પુરુષોતમ મેવાડા
હવે MBBS ડૉક્ટર થઈ ગયેલો એ છોકરો ખૂબ જ આનંદમાં હતો. મોટાભાગની આર્થિક તકલીફો હવે નહોતી રહી. હોસ્ટેલની મેસનું સારું જમવાનું મળતું હતું. અને આખરે MSની છેલ્લા વર્ષની પરીક્ષા પણ અપાઈ ગઈ. આજે છેલ્લી વાઇવા (મૌખિક) અને પ્રેક્ટિકલની પરીક્ષાઓ હતી. જુદા-જુદા દર્દો ધરાવતા દર્દીઓ ભેગા કરાયા હતા અને એમાંના કોઈ દર્દી ઉપર તપાસ કરી પરીક્ષકો સમક્ષ તેમને રજૂ કરવાના હતા. ઘણી વાર બને છે એમ, અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં જ ખાનગી રીતે એ દર્દીઓ કયા-કયા રોગના છે તેની તપાસ કરી લેતા, અને પછી પરીક્ષકો સાથે તેની ચર્ચા કરતા.
પરંતુ આ છોકરાએ તો પોતાની સામે જે કોઈ દર્દી એ સમયે આવે, તેને જ તપાસીને તે વખતે જ નિદાન કરીને ચર્ચા કરવાનો નિર્ણય કર્યો, અને જરા પણ ગભરાયા વગર તેણે પરીક્ષકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા. આથી પરીક્ષક સામે તે આગવી રીતે રજૂ થઈ શક્યો. (પરીક્ષકોનો આનંદ છૂપો નથી રહેતો!)
નિયમ એવો હતો કે આ છેલ્લી પરીક્ષા પૂરી થાય એટલે તરત જ થોડા સમયમાં રિઝલ્ટ આપી દેવાય, (યુનિવર્સિટી દ્વારા તો રિઝલ્ટ ઘણું મોડું જાહેર કરવામાં આવતું.) છોકરાને ખાત્રી હતી, કે પોતે પાસ થઈ જ ગયો છે! પણ રિઝલ્ટમાં પાસ થયેલાનાં નામો બોલનાર છોકરો એ જ હતો, જેણે પહેલા વર્ષ MBBS વખતે તેને કહેલું કે, “તમારા જેવાએ મેડિકલમાં આવવું જ ના જોઈએ.” નામ બોલનાર પેલો છોકરો આ છોકરાનું નામ બોલતો જ નહોતો એટલે એણે બૂમ પાડીને કહ્યું, કે “મારું નામ બોલ, હું પાસ છું!” આખરે કોઈ ના સાંભળે તેમ ખૂબ જ ધીમા અવાજે એ બોલ્યો, “હા, તું પાસ છે.”
છોકરો એટલો તો ખુશ થઈ ગયો કે ખિસ્સામાં જેટલા પૈસા હતા એ બધાયે કાઢીને એણે ત્યાં નજીકમાં ઊભેલા પટાવાળા અને નોકરોને આપી દીધા. એ ક્ષણથી એ છોકરો એક સર્જન, Master Of Surgery, MS હતો!
એક સીનિયર મિત્ર સાથે ત્યાંથી જ એણે પોતાનાં માતા અને બાપાને સમાચાર આપવા રિક્ષા પકડી. તેને તો એમ, કે પગે લાગીશ એટલે બાપા ખુશ થઈને આનંદપૂર્વક આશીર્વાદ આપશે!
પણ એવું કંઈ ન બન્યું. તેના બાપા ટોન્ટમાં બોલ્યા, “હા, ભાઈ હા, તું હવે મોટો માણસ થઈ ગયો, અમારું કોણ?” તેની સાથે આવેલો મિત્ર તો આ સાંભળીને આઘાતથી દંગ થઈ ગયો!
આમ તેના જીવનનો એક મહાન પ્રસંગ ગમગીનીમાં પલટાઈ ગયો. તેના મિત્રો અને અન્ય વ્યક્તિઓને જેટલો આનંદ થયેલો, એટલો એના અંગત લોકોને નહોતો થયો! કદાચ એ લોકોને છોકરાની આ ઉપલબ્ધિનો ખાસ અર્થ સમજાયો ન પણ હોય! બની શકે? બની શકે!
વાંચનારને યાદ અપાવું, કે આ છોકરાએ આવો જ જવાબ પ્રાથમિક શાળામાં શિક્ષણાધિકારીને પણ આપેલો!
ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે