભેદના મૂળમાં મારી સમજ પ્રમાણે શેરના બંને મિસરા વચ્ચે અનુબંધ ન હોવાનું કારણ જવાબદાર હોઈ શકે. પહેલા મિસરામાં શાયર સાર્વત્રિક (Universal) સિદ્ધાંતની જેમ ‘આહ’ની લાક્ષણિકતા દર્શાવે છે, તો બીજા મિસરામાં તે જ વાતને વ્યક્તિગત રીતે પોતાની જાત ઉપર લે છે. આમ ‘આહ’ શબ્દના પ્રત્યક્ષ અર્થ ‘નિસાસો’ના બદલે ‘તમન્ના, આરજૂ’ જેવા હકારાત્મક અર્થ સ્વીકારવાથી આ મતભેદ ઉદ્ભવતો હોય તેમ લાગે છે.

જે હોય તે, પણ આપણે તો ‘આહ’નો પરંપરાગત અર્થ ‘નિસાસો’ જ લઈશું, ‘હાય’ પણ નહિ. ‘નિસાસો’ અને ‘હાય’માં તીવ્રતાભેદ છે. ‘હાય’માં તે શ્રાપ બની જાય તેટલી હદ સુધીની કઠોરતા રહેલી છે, જ્યારે ‘નિસાસા’માં માત્ર આરજૂયુકત નિરાશાનો હળવો ભાવ છે, જે ‘હાય’ કરતાં ઓછો દાહક છે. આમ ‘આહ’નો હળવો અર્થ લેવામાં આવશે તો જ શેરના બીજા મિસરા સાથે તેનું સાતત્ય જોડી શકાશે.

આટલી પૂર્વભૂમિકા પછી આપણે પહેલાં તો શેરના વાચ્યાર્થ ઉપર આવીએ તો ગ઼ાલિબ કહે છે કે આહની અસર થવામાં ઘણીવાર આખી ઉંમર પસાર થઈ જતી હોય છે. વળી આમ આહની અસર થાય અને માશૂકાના કેશની લટને રમાડવા સુધીનો અધિકાર પ્રાપ્ત થાય એટલા લાંબા સમય સુધી કોણ જીવિત રહી શકવાનું છે! હવે અહીં પણ ‘જીતા’ના બે અર્થ નીકળી શકે, એક ‘જીવિત રહેવું (Live)’ અને બીજો ‘જીતવું (Win)’. ‘જીવિત રહેવું’ અર્થ લેતાં એ માત્ર આ શેરના માશૂક (નાયક)ને જ લાગુ પડશે, જ્યારે ‘જીતવું’ એ ખુદ માશૂક ઉપરાંત તેના હરીફો એ બધાયને લાગુ પડશે, જેનો અર્થ એમ થશે કે ‘માશૂકાની કેશલટને સર કરી શકાય, તેટલી હદ સુધી કોણ પહોંચી શક્યું છે!’ પરંતુ અહીં આપણે સર્વસ્વીકૃત અર્થ તો એકલા માશૂકને લાગુ પડતો જ લઈશું અને તેથી બીજા મિસરાનો વાચ્યાર્થ આમ બનશે કે ‘તારી કેશલટને મારી આંગળી વડે રમાડી શકું તેવી નિકટતમ હૈસિયતે પહોંચવા સુધી તો હું ક્યાં જીવવાનો છું.’

માશૂકનો માશૂકા પરત્વેનો ઇશ્ક એવો તો દુર્ભાગી છે કે તેઓ તેણીને પામી શકતા નથી અને નિસસા નાખવા સિવાયનો કોઈ વિકલ્પ તેમની પાસે બચતો નથી. આમ છતાંય તેઓ આશાવાદી છે કે માશૂકાને પામવાની તડપ કોઈકવાર તો સંતોષાશે જ. વળી આગળ પોતાની જાતને હૈયાધારણ આપતાં વિચારે છે કે તેમની માશૂકાને પામવાની આરજૂની અસર થવામાં ઘણીવાર આખી ઉંમર પણ પસાર થઈ જતી હોય છે. આમ તેમણે ધીરજ ધારણ કરવાનો પોતાનો મનસૂબો બનાવી લીધો છે. પરંતુ તરત જ બીજા મિસરામાં વળી પાછી તેમની નિરાશા ડોકાઈ જાય છે કે માશૂકાને પામવાની તેમની ખ્વાહિશ સંતોષાય ત્યાં સુધી પોતે જીવતા રહેશે કે કેમ!

આ શેરને માનવીય જીવનને પણ લાગુ પાડી શકાશે એ રીતે કે આપણે જીવનના કોઈ લક્ષ કે સિદ્ધિને સર કરવા માગતા હોઈએ ત્યારે આપણે ધીરજ રાખીને જીવનભર ઝઝૂમવું પડશે. વળી આ મથામણના અંતે પણ કોઈ પરિણામ ન પણ આવે અને એવું પણ બને કે આપણું જીવન એમ જ પૂર્ણ થઈ જાય એ હકીકતનો પણ સ્વીકાર કરવો પડશે.

* * *

દામ-એ-હર-મૌજ મેં હૈ હલ્ક઼ા-એ-સદ-કામ-એ-નહંગ
દેખેં ક્યા ગુજ઼રે હૈ ક઼તરે પે ગુહર હોતે તક (૨)

[દામ-એ-હર-મૌજ= મોજાંઓની હારમાળા (જાળ); હલ્ક઼ા-એ-સદ-કામ-એ-નહંગ= કદરૂપાં અને કદાવર પ્રાણીઓની હારમાળા (જાળ); ક઼તરે= ટીપાં; ગુહર= મોતી, રત્ન]

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબની કલ્પનાશક્તિ અદ્ભુત છે, જેની પ્રતીતિ આપણને તેમના અસંખ્ય શેરમાં જોવા મળે છે. આ ગ઼ઝલના ‘હોતે તક’ રદીફને સાર્થક બનાવતા દરેક શેરમાં કંઈક ને કંઈક ‘થવા સુધી’માં શું શું થાય છે અને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવાની સ્થિતિ સર્જાય છે તે દર્શાવાયું છે.

અહીં આ શેરમાં ગ઼ાલિબે એક માન્યતાનો સહારો લીધો છે, જે પ્રમાણે સ્વાતિ નક્ષત્રમાં દરિયા ઉપર વરસતા વરસાદનું જે ટીપું દરિયામાંની ખુલ્લી છીપમાં જઈ પડે તે સમયાંતરે મોતીમાં પરિવર્તિત થઈ જતું હોય છે. હવે ગ઼ાલિબ આ સીધીસાદી માન્યતાને એક શાયરની નજરે અવલોકતાં કહેવા માગે છે કે વરસાદના એ ટીપા માટે એટલું બધું સરળ નથી કે જે તે સીધેસીધું છીપમાં પ્રવેશી જાય અને મોતી બની જાય. જો એમ હોય તો વરસાદનું પ્રત્યેક ટીપું મોતી બની જાય અને મોતીઓનો એટલો બધો જથ્થો સર્જાઈ જાય કે પછી તો એ મોતીનું મૂલ્ય રહે જ નહિ. સૃષ્ટિમાં જે પામવું દુષ્કર હોય અને ઓછા પ્રમાણમાં જ પ્રાપ્ય હોય તેનું જ ઊંચું મૂલ્ય અંકાતું હોય છે. અહીં વરસાદના કોઈ એક બુંદને છીપમાં પ્રવેશવા પહેલાં કેટલા કોઠા પસાર કરવા પડે છે, તે પૈકીના બે જ મુશ્કેલ કોઠાઓને ગ઼ાલિબ આ શેરમાં ઉલ્લેખે છે. પ્રથમ છે, દરિયાનાં ઊછળતાં મોજાં જે એવી જાળ બનાવી દે છે અને પાણીની સપાટીને પણ એવી અસ્થિર બનાવી દે છે કે પેલું વરસાદનું ટીપું આસાનીથી તીરની જેમ પેલી છીપમાં પ્રવેશી શકતું નથી હોતું અને આમ તે વેડફાઈ જાય છે. વળી એ ટીપા માટેના બીજા અવરોધક બળ તરીકે દરિયામાંનાં કદાવર અને કદરૂપાં મગરમચ્છ જેવાં પ્રાણીઓ ઉલ્લેખાયાં છે, જે તેમનાં ખુલ્લાં મોંઢાં વડે પેલા ટીપાને સ્વાહા કરી જાય છે. આ બંને અવરોધો તો દરિયાની સપાટી ઉપર જ વિદ્યમાન છે, જે પેલા ટીપાને સમુદ્રમાં પ્રવેશતાં જ અટકાવે છે. પરંતું દરિયાની અંદરનાં જળચરો કે જે પેલા ટીપાની સીધી ગતિને દિશાફેર કરી નાખે અથવા તો એવું પણ બને કે પેલી છીપ જ પોતાનું સ્થાન બદલી નાખે.

શેરના બીજા સાની મિસરામાં ગ઼ાલિબ એવી સહજ રીતે પોતાની લાક્ષણિક શૈલીએ આપણને જણાવી દે છે ‘જુઓ અથવા આપણે જોઈએ કે એક વરસાદના પાણીના કતરાને મોતી બનવા સુધીમાં કેટકેટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અને તેના ઉપર કેવું કેવું વીતે છે!’

આમ પ્રથમ શેરની ફલશ્રુતિ કે ‘જીવનમાં પરમ લક્ષની પ્રાપ્તિ આસાનીથી થઈ શકે નહિ.’ને અહીં આ શેરમાં પણ સમર્થન મળે છે. ગ઼ાલિબના બીજા એક શેરના આ મિસરા “બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના”માં પણ આપણને આ જ સંદેશ મળે છે. આમ ગ઼ાલિબ પોતાની શાયરી થકી માત્ર ઇશ્ક જ નહિ, પરંતુ જીવનનો રાહ પણ ચીંધે છે.

* * *

 (ક્રમશ: ભાગ-૨)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ


શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.