પ્રેમમાં પાગલ થવું કે પ્રેમની દીવાનગી એટલે…?

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

તેના જીવનમાં આવેલી એ પ્રથમ સ્ત્રી હતી જેના શારીરિક રંગરૂપ કે વ્યક્તિત્વની મોહકતાના વિદ્યુત તરંગોએ ”તેની લવ-એલર્ટ સિસ્ટીમ”ની સ્વિચ ઓન કરી હતી

ભવ્યાંગ મારો અંગતમિત્ર હતો. તે મારાથી કોલેજમાં ચાર વર્ષ જુનિયર હોવા છતાં અમે બન્ને સિનિયર-જુનિયરનો ભેદ રાખ્યા વગર સરખે સરખા બની મસ્તી કરતા. એ મને સહેલાઇથી તું તડાક કરી દેતો જે મેડિકલ કોલેજના વાતાવરણથી બિલકુલ વિરૂધ્ધનું હતું પણ અમારી દોસ્તી બધાથી સાવ અનોખી હતી.

એ સમયની વાત છે જ્યારે સાઇકીયાટ્રીમાં એમ.ડી. કર્યા પછી હું સિનીયર રજીસ્ટાર તરીકે સીવીલ હોસ્પિટલમાં કામ કરતો હતો જ્યારે ભવ્યાંગ એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષની થીયરીની પરીક્ષા આપી પ્રેક્ટિકલ્સની પરીક્ષા આપવા માટેની તૈયારી કરતો હતો.

એક રાત્રે સાડા અગીયાર વાગ્યે ભવ્યાંગ મારા ક્વાર્ટર્સ પર આવ્યો. મને થયું પ્રેક્ટિકલ પરીક્ષામાં વાઇવા (મૌખિક પરીક્ષા)માં બધું આવડશે કે નહીં એ પરિકલ્પનાથી તે ગભરાઇ ગયો હશે. અઘરા પરિક્ષક આવશે તો જીભ ચાલશે કે થોથવાશે એ પ્રકારની પરીક્ષાની ચિંતા અને ભયમાંથી મુક્ત થવા, થોડું આશ્વાસન અને હિંમત મેળવવા તે આટલો મોડો મારી પાસે આવ્યો હશે.

દરવાજો ખોલી મેં ભવ્યાંગને અંદર આવકાર્યો. મારા આશ્ચર્ય વચ્ચે ભવ્યાંગ તનાવપૂર્ણ નહોતો દેખાઇ રહ્યો. ઉલટાનો એ ખુશીથી છલકાઇ રહ્યો હતો.

ભવ્યાંગ સ્વભાવે શાંત અને સરળ છતાં સ્વભાવે ધીર-ગંભીર, શિસ્તનો આગ્રહી, સિધ્ધાંતવાદી, મૂલ્યો અને નીતિમત્તામાં માનનાર તથા બીજાઓની લાગણીનો ખ્યાલ રાખનાર સંવેદનશીલ યુવાન હતો. એ રાત્રે એ સાવ બદલાઇ ગયેલો અને કોઇ અનોખા મૂડમાં હોય તેવો તે લાગ્યો. હું છેલ્લા ચાર વર્ષથી તેને ઓળખતો હતો પણ આટલો રોમેન્ટિક તથા આનંદથી છલોછલ મેં ક્યારેય તેને ન હતો જોયો.

મેં પૂછ્યું ”શું વાત છે ભવ્યાંગ ?”

”વાત મહત્વની છે” ભવ્યાંગે જવાબ આપ્યો.

”તું પહેલો એવો વ્યક્તિ છે જેને હું આ વાત કરી રહ્યો છું.”

ભવ્યાંગે વધુમાં જણાવ્યું ”મને ખાત્રી છે કે તું મને બરાબર સમજે છે. તે મને આટલો ખુશ ક્યારેય નહીં જોયો હોય, તો સાંભળ મારી ખુશીનું કારણ છે… મેં આજે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે અને તે પણ મારૂં ફાઇનલ એમ.બી.બી.એસ.નું પરિણામ આવે અને પછી મારી ઇન્ટર્નશીપ શરૂ થાય એટલે તરત જ… આ ડીસેમ્બરમાં !”

”શું વાત કરે છે !?” મેં પૂછ્યું. ”પણ એ તો કહે તું ક્યારે પ્રેમમાં પડયો ? કોની સાથે પ્રેમમાં પડયો ?”

”દેવયાની સિસ્ટર સાથે.. છેલ્લા છ મહીનાથી…”

”પણ એમની ઉંમર તો… અને એમના વિશે…”

”હું જાણું છું એટલું બીજું કોઇ નથી જાણતું. તારી પાસે લોકોની મનઘડંત, વાહિયાત વાતોની જાણકારી હોય તો તું એક સત્ય સમજી લે કે એના જેટલી ભોળી, નિર્મળ, નિખાલસ, શાંત અને પ્રેમાળ વ્યક્તિ આ દુનિયામાં બીજા કોઇ હોઇ જ ન શકે” ભવ્યાંગ વાત કરતાં થોડો ઉત્તેજિત થઇ ગયો. પોતાની વાત આગળ વધારતાં તે બોલ્યો.

”બાય ધ વે.. તું કંઇપણ વિચારે એ પહેલાં જ હું તને જણાવી દઉં કે તેનાં લગ્ન સોળ વર્ષની ઉંમરે થયાં હતાં. તેની હાલમાં ઉંમર બત્રીસ વર્ષની છે અને તેની સૌથી મોટી પુત્રી ચૌદ વર્ષની છે. આજની તારીખમાં તે એટલી બ્યુટીફુલ લાગે છે કે એના સ્ટ્રકચર અને ફીચર્સ પાછળ એના યુનિટના વડાથી માંડી રેસીડેન્ટ ડૉક્ટર્સ સુધીના બધા પાગલ છે. દેવયાની કોઇને ભાવ આપતી નથી એટલે લોકો તેના વિશે ખોટી વાતો ઉડાડે છે.”

ભવ્યાંગે બચાવપક્ષના વકીલ જેવી દલીલો આક્રમક થઇને કરી. કારણ દેવયાની ભવ્યાંગને મળેલી એ પ્રથમ યુવતી હતી જેના શારીરિક રંગરૂપ કે વ્યક્તિત્વના વિદ્યુત તરંગોએ તેની ”લવ એલર્ટ સિસ્ટીમ”ની સ્વીચઓન કરી હતી. જેનાથી ભવ્યાંગની દિલની ઘંટડીઓ રણકવા લાગી હતી. ભવ્યાંગે દેવયાની સિસ્ટર સાથે ગાઢ પરિચય કેળવી લીધો હતો. બન્ને થોડા સમયમાં ઘનિષ્ઠ સંબંધો ધરાવતા થઇ ગયા હતા.

મેં વાત આગળ વધારવા તથા વાતાવરણ હળવું બનાવતાં પૂછ્યું.

”વાહ બહુ સરસ… તેં સમયસર યોગ્ય નિર્ણય લીધો પણ એની સાથે પ્રથમ મુલાકાત ક્યાં થઇ ? અત્યાર સુધી એકબીજાંની કેટલાં નજીક આવ્યા છો ? એકબીજાને કેટલાં ઓળખો છો ?”

ભવ્યાંગ પ્રોત્સાહિત થઇ બોલ્યો ”મારો પ્રેમ પ્રથમ દ્રષ્ટિનો અને પ્રથમ મુલાકાતનો પ્રેમ છે. મને લાગે છે કે દેવયાનીને આ ધરતી પર મારે માટે જ મોકલવામાં આવી છે. પહેલી મુલાકાતમાં જ અમને બન્નેને એકબીજા પર દ્રઢ વિશ્વાસ થઇ ગયો હતો કે ઉપરવાળાએ અમને એકબીજા માટે જ સર્જ્યાં છે.”

પ્રથમ મુલાકાત પછી અમે બન્ને એકબીજાની પાછળ પાગલ થઇ ગયાં. ત્રેવીસ વર્ષની ઉંમરે હું એવું અનુભવું એ સ્વાભાવિક છે. પણ બત્રીસ વર્ષની ઉંમરે ત્રણ પુત્રીની માતા હોવા છતાં દેવયાની પણ એવું જ અનુભવતી હતી.

પ્રથમ મુલાકાત પછી અમે રોજ રાત્રે ઉંઘવા માટે પથારીમાં આડા પડીએ ત્યારે એકબીજાને યાદ કરી પડખાં બદલતાં હતાં. રોજ સવારે ઉઠતાંવેંત અમને પહેલો વિચાર એકબીજાનો જ આવતો હતો. એકબીજા સાથે સમય વીતાવવો અમને સ્વર્ગમાં સફર કરવા જેવો  આહલાદક  અને આનંદદાયક  લાગતો હતો.

આજે અમારા દિલ એક સાથે ધબકે છે. અમે એકબીજાનો હાથ પકડીએ છીએ ત્યારે એવું લાગે છે કે અમારૂં લોહી એક સાથે વહી રહ્યું છે. અમે જેટલો સમય સાથે રહીએ એટલીવાર ચુંબનો જ કરતાં રહીએ છીએ.

દેવયાનીના આ ચુંબનોએ જ મને ફાઇનલ એમ.બી.બી.એસ.ના છેલ્લા મહીનાઓમાં મને અજબની શક્તિ અને આત્મવિશ્વાસ આપ્યાં છે.

તને યાદ હોય તો આ પહેલાં હું પરીક્ષા વખતે તારી પાસે દોડી આવતો પણ આ વખતે મારી દેવયાની જ મને બધું બળ આપે છે. એનું એક આલિંગન મારી પરીક્ષા વિષયક તમામ ચિંતા અને ભય દૂર કરવામાં મને મદદ કરે છે. આવાં આલિંગનો પછી થયેલાં અમારા લગ્નને જોઇને સ્વર્ગમાં દેવો પણ અમારી ઈર્ષ્યા કરશે !!”

ભવ્યાંગે તેની અને દેવયાનીની મુલાકાત વિશે તેઓ એકબીજાને કેટલાં ઓળખે છે અને એકબીજાથી કેટલાં નજીક આવ્યાં છે એ પ્રકારના મારા બધા જ પ્રશ્નોના સચોટ જવાબો આપી દીધા.

ભવ્યાંગ પ્રેમમાં પડવાની પ્રક્રિયાને સુખી લગ્નજીવનની પહેલી નિશાની માનતો હતો. એટલે બન્ને જણાએ  જલદી જલદી  લગ્નની તૈયારીઓ આરંભી હતી.

ભવ્યાંગની જેમ પ્રેમ કરી લગ્ન માટે ઉત્સુક યુગલોના સપનાં વૈવાહિક સુખ પ્રાપ્તિના હોય છે. બન્ને એવું દ્રઢપણે માનવા લાગે છે કે તેઓ એકબીજાને બધી રીતે સુખી રાખશે. બીજા બધાં પતિ-પત્નીની જેમ તેઓ ક્યારેય નહીં ઝઘડે. કારણ તેઓ એકબીજાને સાચો પ્રેમ કરે છે. ક્યારેક આવાં યુગલો એવું પણ માને છે કે બન્ને વચ્ચે જો મતભેદ થશે તો મુક્તમને ચર્ચા-વિચારણા કરશે. બન્નેમાંથી કોઇ એક ઝૂકી જશે એટલે ઝગડાનો  સુખદ અંત આણશે.

પ્રેમ લગ્નોત્સુક યુગલો એવું માને છે કે તેમનો પ્રેમ સાચો છે એટલે ટકી રહેશે. એકબીજા પ્રત્યેનું આકર્ષણ રોમાન્સ જીવનભર ટકી રહેશે. ભવ્યાંગ પણ એવું દ્રઢપણે માનતો હતો કે તેનો પ્રેમ જીવનભર ટકી રહેશે. જે લોકોનો પ્રેમ ટકી શક્યો નથી એમનો પ્રેમ સાચો નહીં હોય.

જે વ્યક્તિ પ્રેમમાં હોય છે તેને એવો ભ્રમ હોય છે કે એની પ્રેમિકા આ દુનિયામાં સૌથી સુંદર સ્ત્રી છે. અનોખી છે. અજોડ છે. બીજા કોઇને એમની પ્રેમિકામાં જે ઉણપ દેખાય છે તે એને દેખાતી નથી. મિત્રો પણ પ્રેમિકાની ખામી જોઇ શકે છે પણ પ્રેમમાં પડેલ વ્યક્તિ પ્રેમિકા વિશે મિત્રોની સલાહ માગતા નથી. કારણ એની નજરમાં તો એની પ્રેમિકા એક આદર્શ અને સર્વગુણ સંપન્ન છે એટલે અન્ય લોકોના મતની  તેને પરવા નથી હોતી.

ભવ્યાંગે પણ દેવયાની સાથે સંબંધોમાં આગળ વધવું કે કેમ એવું મને પૂછ્યું ન હતું. દેવયાની સિસ્ટરના પ્રેમમાં એ એટલો દિવાનો બની ચૂક્યો હતો કે તેના વિશે કોઇ સલાહ સૂચન કે ટીકા-ટીપ્પણી તેણે મારી પાસે માગ્યા ન હતાં. એ મને પૂછવા નહીં પણ કહેવા આવ્યો હતો કે એ દેવયાની સાથે લગ્ન કરવા માંગે છે.

કદાચ એ એવું માનતો હતો કે હું તેને ટેકો આપીશ. તેની પસંદગી બદલ શાબાશી આપીશ અને મા-બાપ સગાં-સ્નેહી બધાં જ વિરૂધ્ધ જાય તો પણ હું તેની  પડખે અડીખમ  ઊભો રહીશ.

ભવ્યાંગ દેવયાનીના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેનાથી નવ વર્ષ મોટી સ્ત્રીને પત્ની તથા નવ વર્ષ નાની યુવતીને પુત્રી તરીકે તે સ્વીકારી ચૂક્યો હતો. તેનો નિર્ણય અફર હતો.

ન્યુરોગ્રાફ:

ઊંઘમાં પણ નીકળી જાય છે પાણી આંખમાંથી,
જ્યારે સપનામાં છૂટે છે તારો હાથ, મારા હાથમાંથી !!!


Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.