માનહાનિના કેસ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રુંધે છે ?

નિસબત

ચંદુ મહેરિયા

ભારતની અદાલતોમાં માનહાનિ કે બદનક્ષીના કેસોમાં સતત વ્રુધ્ધિ થઈ રહી છે. રાજનેતાઓ, પત્રકારો, ફિલ્મી સિતારાઓ, ઉધ્યોગકારો અને કર્મશીલો પર બદનક્ષીના દાવા મંડાયેલા છે. પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં કર્ણાટકની એક અદાલતે માનહાનિ કેસમાં બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આટલો આકરો દંડ ન્યાયતંત્રના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે.

નરેન્દ્ર મોદી મંત્રી મંડળના વિદેશ રાજ્યમંત્રી અને વરિષ્ઠ પત્રકાર એમ જે. અકબરને ભૂતકાળના સાથી મહિલા પત્રકાર પ્રિયા રમાનીના યૌન શોષણના આરોપોથી મંત્રી પદ છોડવું પડ્યું હતુ. એટલે તેમણે અપરાધિક માનહાનિનો કેસ કર્યો હતો. પણ ત્રણેક મહિના પહેલાં દિલ્હીની અદાલતે પ્રિયા રમાની સામેની અકબરની બદનક્ષીની ફરિયાદ રદ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર સાથેના સોગંદનામામાં તેમની સામેના જે પાંચ પડતર કોર્ટ કેસોની  માહિતી આપી હતી તે બધા માનહાનિના જ હતા. અમદાવાદ અને સુરતની અદાલતોમાં પણ રાહુલ ગાંધી સામે માનહાનિના કેસો ચાલે છે. દેશમાં સૌથી વધુ માનહાનિના કેસોનો સામનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. આ હકીકતો માનહાનિના કેસોની વ્યાપકતા, અદાલતોનું વલણ અને અસરો દર્શાવે છે

બંધારણના અનુચ્છેદ ૨૧ માં ભારતના નાગરિકોના જીવન જીવવાના અધિકારમાં માન અને પ્રતિષ્ઠા સાથેના જીવનનો અધિકાર સામેલ છે. વ્યક્તિના માન, સન્માન અને ખ્યાતિ પણ અધિકાર મનાય છે. પ્રતિષ્ઠાને ધન-સંપત્તિ બરાબર ગણવામાં આવી છે. એટલે માન, સન્માન, પ્રતિષ્ઠા કે ખ્યાતિને થતી હાનિ, માનહાનિ કે બદનક્ષી છે. વ્યક્તિ, વેપાર, ઉત્પાદન, ધર્મ, સરકાર, સમૂહ કે રાષ્ટ્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતું નિરાધાર અને જૂઠ્ઠું, લેખિત કે મૌખિક કથન કે સંકેત માનહાનિ છે. બંધારણમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર ખરો પણ તેનો અમર્યાદિત ઉપયોગ ન થઈ શકે. કોઈ એલફેલ, આધારહીન કે ખોટા આરોપો અને ટીકાઓ ન થાય તે જરૂરી છે. જાહેરમાં અપમાનજનક શબ્દ કે ભાષણ વાંચી-સાંભળીને તે જેના વિશે કહેવાયા-બોલાયા-લખાયા હોય તે વ્યક્તિ વિશે અપમાન, નફરત અને ધ્રુણા જન્મે તો માનહાનિનો ગુનો બને છે.

માનહાનિ માટે દીવાની (સિવિલ) અને ફોજદારી(ક્રિમિનલ) ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદ સામાન્ય કાયદા મુજબ અને ફોજદારી ફરિયાદ ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૯ હેઠળ થઈ શકે છે. ઈન્ડિયન પિનલ કોડની ધારા ૫૦૦ અને અન્યમાં બદનક્ષીની અપરાધિક ફરિયાદ માટે સજાની જોગવાઈ છે. તે મુજબ બે વરસની કેદ અને દંડની સજા થઈ શકે છે. માનહાનિની દીવાની અને ફોજદારી એમ બંને કે બે પૈકીની કોઈ એક ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદમાં માનહાનિનું આર્થિક વળતર માંગવામાં આવે છે. પરંતુ ફરિયાદી જેટલી રકમનું વળતર માંગે તેના દસ ટકા કોર્ટ ફી તેણે ચુકવવાની હોય છે. જો કોઈ ૧૦ લાખનો માનહાનિનો દાવો માંડે તો દસ ટકા લેખે એક લાખ અગાઉથી જ કોર્ટ ફી ચુકવવી પડે છે. કોર્ટ ફી પરત ચુકવવાની હોતી નથી તથા તેને ફરિયાદીની હારજીત સાથે કોઈ સંબંધ હોતો નથી.

દસ ટકા કોર્ટ ફી ચુકવીને પણ કરોડોના માનહાનિના દાવા થાય છે. ૨૦૦૮માં ઉધ્યોગપતિ અનિલ અંબાણીએ તેમના ઉધ્યોગપતિભાઈ મુકેશ અંબાણી પર ૧૦ હજાર કરોડનો દાવો કર્યો હતો. રાફેલ વિમાન સોદા અંગેના લેખ બાબતે અનિલ અંબાણીએ અંગ્રેજી અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ પર ૫૦૦૦ કરોડનો દાવો કર્યો હતો. કોરોનાની એલોપથી સારવાર વિરુધ્ધના યોગગુરુ બાબા રામદેવના  વિધાનો વિરુધ્ધમાં ‘ઈન્ડિયન મેડિકલ એસોસિએશન’ની ઉત્તરાખંડ શાખાએ બાબા રામદેવને રૂ. ૧ હજાર કરોડ માનહાનિ પેટે ચુકવવા કાનૂની નોટિસ આપી છે.

માનહાનિના મોટાભાગના કેસોમાં કાંતો સમાધાન થાય છે, કેસો પાછા ખેંચાય છે કે આરોપી માફી માંગી લે છે. અનિલ અંબાણીએ મુકેશ અંબાણી વિરુધ્ધનો દાવો બે વરસ પછી પાછો ખેંચી લીધો હતો. અરવિંદ કેજરીવાલે તેમની સામેના અડધા ઉપરાંતના બદનક્ષીના કેસોમાં માફી માંગી લીધી છે. જો કે અદાલતની પ્રક્રિયા, તેના સમય શક્તિ, કોર્ટ અને વકીલની ફીના પ્રશ્નો રહે છે. કોર્ટોમાં લાખો કેસો પડતર હોય છે ત્યારે માનહાનિના કેસોનો તુરત નિકાલ થતો નથી. દેવગૌડા સામેના કેસનો નીચલી અદાલતનો ચુકાદો દસ વરસે આવ્યો છે. દિલ્હી ક્રિકેટ બોર્ડ અને તેના પ્રમુખ અરુણ જેટલી સામેના આરોપો અંગે કેજરીવાલે માફી માંગી લીધી હતી પણ તેમના વકીલ રામ જેઠમલાણીને બે કરોડની ફી ચુકવી હતી. કૈલાસ સત્યાર્થીએ તેમની બદનક્ષી બદલ તેમની સંસ્થા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા દાવો કર્યો હતો.તેમની માનહાનિની ફરિયાદ પડતર હતી તે દરમિયાન જ તેઓ વિશ્વના સૌથી મોટા શાંતિના નોબેલથી પુરસ્ક્રુત થયા હતા. જો  નોબેલ સમિતિ માટે તેમની માનહાનિનો કોઈ અર્થ નહોતો તો પછી આવા દાવાઓ કેટલા મહત્વના ગણાય તે સવાલ છે.

ત્રણ ભિન્ન રાજકીય પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સુબ્રમણ્યમ સ્વામીએ  સર્વોચ્ચ અદાલતમાં અપરાધિક માનહાનિની જોગવાઈ ધરાવતી આઈપીસીની કલમો રદ કરવા કે ગેરબંધારણીય  ઠેરવવા અલગ અલગ પિટિશનો મારફતે દાદ માંગી હતી.પરંતુ સુપ્રીમ કોર્ટે તે બાબત નકારી કાઢી હતી.

માનહાનિની ફોજદારી ફરિયાદો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આડખીલી રૂપ છે. માનહાનિના કેસો કરીને કેન્દ્ર અને રાજ્યોના સત્તા પક્ષો પત્રકારો, મીડિયા અને વિરોધ પક્ષોને  વિરોધ કરતાં અટકાવે છે. સરકાર વિરોધી લોકહિતના તથ્યાત્મક અહેવાલો પણ પ્રગટતા અટકે છે.  પ્રતિષ્ઠાની આડમાં સત્યનું ગળું દબાવવામાં આવે છે. પ્રેસની આઝાદીના આંકમાં આપણે આમેય પાછળ છીએ ત્યારે માનહાનિનો ડારો દઈને પત્રકારો અને કર્મશીલોને ચૂપ કરાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ક્ષીણ કરી દેવાય છે.

મૂળે અંગ્રેજોની દેણ એવી માનહાનિની આ જોગવાઈ ભ્રષ્ટાચારને અટકાવવાના પ્રયાસો પર લગામ લગાવે છે. રીઢા રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારો બદનક્ષીના કાયદાનો ઉપયોગ કરીને ટીકાઓથી મુક્તિ મેળવી લે છે. બંગાળના ત્રુણમૂલ સાંસદે કેન્દ્રના ગ્રુહમંત્રી સામે બદનક્ષીની ફરિયાદ કરી છે એટલે જ્યાં જે પક્ષસત્તામાં હોય ત્યાં તે આ કાયદાનો ઉપયોગ વિરોધી પક્ષ સામેના હથિયાર તરીકે કરે છે. સરકાર વિરોધી ઘણી ન્યૂઝ વેબસાઈટ્સના પત્રકારો માનહાનિના કેસોનો સામનો કરી રહ્યા છે. અગાઉ સાંસદ તથાગત સતપતિએ લોકસભામાં માનહાનિને લગતી અપરાધિક જોગવાઈ રદ કરવા બિનસરકારી વિધેયક રજૂ કર્યું હતું. બોમ્બે યુનિયન ઓફ જર્નાલિસ્ટે પણ આ મુદ્દે ઝુંબેશ ચલાવી હતી. માનહાનિના કાયદાનો વિરોધને ડામવાના હથિયાર તરીકેના ઉપયોગને ખાળવા વધુ મક્કમ પ્રયાસોની જરૂર છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.