ટર્મ્સ એંડ કંડિશન્સ

– આશા વીરેન્દ્ર

‘કેટલો સમય થયો લગ્નને? ’લેડી ડૉક્ટરે સુષમાને તપાસતાં તપાસતાં પૂછ્યું.

‘આઠ મહિના.’

‘યુ આર વેરી લકી. આ ઉંમરે  લગ્ન પછી આટલી જલ્દી પ્રેગનંસી મોટે ભાગે રહેતી નથી. કોંગ્રેચ્યુલેશંસ પણ હવે તમારે તમારી પોતાની અને આવનારા બાળકની બરાબર કાળજી લેવી પડશે હં!’

એટલે? એટલે શું હું મા બનવાની છું? સુષમાનું હ્રદય ખુશીથી ઉછળી રહ્યું. ડૉક્ટરે જ્યારે આ સમાચાર બહાર એમની કેબીનમાં બેઠેલા સુશાંતને આપ્યા ત્યારે એનો ચહેરો કાળો ધબ્બ પડી ગયો.

‘ઓહ! સુષમા પ્રેગ્નંટ છે? પણ ડૉક્ટર, આટલી ઉંમરે પ્રેગ્નંસી રહે તો બહુ જોખમ કહેવાય એવું મેં સાંભળ્યું છે એ સાચું?’

‘એ બધી ચિંતા મારી પર છોડી દો અને તમે ફક્ત તમારી પત્નીનું ધ્યાન રાખો.’

સુષમાના પિતા એ દસમાં ધોરણમાં હતી ત્યારે ગુજરી ગયેલા. નાનો ભાઈ મયંક સાતમામાં ભણતો અને મા હંમેશા સાજી-માંદી રહેતી. આ સંજોગોમાં એણે નક્કી કરેલું કે જ્યાં સુધી મયંક પોતાની જિંદગીમાં ઠરીઠામ નહીં થાય ત્યાં સુધી પોતે લગ્ન નહીં કરે. ટ્યુશનો  કરીને, સ્કૉરલરશિપ મેળવીને પોતે ડબલ ગ્રેજ્યુએટ થઈ અને કૉલેજમાં પ્રોફેસર બની. મયંક

સિવિલ એંજિનિયર થયો, શિવાની સાથે એના લગ્ન થયા. આ બધા વર્ષો દરમ્યાન ચૂપ રહેલી મા હવે ઉતાવળી થઈ હતી,

‘હવે શેની રાહ જોવાની છે બેટા? આ ઘર માટે તેં ઘણું કર્યું. હવે તારી જિંદગી માટે પણ વિચાર.’

કૉલેજના સ્ટાફરૂમમાં સખીઓ પણ આ જ વાત કરતી.

‘જો સુષમા,મા અને ભાઈ માટે તેં ઘણો ભોગ આપ્યો પણ હવે તારે જલ્દી નિર્ણય કરવો જોઈએ. અમારાં છોકરાઓ મોટાં થઈ ગયાં ને તું હજી કુંવારી બેઠી છે. આવું ન ચાલે.’

સુષમા પણ હવે ગંભીરતાપૂર્વક પોતાનાં ભવિષ્ય અંગે વિચારતી થઈ હતી અને એટલે જ જ્યારે બે દીકરીઓના પિતા એવા સુશાંતની વાત આવી ત્યારે એણે સ્વીકારી લીધી. અવઢવ ઘણી હતી, આ સંબંધ માટે બાંધ-છોડ પણ ઘણી કરવી પડે એમ હતું પણ હવે આ ઉંમરે બધું જોઈતું, ફાવતું અને ગમતું નથી જ મળવાનું એમ સમજીને એણે સમાધાન કરી લીધેલું. વીતેલા દિવસોમાં ડૂબકી લગાવીને સુષમા પાછી વર્તમાનમાં આવી.

ચૂપચાપ ગાડી ચલાવી રહેલા સુશાંત તરફ એણે એક નજર નાખી. પંદર જ મિનિટ પહેલાં ડૉક્ટરે જે વધામણી આપી હતી એનો કોઈ અણસાર એના ચહેરા પર દેખાતો નહોતો.સુષમાએ કહ્યું, ‘મને  કૉલેજ પર જ ઉતારી દેજો. હવે ઘરે જવા જઈશ તો કૉલેજનું મોડું  થઈ જશે.’

‘સારું, પણ સાંજે સીધી ઘરે આવી જજે. હું પણ ઑફિસેથી વહેલો આવી જઈશ. થોડી જરૂરી વાત કરવાની છે.’

સુશાંતની ‘જરૂરી વાત’ શું હશે એની અટકળ કરવામાં કૉલેજમાં સુષમાનો આખો દિવસ બેચેનીભર્યો વીત્યો. મનમાં ઉચાટ સાથે ઘરમાં પ્રવેશી ત્યારે એણે જોયું કે સુશાંત એની પહેલાં આવી ગયો હતો.

‘જો સુષમા, જે થઈ ગયું તે થઈ ગયું પણ વધુ મોડું થાય એ પહેલાં તું કાલે જ ડૉક્ટરને મળીને પૂછી જો કે હવે આ બાળક ..એટલે કે આ પરિસ્થિતિનો નિકાલ ..લાવી શકાય કે…’

બળબળતા અંગારા પર પગ પડી ગયો હોય એમ સુષમા પગ પછાડતી, ઝાટકા સાથે ઊભી થઈ ગઈ, ‘હું પૂછી શકું કે મારા માતૃત્વ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર તમને કોણે આપ્યો?’

સુષમાના ફૂંફાડાથી ઓઝપાઈ ગયેલો સુશાંત એની સાથે નજર ન મેળવી શક્યો.સુષમા વધારે ઉશ્કેરાઈને બોલી,’આ સમાચાર સાંભળીને તમે ખુશીથી નાચી ઊઠશો એવી કલ્પના કરવાની મુર્ખાઈ તો મેં કરી જ નહોતી પણ તમે આટલી નીચી કક્ષાએ જઈ શકો એવું પણ નહોતું વિચાર્યું. તમને આ સુવિચાર આવવા પાછળનું કારણ જણાવશો?’

‘તારે જાણવું જ હોય તો કારણો તો ઘણા છે. એક તો આટલી મોટી ઉંમરે પ્રેગનંસી રહેવાથી તારે માટે જીવનું જોખમ રહેશે. બીજું, સગા-સંબંધી, સમાજ- સૌ કોઈ આપણી મજાક ઉડાવશે.આ ઉપરાંત સૌમ્યા અને રિયા બંને સમજણી થઈ ગઈ છે. હોસ્ટેલમાંથી આવશે અને જ્યારે આ વાત જાણશે ત્યારે એ બેઉને કેટલું વિચિત્ર લાગશે?’

‘મારી સાથે લગ્ન કરતી વખતે તમને આ બધામાંથી કોઈ કારણનો વિચાર નહોતો આવ્યો? હું પણ મુરખી, તે એ સમજવામાં મોડી પડી કે, તમે ફક્ત અને ફક્ત તમારી અને તમારી દીકરીઓની સગવડ અને સલામતી માટે જ મને આ ઘરમાં લઈ આવ્યા છો.’

‘ના ના, એમ નહીં પણ તું જ વિચાર કે,આ ઉંમરે થયેલું સંતાન શું કામ લાગવાનું? એ કંઈ થોડું જ ઘડપણમાં આપણી ટેકણ લાકડી બનવાનું છે?

‘ઓહ! મા બનવાના ઉત્સાહમાં મને આવા નફા-તોટાના હિસાબ માંડવાનું તો સૂઝ્યું જ નહીં પણ હવે જ્યારે તમે પૂછો છો ત્યારે કહી દઉં કે મને જોઈએ છે માત્ર માતૃત્વ પ્રાપ્ત કરવાનો લ્હાવો.તમારા થકી એ સુખ મને મળશે એ બદલ હું તમારી આભારી છું પણ આવનારું બાળક તમારી મિલ્કતમાં ભાગ પડાવશે,તમને સમાજમાં હાસ્યાસ્પદ બનાવશે, તમારી દીકરીઓની નજરમાં તમને હલકા પાડશે એવી બધી બીક મનમાંથી કાઢી નાખજો. હું એકલે હાથે મારા બાળકને ઉછેરીશ- તમારી પાસેથી કોઈ અપેક્ષા વગર, સમજ્યા મિ. સુશાંત?’

‘અરે એવું કંઈ નથી.હું તો એમ કહેતો હતો કે…’

‘આટલા વખતમાં તમે ઘણું કહી દીધું.આજે મારું કહેવું સાંભળો.હવે ભવિષ્યમાં કદાચ ત્રીજા લગ્ન કરો તો આવનારીને તમારા ‘ટર્મ્સ એંડ કંડીશંસ’ પહેલેથી જ સમજાવી દેજો .ચાલો, મારી વાત પૂરી થઈ..હવે તમે જે કોઈ નિર્ણય કરો એ નિરાંતે જણાવજો.’

‘પણ જરા બેસ તો ખરી! શાંતિથી વાત કરીએ.આ આપણા જીવનની ખૂબ મહત્વની વાત છે.’

‘મારે હવે કશું કહેવા કે સાંભળવાનું બાકી રહેતું નથી ને આમ પણ હું બહુ થાકી ગઈ છું.મારે સૂવા જવું છે. ગુડ નાઈટ.’

બેડરૂમ ભણી જતી સુષમાનાં મક્કમ પગલાંને સુશાંત જોઈ જ રહ્યો.


(માલતી જોશીની મરાઠી વાર્તાને આધારે)


સુશ્રી આશા વીરેન્દ્રનો સંપર્ક  avs_50@yahoo.com   વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.