શહેરોના ઉકરડા બન્યા કચરાના પહાડ !

નિસબત

ચંદુ મહેરિયા

દિલ્હીનું ગાજીપુર, મુંબઈનું મુલુંડ, ભોપાલનું ભાનપુરા અને અમદાવાદના પિરાણા વચ્ચે શું સામ્ય છે ?  આ બધા એ સ્થળો છે જ્યાં આ શહેરોનોં કચરો ઠલવાય છે.સુધરેલી ભાષામાં લેન્ડ ફિલ એરિયા કે ડમ્પિંગ સાઈટ કહેવાતા આ સ્થાનો વાસ્તવમાં તો મહાનગરોના ઉકરડા છે. જે હવે કચરાના પહાડ બની ગયા છે. આરોગ્ય અને પર્યાવરણને નુકસાનકારક એવા આ કચરાના પહાડ તેની ક્ષમતા અને આવરદા વટાવી ચૂક્યા છે એટલે શહેરોને નવા ઉકરડા માટેના સ્થળોની તલાશ છે. ચેન્નઈમાં ૪૬૫, મુંબઈમાં ૧૪૦, હૈદરાબાદમાં ૧૨૧.૫, અમદાવાદમાં ૮૫ અને દિલ્હીમાં ૬૬.૪ હેકટર જમીન શહેરોનો કચરો ઠાલવવા માટે મુકરર થયેલી છે. પરંતુ તે અપૂરતી છે. શહેરોમાં જમીનની અછત છે પણ દેશમાં કચરાની એટલી બધી છત છે કે મહાનગરોના કચરાને એકત્ર કરી એક સ્થળે રાખવા હૈદરાબાદ, ચેન્નઈ અને મુંબઈના ક્ષેત્રફળ જેટલી જમીનની જરૂર છે.!

કચરો પ્રક્રુતિ સર્જક નથી પણ માનવસર્જિત છે. કુદરતનું ખાધ્ય ચક્ર કચરો પેદા જ ન થાય એ રીતે ગોઠવાયેલું છે .પણ માનવી તો જાતભાતનો કચરો ઉત્પન્ન કરે છે. સૂકો કચરો અને ભીનો કચરો, મિશ્ર કચરો અને જોખમી કચરો, ઘરનો કચરો અને બજારનો કચરો, ઈલેકટ્રોનિક વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ, ઈન્ડ્રસ્ટ્રીયલ વેસ્ટ અને બાયો મેડિકલ વેસ્ટ. એમ વિવિધ જાતના કચરા માનવજાત પેદા કરતી રહે છે. કચરાની ડોલ ઘરના અંધારા ખૂણામાં મૂકી રાખીએ કે ઘરની બહાર ડસ્ટબિનને સંતાડી રાખીએ તેથી શું ? કચરાને માનવી આંખોથી ઓઝલ રાખવા મથે છે પણ તે તેની જિંદગીની નજીક આવીને ઉભો રહી જાય છે. કહો કે હવે તો તે જિંદગીનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે.

દેશમાં કેટલો કચરો પેદા થાય છે, કેટલો એકત્ર થાય છે અને કેટલાનો નિકાલ થાય છે તેના કોઈ વિશ્વસનીય આંકડા મળતા નથી. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો કચરા સંબંધી છેલ્લો અહેવાલ ૨૦૦૪-૦૫ નો છે.એક અંદાજ મુજબ ભારતમાં રોજનો ૩.૨ લાખ ટન કુલ કચરો પેદા થાય છે તેમાં ૧.૪૩ લાખ ટન ઘન કચરો છે. રોજ ૨૫,૯૪૦ ટન તો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. દેશમાં દર વરસે  બધા જ પ્રકારનો વ્યક્તિદીઠ ૨૦૫ કિલો અને કુલ ૨૭૭ અબજ કિલો કચરો નીકળે છે તેમાંથી ૬૦ ટકા જ એકત્ર કરવામાં આવે છે અને ૧૫ ટકા જ છૂટો પાડવામાં આવે છે.

સ્વચ્છ ભારત અભિયાન અને શહેરોના સ્વચ્છતા રેન્કિંગમાં કચરો એકત્ર કરવા પર જેટલો ભાર મૂકાય છે તેટલો તેને યોગ્ય પધ્ધતિથી છૂટો પાડીને નિકાલ કરવા પર મૂકાતો નથી. છેલ્લા કેટલાક વરસોથી શહેરોના સ્વચ્છતા રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવતા મધ્યપ્રદેશના ઈન્દોર શહેર પાસે કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી.આ જ હાલત સ્વચ્છતા ક્રમના પહેલા પચાસ શહેરોની છે. કેરળનું તિરુઅનંતપુરમ કચરાના નિકાલમાં અવ્વલ છે પણ સ્વચ્છતા રેન્કિંગમાં તેનું નામોનિશાન નથી !

કચરાને એકઠો કરવાની કામગીરી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓએ ખાનગી કંપનીઓના હવાલે કરી દીધી છે. તેના કારણે કચરાની ગાડીઓના ફેરા અને કેટલા ટન કચરો ઉપાડ્યો તે મહત્વનું  બની ગયું છે. પરંતુ તે કચરાના નિકાલ વિશે તંત્ર ગંભીર નથી.છેલ્લા ચાળીસ વરસોથી અમદાવાદનો કચરો પિરાણામાં ઠલવાય છે. પિરાણામાં ૫૦ થી ૭૫ ફુટ ઉંચા કચરાના ત્રણ પહાડ સર્જાયા છે. સળગતા જ્વાળામુખી સમા આ કચરાના  પહાડમાં સતત આગ લાગ્યા કરે છે. તે અવારનવાર ધસી પડે છે. બે વરસ પૂર્વે  પિરાણાનો કચરાનો પહાડ ધસી પડતાં ત્યાં કચરો વીણતી બાર વરસની બાળા નેહા વસાવા દટાઈ ગઈ હતી. ભારે શોધખોળ પછી અઠવાડિયે તેનો મ્રુતદેહ મળ્યો હતો. દિલ્હીની ગાજીપુર અને મુંબઈની મુલુંડ ડમ્પિંગ સાઈટમાં પણ લોકો દટાયાની ઘટનાઓ બની છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આકરા ચુકાદા અને મોટા દંડ પછી અમદાવાદ મહાનગરપાલિકાએ પિરાણાના કચરાના નિકાલના પ્રયાસો શરૂ કર્યા છે. જોકે દોઢ વરસમાં તે માત્ર ૨૪ ટકાનો જ નિકાલ કરી શકી છે.

આજુબાજુની માનવ વસ્તી માટે આ કચરાના પહાડ બહુ જોખમી છે. તે પર્યાવરણને માટે પણ હાનિકારક છે. ડમ્પિંગ સાઈટ અને લેન્ડફિલ એરિયાના ભૂગર્ભજળ ઉપરાંત નજીકના નદી-તળાવના પાણી  પ્રદૂષિત થાય છે.કચરો હજારો જાતની બીમારીઓ ફેલાવે છે. મેલેરિયા, કોલેરા, ચામડીના અને પેટના રોગો, શ્વાસમાં તકલીફ, ચેપી રોગો કચરાને લીધે થાય છે.  ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટની અસર એટલી ખતરનાક હોય છે કે તેને કારણે કેન્સર અને જન્મજાત વિક્રુતિઓ થઈ શકે છે પુરાણના બહાને કચરો ગમે ત્યાં ફેંકી દેવાય છે કે બાળી નાંખવામાં આવે છે, નદીઓમાં વહાવી દેવાય છે  તે પણ ઘણું નુકસાન કરે છે. નાની નદીઓ, તળાવો અને નાળા કે એવા બીજા સ્થળોએ કચરો ઠાલવીને તે પૂરી દેવાતા ચોમાસામાં વરસાદનું પાણી અવરોધાય છે. મહાનગરોના રસ્તાઓ પર ચોમાસામાં  ભરાતા પાણીના કારણોમાં ગટરોનો કચરો સાફ ન કરવા ઉપરાંત શહેરોના કચરાનો ઉતાવળે અને અયોગ્ય રીતે કરેલો નિકાલ પણ છે.

અમીર દેશો તેમનો ઈલેકટ્રોનિક વેસ્ટ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના ગરીબ દેશોમાં નાંખી આવે છે. તે જ પ્રમાણે મહાનગરોની નવી ડમ્પિંગ સાઈટ માટે ગરીબોના વસવાટ નજીકની  જગ્યાઓ પસંદ કરાય છે  આપણી દયાળુ લોકશાહી સરકારો ગરીબોનું પુનર્વસન પણ આવી જગ્યાઓએ જ  કરે છે. મધ્યપ્રદેશના ગરીબ વણઝારા આદિવાસીઓને ૧૯૯૫માં તત્કાલીન મુખ્યમંત્રી અર્જુન સિંઘે  ભોપાલ નજીકની પડતર જમીનમાં વસાવ્યા હતા. મુખ્યમંત્રીના નામ પરથી  આ વસાહતનું ‘અર્જુનનગર’ નામકરણ કરવામાં આવ્યું હતું. હવે આ અર્જુનનગર ભોપાલની નવી ડમ્પિંગસાઈટ બન્યું છે.! ૨૦૦૨ના અમદાવાદના નરોડા પાટિયા કાંડના વિસ્થાપિતોનું નવું સરનામું અમદાવાદની પિરાણા ડમ્પિંગ સાઈટ છે.! સરકારો કેટલી બિનસંવેદનશીલ છે અને ગરીબોનું જીવન તેને મન કેટલું સસ્તું અને કચરાથી ય તુચ્છ  છે તેનો આ પુરાવો છે.

બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન થાય તો કેવી  મુશ્કેલીઓ સર્જાય છે તેનો ખ્યાલ વર્તમાન મહામારીમાં આવ્યો છે પણ દેશમાં મેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા નથી અને જ્યાં છે ત્યાં તેનો અમલ થતો નથી.કચરો વિણનારા, તેને છૂટો પાડી વેચનારા ગરીબો માટે તે જોખમી છતાં મજબૂરીવશનું, નાનકડી કમાણીનું સાધન હતું. હવે આ કામ ખાનગી કંપનીઓ કરે છે. કચરાને ગંદકી ગણી છેટા રહેવાને બદલે રિસાઈકલ કરવાનું સૂઝે તો તે કાચું સોનું પણ બની શકે છે.એ સત્તાનશીનોને ક્યારે સમજાશે ?


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.