નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૩૨

મેં કદી સેવા કરાવી નથી, કેવળ કરી છે.

નલિન શાહ

પરાગની સાથે લગ્ન એ માનસી માટે જિંદગી સાથે કરેલી સમજૂતી હતી, જેમાં એની નાનીની ખુશી સામેલ હતી.

ધનલક્ષ્મીને લગ્નમાં કોઈ ખાસ ઉત્સાહ નહોતો. દીકરાની જીદની સામે નાછૂટકે એને નમતું જોખવું પડ્યું હતું ને એ જ કારણે માનસીની સાદાઈથી લગ્ન કરવાની ઇચ્છાને એણે સહર્ષ મંજૂરી આપી હતી. કેવળ ગણ્યાં-ગાઠ્યાં લોકોને આમંત્રિત કર્યાં હતાં. સાગરને કુટુંબ સહિત આમંત્રણ આપવા પરાગ જાતે ગયો હતો. જ્યારે માનસીએ રાજુલને કેવળ ફોન પર આમંત્રિત કરી તો રાજુલને નવાઈ લાગી કે માનસીના આમંત્રણમાં ઉત્સાહ કરતાં ઔપચારિકતા વધુ હતી. ધનલક્ષ્મીએ મા-બાપને આમંત્રણના નામે કેવળ કંકોતરી મોકલી હતી. જવાબમાં શશીએ એના અને મા-બાપનાં આશીર્વાદ પત્રના રૂપમાં મોકલી આપ્યાં. શશીએ જ્યારે ટેલિફોન પર વાત કરી ત્યારે રાજુલ એ જાણીને ચમકી ગઈ કે ધનલક્ષ્મી પરાગની મા અને માનસીની થનાર સાસુ હતી પરિણામસ્વરૂપ એણે બાપુની બીમારીના કારણે ગામ જવાનું બહાનું કાઢી લગ્નમાં જવાનું ટાળ્યું.

ધનલક્ષ્મીની નજરમાં સાવ મામૂલી ગણાતા આર્યસમાજના હૉલમાં લગ્ન ગોઠવાયાં હતાં. હાજર રહેલી એની સહેલીઓ આપસમાં એની ઠેકડી ઉડાવતી હશે એ વિચારે ધનલક્ષ્મી વ્યથિત હતી. વર્ષોથી જે સપનું સાકાર થવાની પ્રતીક્ષા હતી એ સપનું નષ્ટ થયું હતું. જે પ્રસંગની નાનીને તાલાવેલી હતી એમાં નાનીની ગેરહાજરી માનસીને સૌથી વધુ ખલતી હતી.

નાની પથારીવશ હતાં. ફિલોમીના હોસ્પિટલમાંથી રજા લઈ સતત એની સેવામાં હાજર હતી. નાની એ જ પ્રતીક્ષામાં કદાચ જીવી રહ્યાં હતાં કે એની લાડલી એના વરને લઈ ઘરમાં પ્રવેશ કરે.

લગ્નવિધિ પૂરી થતાં જ આમંત્રિતોનું જમણ ગોઠવાયું. માનસીએ પરાગને નાનીને પગે લાગવા જવાનો આગ્રહ કર્યો. માનસી માટે નાનીના આશીર્વાદનું મહત્ત્વ કેટલું હતું એ પરાગ જાણતો હોવાથી એણે કોઈ વિરોધ ના કર્યો, પણ ધનલક્ષ્મીથી એ ના સહેવાયું. એણે સખતાઈથી માનસીને રોકવા પ્રયત્ન કર્યો. ‘તમે છો ને બા અહીં?’ માનસીએ નમ્રતાથી ઉચ્ચાર્યું, ‘અમને બહુ વાર નહીં લાગે.’

શરૂઆતથી જ વહુ પર ધાક જમાવવાનો મોકો ધનલક્ષ્મી ગુમાવવા નહોતી માંગતી. અવાજમાં તિખાશ લાવી બોલી, ‘હવે તું આ કુટુંબની કહેવાય. એ કુટુંબનો વિચાર ના કરાય અને તે પણ મહેમાનોને છોડીને!’

‘કુટુંબ બદલાવાથી નાની નથી બદલાતી. તમે ચિંતા ના કરો ને તમે છો એટલે અમને પણ ચિંતા નથી. હમણાં જ પાછાં આવી જઈશું.’ બોલીને એણે ચાલતી પકડી. ગુસ્સાથી તમતમી ઊઠેલી ધનલક્ષ્મીને આશા હતી કે એનો દીકરો માનો પક્ષ લઈ એની પત્ની સાથે સખ્તાઈ વર્તશે, પણ એ તો પાળેલાં પ્રાણીની જેમ એની પાછળ ઘેરાયો. ધનલક્ષ્મી જોતી રહી ગઈ. મનોમન વિચાર્યું. એ દાકતરણી હજી મને ઓળખે એટલી વાર છે. પછી જોઈશ કે મારી સામે આંખ પણ ઊંચી કેમ થાય છે!’

નાની આતુરતાથી માનસીને આવવાની ઘડીઓ ગણતાં હતાં. ‘હમણાં વિધિ પતી હશે, હમણાં નીકળતાં હશે, હમણાં આવશે..’ ત્યાં જ માનસીએ પ્રવેશ કર્યો ને આવીને નાનીના પગમાં માથું મૂકી દીધું.

‘આ શું કરે છે, બેટા! અહીં પાસે આવ. મને નિરખવા દે.’ નાનીએ માનસીને છાતીએ ચાંપી ‘તું બે વરસની હતી ત્યારે તારી મા તને મને સોંપીને આ દુનિયા છોડી ગઈ હતી. આજે તું નવોઢા થઈ છે અને ડૉક્ટર પણ. તારી માને આપેલું વચન મેં પાળ્યું છે. મારી આંતરડી તેં ઠારી છે, દીકરા. હવે તારો સંસાર તારે સંભાળવાનો છે. હું થાકી ગઈ છું વધુ જીવીને. કોઈના પર બોજ બનવા નથી માંગતી.’

માનસી રડી પડી, ‘ના, નાની હું તમને નહીં જવા દઉં, તમે જ મને ઉછેરી છે, મારાં નખરાં સહન કર્યાં છે, બધી માંગો પૂરી કરી છે. આ ઋણ હું ક્યારે ઊતારીશ? હવે હું તમારી સેવા કરીશ.’

‘ના બેટા, મેં કદી સેવા કરાવી નથી, કેવળ કરી છે. હા, છેલ્લે છેલ્લે જ્યારે લાચારી અનુભવી ત્યારે આ ફિલોમીનાએ મને સહારો આપ્યો. મારી બહુ સેવા કરી. એનું ઋણ હવે તારે ઊતારવાનું છે.’

માનસી અને પરાગે છેલ્લા રિપોર્ટ્સ જોયા. નાનીનો સખત વિરોધ હોવા છતાં ફિલોમીનાએ તબીબી સેવામાં કોઈ કસર નહોતી રાખી, છતાં ઉંમર થઈ હતી અને એ માનસિક રીતે પણ થાકી ગયાં હતાં. નાનીને માંદગીમાંથી ઉગારવાની શક્યતા બહુ ઓછી હતી છતાં બનતા પ્રયત્નો કરવા માનસી કટિબદ્ધ હતી. એણે ફિલોમીનાને કહ્યું, ‘મહેમાનોને વિદાય કરી હું પાછી આવું છું, અહીં જ રહીશ.’

‘આજે પણ?’ ફિલોમીનાએ વિસ્મયથી પૂછ્યું.

‘હા, મારી નાનીની જિંદગીથી વધુ મહત્ત્વનું કાંઈ જ નથી.’ માનસીએ મક્કમતાથી કહ્યું ને વિદાય લીધી.

પરાગે ડ્રાઈવ કરતાં ડરતાં ડરતાં પૂછ્યું, ‘માનસી, આજે પણ તું ત્યાં રહેશે?’

‘હા.’ માનસીએ બેધ્યાનપણે પ્રત્યુત્તર આપ્યો, ‘આજે પણ ને કાલે પણ ને ….ને…. ખબર નહીં…’ થોડી વાર થોભીને બોલી, ‘હું જાણું છું તું શું વિચારે છે. દાંપત્યજીવન માણવા આખી જિંદગી પડી છે, પણ નાની હવે કેટલો સમય કાઢે એની ખાતરી નથી.’

‘પણ માને નહીં ગમે.’ પરાગે ધીમા અવાજે કહ્યું,

‘હું તારી માને કોઈ જવાબ આપવા બંધાયેલી નથી. મેં ભૂલ કરી કે લગ્નનો નિર્ણય લેતાં પહેલાં જે સાસુ સાથે રહેવાનું છે, એને પણ જાણવી જરૂરી હતી. તારે બહુ ઉતાવળ હતી ને મેં પણ માની લીધું કે તારી મા છે, ઉદાર ને સહિષ્ણુ હશે. ભલે ભણતર ઓછું હોય. હવે ખ્યાલ આવે છે કે તેં પણ એને મળાવવાનું બાકી રાખ્યું હતું. પહેલી જ મુલાકાતમાં હું સમજી ગઈ કે એ અભણ જ નહીં, પણ અસંસ્કારી ને મિથ્યાભિમાની છે. એને સમજાવી દેજે કે એનું સાસુપણું મને બતાવવાનો પ્રયત્ન ના કરે, એની તબિયત માટે હાનિકારક બનશે.’

પરાગે મૂંગા મૂંગા સાંભળી લીધું. થોડી વારની ચુપકીદી પછી માનસીએ પૂછ્યું, ‘તારા કન્સલ્ટિંગ રૂમ અને નર્સિગ રૂમ તૈયાર થઈ ગયા?’

‘હા. અને સાથે સાથે તારા કન્સલ્ટિંગ રૂમની પણ તને સરપ્રાઇઝ આપવી હતી. તું ફ્રી થાય પછી બતાવીશ. તું સાચે જ ઇમ્પ્રેસ થઈ જઈશ.’

‘તારી મા ઇમ્પ્રેસ થઈ?’

‘એ તો જોઈને છક થઈ ગઈ.’

‘બસ તો હવે હું કલ્પી શકું છું કે એ કેવું હશે, જોઈશું.’

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.