ફરવા આવ્યો છું

કવિતા અને તેનું રસદર્શન

કવિ નિરંજન ભગત

હું તો બસ, ફરવા આવ્યો છું !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચાહું ન પાછો ઘરે જવા !

હું ડગ સાત સુખે ભરવા અહીં, સ્વપ્ન મહીં સરવા આવ્યો છું !
હું તો બસ, ફરવા આવ્યો છું !

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું !
હું તો બસ, ફરવા આવ્યો છું


રસદર્શન

રક્ષા શુક્લ

કવિ નિરંજન ભગતની ઘણી કવિતાઓમાં એક ભાવ સતત પડઘાય છે. અને તે એ છે કે ‘કંઈક આપવું’. આ જગતને કંઈક ભૌતિક નહી તેવું છતાં મનનીય એવું કંઈક એમને આપી જવું છે જે અસ્થાયી ન હોય. કુદરત જે આપે કે અનાયાસે જે મળે તેને સહજપણે કવિ ઝીલી લેવા પણ માગે છે. અહીં કાવ્યમાં કવિ પહેલા જ કહી દે છે કે ‘બસ, ફરવા આવ્યો છું’. આ ‘બસ’ શબ્દ ઘણું સૂચવી જાય છે. તેનું અહી આવવું નિરુદ્દેશ છે. આમ જ ટહેલતા ટહેલતા, હેતુ વગર, હળવાશ સાથે કવિની આ આવવાની વાત આપણને ય હળવાફૂલ કરી નાખે છે. અહી પૃથ્વી પર આવ્યા પછી એમના મનમાં કોઈ ઉધામા નથી. છે એક નિર્વિકાર મન કેવળ. વળી ‘બસ’ શબ્દ વાપરીને કવિ એવી ભૂમિકા પણ માંડે છે કે એમનું આમ કહેવું એ અહંથી તદ્દન અળગું છે. સહજ છે. એમાં કોઈ મોટપ નથી. આ યાત્રામાં આપણે પણ હળવાશથી તરવાનું છે. અનુગાંધી યુગના જ અને નિરંજન ભગતના સમકાલીન એવા રાજેન્દ્ર શાહનું ગીત ‘નિરુદ્દેશે’ અહી અચૂક યાદ કરવું પડે.

‘નિરુદ્દેશે
સંસારે મુજ મુક્ત ભ્રમણ, પાંશુ મલીન વેશે
‘નિરુદ્દેશે’
કવિ આગળ કહે છે કે ‘તમારું કે મારું એકે કામ ક્યાં કરવા આવ્યો છું?’ એટલે કે પ્રભુએ સોંપેલ કામ કવિ જલકમલવત કરવા માંગે છે. ન કર્મમાં કે ન એના ફળમાં બંધાયા વિના કવિ જીવનના કર્મો કરવા માગે છે. જેમાં મૂળ કર્મ તો સમસ્ત માનવજાતને પ્રેમ કરવાનું જ છે એવું પણ ઈંગિત છે. જીવનપથ પર ચાલતા ચાલતા સમય કે સંજોગો જે જે આપે એ સઘળું એમને મીઠી હવાનું વહેવું લાગે છે. જે કોઈ નવા ચહેરા માર્ગમાં મળે છે એ સૌ કવિને એવા અને એટલા તો ગમે છે કે તેઓ ઘરે પાછા ફરવા પણ નથી માગતા. કવિના મતે માણસનું મુખ્ય કર્મ એજ છે કે સૌને પ્રેમ આપવો, પ્રેમ ઝીલવો, પ્રેમ પાથરવો કે ઓઢવો. એમના માટે પ્રેમ સિવાય બધું જ દુષ્કર છે. જો કે કવિ તો એનું પણ વળગણ નથી રાખતા. કારણ કે કોઈ ઉદ્દેશ હોય તો માણસ એની સ્મૃતિમાં મનથી વિભાજીત થઇ જાય છે. જે તે ક્ષણોમાં વહેંચાઈ જાય છે. તેથી કવિ એવું બંધન પણ ઈચ્છતા નથી. રસ્તે જતા મીઠી હવા વહેતી હોય ને એમાં નવા ચહેરાઓ ઉમેરાય તો કવિ એમાં જ ધન્યતા અનુભવે છે. સુખ અને પૂર્ણતા અનુભવે છે. અને એટલે જ ઘરે પાછા ફરવા પણ માગતા નથી. નવા ચહેરાઓ સાથે છ-સાત ડગલાઓ ભરી, એ ચહેરાઓ પર સુખ પાથરીને કવિ નિતાંત સુખની અનુભૂતિ સાથે સ્વપ્નમાં સરવા માગે છે. એવું કહેવાય છે કે Happiness is a by-product of an effort to make someone else happy. કવિ આવું જીવી બતાવે છે. મકરંદ દવે અહી સહજ યાદ આવી જાય.

‘માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ’

કવિ પોતે પણ એની ‘આપણો ઘડીક સંગ’ કાવ્યમાં આ જ વાત અભિવ્યક્તિ ફેરે કરે છે કે

‘કંટક પંથે સ્મિત વેરીને મ્હોરશુ ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી।’

આ જીવાતી હયાતી-આ શ્વાસનું સાફલ્ય જ એ છે કે કોઈને અપેક્ષા વિનાનો નિર્વ્યાજ પ્રેમ આપીએ. પોતાના માટે તો સૌ જીવે પણ બીજાને માટે કંઈક કરવું કે જીવી લેવું એ અદભૂત સુખની અનુભૂતિ આપે છે. કવિશ્રી હરદ્વાર ગોસ્વામીએ એના એક શેરમાં સરસ કહ્યું છે કે,

‘બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ,
એવા જણને કાજ તો સમય લખે ઈતિહાસ’

બધું જ સાનુકુળ હોય, અઢળક હોય ત્યારે તો આપવું સહેલું છે પણ પોતાનું સુખ કોરાણે મુકીને આપવું, એ પણ પાછું ઉમળકાથી એવું સૌજન્ય તો ભાગ્યે જ જોવા મળે. આમાં જે માણસને સુખ લાધે છે એને તો વીરલો જ ગણવો ઘટે. કવિ આવી ક્ષણો ઝંખે છે. જો કોઈના મોં પર સુખની સુરખી લાવી શકાય તો કવિને બીજા કોઈ કામની ખાસ પરવા પણ નથી.

કવિ આગળ કહે છે કે ‘જાદુ એવો જાય જડી….’ એટલે કે આ રીતે પ્રેમ કરવા તો આખું આયખું પણ ઓછું પડે. અને માર્ગો પણ. એટલે જ કવિ એવો જાદુ હાથવગો કરવાની ઇચ્છા પ્રગટ કરે છે કે કોઈ બે ઘડી માટે પણ મળે તો એટલી પળોમાં ય તેને ચાહી શકાય. ત્યારે એને પ્રેમનું નાનકડું ગીત પણ ગાઈ લેવું છે અને તેને પૃથ્વીના કર્ણપટે રેલાવવું છે. આમ એકવાર એ રેલાયા પછી તો એ નિર્બંધ બધે વહેવાનું જ એવી એમને હૈયાધારણ છે. પછી તો સૌ એ પ્રેમના ગીતને ઝીલશે, ગાશે અને એમાંથી મળતા સુખનો સૌને ચેપ લાગશે. સપનાને લાંબા ગાળે સાચા પડવાની ટેવ હોય છે. કવિનું આ સપનું ય સાચું કેમ ન પડે? કવિ બાલમુકુન્દ દવે પણ આવું જ કૈક કહે છે,

‘ઓર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રેમનું ગાવું’

કવિ રમેશ પારેખ ‘કવિનું વસિયતનામું’ અછાંદસમાં કવિ પોતાના ચક્રવર્તીવેડામાં રૈયતના ઘરે ઘરે સુખરૂપી પતંગિયાના તબેલા બંધાવવા અને સૌના આંગણામાં કલ્પવૃક્ષ વાવવા શા માટે ઈચ્છે છે? ગમતાનો ગુલાલ કરવાજ ને ! કોઈ શક?

ટૂંકમાં કવિ જાણે રમતારામ છે. ન કોઈને બાંધે છે; ન બંધાય છે. ન કોઈ હેતુ છે, ન કોઈ મંઝીલનું વળગણ. સહજના કિનારે જે કંઈ અહેતુક થતું રહે તે જ હોંશેથી ઝીલવા કવિ આતુર છે. વળી ‘આપવાના’ કોઈ ભાર વિના, નિસ્વાર્થપણે તેઓ પૃથ્વીના ખોળે પ્રેમનું ગીત ધરવા માગે છે. પ્રેમની જાદુઈ છડી ફેરવી એક પ્રેમમય જગત સર્જવા માગે છે અને એમાં જ પોતાની હયાતીનું સાફલ્ય માને છે. અંગ્રેજીમાં કોઈએ બહુ સરસ વાત કરી છે કે ‘It is sad not to be loved but it is much sadder not to be able to love.’ કોઈ તમને ન ચાહે એ તો ખેદની બાબત છે જ છે પણ તમે કોઈને ચાહી શકવા સક્ષમ નથી એ એનાથી પણ વધુ ખેદની બાબત છે.
અંતમાં નિરંજન ભગતનું જ આ જ ભાવનું ગીત સૌને મમળાવવું ગમશે,

ચાલ ફરીએ !
આવે ક્યાં કંઈ લઈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો
નિતનવા કંઈ તાલ કરીએ.

એકલા રહેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી
એમાં મળી જો બે ઘડી,
ગાવા વિષે, ચ્હાવા વિશે તો
આજની ના કાલ કરીએ !

ચાલ ફરીએ !

********************************************************

(વે.ગુ. રવિવારી પદ્યવિભાગઃ સંપાદન સમિતિ વતી,
રક્ષા શુક્લ અને દેવિકા ધ્રુવ )


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની  કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

1 thought on “ફરવા આવ્યો છું

Leave a Reply

Your email address will not be published.