ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો [૨]

મૌલિકા દેરાસરી

કિશોરકુમાર અને શંકર જયકિશનના ગીતસંગીતની સફર કરી રહ્યાં છીએ આપણે.

આપણે પ્રથમ સફરમાં  એવી ફિલ્મો વિષે વાત કરી રહ્યાં છીએ, જેમાં કિશોરકુમાર મુખ્ય ગાયકની સાથે સાથે મુખ્ય અભિનેતા પણ હતા. આવી પાંચ ફિલ્મોમાંની ત્રણ ફિલ્મોના આપણે પ્રથમ ભાગમાં અંતિમ વાત આપણે ફિલ્મ ‘શરારત’ વિષે કરી. બાકીની બે ફિલ્મો સાથે અહીંથી આગળ વધીએ અને વાત કરીએ ૧૯૬૧ની ફિલ્મ ‘કરોડપતિ’ની. શંકર જયકિશનના કર્ણપ્રિય સંગીત નિર્દેશનમાં આ ફિલ્મના ગીતકારો હતા શૈલેન્દ્ર અને હસરત જયપુરી. ફિલ્મના મુખ્ય કલાકારોમાં કિશોરદાની સાથે હતાં – કુમકુમ, શશીકલા અને કે. એન.સિંગ જેવા કલાકારો.

તો દેખને વાલો, થામ લો દિલ કો અપના.. તમાશા શુરુ હો ગયા!

જી હાં… ફિલ્મના આ પ્રથમ ગીત વિશે વાત કરીએ, જે ગાયું હતું કિશોરકુમારે.

કિશોરકુમાર અને લતા મંગેશકરના અવાજમાં –

ઓ લડકે, બઢતે બઢતે તું તો યહાં આ ગયા.

આ ગીત રંગીન પ્રિન્ટમાં છે, જે જોવું ગમે એમ છે. સાથે સાથે આમાં કિશોરદાએ પોતાના આગવા અંદાજમાં ઉમેરેલા રમૂજી શબ્દો હસાવશે પણ ખરા!

કિશોરદા અને ગીતા દત્તના યુગલ સ્વરોમાં એક અલભ્ય ગીત –

કાબુલ કી મૈં નાર.

આ ગીતનું ફિલ્માંકન કેવું થયું છે એ જોવા મળતું નથી, નહિંતર આજકાલ ચર્ચામાં રહેલું કાબુલ કદાચ જોવા મળી પણ શકત !

હવેનું ગીત મુહમ્મદ રફી અને કિશોરકુમારે સાથે ગાયેલાં ચંદ ગીતોમાંનું એક છે. આ હાસ્યગીત સાંભળવાની સાથે જોવાની પણ મજા આવે છે.

રફીજીએ આ ગીતમાં એ સમયના જાણીતા કોમેડીયન રાધાકિશન માટે સ્વર આપ્યો હોય  એમ જણાય છે.. ગીતમાં ૧.૦૬ પર, ૧.૧૩ પર ૨.૦૨ પર, ૨.૫૪ પર રાધાકિશનના જ અવાજને સાંભળી પણ શકાય છે. જોકે અન્ય કેટલાક સંદર્ભોમાં મોહમ્મદ રફીનો સ્વર અનુપ કુમાર માટે પણ વપરાયો હોવાનું જણાવાય છે. જોકે આ ગીતની ફ્રેમ્સમાં અનુપ કુમાર સ્પષ્ટપણે જોવા નથી મળતા.

ઓ મેરી મેના, અરે સુન મેરા કહના…

કિશોરકુમારને અન્ય ગાયકોએ આપેલાં અવાજમાં રફી સાહેબના કેટલાંક ગીતો તો આપણે જાણ્યાં. આવું એક ગીત આ ફિલ્મનું પણ છે, જેમાં કિશોરદાને અવાજ આપ્યો છે મન્નાડેએ.

પહલે મુર્ગી હુઈ થી યા અંડા, જરા સોચ કે બતાના!

આમ તો આ ગીત બિલકુલ કિશોરદાના મિજાજનું છે, પણ મન્નાડે પાસે કેમ ગવડાવ્યું હશે એનો મને જવાબ નથી મળ્યો!

ખેર… કેટલાંક સવાલોના જવાબ મળે કે ના મળે પણ એમાંથી મળતો આનંદ લેવાનું કેમ ચૂકાય!

સફરમાં હવેનો મુકામ કરીએ વર્ષ ૧૯૬૨માં. આ વર્ષે આવી કિશોરકુમાર અને વૈજયંતિ માલા અભિનીત ફિલ્મ- રંગોલી.

આ ફિલ્મમાં શંકર જયકિશને પીરસેલા સ્મરણીય સંગીત નિર્દેશનમાં ફરી એકવાર આપણને શૈલેન્દ્ર અને હસરત જયપુરીના ગીતો સાંભળવા મળ્યા.

સંગીતની સફરમાં હંમેશા જિંદગીની યાદ અપાવતું હલકા-ફૂલકા અંદાજમાં ગવાયેલું એક અવિસ્મરણીય ગીત –

છોટી સી યે દુનિયા, પહેચાને રાસ્તે હૈ.. કભી તો મિલેંગે.. કહીં તો મિલેંગે.. તો પૂછેંગે હાલ.

કિશોરકુમારના અવાજમાં રંગોલી સજાઓ રે..

યાને કે

તેરી પાયલ મેરે ગીત, આજ બનેંગે દોનો મીત..

વૈજયંતિ માલાનું મનમોહક નૃત્ય જોવા મળે છે આ ગીતમાં.

લતા મંગેશકરે હવેના આ ગીતમાં કિશોરદાના સૂરમાં પુરાવ્યો છે સૂર.

એક નઝર કિસીને દેખા તો દિલ હુઆ દિવાના..

આ ગીતમાં એક સારી નૃત્યકાર વૈજયંતિ માલાનું નૃત્ય જોવું તો ગમશે જ, પણ સાથે કિશોરકુમારે પોતાના અંદાજમાં એમના કદમ સાથે કદમ મિલાવ્યા છે, એ જોવાની મજા કંઇક અલગ જ છે!

આશિકાના અંદાજમાં કિશોરકુમારે ગાયેલું ગીત જે કિશોરદા અને વૈજયંતિ માલા પર ફિલ્માવાયું છે. આ ગીતમાં એક રીતે ખાસ છે. આમાં કિશોરકુમારનું આઇકોનિક વોઇસ મોડ્યુલેશન તો સાંભળવા મળશે જ, સાથે સાથે આ ઝડપી ગીતમાં શંકર જયકિશને જે અદ્ભૂત રીતે સમય સાચવીને  સંગીત આપ્યું છે એની નોંધ આપણાથી અનાયાસ લઈ લેવાય છે!

હમ બેચારે પ્યાર કે મારે, ઔર તુમ હો તો તુમ હો…

તો આજની સફર બસ અહીં સુધીની… હવેની સફરમાં આપણે શંકર જયકિશનના સંગીત નિર્દેશનમાં એવી ફિલ્મો વિષે જાણવાના છીએ, જેમાં કિશોરકુમાર મુખ્ય અભિનેતા તરીકે નથી. ગાયક તરીકે કિશોરકુમારે શંકર જયકિશનના સંગીત સાથે ગાયેલાં તમામ ગીતોની વાત તો કદાચ શક્ય ન બને પણ ઉત્તમ ગીતોને આપણે જરૂર યાદ કરીશું.

ત્યાં સુધી ગાતાં જઈએ –

આજ ચલે જાતે હો જૈસે, લૌટ કે ભી આઓગે… કભી તો મિલોગે તો પૂછેંગે હાલ…


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.