નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૩૦

તું પૈસાને સમૃદ્ધિની વ્યાખ્યા નથી ગણતી

નલિન શાહ

જુહુના કિનારે એના પરદાદાએ નેવું-પંચાણું વર્ષ પહેલાં બંધાવેલા અને વર્ષોથી ખાલી પડેલા બંગલાને તોડવાનું કામ સાગરે ત્વરિત પગલે શરૂ કરી દીધું. ચારે તરફ વિશાળ જગ્યા હતી જેમાં ઊગેલાં વૃક્ષોનું ઝુંડ જંગલનો ભાસ કરાવતું. એક બાજુની જગ્યા સાફ કરી કાર પાર્કિગની જોગવાઈ રાખી. આગળના ભાગમાં ઝાડીના આવરણને લીધે ચિત્રમાં કલ્પેલી પ્રવેશદ્વારવાળી ભીંતને બહુ લાલી ના કરવી પડી. સમુદ્રની સામેનો-પાછળનો ભાગ અને વિશાળ મેદાન વૃક્ષોની કતારને લીધે બહારથી ઢંકાયેલાં રહેતાં હતાં. સાગર એક વાત પ્રત્યે સભાન હતો કે એ એક કલાત્મક ઇમારત બનાવી રહ્યો હતો, મહેલ નહીં. ઉપર અને નીચેના ભાગમાં કોતરકામ કરેલા ગોળ લાંબા થાંભલા ઇમારતને ભવ્યતા અર્પતા હતા. ગોળ થાંભલાઓ ઉપર ટકેલી ટેરેસ સામે પથરાયેલું મેદાનને દૂર ઘૂઘવતો દરિયો એકાંતની પળોને આહ્લાદક બનાવે તેવી હતી ને સાથે સાથે એ આમંત્રિતો સાથે માણવાનું આદર્શ સ્થાન પણ હતું. આ બધું હજી તો પ્લાનિંગ સ્ટેજમાં હતું. સાગરે એના મદદનીશને બાંધકામનો પૂરો ચિતાર આપ્યો ને થાંભલાઓ ઉપરના કોતરકામ માટે જરૂર પડે તો બહારથી નિષ્ણાત કારીગરો બોલાવવાની સૂચના આપી.

પ્રવેશદ્વારની સામે લાંબાં પગથિયાં અને ફ્લોરિંગ માટે બધે જ આરસનો વપરાશ યોજ્યો હતો. ઊંચા, ગોળ થાંભલા રોમન સ્થાપત્યકલાનું અનુસરણ હતું. જ્યારે એના પર ફ્લો અને પાંદડાંની વેલના કોતરકામમાં મુગલ કલાની અસર હતી. અંદરના ભાગમાં પાશ્ચાત્ય અને ભારતીય કલાનું મિશ્રણ હતું.

સુનિતા જાણતી હતી કે રાજુલનું એ અપ્રતિમ ચિત્ર તો કોઈ કવિની કલ્પના જેવું હતું; એમાં વાસ્તવિકતા દર્શાવાની કોઈ ભાવના નહોતી. સુનિતા એ પણ જાણતી હતી કે રાજુલ તો અવકાશમાં વિહરતા પક્ષી જેવી હતી. એ ઝાડ પર વિસામો લે કે મહેલના મિનારા પર, એને કોઈ ફર્ક નહોતો પડતો, પણ અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના શોખ અને વિલક્ષણ ચિત્રકાર તરીકે એના વિકાસ માટે ‘સ્વપ્ન’ શીર્ષક આપેલા એના ચિત્રને વાસ્તવિક રૂપ આપવું આવશ્યક હતું. વહુ તરીકે રાજુલની પસંદગી સુનિતાના દૃઢ વિશ્વાસનું પરિણામ હતું. રાજુલની સાર્થકતા એ એને એના વિશ્વાસને પ્રભુનો સંકેત માનતી કરી હતી.

રાજુલનાં ચિત્રપ્રદર્શન ટાણે આવેલા એના પિતાએ જ્યારે સુનિતાના કુટુંબને રાજુલનું ભાગ્ય કહી બિરદાવ્યું હતું ત્યારે સુનિતાએ કહેવું પડ્યું હતું કે ‘બાપુ, તમે અમારી સમૃદ્ધિ સામે જુઓ છો, રાજુલની પ્રતિભા સામે નહીં. રાજુલ તો જ્યાં જશે ત્યાં દીપી ઊઠશે. હકીકતમાં તો રાજુલ અમારી સાચી સમૃદ્ધિ છે. એના થકી અમારો પરિવાર એવું સ્વર્ગીય સુખ માણે છે કે મરણ પછી પ્રાપ્ત થનારા કાલ્પનિક સ્વર્ગની કોઈ ચાહના નથી રહી, જીવતાં જ બધું પ્રાપ્ત થઈ ગયું હતું. એણે મને દીકરીનો પ્રેમ આપ્યો છે, મારા દીકરાની આર્કિટેક્ટ તરીકેની કલ્પનાને પાંખો આપી છે, કુટુંબને સુંદર વારસ આપ્યો છે ને સ્વપ્નશીલ કલાકાર તરીકે નામના મેળવી કુટુંબની મહત્તા વધારી છે. બાપુ હવે તો અમારે એનું ૠણ ઊતારવાના પ્રયત્નો આદરવા પડશે.’

ડ્રોઈંગ પેપર પર નકશાનું કામ પૂરું કરીને એના મદદનીશને જરૂરી સૂચનાઓ આપી સાગરે યુરોપના સફરની તૈયારી કરવા માંડી. એને માટે પ્રવાસની કોઈ નવીનતા નહોતી, પણ રાજુલ માટે બહારની દુનિયાનો પરિચય રોમાંચની લાગણી પેદા કરે તેમ હતો.

ઇંગ્લેન્ડ અને પેરિસનો પ્રવાસ રાજુલ માટે અતિ મહત્ત્વનો સાબિત થયો. લંડન અને એની બહારના વિસ્તારોમાં ફરતાં અને એના માનીતા લેખકો જેવા કે શાર્લોટ બ્રોન્ટે, થોમસ હર્ડી ને ચાર્લસ ડીકન્સને રૂબરૂ મળવા જેવો આનંદ થયો. પેરિસના લુવ્ર મ્યુઝિયમની આર્ટ ગેલેરીએ તો એની સામે સ્વર્ગ ઊભું કરી દીધું. દા વિન્ચી, માઇકેલ એન્જેલો ને રૂબેન્સનાં પેન્ટિંગો જોઈ તે આભી બની ગઈ. મોનાલિઝાના પોર્ટ્રેઈટ આગળથી એને ખસવાનું મન ન થયું, મોનાલિઝાનું આછું સ્મિત ચિત્રકલાની પરાકાષ્ઠા હતી. રાજુલ અઢારમી અને ઓગણીસમી સદીની ચિત્રકલામાં એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે આધુનિક કહેવાતી ચિત્રકળા એને પ્રભાવિત ન કરી શકી. એ એવાં ચિત્રોને પ્રાધાન્ય આપતી હતી જે દર્શકોના મગજ પર છવાઈ જાય, જેને માણવા માટે નિષ્ણાતની આવશ્યકતા ના હોય. રાજુલની એ ખુશનસીબી હતી કે સાગરને પણ કળામાં રસ હતો. પરિણામ સ્વરૂપ એણે કદી રાજુલને નિરૂત્સાહ નહોતી કરી. યુરોપની સફરે રાજુલના સંવેદનશીલ હૃદયમાં પ્રેરણાનો નવો સ્રોત પેદા કર્યો.

સાગર અને રાજુલ યુરોપની સફર પતાવી અમેરીકા પહોચ્યાં.

સાસુની સતત હાજરીને કારણે એમને કરણની ચિંતા નહોતી. દર બે દિવસે ટેલિફોન પર સંપર્કમાં હતાં. સુનિતાએ ભાર દઈને રાજુલને તાકીદ કરી કે પરદેશ પૂરી રીતે માણીને આવે, અહીંની ચિંતા ના કરે. એ શશી અને બા-બાપુ સાથે ટેલિફોન દ્વારા સંપર્કમાં હતાં ને બધાં કુશળ હતાં. એણે કહ્યું, ‘હું કરણને લઈ ત્રણ દિવસ શશી સાથે રહેવા ગઈ હતી. બા-બાપુને પણ મળવા ગઈ હતી. બાપુ હસતાં હસતાં કહેતા હતા કે એક સમય હતો જ્યારે દરિયો ઓળંગી પરદેશ જનારનો ધર્મ ભ્રષ્ટ થયો ગણાતો હતો ને એમને ન્યાત બહાર કરવામાં આવતાં હતાં ને પાછા દાખલ થવા ઘોર પ્રાયશ્ચિતની વિધિ કરવી પડતી હતી. હવે પરદેશ જનારનો મોભો વધે છે ને પાલણમાં તો તું આજે ન્યાતનું ગૌરવ ગણાય છે. બધી સમયની બલિહારી છે.’

અમેરિકામાં સાગરનું મિત્ર વર્તુળ ખાસ્સું મોટું હતું. એક ધનાઢ્ય મિત્રએ એના બંગલામાં રાજુલ અને સાગરના માનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યાં રાજુલની મુલાકાત ડૉ. માનસી સાથે થઈ ત્યારે બેમાંથી કોઈને કલ્પના નહોતી કે સંજોગવશાત થયેલી એ મુલાકાત સમય જતાં ઘનિષ્ટ સંબંધમાં પરિણમશે.

કેટલાક સંબંધોમાં અનુભવાતી અભિનયતાના કારણે તેને સમજવો મુશ્કેલ છે. જ્યારે એ આકર્ષણ જાગે છે, ત્યારે ઉંમરનો કે બીજા કોઈ તફાવતનું મહત્ત્વ નથી રહેતું. રાજુલ માનસી કરતાં ચાર પાંચ વર્ષે મોટી હતી, પણ બંનેએ વાતોમાં એકબીજા પ્રત્યે અદ્‌ભૂત આકર્ષણની અનુભૂતિ કરી. બંને ગરીબીમાં ઉછર્યાં હતાં, એકમાં બંનેનો તો બીજામાં નાનીનો ત્યાગ હતો, બંને પોતાની પ્રતિભાથી આગળ વધ્યાં હતાં. એ વાતનું કોઈ મહત્ત્વ નહોતું કે બંનેનાં કાર્યક્ષેત્ર અલગ હતાં. રાજુલે કામયાબી હાસિલ કરી હતી જ્યારે માનસી માટે એ એક સપનું હતું.

અઠવાડિયાના સહવાસમાં રાજુલ અને માનસીને વર્ષોનું સહિયારીપણું હોય એવો ભાસ થયો.

જ્યારે રાજુલે એની સાસુ અને બહેનનાં સમાજસેવામાં અર્પેલા ભોગની વાતો કરી ત્યારે માનસીને એમને માટે ખૂબ જ કુતૂહલ જાગ્યું અને સમય આવે ત્યારે એમનો પરિચય કરાવવાની તાલાવેલી બતાવી.

માનસીની ટ્રેનિંગના છ મહિના બાકી હતા, જ્યારે પરાગ સ્વદેશ પાછા ફરવાની તૈયારી કરી રહ્યો હતો. એને પ્રેક્ટિસ માટે જરૂરી વ્યવસ્થા કરવાની ઉતાવળ હતી. એણે સાગરને એના ઘરના રીનોવેશન અને કન્સલ્ટિંગ રૂમની સજાવટ માટે સલાહ-સૂચનો આપવાના વિનંતી કરી. ‘એમાં મારી પત્નીનાં સલાહ-સૂચનો વધુ ઉપયોગી થશે.’ સાગરે હસીને કહ્યું, ‘એક કલાકાર તરીકે ઇન્ટિરિઅર ડેકોરેશનની સૂઝબૂઝ એનામાં વધુ છે. તારા બંગલાનું કામ હું સંભાળીશ.’

‘એની તો મદદ હું અત્યારથી જ યાચું છું…’ પરાગે માનસીને સંબોધીને કહ્યું. ‘ઘર મારે એક કુદરતી દ્રશ્યનું ચિત્ર, માના રૂમ માટે શ્રીનાથજીનું એક કલાત્મક ચિત્રને કન્સલ્ટિંગ રૂમ માટે માનસીનું પોર્ટ્રેઈટ બનાવવું છે, મારા ઘરની અને ઓરડાઓની શોભામાં અભિવૃદ્ધિ થશે.’

રાજુલ અને માનસીએ ઘણો ખરો સમય હરવાફરવામાં ગાળ્યો. માનસી શશીની કાર્યક્ષમતાના વર્ણનથી એટલી પ્રભાવિત થઈ હતી કે એણે ડૉક્ટર તરીકે ગ્રામસેવામાં એની સેવા નિઃશુલ્ક પ્રદાન કરવાનું વચન આપ્યું. ‘એ સેવા મારી નાનીનું ઋણ ચૂકવવામાં મદદરૂપ થશે.’ માનસીએ ગળગળા સાદે કહ્યું. સુનિતા વિશે પણ વાતો સાંભળી મનમાં એને મળવાનું કુતૂહલ પેદા થયું.

‘સાચે જ આવી સાસુ મેં કદી કલ્પી નહોતી.’ રાજુલે કહ્યું, ‘મેં જ્યારે મારા પેઈન્ટિંગ પર રાજુલ શેઠ નામ લખ્યું ત્યારે એમણે કહ્યું ‘તારું સાચું નામ લખ, એટલે કે રાજુલ મુન્શી શેઠ.’ જ્યારે મેં કહ્યું કે મમ્મી હવે હું મુન્શી નથી ત્યારે એમણે કહ્યું કે કેમ લગ્ન કરીને તું તારાં મા-બાપની પુત્રી મટી ગઈ? લગ્ન કરીને ત્યાગ સ્ત્રીઓને જ આપવો પડે છે. ઘરબાર છૂટે, સહેલીઓ છૂટે, ગામ છૂટે, બધું જ વિસારે પારવું પડે પણ એટલે શું તારી ઓળખાણ પણ મટી જાય? હું સાચે જ વિસ્મય પામી, મેં પણ હિમ્મત કરીને પૂછ્યું કે મમ્મી તમે પણ તમારી ઓળખાણ ભૂંસી નાખી હતી. ‘સાચી વાત છે.’ એમણે કહ્યું, ‘એ જમાનો જુદો હતો. મારામાં એટલી હિમ્મત નહોતી. શક્ય છે કે હું શેઠ પરિવારની સમૃદ્ધિથી અંજાઈ ગઈ હતી. પણ તારી વાત જુદી છે. તારામાં આત્મવિશ્વાસ છે. તું પૈસાને સમૃદ્ધિની વાખ્યા નથી ગણતી, તારી કલાકાર તરીકે એક અલગ ઓળખાણ છે. ને જરૂર પડે તો તારામાં બંડખોર થવાની ક્ષમતા પણ છે. સાસુએ એમ પણ કહ્યું કે ભવિષ્યમાં તારો દીકરો એના બાપના નામની જગ્યાએ તારું નામ લખે તો પણ હું એને અયોગ્ય ના માનું.’ હું તો સાંભળીને આભી જ થઈ ગઈ. સાચે જ માનસી, આવી સાસુ તો લોકો કાલ્પનિક સમજે, પણ એવી પણ હોય છે ને ન હોય તો હોવી જોઈએ. છેવટે મેં મારા ચિત્રો પર કેવળ રાજુલ લખ્યું, કારણ મમ્મીએ સૂચવેલું નામ બહુ લાંબુ લાગતું હતું.

માનસી વિસ્મયથી સાંભળી રહી. બોલી, ‘રાજુલ મારે એ દેવીને મળવું છે ને તારી બહેનને પણ ગામ જઈને મળીશ. એ બહાને ગ્રામ્યજીવન પણ જોવાશે, જે મેં કદી જોયું નથી.’

વિદાય લેતી વેળા બંને લાગણીવશ બન્યાં. રાજુલે કહ્યું ‘સાચે માનસી, જિંદગીમાં સંજોગો બહુ અગત્યનો ભાગ ભજવે છે. નસીબ જેવી વસ્તુમાં હું માનતી નથી. એ તો જે ઘટનાનો આપણી પાસે કોઈ જવાબ ન હોય એને ‘નસીબ’માં ખપાવી નિરાકરણ શોધીએ છીએ. સંજોગો આપોઆપ ઘડાય છે. તમે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે હો તો તરી જાઓ. આપણું મળવું પણ સંજોગોને આભારી છે. હું પ્રતીક્ષા કરીશ કે તારા પાછા ફરવાના સંજોગો જલદી ઊભા થાય ને આપણા વારેવારે મળવાના સંજોગો ઉદ્‌ભવે.’

‘એક માંગણી કરું?’ માનસીએ પૂછ્યું ને જવાબની વાટ જોયા વગર કહ્યું, ‘તારી સાસુનો ને તારી બેનનો સાથે ફોટો હતો હશે જ! જો હોય તો એના પરથી એક સરસ પોર્ટ્રેઈટ ન બનાવી શકે મારા ભવિષ્યના કન્સલ્ટિંગ રૂમમાં મૂકવા? એવી પ્રેરણામૂર્તિઓ નજર સામે રહે તો ઘણું માનસિક બળ મળે. આ એક પ્રોફેશનલ એસાઈનમેન્ટ સમજીને બનાવજે.’

‘તું મને તારી સાથે વેપાર કરવાનું કહી રહી છે?’ રાજુલે ભવાં ચઢાવી પૂછ્યું, ‘તો પછી એ પણ જણાવી દે કે ભવિષ્યમાં મારે કોઈ બીમારી માટે તારી સલાહ લેવા આવવું પડે તો તારો ચાર્જ શું હશે? મને પોષાય એવો હશે ખરો?’

‘સોરી રાજુલ, મારો કોઈ આશય તારું અપમાન કરવાનો નહોતો પણ એ વિચારે સંકોચ અનુભવ્યો કે તું એક ખ્યાતિપ્રાપ્ત કલાકાર છે ને મેં તો હજી વ્યવસાયની શરૂઆત પણ નથી કરી.’

‘જ્યાં દિલના તાંતણાં બંધાયાં હોય ત્યાં આવી કોઈ ગણતરીને અવકાશ ના હોય. તેં તો આ ચિત્ર માંગીને અમારું બધાંનું માન વધાર્યું છે. તને ખાતરી આપું છું કે તારા આવ્યા પહેલાં એ તૈયાર થઈ જશે.’ રાજુલે એના હાથ થામી કહ્યું.

અઠવાડિયાના સહવાસમાં રાજુલ અને માનસી લાગણીનાં અતૂટ બંધનમાં જકડાઈ ગયાં. જ્યારે રાજુલે વિદાય લીધી ત્યારે નાનીને છોડ્યા બાદ પહેલી વાર માનસીને એકલતાનો ભાસ થયો.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.