એક અવિસ્મરણીય દોસ્તી-સ્વ. ગિરીશ દવે સાથેની

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

અમારી વચ્ચે હળવો એવો ઝગડો થઇ ગયો. વાત સાલ ૨૦૧૦ ની.

એ મુંબઇ અને હું અમદાવાદ. પણ ઝગડો કરવા માટે સ્થળની નજદીકી જરૂરી નથી. બસ, એકાદ નિમિત્ત હોવું જોઇએ, તે ઉભું થઇ ગયું. એમણે મારી પાસે મારા દ્વારા સંપાદિત ‘મેઘદૂત’નો સંપૂટ  મગાવ્યો અને કિંમત અગાઉથી મોકલી દીધી. મેં પણ મોકલવામાં ઢીલ નહોતી કરી પણ તોય એમને મારા ઉપર ગુસ્સે થવાનું કારણ મળી ગયું. ‘આજ પંદર દિવસ થયા તોય તમે મોકલ્યું હોવાનું કહો છો એ પાર્સલ મને કેમ નથી મળ્યું ?’

‘મારી પાસે કુરિયરની રિસીપ્ટ છે. અને એની ડિલીવરી શીટ પણ છે. એમાં લેનારની સહી છે. જોઇ લો.’

વ્હૉટસએપમાં મેં એ શીટનો ફોટો મોકલ્યો તો તરત એમનો ફોન આવ્યો : ‘સોરી, અમારી ઓફીસના માણસની જ સહી છે, પણ એ મને આપતાં ભૂલી ગયો હતો. સોરી, સોરી, સોરી.. પણ એક ભૂલ તમારી નથી ? તમારે ઓફીસના સરનામે મોકલવું જોઇતું નહોતું. મેં તમને સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે ઘરના સરનામે મોકલવું.’

હા. મારી પણ ભૂલ હતી. એમણે મેસેજમાં ઘરનું સરનામું આપ્યું હતું છતાં મેં ઓફીસના સરનામે મોક્લ્યું હતું. મેં પણ સામે મેસેજ મોકલ્યો : ‘સોરી, સોરી, સોરી, મારી ભૂલ કહેવાય.’

આ ઓગષ્ટની ૧૬ મીએ જેમનું કોરોનાને કારણે જસલોક હૉસ્પીટલમાં અવસાન થયું એ મારા પરમ ચાહક અને ગાઢ મિત્ર  કોર્પોરેટ ક્ષેત્રના નામાંકિત ધારાશાસ્ત્રી ગિરીશભાઇ મોહનલાલ દવે સાથે મારી ગાઢ દોસ્તીના અધ્યાયની શરૂઆત આ  રીતે ‘સોરા-સોરી’થી થઇ હતી. પણ શરુઆતની આવી મામૂલી નોંકઝોંક બહુ જલ્દી ગાઢ દોસ્તીમાં પરિણમી. નવી મૈત્રીનો અધ્યાય આ રીતે શરુ થયો જે એમની વિદાય પછી પણ એમના પરિવાર, એમનાં લેખિકા બહેન વંદના દવે અને સુપુત્રીઓ બહેન મોના અને બહેન બિંદી સાથે યથાવત છે.

ગિરીશભાઈ દવે પોતાની ઑફિસમાં

એ કિસ્સા પછી એમણે પ્રકાશક આર.આર.શેઠની પ્રિન્સેસ સ્ટ્રીટની શોપમાંથી મારા ઉપલબ્ધ હતાં તે બધા પુસ્તકોનો સેટ મંગાવી લીધો અને એમાંથી મોટા ભાગના પુસ્તકો એમણે વાંચી પણ લીધાં અને પોતાના ચિત્તમાં એમણે ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યકારોની પંગતમાં મને બહુ ઉંચો દરજ્જો આપી દીધો (કે જે સ્વીકારતાં મારું મન હજુય અને આ ક્ષણે પણ પ્રામાણિક આનાકાની કરે છે).  એમના જ આગ્રહથી હું જ્યારે જ્યારે મુંબઇ આવતો અને લોઅર પરેલના એમના આલિશાન નિવાસસ્થાને જ ઉતારો કરતો ત્યારે એ પોતાના આઠદસ મિત્રોને બોલાવી રાખતા અને પોતે અગાઉથી મંગાવી રાખેલા મારાં પુસ્તકોની એક કરતાં વધારે પ્રતો મંગાવી રાખતા અને એમાં મારા ઓટોગ્રાફ્સ કરાવીને મિત્રોને મારા હાથે અપાવતા.

ગિરીશભાઈ (ડાબે) તેમના જન્મદિને તેમના નિવાસસ્થાને લેખક સાથે

અમારી મૈત્રીના આ અધ્યાયના પ્રારંભ સાથે જ એમણે મારી મુંબઇની દોડધામમાં મને પડતી વાહનની મુશ્કેલી સાવ હળવી કરી દીધી. દરેક વખતે એ પોતાની લકઝુરિયસ કાર, ચિક્કાર ટાંકી ભરાવીને ડ્રાઇવર સાથે મારે હવાલે કરી દેતા. એક દિવસ હોય કે અનેક દિવસ ! આ ક્રમમાં ક્યારેય કોઇ ફરક ન પડ્યો. મારો એ વિષેનો સંકોચ જોઇને એમણે મને આ મેસેજ મોકલીને મારો સંકોચ દૂર કરી દીધો.

“Please keep me advised in advance the probable dates of your stay in Mumbai. I will make available the conveyance for your use while you are in Mumbai.  There is no great favour which I am doing.  You are my personal friend and you are entitled to ask for the same. I would also not hesitate to ask for such favour when I would come to Ahmedabad.”

અમારી દોસ્તી થયાની અને એમને ત્યાં સાથે બેઠક કરવાની શરૂઆતમાં જ એ હકીકત ખૂલી કે ૧૯૫૫ થી ૧૯૫૭નાં વર્ષોમાં ભાવનગરની એમ.જે.કૉલેજ ઓફ કોમર્સમાં અમે સાથે અભ્યાસ કરતા હતા,  પણ એ વખતે અમે એકબીજાના પરિચયમાં આવ્યા નહોતા. કોઇ કારણ જ ઉભું થયું નહિં હોય. પણ આ હકીકતની ખબર પડતાંવેંત જ અમારી વચ્ચે વાતોનો નવો અને રસિક પટારો ખૂલી ગયો. દોસ્તીને માંજો મળી ગયો, કારણ કે અમારી યુવાનીની અલ્લડ મસ્તીના અનેક મુકામો સહિયારા નીકળ્યા. અરે, અમારા ઘણા મિત્રો અમારા કૉમન નીકળ્યા અને તેમાનાં એક તે એક અદ્‍ભુત હસ્તી એવા કેપ્ટન નરેન્દ્ર  ફણસે કે જેઓ અમેરિકા વસે છે અને ખુદ એક ઉમદા લેખક છે. ( ગિરીશભાઇની વિદાયના સમાચાર પણ ટેલિફોનથી તેમને આપવાનું મારા જ નસીબમાં  આવ્યું !)

ગિરીશભાઈનાં માતાપિતા મોહનલાલ અને મનોરમાબહેન દવે

મુંબઇમાં એક રાતે તેમની સાથે વાતોએ હું વળગ્યો હતો ત્યારે સાવ સહજપણે તેમણે  મારી સમક્ષ પોતાના માતાનાં પણ માતામહી એવાં, દોઢસો વર્ષ પૂર્વે થઇ ગયેલાં, ગુજરાતી ભાષાનાં પ્રથમ મહિલા નવલકથાકાર સ્વ. કૃષ્ણાગૌરી હીરાલાલ રાવળ વિષે કશી જાણકારી મળે તો મેળવવાની ઇચ્છા પ્રગટ કરી.

કૃષ્ણાગૌરીનાં પુત્રવધૂ – ચંચળબેન મુકુંદરાય દવે

મેં ‘કોશીશ કરીશ’ એમ કહ્યું તો ખરું, પણ હું જાણતો હતો કે મારા માટે એ અશક્ય છે. છતાં અમદાવાદ આવીને જોયું તો ‘ગુજરાતના સારસ્વતો’ નામના મારી અંગત લાયબ્રેરીમાં સચવાયેલા બે ભાગના અધિકૃત ગંથમાં એમના વિષે તો નહિં જ, પણ માત્ર તેમના પુસ્તક ‘સદ્‍ગુણી હેમંતકુમારી (૧૮૯૯) વિષે જ અર્ધી લીટીમાં નોંધ હતી, જેનો કશો અર્થ નહોતો, કારણ કે ગિરીશભાઇ એટલું તો જાણતા જ હતા. ફરી હું નિરાશ થયો. પણ ત્યાં તો જુલાઇ ૨૦૨૦માં એક ચમત્કાર બન્યો. મારી અને ગિરીશભાઇ વચ્ચેની આવી ચર્ચાથી સાવ અજાણ એવા (અને એ વખતે લુણાવાડામાં ઉચ્ચ સરકારી અધિકારી) મિત્ર રમેશ ઠકકરે સ્વ. કૃષ્ણાગૌરી હિરાલાલ રાવળ વિષે લુણાવાડાની લાયબ્રેરીમાંથી પ્રાપ્ત વિગતોને આધારે ફેસબુક પર સાવ અણધાર્યા જ એક માહિતીપૂર્ણ લેખ લખ્યો. ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત ‘ગુજરાતના સારસ્વતો’ ખંડ ૧ માં જ્યાં માત્ર દોઢ જ લીટીની માહિતી એમના વિષે હતી તેને બદલે રમેશ ઠક્કરે એમના વિષે આખો લાંબો રસપ્રદ લેખ લખ્યો. એનો માત્ર એક અંશ જ જોઇએ:

મને કેટલીક ઐતિહાસિક સાહિત્યિક ઘટનાઓની દિલચસ્પી રહેતી હોય છે..કાળના ગર્ભમાં કેટલું બધું ધરબાઇને પડયું હોય છે..! ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ ઇ.સ.૧૮૬૬માં લખાવાની શરૂઆત થઇ..એ નગર હતું લુણાવાડા..અને એના લેખક હતા દિવાન નંદશંકર તુળજાશંકર મહેતા…આ બાબત જાણીતી છે..પણ નગરમાં ..૧૮૯૨માં એક લેખિકાએ ગુજરાતી ભાષામાં એક કાલ્પનિક લઘુનવલ પ્રગટ કરેલી જે કદાચ કોઇનેય ખબર નથી..

             લેખિકાનું નામ છે કૃષ્ણાગૌરી હીરાલાલ રાવળ..એમણે જે વાર્તા લખી છે એનું ટાઇટલ છે સદ્‍ગુણી હેમંતકુમારી..લુણાવાડા સ્ટેટની લેડી રે ગર્લ્સ હાઇસ્કૂલમાં મુખ્ય શિક્ષિકા હતાં. એમને લેખનનો શોખ હતો..રેવાકાંઠાના મહારાજા પ્રતાપસિંહ તેમજ અંગ્રેજ પોલિટિકલ એજન્ટ જે.એમ.કેમ્પબેલ દ્વારા એમને પ્રોત્સાહન મળ્યું.. સુધારક નારી પણ હતાં..સ્ત્રી સમાનતા અને મહિલા જાગૃતિ તેમજ કન્યા કેળવણી બાબતે જમાનામાં ખૂબ આધુનિક કહેવાય એવા વિચારો ધરાવતાં..અને એમની પ્રવૃત્તિઓને રાજ્ય તરફથી હંમેશાં સહકાર મળતો..એક લેખક કે વિચારકને આવા શાસકોનો સહયોગ મળે પણ સુયોગ કહેવાય..

             લેખિકાને જમાનામાં સાહસ કહેવાય એવી ત્રણ વરસની તાલીમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યાં હતાં.. વખતે મહી કે પાનમ નદી તરીને સામે કાંઠે જવું પડતું જોખમી ગણાતું..લેખિકા સાહસ વારંવાર કરે છે..અમદાવાદમાં રહે છે.. વખતે દેશી મહિલાઓ ભાગ્યે રીતે ભણવા માટે એકલી રહેતીએમની સાથે મોટા ભાગે અંગ્રેજ કે પારસી મહિલાઓ હતી..આમ છતાં એમણે તાલીમ સફળતાથી પૂરી કરી.. દરમિયાન મહીપતરામ રૂપરામ..ભોળાનાથ દિવેટિયા જેવા સ્કોલરો સાથે ઘરોબો કેળવ્યો..વૈચારિક ભાથું એકત્રિત કર્યું..

                  લેખિકા લુણાવાડામાં શિક્ષિકા તરીકે કામ કરતાં..કન્યા કેળવણી માટે આજે પણ ક્રાંતિકારી કહેવાય એવા વિચારો ધરાવતાં..જાહેર પ્રવચનો કરતાં.. નસીબદાર હતાં એમના પતિ હીરાલાલ રાવળ એમની પ્રવૃત્તિઓને તન મન ધનથી મદદ કરતાલેખિકાપત્ની માટે નવાં નવાં પુસ્તકો લઇ આવતા..એમને ગમે ત્યાં એકલી પણ જવા દેતા. પુરૂષપ્રધાન માહોલમાં હીરાલાલનું પ્રોત્સાહન દાદ માગી લે એવું ગણાયખરેખર ગોરમાને પાંચે આંગળિયે પૂજ્યા હશે લેખિકા કૃષ્ણાગૌરીએ…!

મિત્ર રમેશ ઠકકરનાં લખાણોનો કાયમી વાચક એવો હું એમના એ વિગતપૂર્ણ લેખથી રાજી રાજી થઇ ગયો અને એમનો દોમ દોમ આભાર માન્યો. જાણે કે મારા ઉપરની જવાબદારી એમણે જ અદા કરી દીધી અને મને ઋણમુક્ત કરી દીધો. પછી તો મારી અને ગિરીશભાઇ વચ્ચેની ખેંચાતી આવતી વાતના આ ખૂબસુરત નિકાલથી એમને વાકેફ કરવાની સાથોસાથ ગિરીશભાઇને પણ મેં તરત જ જાણ કરી  દીધી. એમના રાજીપાનો પાર ન રહ્યો. એમણે તરત મારી પાસેથી ફોનનંબર મેળવીને રમેશભાઇને ફોન કરી દીધો અને આમ સર્કિટ પુરી થઇ.

પણ ના, હજુ તો આ આ બધા ઉપર કલગી ચડવી બાકી હતી. હું અવારનવાર રમેશભાઇ પાસે  ગુજરાતી ભાષાના આ પ્રથમ મહિલા નવલકથાકાર સ્વ. કૃષ્ણાગૌરી હિરાલાલ રાવળની કલમેથી ઉતરેલી પદ્યનવલકથા ‘સદ્‍ગુણી હેમંતકુમારી’ની ઝેરોક્સ માગતો હતો અને ક્યાંથી એમની તસ્વીર મળી શકે તેમ હોય તો એ મેળવી આપવાની વિનંતી કરતો હતો. અને બહુ થોડા જ વખતમાં, એટલે કે માત્ર બે જ મહિનામાં, ૨૫-૯-૨૦૨૦ ના દિવસે એમણે મારું સાહિત્યિક વક્તવ્ય લુણાવાડામાં મિત્ર અને લેખક-શિક્ષક શ્રી નરેન્દ્ર જોશીની મદદથી ગોઠવી દીધું. એમનો હેતુ એ નિમિત્તે હું જાતે લુણાવાડા આવીને એ પુસ્તક-અને તસ્વીરનો આખો પ્રોજેક્ટ સંપન્ન કરું એવી યોજના પાર પાડવાનો હતો.

લુણાવાડામાં રમેશભાઈ ઠક્કર (ડાબે) સાથે લેખક

અને એ રીતે એ અદલ પાર પડ્યો. હું મારા નિવૃત્ત સરકારી અધિકારી અને લેખક મોહનભાઇ મંદાણી સાથે રમેશભાઇએ મોકલેલી કારમાં લુણાવાડા ગયો અને ૨૫ મી સપ્ટેમ્બરની સાંજે મેં લુણાવાડામાં અનેક સાહિત્યરસિકો સમક્ષ વક્તવ્ય તો આપ્યું જ, પણ મારે મને સૌથી વધુ અગત્યનું અને ઇંતેજારી જગવનારું કામ ગિરીશભાઇની માતાનાં માતામહી કૃષ્ણાગૌરીની નવલકથા અને તેમની તસ્વીર મેળવવાનું હતું. બીજે દિવસે સવારે હું અને મંદાણી બન્ને મિત્ર નરેન્દ્ર જોશી સાથે લુણાવાડાની કન્યાશાળામાં ગયા (અગાઉની લેડી રે ગર્લ્સસ્કૂલ કે જ્યાં તેઓ હેડ મિસ્ટ્રેસ હતાં) અને તસ્વીરની તપાસ કરી. ત્યાં એ શાળાના મકાનનું નવિનીકરણ ચાલતું હતું અને એક જમાનામાં ત્યાંની દિવાલો પર સજાવેલા અનેક તૈલચિત્રો ઉતારીને એક સુરક્ષિત જગ્યાએ રાખી દેવામાં આવ્યાં હતાં. સ્વાભાવિક જ છે કે સ્વ.કૃષ્ણાગૌરી પણ ત્યાં જ ‘બિરાજમાન’ હોય.હવે એમનાં અને બીજાં મહાનુભાવો કે મહોદયાઓના તૈલચિત્રો ફરી દિવાલ પર ચડે એવી કોઇ શક્યતા નહોતી કારણ કે હવે તો તેમના યુગ પછીના આવાં આગેવાનોનાં ચિત્રો ત્યાં મુકાવાનાં હોય. રમેશભાઇ અને નરેન્દ્રભાઇએ અમારા માટે બધી જ સંમતિઓ લઇ રાખી હતી એટલે અમને કોઇ જ તકલીફ ન પડી અને માત્ર અર્ધો જ કલાકમાં સ્વ. કૃષ્ણાગૌરીનું તૈલચિત્ર અમારી ગાડીમાં મુકાવી દેવામાં આવ્યું અને રાતે તો મારા ઘેર પણ આવી ગયું. દરમિયાન નવલકથાની ઝેરોક્સ પણ નરેન્દ્રભાઇએ મારા હાથમાં મૂકી દીધી.

કૃષ્ણાગૌરી હીરાલાલ રાવળ

આ વાત જ્યારે મેં ગિરીશભાઇને ફોન પર કરી ત્યારે એ માની શકતા નહોતા કે આ બધું આટલું જલ્દી બની શકે. આના પ્રતિભાવમાં કશું પણ બોલતાં બોલતાં એમનો સ્વર રુંધાઇ રહ્યો હતો એ હું ફોન પર પણ વરતી શકતો હતો.

પણ હવે ?

હવે મોટી સમસ્યા એ અતિ મોટી તસ્વીરને મુંબઇ ગિરીશભાઇના લોઅર પરેલના ફ્લેટ પર પહોંચાડવાની હતી. કુરિયરમાં મોકલી આપવાનું એ શક્ય નહોતું. અતિ મોંઘા નેશનલ કુરિયરમાં મોકલવામાં એના પેકેજિંગના અને સરકારી સર્ટિફિકેશનના અવરોધો નડતા હતા.

પણ થોડા દિવસ રાહ જોયા પછી એનો પણ ઉકેલ આવી રહ્યો. મારા એક પારિવારિક સ્નેહી હિતેશ સોની પોતાના વ્યવસાયના કામે મુંબઇ જઇ રહ્યા હતા. તેમણે એ સાથે લઇ જવાની તૈયારી તો બતાવી, પણ એમને પોતાનું કામ આટોપીને તરત જ વળતી ટ્રેન પકડવાની અનિવાર્યતા હતી. એટલે એ લોઅર પરેલ તો જઇને એ તસ્વીર પહોંચાડી શકે તેમ નહોતા. આ વાત મેં ગિરીશભાઇને ફોન પર કરી તો એમણે જ એનો ઉપાય કર્યો. બોરીવલી રહેતા એમના બનેવી કૃષ્ણકુમારભાઇ દવે (લેખિકા વંદનાબહેન દવેના પતિ) મારફ્ત  તસ્વીરનું એ મોટું પેક બોરીવલી સ્ટેશનેથી મેળવી લીધું અને સાંજ સુધીમાં તો કૃષ્ણાગૌરી પોતાની દોહીત્રિના પુત્ર એવા ગિરીશ દવેના પરિવારના ફ્લેટની દિવાલ પર આસીન થવા માટે પહોંચી ગયાં.

આ આખી રોમાંચક ઘટના વિષે મેં ‘ચિત્રલેખા’ના ૧૮-૧-૨૦૨૧ના અંકમાં વિગતે લેખ પણ લખ્યો. ( જુઓ તેનું પ્રથમ પૃષ્ઠ)

‘ચિત્રલેખા’માં પ્રકાશિત લેખનું પૃષ્ઠ

આ આખી હરખકથાનો કરુણ અંત એ કે ગિરીશભાઇ આ ૧૬ મી ઓગષ્ટે કોરોનાની બિમારીમાં અવસાન પામ્યા તો એમના બનેવી કૃષ્ણકુમારભાઇ દવે પણ એ પહેલાં તા ૨૪-૪-૨૦૨૧ના દિવસે કોરોનાને કારણે વિદાય થઇ ગયા. હવે એમ જ માનવું રહ્યું કે આ લેખ એમને અંજલિરૂપે જ અર્પી રહ્યો છું. કેવળ એટલો સંતોષ લઇ રહ્યો છું કે જિંદગીમાં તેમના અંતરની એક ઇચ્છાને હું મારા રમેશ ઠક્કર અને નરેન્દ્ર જોષી જેવા મિત્રોની મદદથી પૂરી કરી શક્યો.

લાખેણા એવા મિત્ર સ્વ.ગિરીશભાઇને સ્મરણવંદન.


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

10 thoughts on “એક અવિસ્મરણીય દોસ્તી-સ્વ. ગિરીશ દવે સાથેની

 1. ઘણી વખત નિયતિ આપણા પાસે કોઈક એવા કાર્યનું સર્જન
  કરાવે કે માનવામાં ન આવે.આપની તથા મોટાભાઈ ગીરીશભાઈની મિત્રતાની ઘનિષ્ટતા મેં નજરે જોઈ અને માણી
  છે.આપ જેવા લેખકે રસ લઈને કેવું સરસ કાર્ય કર્યું?તે મિત્રો ની
  લાગણી તથા એકબીજા માટે કઇં ક કરવા ની ઉદ્દાત ભાવના નું
  પરિણામ છે,બાકી તો આપ જેવા નામી લેખકનો આભાર શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

 2. મેં અગાઉ fb માં તમારા વિશે કોમેન્ટ કરેલી-જેનું નામ તમે લો..રજનીકુમાર એને ઓળખતા હોઈ શાહબુદ્દીન ના વનેચંદની જેમ.પણ આજે કદાચ એક એવો રેકોર્ડ પણ બને કે તમે બહુ જાજા સ્વજનો ને મિત્રો ગુમાવ્યા.એક એક કરતાં કેટલી વ્યક્તિઓ તમને છોડી ને ગઈ.કેટલી વાર તમે દુઃખ અનુભવ્યું હશે?कितनी बार दिल को समजाया होगा?…आज फिर दिल को हमने समजाया

 3. ગુજરાતના પ્રથમ મહિલા નવલકથાકાર વિશે પ્રથમવાર જાણવા મળ્યું. આવા કેટકેટલાય સદ્કાર્યોમાં તમે નિમિત્ત બનેલાં છો. કોઈએ સોંપેલા કાર્યને પૂર્ણ કરવાની આપની ચીવટ અને તત્પરતાનો મને પણ અનુભવ છે.
  રમેશભાઇ અને નરેન્દ્રભાઇ પણ અભિનંદનના અધિકારી.
  સ્વ. ગીરીશભાઇના અવસાનના સમાચાર દુઃખી કરી ગયા

 4. આપની મિત્રો ને ઉપયોગી થવાની ભાવના ને લઇ ને, જગતનિયંતા એ આપને ઉમદા મિત્રો આપ્યા ને આપને મિત્રો નો સહકાર મળતો રહ્યો જેનો આપે હમેશા ઉલ્લેખ કરી ઋણ ચૂકવવાની કોશિશ કરી ને અમારા જેવા સૌ ને પ્રોત્સાહન આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર

 5. અતિ ઉત્તમ સાહિત્યકાર ના દર્શન થયાં !
  અભિનંદનના અધિકારી.

 6. આટઆટલાં સત્કાર્યો કરવાં અને એમાં ‘ નિમિત્તમાત્ર ‘ હોવાનો દાવો કરી, કોઈ યશની અપેક્ષા રાખ્યા વિના ખસી જવું! આવું અન્ય કોઈ વ્યક્તિમાં જીવનભર ટકી રહેલું જાણ્યું નથી. તમે ખરા અર્થમાં અદ્વિતીય છો.

 7. આ કામ અને આ રીતે માત્ર રજનીકુમાર જ કરી શકે. સાદર વંદન, સર!

 8. વાહ ખુબ જ સરસ. ગુજરાત ના પ્રથમ મહિલા લેખિકા વિષે ની વાત વાંચી ને ખુબજ મજા આવી ગઈ. આપે આટલી જહેમત ઉઠાવી ને આ માહિતી ભલે આપના મિત્ર માટે મેળવી પણ અમારા જેવા સાહિત્ય માં થોડો ઘણો રસ ધરાવનાર ને પણ આ જાણકારી થી ખુબજ ગર્વ ની લાગણી અનુભવું છું આપને ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર 🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published.