ફિલ્મસંગીતના નકશીકારો : (૧૮) શર્મા પરિવાર

પીયૂષ મ. પંડ્યા

ફિલ્મી સંગીત ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરી જનારાં બે પરિવારો – લોર્ડ્સ અને સોઢાઓનો – પરિચય આપણે અગાઉની કડીઓમાં મેળવી ગયા છીએ. આજે વધુ એક કુટુંબની વાત કરીએ. એ પરિવારમાં સંગીતની શરૂઆત થઈ રામપ્રસાદ શર્માથી. એમના પુત્રો ગોરખનાથ, ગણેશ, આનંદ અને નરેશ. એ પછીની પેઢીના મોન્ટી અને મિથુન, આમ પેઢી દર પેઢી આ એક કુટુંબ હિન્દી ફિલ્મી ગીતોને સજાવતું રહ્યું છે. આટલી ઓળખ પૂરતી ન થતી હોય તો રામપ્રસાદજીના એક પુત્રનું નામ ઉમેરી દઈએ….. પ્યારેલાલ, મશહૂર લક્ષ્મીકાંત- પ્યારેલાલ જોડીના એક અભિન્ન અંગ.
બન્યું છે એવું કે પ્યારેલાલના પ્રભાવમાં આ પરિવારના બાકીના સભ્યોનું પ્રદાન ભાગ્યે જ ચાહકોના ધ્યાને પડ્યું છે. બાકી અહીં ઉલ્લેખાયેલા દરેક શર્માએ ફિલ્મસંગીતના સમૃધ્ધિકરણમાં પોતપોતાનો ફાળો આપ્યો છે.

આજની કડીમાં વાત કરીએ રામપ્રસાદ શર્માની.

ફિલ્મી સંગીતના પ્રારંભિક ગાળામાં મોટા ભાગના સંગીત નિર્દેશકો સર્જક તરીકે ખાસ્સા સક્ષમ હોવા છતાં એમની મર્યાદા એ હતી કે એ લોકો સંગીત બનાવી જાણતા હતા, લખી શકતા નહોતા. એમાંના મોટા ભાગના પંજાબથી, બંગાળથી અથવા ઉત્તર ભારતથી તૈયાર થયેલા હતા. એ જ રીતે વાદકો પણ એ ક્ષમતા ધરાવતા નહોતા. એક તબક્કે ગોવાથી પાશ્ચાત્ય સંગીત શીખેલા કાબેલ વાદકો મુંબઈ તરફ ખેંચાયા . એ લોકો સ્વરલીપિ/Notations લખી જાણતા હોવાથી જે તે વાદ્ય વગાડવાની સાથે સાથે સંગીતકારોના સહાયક તરીકે પણ કામ કરવા લાગ્યા. એ ક્ષેત્રે આવી રહેલા ક્રાંતિકારી પરિવર્તનની આ શરૂઆત હતી.

એ સમયગાળામાં ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આવેલા રામપ્રસાદ સ્વરલીપિ સુપેરે લખી શકતા હતા. વળી એ પાશ્ચાત્ય તો ખરી જ, સાથે ભારતિય શાસ્ત્રીય સંગીતની સ્વરલીપિ લખવાનું પણ જાણતા હતા. ઉપરાંત ટ્રમ્પેટના અને વાયોલીનના ખુબ જ ઊંચા ગજાના વાદક પણ હતા.

એમના ટ્રમ્પેટવાદનથી સજાવાયેલાં બે અમર ગીતો સાંભળીએ. ફિલ્મ ‘દુલારી’ (૧૯૪૯)ના પ્રસ્તુત ગીતની લોકપ્રિયતામાં 1.49 થી 2.03 દરમિયાન વાગી રહેલા ટ્રમ્પેટનો અગત્યનો ફાળો છે.

ફિલ્મ ‘અનમોલ ઘડી’(૧૯૪૬) ના પ્રસ્તુત ગીતમાં 1.37 થી 1.52 સુધી વાગી રહેલા ટ્રમ્પેટના સ્વરો અત્યંત પ્રભાવશાળી છે.

૧૯૦૦ની સાલમાં ગોરખપુર ખાતે જન્મેલા રામપ્રસાદ શર્મા મૂળભૂત રીતે તો શાસ્ત્રીય સંગીતના ઉપાસક હતા. ઉપર જણાવ્યું એમ ટ્રમ્પેટ અને વાયોલીન તો ખરાં જ, સાથે અન્ય વાદ્યો પણ ખુબ જ કુશળતાથી વગાડી જાણતા હતા. ખુબ જ નાની વયથી એમની સંગીત પ્રત્યેની લગન અને આવડતથી પ્રભાવિત થઈને ગોરખપુરના રાજ્યના બેન્ડ માસ્ટર એમને કેળવવા માટે પોતાની સાથે ભરતપુર લઈ ગયા. ત્યાં સઘન તાલિમ લીધા પછી રામપ્રસાદ કલકત્તા ગયા અને ત્યાંના ન્યુ થિયેટર્સ તેમ જ કોલમ્બીયા રેકોર્ડીંગ કંપનીમાં કરારથી જોડાયા.આ રીતે ફિલ્મી સંગીતની ઉભી થઈ રહેલી દુનિયામાં એમનું પદાર્પણ થયું. જો કે એમની કુશળતા માત્ર સંગીત પૂરતી મર્યાદિત હતી. વ્યવસાયિક રીતભાતો એ જરાયે વિકસાવી ન શક્યા. ૧૯૩૮માં રામપ્રસાદે મુંબઈ ખાતે સ્થળાંતર કર્યું. અહીં પણ એમને પોતાની ક્ષમતા પ્રમાણેનું કામ મળતું ન હતું. એ સમયે માંડ છ વર્ષના પ્યારેલાલને એમણે વાયોલીનની તાલિમ આપવાનું શરૂ કરી દીધું. એને પરિણામે માત્ર નવ વર્ષની ઉમરથી જ પ્યારેલાલ ફિલ્મી વાદ્યવૃંદોમાં વગાડવા લાગ્યા હતા.

મુંબઈમાં સ્વતંત્ર સંગીત આપવાની કેટલીક તકો રામપ્રસાદને મળી. ‘નયી બાત’(૧૯૪૭), ‘શક્તિ’(૧૯૪૮), ‘બેદર્દ’ તેમ જ ‘અન્યાય’ (બન્ને ૧૯૪૯) અને ‘ડોલતી નૈયા’(૧૯૫૦)માં એમનું સંગીત હતું. એ પછી છેક ૧૯૬૪માં ‘મેજીક કાર્પેટ’ નામની એક ફિલ્મ માટે એમણે સંગીત આપ્યું, જે એમની આખરી ફિલ્મ બની રહી. આમાંની એકપણ ફિલ્મ વ્યવસાયિક સફળતા પામી શકી નહીં. પરિણામે રામપ્રસાદનાં બનાવેલાં ગીતો જરાયે પ્રસિદ્ધિ ન પામ્યાં. આ કારણથી એમને સ્વતંત્ર કામ મળતું બંધ થઈ ગયું. વળી સમાધાનવૃત્તિનો અભાવ પણ એમને તીવ્ર હરિફાઈના માહોલમાં નડતો રહ્યો. આથી મહદઅંશે રામપ્રસાદ સી. રામચંદ્ર અને નૌશાદ જેવા સંગીતકારોના સહાયક તરીકે અને વિવિધ વાદ્યવૃંદોમાં ટ્રમ્પેટ અને વાયોલીનના વાદક તરીકે કાર્યરત રહ્યા. હા, તે એક ઉત્તમ સંગીતશિક્ષક હતા અને એ પ્રવૃત્તિને આવકના મોટા સંસાધન તરીકે વિકસાવી શક્યા હોત. પણ, એમણે એક ભેખધારીની જેમ આજીવન વાયોલીનવાદન અનેકોને નિ:શુલ્ક ધોરણે શીખવ્યું. કેટલાંયે ગરીબ ઘરનાં બાળકોને તો ટ્રમ્પેટવાદન પણ એ જ ધોરણે શીખવતા. સક્ષમ હોય તેવા શિષ્યો પાસેથી એ ટ્રમ્પેટવાદન શીખવાડવા માટેની ફી લેતા. રામપ્રસાદ શાસ્ત્રીય સંગીતના ઊંચા ગજાના જાણકાર હોવાથી એના વર્ગો પણ લેતા. એમના અગણિત શિષ્યોમાં સિતારવાદક અબ્દુલ હલીમ જાફરખાન, સરોદવાદક ઝરીન દારૂવાલા, વાયોલીનવાદક ફૈયાઝખાન, ઉત્તમસિંઘ અને હ્રદયનાથ મંગેશકર જેવા સમર્થ તેમ જ સુખ્યાત લોકોનો સમાવેશ થાય છે. નૌશાદ અને સી.રામચંદ્ર પણ સ્વરલીપિની પધ્ધ્તિસરની તાલિમ માટે રામપ્રસાદ પાસે જતા હતા.

રામપ્રસાદનું બનાવેલું ફિલ્મ ‘શક્તિ’નું સુરૈયાના સ્વરમાં રેકોર્ડ થયેલું એક ગીત એમના સામર્થ્યની ઓળખ આપે છે.

રામપ્રસાદજી પોતે વ્યવસાયિક સફળતાને ન વર્યા, પણ એમના સીધા વારસદારો એવા પુત્રો અને પૌત્રોએ દાયકાઓ સુધી હિન્દી ફિલ્મસંગીતને સમૃદ્ધ બનાવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તે ઉપરાંત એમની પાસેથી વાદનની અને નોટેશન્સની તાલિમ લઈને આ ક્ષેત્રે આગળ વધેલા અનેક વાદકો તો અલગ. ૧૯૯૫ના ઓગસ્ટ મહિનાની ૨૨ તારીખે અવસાન પામેલા રામપ્રસાદજીએ ફિલ્મસંગીતને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે બહુ જ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમના પાંચ પુત્રો – પ્યારેલાલ, ગોરખનાથ, ગણેશ, મહેશ અને નરેશ પણ પોતપોતાનું સ્થાન બનાવીને આગળ વધ્યા છે. આગળ વધતાં ત્રીજી પેઢીના સભ્યો મોન્ટી અને મનીષ આજે પણ સ્વરનિર્દેશક તરીકે અને વાદક તરીકે જાણીતા છે.
*———————*—————————–*—————————*———————-*

ગોરખનાથ શર્મા

ફિલ્મસંગીતના ઈતિહાસના એક ઉત્કૃષ્ટ ગીટારવાદક તરીકે નિર્વિવાદ ધોરણે પ્રસ્થાપિત થયેલા ગોરખનાથની વ્યવસાયિક શરૂઆત માત્ર ૧૪ વર્ષની ઉમરે એમણે વગાડેલા મેન્ડોલીનના અંશ થકી થઈ હતી. ફિલ્મ ‘ચૌદહવી કા ચાંદ’ (૧૯૬૦)ના આ ગીતનો ઉલ્લેખ થાય એ સાથે જ ચાહકોના કાનમાં એ કર્ણપ્રિય ટૂકડાઓ ગુંજવા લાગે છે.

તા.૨૮/૧૨/૧૯૪૬ના રોજ રામપ્રસાદ શર્માના બીજા ક્રમના પુત્ર તરીકે જન્મેલા ગોરખનાથને પિતાએ શરૂઆતમાં એક મેન્ડોલીનવાદક તરીકે તૈયાર કરવાનું ધાર્યું હતું. પણ એન્થની ગોન્સાલ્વીસે એમને ગીટાર શીખવાની સલાહ આપી. એનીબાલ કેસ્ટ્રો નામના એક ગીટારવાદક પાસેથી સઘન તાલિમ લઈને યુવાન ગોરખે ખુબ જ ઝડપથી એ વાદ્ય ઉપર પણ કાબુ મેળવી લીધો. ૧૯૬૦ થી શરૂ થઈને ૨૦૦૩ સુધી ચાલેલી કારકીર્દિમાં ગોરખનાથે ૫૦૦ કરતાંયે વધુ ફિલ્મોનાં ૧૦૦૦થી વધારે ગીતોમાં ગીટાર, મેન્ડોલીન, ચેલો અને રબાબ જેવાં વાદ્યો વગાડ્યાં છે. તે ઉપરાંત એમણે ૧૯૬૭થી લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીના સહાયક સંગીતકાર તરીકે પણ લાંબા અરસા સુધી કામ કર્યું. એક અંદાજ પ્રમાણે ગોરખે આ સંગીતકાર જોડીની ૪૭૫ જેટલી ફિલ્મોના સંગીત વિભાગમાં વાદક/સહાયક/ એરેન્જરની હેસીયતથી સાથ આપ્યો છે.

પ્યારેલાલ અને ગોરખનાથ

કારકીર્દિની શરૂઆતથી જ ગોરખ વિવિધ સ્થળોએ યોજાયેલા સ્ટેજ પ્રોગ્રામ્સમાં વગાડતા રહ્યા. ફિલ્મી દુનિયામાંથી નિવૃત્તિ લીધા પછી પણ એમણે આ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આવા એક કાર્યક્રમમાં વગાડી રહેલા યુવાન ગોરખનાથની એક લાક્ષણિક છબી જોઈએ.

માત્ર અને માત્ર ગોરખનાથના ગીટારવાદનના અંશો વડે જ જાણીતાં બની રહ્યાં હોય એવાં કેટલાંક ગીતો સાંભળીએ.
ફિલ્મ ‘મિ.એક્સ ઈન બોમ્બે’ (૧૯૬૪)નું કિશોરકુમારના અવાજમાં ગવાયેલું યાદગાર ગીત….

મહમ્મદ રફીએ ગાયેલું ફિલ્મ ‘નાઈટ ઈન લંડન’(૧૯૬૭)નું ગીત….

ફિલ્મ ‘મેરે હમદમ મેરે દોસ્ત(૧૯૬૮)નું ગીત મહમ્મદ રફીના સ્વરમાં….

ગોરખનાથના વાદનથી પ્રભાવિત થયેલા રાહુલ દેવ બર્મને ફિલ્મ ‘હરે ક્રિશ્ન હરે રામ’ (૧૯૭૧)ના એક ગીતમાં ગીટાર વગાડવા માટે બોલાવ્યા. એમાં લીડ ગીટાર એટલે કે જેના સ્વરો સતત સંભળાતા રહે છે તે પ્રસિધ્ધ ગાયક ભુપીન્દર સિંઘે વગાડ્યા હતા, જ્યારે બાસ ગીટાર કે જે વિવિધ સ્વરસંયોજનો અને ચોક્કસ તાલ આપીને ગીતને ભર્યુંભર્યું બનાવે છે, તે ગોરખનાથે વગાડી હતી. લગભગ સરખી ઉમરના એવા ગોરખનાથ અને ભુપીન્દર વચ્ચે સારી મૈત્રી હતી. ગીતની ક્લીપ પછીની છબીમાં એ બંનેને સાથે જોઈ શકાય છે.

ફિલ્મ ‘બોબી’(૧૯૭૩)નું શૈલેન્દ્ર સિંહે ગાયેલું ગીત. આ ગીતના નિર્માણ વખતે એક સહાયક તરીકે કાર્યરત એવા ગોરખનાથે જે જે સૂચનો કર્યાં તે સંગીતકારોએ સ્વીકાર્યાં અને અમલમાં પણ મૂક્યાં હતાં.

૧૯૭૪ની ફિલ્મ ‘અમીર ગરીબ’માં કિશોરકુમારે ગાયેલું ગીત….

એ જ વર્ષમાં આવેલી ફિલ્મ ‘ઈમ્તિહાન’નું ખુબ જ લોકપ્રિય એવું ગીત…

એક વધુ ગીત કે જેના ઈન્ટરલ્યુડ્સમાં 1.52 થી 1.59 સુધી અને 3.27 થી 3.36 સુધી ગોરખનાથે ગીટારના એવા અવિસ્મરણીય અંશો વગાડ્યા છે કે આજે પણ ગીટાર વગાડવાનું શીખનારાઓ માટે એ વગાડવાની કસોટી પસાર કરવી એ લક્ષ્ય હોય છે. આ ગીત ફિલ્મ સરગમ(૧૯૭૯)નું છે.

યુ ટ્યુબ ઉપર કેટલીક એવી ક્લીપ્સ ઉપલબ્ધ છે, જેમાં એમને વગાડતા તો જોઈ-માણી શકાય છે, સાથે એમના કવનની વાતો પણ જાણવા મળે છે. એ પૈકીની એક પ્રસ્તુત છે….

પ્રસ્તુત ક્લીપમાં ગોરખનાથની બંને બાજુએ બે ગીટારવાદકો ઉપર ઉલ્લેખ થયો છે એ ‘બાસ ગીટાર’ વગાડી રહ્યા છે. ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ ‘બેઝ ગીટાર’ તરીકે કરવામાં આવે છે, તે અનુચિત છે.

ફિલ્મ ‘કર્ઝ’ (૧૯૮૦)ના આ ગીતના ગીટારના ટૂકડાઓ એટલા તો લોકપ્રિય થયા છે કે ગોરખનાથની કલાના પર્યાયસમ બની ગયા છે. કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં એમની ઉપસ્થિતિ હોય તો શ્રોતાઓ ખાસ આ અંશો સાંભળવા માટે ઉત્સુક રહેતા. નોંધનીય છે કે આ ટૂકડાઓ ખુદ ગોરખનાથે જ નિયોજિત કર્યા છે. ગીત તે પછી લખાયું હતું અને તેનું સ્વરનિયોજન થયું હતું.

ગોરખનાથ ૨૦૦૩ની સાલમાં ફિલ્મી ક્ષેત્રથી દૂર થયા પછી પણ સંગીત સાથે અભિન્ન રીતે જોડાયેલા રહ્યા. અનેક શિષ્યોને પોતાનું જ્ઞાન અને આવડત વહેંચ્યાં. તારીખ ૨૦૧૭માં અસાધ્ય બિમારીમાં સપડાયા પછી એમણે સંપૂર્ણ નિવૃત્તિ લીધી. તા.૨૬ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ અવસાન પામતાં પહેલાં ગોરખનાથજી હિન્દી ફિલ્મી સંગીતને ખાસ્સું સમૃદ્ધ કરી ગયા છે.

રસ ધરાવનારાઓને ખાસ અનુગ્રહ છે કે ઉપર સૂચવેલાં ગોરખનાથના વાદનથી સજેલાં ગીતો ઉપરાંતનાં અન્ય ગીતો કે જે યુટ્યુબ ઉપર આસાનીથી મળી આવે છે, તેને મેળવી અને માણશો.

*———————*—————————–*—————————*———————-*

શર્મા કુટુંબના અન્ય સભ્યોનો ટૂંકો પરિચય આ મુજબ છે. ગોરખનાથથી નાનાભાઈ ગણેશે ‘ઠાકુર જરનૈલ સિંઘ’, (૧૯૬૬), ‘અંજામ’(૧૯૬૮), ‘એક નન્હી મુન્ની લડકી થી’(૧૯૭૦), ‘એક નારી દો રૂપ’(૧૯૭૩) અને ‘ચાલાક’(૧૯૭૩) સહિતની સોળ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. એ પૈકીનું ‘ઠાકુર જરનૈલ સિંઘ’નું આશા ભોંસલેનું ગાયેલું એક ગીત આજે પણ રસિકોને યાદ છે.

રામપ્રસાદના અન્ય એક પુત્ર મહેશે કિશોર નામક અન્ય સંગીતકાર સાથે જોડી બનાવી, બે-ત્રણ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. પણ એ સાહસ સફળ ન થયું. જો કે એ એક વાયોલીનવાદક તરીકે ટકી રહ્યા. એ જ રીતે નરેશે પણ એક વાદક તરીકે પોતાનું સ્થાન બનાવી રાખ્યું હતું.
એ પછીની પેઢીના મોન્ટી શર્માએ ૨૦૦૭ની ફિલ્મ ‘સાંવરીયા’નું યાદગાર સંગીત તૈયાર કર્યું છે. મોન્ટી આનંદ શર્માના પુત્ર છે. એ વિવિધ સંગીતકારો સાથે એક ઉત્કૃષ્ટ સીન્થેસાઈઝર વાદક તરીકે પણ સતત કાર્યરત રહે છે.

એમની જ પેઢીના એક અન્ય સભ્ય અને નરેશ શર્માના પુત્ર મિથુન શર્માએ ફિલ્મ આશીકી-2 (૨૦૧૩)માટે જીત ગાંગુલી અને અંકિત તીવારી સાથે મળીને સંગીતનિર્દેશન કર્યું છે.

ફિલ્મસંગીતના ક્ષેત્રે શર્મા પરિવારનું પ્રદાન ઘણું જ મહત્વનું કહી શકાય એવું છે.


નોંધ……    તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

5 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો : (૧૮) શર્મા પરિવાર

  1. શર્મા પરિવારમાંથી માત્ર પ્યારેલાલ અને ગણેશનાં કામ વિષે જ જાણ હતી.

    શ્રી પિયૂષભાઇએ આજે એ કુંટુંબની પ્રતિભાઓનો બહુ જ અદ્‍ભૂત પરિચય કરાવ્યો છે.

  2. સાવ અજાણી વાતો જાણવા મળી. ખૂબ માહિતીપ્રદ લેખ. આભાર!

  3. પીયૂષભાઈ, તમારું આ પાસાથી હું તદ્દન અજાણ હતો. લેખ ખૂબ ગમ્યો.

  4. પિયુષ ભાઈ ફરી એક વખત પડદા પાછળના કલાકારોનો અદભુત પરિચય આપ્યો છે આ લેખમાં પ્યારેલાલજી સિવાયના અન્ય કટુમ્બીજનો ની માહિતી પહેલા ક્યારેય હતી નહિ. લીડ ગિટાર અને બેસ ગિટારના ઉદાહરણથી બંનેનો તફાવત સારી રીતે સમજાયો.

Leave a Reply

Your email address will not be published.