યુનાબોમ્બર : એના વિચારો ઘણે અંશે સાચા હોય તો ય શું?!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

ગતાંકમાં આપણે બે પાત્રો વિષે વાત માંડેલી. એક તો હતો યુનાબોમ્બર! આ પાત્ર તપાસકર્તા એજન્સીઓ માટે સાવ અજાણ્યુ હતું. એ કોણ હતો, ક્યાંથી આવેલો અને શા માટે જુદા જુદા વ્યક્તિઓને લેટર બોમ્બ મોકલતો… એ તમામ વાતો રહસ્ય જ રહેવા પામી હતી. એ અજાણ્યો શખ્સ હંમેશા યુનિવર્સીટીઝ જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને એરલાઈન્સ સાથે જોડાયેલા વ્યક્તિઓને જ બોમ્બ મોકલતો હતો. આથી તપાસકર્તાઓએ યુનિવર્સીટીના પ્રથમ બે અક્ષરો ‘Un’ અને એરલાઈન્સનો પ્રથમ અક્ષર ‘A’ લઈને અજાણ્યા બોમ્બરને ‘UnABomber’ (યુનાબોમ્બર) જેવું વિચિત્ર નામ આપ્યું.

બીજા એક પાત્ર વિષે પણ આપણે વાત માંડેલી, એ હતો ટેડ કેઝીન્સ્કી. ગણિતશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામેલો આ માણસ નાનપણથી જ એટલો હોંશિયાર હતો કે સ્કુલમાં એને ‘વોકિંગ બ્રેઈન’નું ઉપનામ મળેલું. ગણિત વિષયમાં એની ઊંડી રુચિને કારણે એ યુનિવર્સીટીમાં પણ જીનિયસ વિદ્યાર્થી તરીકે નામના કમાયો. હાયર એજ્યુકેશન પૂરું કર્યા બાદ એને ઇસ ૧૯૬૨માં મિશિગન યુનિવર્સીટીમાં ગણિતના પ્રાધ્યાપક તરીકેની સરસ મજાની જોબ પણ મળી ગઈ. પરંતુ કેઝીન્સ્કી સડસડાટ આગળ વધી રહેલી કેરિયરમાં સ્થાયી ન થઇ શક્યો! દિવસે દિવસે એની વર્તણૂક વિચિત્ર થતી ગઈ અને એ એકાકી બનતો ગયો.

કેઝીન્સ્કીના આવા વલણ પાછળ હાવર્ડ યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએશન દરમિયાન થયેલા અનુભવો જવાબદાર હોવાનું ઘણાનું માનવું છે. સાયકોલોજીસ્ટ હેન્રી મૂરે યુનિવર્સીટીના કેટલાક વિદ્યાર્થીઓને પસંદ કરીને એમને વર્તણૂક અને વિચારશૈલી સંબંધિત કેટલાક પ્રયોગોમાં જોતર્યા હતા. આ વિદ્યાર્થીઓમાં કેઝીન્સ્કી પણ સામેલ હતો. એના સુષુપ્ત મનમાં સમાજ પ્રત્યે જે નકારાત્મક ભાવનાઓ ધરબાયેલી, એ આ હેન્રી મૂરના પ્રયોગોનો હિસ્સો બનવાથી બહાર આવી ગઈ, જેને પરિણામે કેઝીન્સ્કી સમાજની મુખ્ય ધારા સાથે ભળવામાં મુશ્કેલી અનુભવવા માંડયો. ઇસ ૧૯૬૬માં તો એક્વાર એણે પોતાની અનિયંત્રિત જાતીય ઇચ્છાઓથી દોરવાઈને સેક્સ ચેન્જ ઓપરેશન દ્વારા સ્ત્રી બની જવાનું ય વિચારેલું. પણ છેલ્લી ઘડીએ એ વિચાર પડતો મૂક્યો. જો કે કેઝીન્સ્કી સમાજની મુખ્ય ધારાથી તો દૂરને દૂર જ થતો ગયો! એક તબક્કો એવો આવ્યો કે પોતાની મસ્ત મજાની નોકરી છોડીને એ મોન્ટાના પહોંચી ગયો. અને ત્યાં પિતૃક ઘરમાં રહેવાને બદલે વગડા જેવા વિસ્તારમાં એકલી અટૂલી ઝૂંપડી બાંધીને રહેવા માંડયો!

અહીંના એકલવાયા જીવન દરમિયાન કેઝીન્સ્કી સસલા વગેરેનો શિકાર કરીને અને આસપાસના વનવગડામાંથી મળતા ફળફળાદિ ખાઈને જીવન ગુજારવા માંડ્યો. પોતાની કેબિનની આજુબાજુ એણે શાકભાજી ઉગાડવા માંડ્યા. વગડામાં મ્યુનિસિપાલિટી દ્વારા પ્રાપ્ત થતી પાણી સહિતની સગવડો મળવાનો તો કોઈ સવાલ જ નહોતો. વીજળી પણ નહોતી. છતાં કેઝીન્સ્કી આવા જંગલી અને એકલવાયા જીવનથી ખુશ હતો. દિવસનો મોટા ભાગનો સમય એ વિવિધ પુસ્તકોના વાચનમાં ગાળતો. આ દરમિયાન એણે માત્ર પોતાના ભાઈ ડેવિડ સાથે કામપૂરતો જ સંપર્ક જાળવી રાખ્યો. ડેવિડનું કહેવું છે કે કેઝીન્સ્કીએ એ સમયગાળા દરમિયાન સોશિયોલોજી અને પોલિટિકલ ફિલોસોફી વિષે પુષ્કળ વાંચ્યું. એમાંય જેકસ એલ્યુલ નામક લેખકનું પુસ્તક “ધી ટેકનોલોજીકલ સોસાયટી” તો વારંવાર વાંચી નાખ્યું. કારણકે આ પુસ્તકમાં જે વિચારો રજૂ થયેલા, એ કેઝીન્સ્કીના સુષુપ્ત મનમાં દ્રઢ થઇ રહેલી વિચારધારાને અનુરૂપ હતા!

કઈ હતી એ વિચારધારા?

કેઝીન્સ્કી જેમ જેમ પુસ્તકો વાંચતો ગયો, તેમ તેમ માનવ જીવનમાં વધી રહેલા મશીનના પ્રભાવ સામે એને નફરત થતી ગઈ. એ દ્રઢપણે માનવા લાગ્યો કે વધુ પડતી પ્રગતિ કરીને માણસ મોટી ભૂલ કરી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને કારણે જંગલોનો ખો નીકળી રહ્યો છે. આપણે કુદરતને તો બગાડી જ છે, સાથોસાથ માનવ જીવન પણ કલુષિત થયું છે! કેઝીન્સ્કી ઇચ્છતો હતો કે માણસજાત ખોટી દિશામાં દોડવાનું બંધ કરીને ફરી એક વાર પ્રિ-ઇન્ડસ્ટ્રીયલ યુગની જીવનશૈલી અપનાવી લે! પોતાના આ વિચારોને એ બહુ કટ્ટરતાપૂર્વક વળગી રહ્યો. આ જ વિચારધારા એના સુષુપ્ત મનમાં વર્ષોથી વિકસી રહી હતી.

એક ‘લવલેટર’ને કારણે તકલીફ ઉભી થઇ!

આઠેક વર્ષ સુધી કેઝીન્સ્કી આવું જ એકલવાયું જીવન જીવ્યો! ૧૯૭૮માં નાના ભાઈ ડેવિડની વાત માનીને એ ફરી એક વાર શિકાગો આવવા રાજી થયો. ડેવિડને એમ કે અતિશય બુદ્ધિશાળી એવો મોટો ભાઈ ગમે એમ કરીને શહેરમાં સેટ થઇ જાય, તો સારી કમાણી કરી શકે અને જીવન થાળે પડે. ડેવિડ પોતે જ્યાં સુપરવાઈઝર તરીકે જોબ કરતો હતો, એ જ ફેક્ટરીમાં એણે કેઝીન્સ્કીને ય કામે લગાડ્યો. ફેક્ટરીની જોબ દરમિયાન કેઝીન્સ્કી પોતાની એક સહકર્મી મહિલાના પ્રેમમાં પડ્યો. જો કે પેલી મહિલાને માટે એ સંબંધો માત્ર સારી દોસ્તી પૂરતા જ સીમિત હતા. પણ કેઝીન્સ્કીનું હૈયું હાથ ન રહ્યું! એક દિવસ એણે પોતાની માની લીધેલી પ્રેમિકાને પ્રેમપત્ર લખી માર્યો. પત્ર વાંચીને પેલી બાઈ બિચારી છળી મરી. કારણકે કેઝીન્સ્કીએ પત્રમાં જે ‘કાવ્યાત્મક’ પંક્તિઓ લખેલી, એમાં ભારોભાર અશ્લિલતા છલકાતી હતી! એ તો સીધી દોડી ગઈ સુપરવાઈઝર ડેવિડને ફરિયાદ કરવા! પેલી સ્ત્રીની ફરિયાદને આધારે ડેવિડે પોતાના જ મોટા ભાઈને નોકરીમાંથી રૂખસદ આપવી પડી!

જીનિયસ લોકોના જીવનની આ પણ એક કરુણતા હોય છે. અતિશય બુદ્ધિમાન હોવાને કારણે તેઓ આસપાસના સામાન્ય માણસો સાથે ‘સામાન્ય સંબંધ’ વિકસાવી નથી શકતા, બીજી તરફ કુદરતી આવેગો સામે ગમે એવો જીનિયસ પણ લાચાર થઈને સાથીને ઝંખે છે. આવી પરિસ્થિતિ ઘણીવાર એવા સામાજિક અકસ્માત સર્જી નાખે, કે સમાજથી દૂર રહેનારો વ્યક્તિ લગભગ ‘અસામાજિક’ બની જવા તરફ ધકેલાઈ છે! કેઝીન્સ્કી પણ ઉપરની ઘટના બાદ પોતાના એકલવાયા જીવન તરફ પાછો વળ્યો. નોંધી લેજો કે આ વર્ષ હતું ઇસ ૧૯૭૮નું.

આખરે છતું થયું યુનાબોમ્બરનું રહસ્ય!

યુનાબોમ્બર લેટરબોમ્બ મોકલતો અથવા પુસ્તક સ્વરૂપે કે સિગારના બોક્સ સ્વરૂપે બોમ્બ મોકલતો. ઇસ ૧૯૭૮થી માંડીને ઇસ ૧૯૯૫ સુધી યુનાબોમ્બર જુદા જુદા લોકોને અને સંસ્થાઓને બોમ્બ પાર્સલ કરતો રહ્યો. જેના પરિણામે આ સત્તર વર્ષો દરમિયાન પાર્સલમાં મળેલો બોમ્બ ફાટવાની ઘટનાઓનો સિલસીલો ચાલતો રહ્યો. યુનાબોમ્બર દ્વારા મોકલવામાં આવેલા આ બધા બોમ્બ હાથબનાવટના હતા અને બહુ મોટો ધડાકો કરી શકે એવા નહોતા, તેમ છતાં પાર્સલ બોમ્બબ્લાસ્ટની ઘટનાઓમાં કુલ ૩ લોકોએ જીવ ગુમાવ્યો અને ૨૩ જેટલા લોકો ઘાયલ થયા! ઇસ ૧૯૮૨ પછી યુનાબોમ્બર દ્વારા મોકલાયેલા પાર્સલ બોમ્બ્સ જોખમી સાબિત થવા માંડ્યા. હવે જે બોમ્બ આવતા હતા, એનાથી લોકોને ગંભીર ઇજાઓ થઇ રહી હતી. ૧૯૮૫ના ડિસેમ્બરમાં આવા જ એક બોમ્બને કારણે એક કોમ્પ્યુટર સ્ટોરના માલિકનું મૃત્યુ થયું! લાખ પ્રયત્નો છતાં પોલીસને આવા પાર્સલ બોમ્બ મોકલવા પાછળનું કારણ કે મોકલનારનું પગેરું હાથ લાગતા નહોતા!

સત્તર વર્ષ જેટલો લાંબો સમય સુધી અમેરિકાની તપાસ એજન્સીઓને હાથતાળી આપતા રહેલા યુનાબોમ્બરનું રહસ્ય આખરે એક ઘટનાને કારણે છતું થયું. ઇસ ૧૯૯૫માં યુનાબોમ્બરે ‘ધી ન્યૂયોર્ક ટાઈમ્સ’ નામના અખબારને પાંત્રીસ હજાર શબ્દોનો એક લાંબોલચ લેખ મોકલ્યો. આ લેખને એણે ‘યુનાબોમ્બર્સ મેનિફિસ્ટો’ તરીકે ઓળખાવ્યો. યુનાબોમ્બરે પોતાના આ લાંબાલચક ઘોષણાપત્રમાં આધુનિક માનવ સમાજનની તકલીફો વિષે માંડીને વાત કરી હતી. સાથે જ છાપાને ધમકી પણ આપી હતી કે ગમે તે ભોગે આ મેનિફિસ્ટો છાપો, અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો! આખરે સપ્ટેમ્બર, ૧૯૯૫માં છાપાએ આ મેનિફિસ્ટો છાપ્યો. લેખનું ટાઈટલ હતું “Industrial Society and Its Future”. ઔદ્યોગીકરણને પગલે માનવ સમાજ જે અધોગતિ કરી રહ્યો છે, એ તરફ ધ્યાન દોરતા યુનાબોમ્બરે લોકોને ચેતવ્યા હતા!

અખબારમાં છપાયેલો યુનાબોમ્બર્સ મેનિફિસ્ટો વાંચીને એક વ્યક્તિની આંખ ચમકી. એને થયું કે આ બધા વિચારો તો એ અગાઉ પણ સાંભળી-વાંચી ચૂક્યો છે! એ વ્યક્તિ હતો ડેવિડ, કેઝીન્સ્કીનો નાનો ભાઈ! ડેવિડને ખાત્રી હતી કે મેનિફિસ્ટોમાં છપાયેલા વિચારો તો અદ્દલ એના મોટા ભાઈ ટેડ કેઝીન્સ્કીના વિચારો સાથે મેળ ખાય છે! ડેવિડે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. એફબીઆઈની ટીમે ડેવિડે બતાવેલા સરનામે – એટલે કે કેઝીન્સ્કી જ્યાં એકલુંઅટુલું જીવન ગુજારતો હતો એ મોન્ટાના વિસ્તારમાં આવેલી કેબિન પર રેઇડ કરી. કેઝીન્સ્કી પકડાયો. સાથે જ એક પાર્સલ બોમ્બ પણ મળી આવ્યો. બીજા વધુ બોમ્બ બનાવવાની સામગ્રી અને કેઝીન્સ્કીના લખાણો પણ મળી આવ્યા! સાથે જ આખો કેસ આયનાની માફક સાફ થઇ ગયો! કેઝીન્સ્કી જ કુખ્યાત યુનાબોમ્બર હતો!

ગણિતશાસ્ત્રમાં પ્રવીણતા કેળવનાર જીનિયસ કેઝીન્સ્કી પોતાના સ્વભાવ, જીવનમાં બનેલા કેટલાક બનાવો અને પોતે વાંચેલા અમુક પુસ્તકોના કાતિલ કોમ્બોને પરિણામે આધુનિક જીવનને નફરત કરતો થઇ ગયેલો! યુનિવર્સીટીઝમાં મળતા શિક્ષણને કારણે વધુને વધુ લોકો ઔદ્યોગિકીકરણ તરફ ધકેલાઈ રહ્યા છે, એવું એ માનતો. એરલાઈન્સને પણ એ આધુનિક જીવનનું પ્રતિક ગણીને ધિક્કારતો. એથી જ એણે મહત્તમ પાર્સલ બોમ્બ્સ યુનિવર્સીટી અને એરલાઈન્સ સાથે જોડાયેલા ઉચ્ચશિક્ષિતોને ડિલીવર કરેલા!

આધુનિક જીવનની અનેક સમસ્યાઓ છે. તેમ છતાં આપણે એ બધું છોડીને આદિમ જીવન તરફ પાછા ફરી શકીએ એમ નથી, એ ય હકીકત છે. કેઝીન્સ્કી આજે ય જેલમાં સબડે છે. એના મેનિફિસ્ટોમાં રજૂ થયેલા અનેક વિચારો આજે સાચા જણાતા હોય તો પણ સંપૂર્ણપણે અમલમાં મૂકવા શક્ય નથી. જો તમારો આઈક્યુ ૯૦થી ૧૦૯ વચ્ચે હોય, તો તમે સરેરાશ બુદ્ધિશાળી માણસ ગણાવ. જો આઈક્યુ ૧૩૦ની ઉપર હોય, તો એવા વ્યક્તિને જીનિયસ – એટલે કે પરમ બૌદ્ધિકની કક્ષામાં મૂકવા પડે. ટેડ કેઝીન્સકીનો આઈક્યુ છે ૧૬૭! એટલે એને તો જીનિયસની શ્રેણીમાં પણ સૌથી ઉપલી હરોળમાં મૂકવો પડે! પરંતુ જીનિયસ લોકોની એક ખામી હોય છે, તેઓ અમુક બાબતે સ્પષ્ટ હોય, પછી અતિશય જડતાપૂર્વક પોતાની માન્યતાને વળગી રહે છે. એ સમયે તેઓ ભૂલી જાય છે કે આખો સમાજ એમની માફક ‘જીનિયસ’ નથી! લોકોને અનેક નાની-મોટી જરૂરિયાતો છે. અને એ જરૂરીયાતો કુદરતને ખોળે આદિમાનવની જેમ રહેવાથી પૂરી નથી થવાની. ઇન્ડસ્ટ્રીઝને કારણે મશીનયુગ આવ્યો અને પ્રદૂષણ સહિતના અનેક પ્રશ્નો ઉભા થયા એ સાચું, પણ આજ મશીન્સને કારણે માનવ જીવનને ઉપયોગી એવી કેટકેટલી ચીજો, જીવન રક્ષક દવાઓ વગેરે શોધી શકાયા. મોટા પાયે ખેતી શક્ય બની. જો આ બધું ન થયું હોત તો વધતી જતી માનવ વસ્તીની જરૂરીયાતો કઈ રીતે પૂરી કરી શકાઈ હોત? કદાચ પ્રાથમિક જરૂરીયાતો માટે થઈને માનવ સમૂહો વચ્ચે લોહીયાળ સંઘર્ષો થયા હોત! દવાઓના અભાવે રોગચાળામાં આખાને આખા માનવસમાજો સાફ થઇ ગયા હોત! પણ કેઝીન્સ્કીને આવા કોઈ તર્ક ગળે ઉતરે એમ નહોતો. જે રીતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ વ્યક્તિ પોતાની વિચારધારા બાબતે કટ્ટર હોય, એમ કેઝીન્સ્કી પણ પોતાના આદિમ (primitive) જીવન અંગેના ખ્યાલને જડતાપૂર્વક વળગી રહ્યો.

કેઝીન્સ્કીના જીનિયસ હોવા વિષે બેમત નથી, પણ એણે અપનાવેલો માર્ગ ખોટો હતો, એ વિષે ય બેમત ન હોઈ શકે! કાશ, આપણને એક યુનાબોમ્બરને બદલે એક ગાણિતશાસ્ત્રી મળ્યો હોત…


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “યુનાબોમ્બર : એના વિચારો ઘણે અંશે સાચા હોય તો ય શું?!

Leave a Reply

Your email address will not be published.