શબ્દ અને દૃષ્ટિસૌંદર્યનાં પ્રતિબિંબનો અનોખો સમન્વય: ‘બનારસ ડાયરી’

શબ્દસંગ

નિરુપમ છાયા

સત્વ તત્વ અને અર્થભરી કલાત્મક છબિઓના પ્રયોગશીલ સર્જક શ્રી વિવેક દેસાઈથી ભાવકો પરિચિત જ હોય. એમના પિતા જીતેન્દ્ર દેસાઈ અને નવજીવન પ્રકાશન બંને જાણે અભિન્ન હતા,એવા એકબીજામાં  ઓતપ્રોત થયેલા. એમના પુત્ર વિવેક દેસાઈ પણ નવજીવન પ્રકાશન સાથે સંકળાયેલા છે. તેઓ પ્રથમ વખત ૧લી  જાન્યુઆરી ૨૦૦૨ના  બનારસ ગયા. વહેલી પરોઢે સ્ટેશનથી નીકળ્યા ત્યાંથી લઈને તેર દિવસ રહ્યા તે દરમિયાન એમણે જે જોયું, અનુભવ્યું, ફરતાં ફરતાં નાના વ્યવસાયિકોથી લઈને જેમને મળ્યા એ બધું જ એમને એટલું સ્પર્શી ગયું કે એમણે નક્કી કર્યું કે ‘આ શહેરમાં જીવીશ ત્યાં સુધી વર્ષમાં એકવાર તો આવીશ જ.’ કારણકે, ‘તેર જ દિવસમાં એક શહેર તમારી અંદર વસી જાય એ નાનીસૂની વાત નથી.’ અને એટલે જ  એ સિલસિલો અઢાર અઢાર વર્ષો સુધી જાળવ્યો.

તેઓ કહે છે કે, ‘અહીં આવનાર દરેક પ્રવાસીને કઇંક શોધ્યાનો સંતોષ થાય છે. દરેક પ્રવાસી અહીં કોલંબસ છે. દરેક વખતે ગંગાની ડૂબકી ને ઘાટ-ગલીઓની મસ્તી લઈને પાછો ફર્યો છું. ગલી-ઘાટ ને બનારસી સંગીત ઘરાનાનાં અનુભવો મનના ખિસ્સામાં ખચોખચ ભર્યાં પડ્યા છે. મારી અંદર ગંગાજીના પ્રવાહનો શાંત કોલાહલ મને સતત વહેતો રાખે છે….’ આ ડાયરીમાં બનારસનો ઈતિહાસ નથી, અરે એની ગંદકીની વાત પણ નથી કરી. એમણે રીક્ષાવાળા, ચાવાળા  ઘાટ પર ચણા વેચતા, હોડીવાળા, દીવા વેંચતા, મૃતકોની વિધિ કરાવતા, મૃતકનો ફોટો ખેંચતા વગેરે અનેક પ્રકારના લોકોનાં પારદર્શક હૃદયમાં વહેતા ભાવપ્રવાહનું સૌન્દર્યદર્શન કર્યું છે. કેટલા અભાવો વચ્ચે આ લોકો જીવે છે એ તો  થોડાએક લોકોની નજીક જવાનું થતાં તેમને ખ્યાલ આવ્યો, પણ તેમ છતાં એમના હાસ્ય, પ્રેમ, આવકાર, નિર્દોષતા એમને જે સ્પર્શી ગયાં તે ઝીલ્યાં છે. આ ડાયરીનું ભાવન કરતાં આપણને  દ્વિધા થાય   કે ‘બનારસ ડાયરી’ ગદ્યમાંથી નીતરતું કાવ્ય છે કે છબી વડે સર્જાતું કાવ્ય છે! આની પ્રતીતિ વિવેકભાઈના શ્બદોમાંથી જ મળે છે, ‘જ્યાં સુધી કોઈ શહેર આખેઆખું તમારા હૃદયમાં  ભરાઈ ન  જાય ત્યાં સુધી તમે એની સુંદર છબી ઝડપી શકતા નથી. વળી સારી છબી  માટે  માનસિક, શારિરીક અને આધ્યાત્મિક રીતે  ત્યાં હોવ તો જ સારી છબી બને.’  ડાયરીની સરળ, પ્રવાહી અને ભાવવાહી ભાષા એનાં ગદ્યને રસાળ બનવે છે.  બનારસ એટલે સંગીતનું ઘર. બનારસ અને શરણાઈની ઓળખ સમા બિસ્મિલ્લાહખાન, ગિરિજાદેવી, કિશન મહારાજનો પણ અંતરંગ પરિચય થાય છે.

ડાયરીનો પ્રારંભ પણ સ્થિર છતાં ગત્યાત્મક છે. ‘ બનારસમાં……ટ્રેઈન થંભી ત્યારે વિચારોની ગતિ પુરપાટ હતી..’ કેટલું સૂચક બની રહે છે ! અહીંથી જ ડાયરી ગંગાના ખળખળ વહેતાં જળની જેમ  રમતી કેટલું બધું જોડતી, સાથે લેતી, સાચવતી ગતિમય બને છે. સ્ટેશનેથી રીક્ષા પકડે છે અને રીક્ષાવાળાને પચાસ રૂપિયા આપે ત્યારે એના “બાબા સબકો આપ જૈસા પેસેન્જર દે.” શબ્દોમાં સમાજ માટે જાણે સંભળાતી દુઆ   લેખકને ઉપદેશ સમી લાગે છે અને ઋષિ કે સાધુ કરતાં પેડલવાળો મહાન લાગે છે. પોતાની હોટેલ પર પહોંચ્યા પછી દશાશ્વમેધઘાટનાં  પગથિયા ઉતરતાં લેખકનું નિરીક્ષણ જુઓ. “માણસના મનમાં ઉછળતાં, અફળાતાં મોજાંઓ શાંત થઈને ગંગાજીના વહેણમાં એમ જ ભળી  જાય એ ઘટનાની અનુભૂતિ વ્યક્તિમાત્ર માટે કેટલી અદભૂત છે નહીં!” લેખકનાં આવા દરેક નિરીક્ષણમાં ગંગાજીના વહેતા નિર્મળ પ્રવાહની જેમ હૃદયમાં વહેતા ભાવપ્રવાહની અનુભૂતિ ભાવકના હૃદયને પણ એટલું જ ભીંજવે છે. એક એક પ્રસંગ લેખકની સંવેદનશીલતા માંથી પસાર થઈને આપણા હૃદયને પણ છલકાવી દે છે. અને લેખકનાં આ સંવેદનશીલ હૃદયે અંતિમ વિધિ માટે જ્યાં લોકો પહોંચે છે એ મણિકર્ણીકા ઘાટ પરનાં દૃશ્યો આ છબીકારે શબ્દોમાં પણ કેવાં અભિવ્યક્ત કર્યાં છે!

આ ઘાટ પર આવતી નનામીમાં રંગબેરંગી કફનમાં વીંટળાયેલું કોઈક મૃત શરીર જાણે જુદી જ રીતે સજાવેલું લેખક જુએ છે. ‘કફનની  ચારે તરફ ફુગ્ગા પણ લટકાવેલા હતા! એ તમામે સડસડાટ પગથિયાં ઊતરીને ઠાઠડીને સીધી ગંગાજીમાં જાણે કે ઘા કરતાં હોય તેમ હડસેલી, પછી કિનારે લાવીને મૂકી અને બધા ઘાટનાં પગથિયે બેસી ગયા.’ પછી ચા પણ પીએ છે. એ સાથે જ ઠાઠડી પરનાં ગલગોટાના ફૂલ ખાતી ગાય , ભડભડ સળગતી ચિતા  પાસે ઊભો રહી પાટલુન સૂકવતો છોકરો, અને સ્વજનોના ચેહરા પર વૈરાગ્યભાવ, ગળે કેમેરો લટકાવી, કોઈ પ્રસંગના ફોટા લેતો હોય એવા ઉત્સાહ સાથે આવતો ફોટોગ્રાફર, એવાં જુદાં જુદાં  દૃશ્યો પણ લેખકનાં મન:ચક્ષુમાં  ઝીલાય છે. મૃત્યુ માટે ઉત્સવ  ઉદાસી કે ઉપેક્ષા  કેવો ભાવ છે  એ સમજી જ ન શકાય. લેખક કહે છે, “મૃત્યુ આટલું નાટ્યાત્મક હોય એવો અનુભવ આજે પહેલીવાર કર્યો.” આની સાથે જ ગંગા આરતી, દીવા વહેડાવતા શ્રદ્ધાળુઓ, બાળકની મુંડનવિધિ આ બધાં દૃશ્યોનું સૂક્ષ્મતાથી પણ વિસ્તારપૂર્વક દૃશ્ય આલેખતા લેખકની તટસ્થતા પણ સ્પર્શી જાય છે.

ગંગાકિનારે અગણિત દૃશ્યો શબ્દ અને છબીરૂપમાં મૂકતા લેખક ચરિત્ર ચિત્રણ અને વ્યક્તિની છબી માટે પણ એટલા જ જિજ્ઞાસુ અને આતુર છે. બનારસની ઓળખ બિસ્મિલ્લાહખાનને મળવા અને એમની છબી ઝીલવા લેખક ખૂબ પ્રયત્ન કરે છે. એ એમની જાણે જીજીવિષા બની ગઈ હતી. ૨૦૦૨ થી ૨૦૦૩ સુધી લગભગ ૧૨ વખત ઘરે જઈ આવ્યા પણ ઓટલાથી આગળ વધી શકતા નથી. ભારતરત્નની જર્જરિત મકાન થોડી નિરાશા પણ જન્માવે છે પણ ‘એવોર્ડની ભવ્યતા સાથે આપણે એમની જિંદગીનાં બીજાં પાસાંઓને શું કરવા જોડવાં?’ એમ કહી, એમની  નીકટના લોકોનો વ્યવહાર, ખાં સાહેબના પણ  અણગમતા શબ્દો- એ બધું ઓગાળી દે છે અને પ્રયત્ન ચાલુ રાખે છે. છેવટે ૩૧ વર્ષ બાદ કાશ્મીર જતા આ મહાન કલાકાર એરપોર્ટ જાય ત્યારે ફોટા લેવાની મંજુરી મળે છે. પણ ત્યાંયે એમને જે પોર્ટ્રેટની ઈચ્છા હતી એ પૂરી નહોતી થતી ત્યાં જ અચાનક એ ક્ષણ આવી પહોંચી. ગાડીમાં ગોઠવાતાં પહેલાં અટકી, થોડી ગાળો વરસાવી બારીમાંથી એક પોઝ આપતા હોય તેમ કહે છે, ‘લે, ખીંચ લે.’ અને જીજીવિષા પૂરી થતાં લેખકને એ ગાળો પણ મીઠી લાગે છે. એ જ રીતે કિશન મહારાજ દ્વારા અપમાન સહન કરીને પણ એમને ભાવતાં ગુલાબજાંબુ લઈ જઈ, પછી તો અનેક ફોટા પાડે છે. ગિરિજાદેવીને તો કઈંક સંભળાવવાની વિનંતી કરતાં લગભ સવા  બે કલાક મધુર સ્વરોની વર્ષમાં લેખક જાણે સ્નાન કરી રહે છે. લેખક આ ઘટનાને વર્ણવે છે, ‘એમની અવસ્થા સંપૂર્ણ સમાધિ અવસ્થા હતી અને મારી સંપૂર્ણ સભાન અવસ્થા.’ એમના પ્રેમભર્યા શબ્દોથી એમને પોતાની માનું સ્મરણ થતાં ધ્રુસકે ધ્રુસકે રડી પણ પડે છે. કલાકારોના મૂડને ઓળખવા, પચાવવા સરળ નથી.

પણ લેખકની સંવેદનાની સૂક્ષ્મતા તો શીંગ વેંચતા સર્વેશનાં ચરિત્રાલેખનમાં વરતાય  છે. હંમેશાં હસતા રહેતા હોવાને કારણે પ્રવાસીઓ ભૂખ ન  હોય તો પણ શીંગ ખરીદે. બપોરે ટીફીન લઈને બેસે અને જે પાસે હોય તેને ખવડાવી દે. એક વખત તો કૂતરાં આવ્યાં તો એને આખું ટીફીન ખવડાવી દીધું. લેખકને, “ પુણ્યના પણ પ્રકાર હોતા હશે એવું આ ઘટના જોયા પછી લાગેલું.” લેખકની એની સાથે એવી આત્મીયતા કેળવાઈ કે એક વખત રસ્તામાં જતા હતા અને સર્વેશે એમને જોયા કે તરત  પોતાને ઘરે  લઈ ગયો. અને સહજ રીતે કહ્યું, આજ સાથમે ખાતે હૈ આલુકી સબ્જી ઔર રોટી. લેખકને થાય છે, આગ્રહ પણ નહીં ને  દુરાગ્રહ પણ નહીં. બસ ક્ષણને જીવી જવાની વાત. એ ખંડેર મકાન જોઈ લેખક પૂછે છે ત્યારે કહે છે કે સિલ્કની મિલ હતી. આગમાં બધું ખાખ થઈ ગયું. લાખોની મિલકત સાથે ‘મેરે સપને ઔર મેરા ભવિષ્ય ભી  જલ  ગયા એમ કહેતાં  લેખકના ખભે માથું મૂકી  રડી પડે છે. પછી એક  વખત રસ્તે જતાં ભીડ જોઈ લેખક નજીક જાય છે અને સર્વેશનાં મૃત્યુના સાક્ષી બને છે. અગ્નિદાહ પણ આપે છે. આ કરુણ ઘટના પછી લેખકને  લાગે છે, “ એ રાત બહુ જ કાળી હતી, ને  એ પછીના દિવસની સવાર પણ.’

એના અને  વાનેસા નામની બે યુવતીઓની મૈત્રી પણ એમને બનારસમાં સાંપડે છે. બંને સાથે અનોખા ભાવ સંબંધ રચાય છે. એમાં એના તો એમને નાગાબાવા સાથે રહેવા જાય છે ત્યારે દરરોજ ફોટા પાડવા માટે બહાર રહીને ટેકનીકલ સહયોગ પણ આપે છે. લેખકે સ્થળો અને  વ્યક્તિઓની અભિન્નતા પણ શોધી એને ચિત્રાત્મક રીતે આલેખી છે. સંતોષકુમાર અને કાફે, બીનિયાબાગ અખાડો અને રામુકાકા, ગોલુચાચા અને બોટ, હનુમાન અને અનવર વગેરે આપણી અંદર જીવંત થઇ ઉઠે છે.

લેખક ઘટનાઓને  પણ આપણા સુધી તાદૃશ રીતે પહોંચાડવાનું ભૂલ્યા નથી. કુંભમેળો, રામલીલા, નાગબવાઓની  શાહી સવારી એ બધાંનાં શબ્દચિત્રો  આપણે પણ  ત્યાં જ  હોઈએ એવી અનુભૂતિ કરાવે છે.  ફોટા પાડવા માટે નાગા સાધુઓના  નિવાસ પાસે  ફરતા હોય  છે પણ ધુમ્મસ વગેરેને કારણે નિરાશા સાંપડે છે અને એમાં  એક કેમ્પમાં જાય છે ત્યારે  સાધુ એને કહે છે, “ બચ્ચા ઉમ્મીદ લેકે આયે હો ન  ઇસલિયે ઉદાસ હો. ઈશ્વર ઔર સાધુકે પાસ કભી ભી ઉમ્મીદ લેકે મત જાયા કરો. ઐસે હી નિકલ પડો, ફિર દેખો વો તુમ  મેં ખુશી હી ખુશી ભર દેગા. ઔર ઉસ દિન તુમ ઐસે કુહાસે મેં ભી સૂરજ દેખ પાઓગે.” અને એવું તો ઘણું. જીવનનું સરળતાથી ઊતરી આવતું  સહજ તત્વજ્ઞાન. લેખક સ્વાનુભૂતિથી પણ  કેટલુંક પામવા મથે છે એટલે  નાગાબાવા સાથે એમના જેવા થઈને એમની જેમ પણ રહે છે, અખાડાના ગુરુજી સાથેનો સંવાદ લેખકની જીવનદૃષ્ટિનો પરિચાયક બની રહે છે. “ઈસ ઝોલીમેં કેમેરા હૈ?’ એમણે પ્રશ્ન કર્યો. મેં કહ્યું, “ ના, ઈશ્વર તક પહુંચનેકી મેરી સાધનાકા માધ્યમ હૈ.”

ભીતર અનહદના સ્વર ઊઠતા હોય ત્યારે જ શબ્દો જીવંત અને સાચુકલા બને અને ફળસ્વરૂપે દ્રષ્ટિમાં ઝીલાતું સૌદર્ય આપણી ભીતર પણ સ્થિર થઈ જાય એનું આ ‘બનારસ ડાયરી’ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એનું અચૂક ભાવન કરવું જ જોઈએ.


પુસ્તકની પ્રકાશિત આવૃતિની વિગતોઃ

બનારસ ડાયરી – લેખક વિવેક દેસાઈ
પ્રકાશક નવજીવન ટ્ર્સ્ટ, અમદાવા ૩૮૦૦૧૪
ISBN(13): 9788194920960
કિંમત રૂ. ૬૦૦/ –


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.