ફિલ્મ અને કવિતા : ધ વિંડ વિલ કેરી અસ

||   અબ્બાસ કિઆરોસ્તામી  અને  ફરો ફર્રોખઝાદ  ||

ભગવાન થાવરાણી

ઈરાન અને ભારત સાંસ્કૃતિક રીતે બહુ નિકટથી સંકળાયેલા દેશો છે. ઈરાન ઈસ્લામિક દેશ હોઈ ત્યાં અનેક પ્રકારના નિયંત્રણો પ્રવર્તમાન હોવા છતાં ત્યાંનું સાહિત્ય અને ફિલ્મો એક અનોખી ભાત પાડે છે. આપણે સૌ ફારસી ( પર્શિયન ) ભાષાના કવિઓ ફિરદૌસી, હાફિઝ, રૂમી, શિરાઝી અને ઓમર ખૈય્યામના નામ અને કામથી સુપેરે પરિચિત છીએ. બીજી બાજુ, કડક સેંસરશીપ હોવા છતાં ઈરાનના અસગર ફરહાદી, ડેરિયસ મેહરજુઈ, મજીદ માજીદી, જાફર પનાહી, મસૂદ કિમીયાઈ, શિરીન નિશાત અને અબ્બાસ કિઆરોસ્તામી જેવા ફિલ્મ સર્જકોએ અદ્ભૂત ફિલ્મો બનાવી છે. કદાચ કડક સેંસરશીપ એમની કૃતિઓમાં વધુ નિખાર લાવી છે કારણ કે પોતાની વાત કહેવા માટે અવનવા રસ્તાઓ કાઢવાની કુનેહ જરૂરી થઈ પડે !

મૂળ વાત પર આવીએ. મારે વાત કરવી છે ઈરાની કવયિત્રી ફરો ફર્રોખઝાદ અને એમની એક કવિતા  ‘THE WIND WILL CARRY US ‘ ( પવન લઈ જશે આપણને)ની. માત્ર બત્રીસ વર્ષની વયે ૧૯૬૭માં અકસ્માતમાં અવસાન પામેલાં ફરો ફર્રોખઝાદ દરેક અર્થમાં એક વિદ્રોહિણી હતાં. એમની કવિતાઓના બેબાક વિષયો, વિષય – વૈવિધ્ય અને ભાષાનો સચોટ પ્રહાર જોઈને અચરજ થાય કે એક ઈસ્લામિક મુલકમાં એક સ્ત્રીએ આવી વાતો લખવાની હિંમત અને સાહસ કઈ રીતે કેળવ્યાં હશે !

કવયિત્રી ફરો ફર્રોખઝાદ

એમની કવિતાના ગુજરાતી ભાવાનુવાદની વાત કરીએ એ પહેલાં વાત કરવી પડશે મહાન ઈરાનિયન ફિલ્મકાર અબ્બાસ કિઆરોસ્તામી અને એમની ૧૯૯૯ માં આવેલી ફિલ્મની, જેનું શીર્ષક એમણે ફરો ફર્રોખઝાદની ઉપરોક્ત કવિતા પરથી રાખેલું  ‘ THE WIND WILL CARRY US ‘ . આટલું જ નહીં, એ કવિતાનું પઠન પણ ફિલ્મના હાર્દ સમાન એક દ્રષ્યમાં આવે છે.

ઈરાનિયન ફિલ્મકાર અબ્બાસ કિઆરોસ્તામી

કિઆરોસ્તામી પણ ૨૦૧૬ માં ૭૬ વર્ષની વયે અવસાન પામ્યા અને પાછળ મૂકી ગયા ‘ THE WIND ..’ સહિત અનેક ફિલ્મોની અણમોલ ધરોહર. આપણા સત્યજીત રાયની જેમ એ પણ એક બહુમુખી પ્રતિભા હતા. ફિલ્મકાર ઉપરાંત કવિ, કેમેરામેન અને ઉચ્ચસ્તરીય પટકથાકાર. ઘણા નિષ્ણાંતો એમને રાયના સાચા ઉત્તરાધિકારી માને છે. ચાલીસથી વધુ ફિલ્મોના સર્જન સાથે સંકળાયેલા કિઆરોસ્તામીની  ધ રિપોર્ટ, લાઈફ એંડ નથીંગ મોર, થ્રૂ ધ ઓલીવ ટ્રીઝ, ક્લોઝ અપ, વ્હેર ઈઝ ધ ફ્રેંડ્સ હોમ, ટેસ્ટ ઓફ ચેરી અને આ  ‘ ધ વિંડ ..ફિલ્મો જોવી એ એક ફિલ્મ રસિક માટે અનોખો લહાવો છે.

ધ વિંડ વિલ કેરી અસ ફિલ્મ કિઆરોસ્તામીએ પોતે લખેલી અને નિર્માણ કરેલી. ચાર પત્રકારોનું એક જૂથ તહેરાનથી નીકળે છે દૂર-સુદૂરના એક કૂર્દ ગામડામાં જવા. એમનું કામ છે એ વિસ્તારમાં મૃત્યુ વખતે કરવામાં આવતી અનોખી વિધિઓ વિષે માહિતી મેળવી એનો રિપોર્ટ આપવો. એમના આ કામને સહેલું બનાવવા ગામમાં એક વૃદ્ધા મરણપથારીએ છે જે ‘ આજ જાય કે કાલે જાય એવું છે. ચારે પત્રકારો એના મરણની રાહ જોતાં એક ખોરડું ભાડે રાખીને ગામમાં રહે છે. દિવસો વીતવા છતાં પેલી બુઢ્ઢી મરતી નથી એટલે ચારમાંથી ત્રણ કંટાળીને તહેરાન પાછા ફરે છે પણ નાયક બેહઝાદ ટકી રહે છે.

કોઈકના મૃત્યુની પ્રતીક્ષામાં ને પ્રતિક્ષામાં એ ત્યાંના જીવનને નિકટથી જૂએ છે, અનૂભવે છે. એ જોયા પછી એને કદાચ એમ લાગે છે કે મૃત્યુ જીવનનો જ હિસ્સો છે, અલગ નથી. એ નક્કી કરે છે કે હવે પાછા ફરવું જોઈએ. ગામ છોડવા જાય છે ત્યાં પેલી વૃદ્ધાના મૃત્યુના સમાચાર આવે છે. પણ હવે એ વિધિ – વિધાન જાણવાની એને જરૂર લાગતી નથી. જેણે જીવનને જોયું- નીરખ્યું છે એણે એ પણ અનુભવ્યું છે કે આ બધું એક દિવસ વિરમશે અને એ વિરામમાં જ જીવનની સાર્થકતા છે. ‘ મીર ‘ કહે છે :

મર્ગ એક માંદગી કા વક્ફા હૈ
યાની આગે ચલેંગે દમ લે કર

(મૃત્યુ થાકી ગયા પછીનો વિરામ માત્ર છે. પોરો ખાઈને પછી ફરી આગળ વધીશું.)

છેવટે તો પવન આપણી રાખને ઉસેડી જશે.  ‘ THE WIND WILL CARRY US ‘

અંતે ફરો ફર્રોખઝાદની કવિતા. ફિલ્મ મધ્યે એક દ્રષ્યમાં નાયકને દૂધની જરૂર પડે છે. કોઈક એને કહે છે કે થોડેક દૂરના એક ઘરમાં દૂઝણું છે. ત્યાં એ ખાલી ઠામ લઈને પહોંચે છે તો ઘરની માલિકણ એને ઘરની અંદર ભોંયરા જેવી અંધારી જગ્યાએ તાજું દોહેલું દૂધ લેવા મોકલે છે. ત્યાં એક કન્યા પડદા પાછળથી એની સાથે ખચકાતાં – ખચકાતાં વાત કરે છે. નાયકને આશ્ચર્ય છે કે એ ગામડિયણ હોવા છતાં ગમાર નથી.  એ છોકરી દૂધ દોહીને એને આપે એ સમય દરમિયાન નાયક એને ફરો ફર્રોખઝાદની આ કવિતા સંભળાવે છે :[1]

પવન લઈ જશે આપણને

———————–

અફસોસ ! કે મારી ટચૂકડી રાત્રિમાં
પવન – પાંદડાઓનું મિલન હવે હાથવેંતમાં છે
મારી સંક્ષિપ્ત રાત્રિ છે 
વિનાશકારી પીડાથી તપ્ત.

સાંભળો !
સંભળાય છે તમને પડછાયાઓનો ગણગણાટ ?
આ સુખ મારા માટે અજાણ્યું છે
હું તો હતાશાથી ટેવાયેલી

સાંભળો !
સંભળાય છે તમને છાયાઓની ગુસપુસ ?
પણે રાત્રિ મધ્યે 
કશુંક બની રહ્યું છે
ચંદ્રમા લાલચોળ અને ચિંતાતુર છે
ગમે તે ક્ષણે તૂટી પડવાની સંભાવનાઓ ધરાવતા
આ છાપરાને વળગેલો.
વાદળો
વિલાપ કરતી સ્ત્રીઓના ટોળાંની જેમ
વર્ષાના જન્મને ઝંખે છે
એક ક્ષણ અને પછી કશું જ નહીં.

આ બારીની પાછળ 
રાત્રિ થરથરે છે
અને પૃથ્વી ઘૂમરાતી અટકે છે
આ બારીની પાછળ
કોઈ આગંતુક તારી અને મારી ચિંતા કરે છે
તૂં તારી લીલપમાં 
પેલી સળગતી સ્મૃતિઓ જેવા તારા હાથ
મારા પ્રેમ – તપ્ત હાથો ઉપર મૂકે છે
અને જીવનથી ધબકતા તારા ઉષ્ણ અધરને
મૂકે છે મારા સ્નિગ્ધ હોઠો પર

પવન લઈ જશે આપણને
આપણને પવન જ લઈ જશે …

ફારસીમાંથી અંગ્રેજીમાં કરાયેલા અનુવાદનો ગુજરાતી ભાવાનુવાદ – ભગવાન થાવરાણી

અબ્બાસ કિઆરોસ્તામીની ફિલ્મો અને ફરો ફર્રોખઝાદની અન્ય કવિતાઓ અને જીવન વિષે ક્યારેક વિગતે વાત કરીશું.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.


[1]

Author: Web Gurjari

8 thoughts on “ફિલ્મ અને કવિતા : ધ વિંડ વિલ કેરી અસ

 1. અદભુત્તમ વાત છે..
  અને આ વાતો ને ભાવક સુધી સુપેરે પહોંચતું કરનાર અનુવાદક નો કેટલો મોટો ફાળો છે???
  ધન્યવાદ.. સર…..
  આવું ઉત્તમ જ પીરાસાતું સાહિત્ય ખુદ પણ આપનું આભારી છે… અમો તો છીએ જ..
  પવન જ લઇ જશે આપણને માં “””જ “””” શબ્દ ખૂબ મહત્વનો છે..

  1. હાર્દિક આભાર બહેન !
   हा, પંક્તિ દોહરાવાય છે ત્યારે ‘ જ ‘ અસર નિપજાવવા ઇરાદાપૂર્વક મૂક્યો છે.
   ઝીણવટપૂર્વક વાંચ્યું એ બદલ આભાર!

 2. અંત
  છેવટે પવન જ panchatva મા મેળવી દેશે
  કેવી સરસ સરલ ભાષા
  અદભુત

  1. ખૂબ ખૂબ આભાર શાહ સાહેબ!
   માનવ માત્રની એ જ नियति છે.

 3. સહુથી પહેલાં આપના સાહિત્ય, કવિતા કવિતા અને ફિલ્મ બાબત નાં ઊંચા ટેસ્ટ બાબત દાદ આપું છું.  સત્યજિત રે ની જેમ અબ્બાસ કિઆરોસ્તામી પણ એક અવલ્લ દરજ્જાના ફોટોગ્રાફર છે. સત્યજિત રે એ એક બહુ સુંદર અપુ ટ્રાયોલોજી બનાવી. તેમ આમણે “કૉકર ટ્રાયોલોજી” –  Where Is the Friend’s Home?, Life, and Nothing More., અને  Through the Olive Trees  એમ સિરીઝ બનાવી. ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરી જોવા માટે ગોતવી પડે. આપના હવે પછીનું લખાણ ની રાહમાં .આભાર  * નીતિન વ્યાસ  

  1. આભાર નિતીનભાઈ!
   કોકર ટ્રાઈલોજીની ત્રણેય ફિલ્મો એક એકથી ચઢિયાતી છે. મેં એ જોઈ છે અને ભરપૂર માણી છે.
   आर्टिकल માં ઉલ્લેખયા એ સર્જકોની ફિલ્મો પણ ઉત્તમ છે.
   ફરી આભાર!

Leave a Reply

Your email address will not be published.