ઔષધીય ઉપયોગ અને પૂરક કમાણી – વગડાઉ વેલ “ખરખોડી” જાણી !

હીરજી ભીંગરાડિયા

તે  દિવસે  અમને કિશોરોને એવી ખબર નહોતી કે ‘આમલી’ ખાવાથી શરીરના સાંધા દુખે અને ‘ખરખોડી’ ખાવાથી આંખો સારી રહે ! અમારા માટેતો ઝટ હાથમાં આવતી આ બે ચીજો રોંઢે પેટમાં ઠેકડા મારતી ભૂખને હેઠી બેસારી દેનારી હતી.

ઘટના બહુ જૂની-1957-58 ની સાલની છે. ત્યારે અમે ચોસલા ગામમાં રહેતા. અને ધોરણ પાંચથી દસ સુધી હું માલપરા લોકશાળામાં છાત્રાલયમાં રહી ભણેલો. સંસ્થાના રસોડે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું વાળું-ત્રણે ટાણાં સારું જમાડે. ધરાઇને ખાઇ લઇએ એટલે શિયાળે-ચોમાસે તો વાંધો નહીં, પણ ઉનાળાનો દિવસ હોય લાંબો ! રોંઢે ભૂખ લાગે. ગામમાં જેનાં ઘર હોય એ બધા નિશાળીયા તો સાડાત્રણથી ચારની રીશેષમાં ઘેર જઇ કશુંક કટક-બટક કરી આવે, પણ રસોડે જમનારને-અમને તો બધું ટાણાહર જ મળેને ? પણ અમે અમારી ભૂખ સંતોષવાનો રસ્તો ખોળી કાઢેલો !

ગામના મુખ્ય પ્રવેશદ્વારે તે દિ’ હતો ભંગીવાસ, અને એની અધોલે હતું એક આમલીનું ઝાડ ! રોંઢાની રીશેષના ડંકા પડ્યા ભેળા ગામનાં બાળકો દોડે એના ઘર ભણી, અને હું, શંભુ અને છગન [ હવેતો બન્ને શંભુભાઇ અને છગનભાઇ મટી શંભુદાદા અને છગનદાદા થઇ ગયા છે] ત્રણે હડી કાઢતાકને ચડી જઇએ આમલીના ઝાડ ઉપર ! કૂણો કૂણો મ્હોર અને ખિલેલાં ફૂલો હોય ત્યાં સુધી એ, અને એ ખૂટે પછી એનાં કૂણાં પાંદડાં [‘કાતરા’તો કદિ આવવા જ નહોતા દીધા] બસ ! ધરાઇ જવાય એટલા ખાઇ લેવાના.

પણ એમાંય પાછી મુશ્કેલી ઊભી થઇ. રોજેરોજ અમે ત્રણ બકરાં પાંદડાં ખાધા કરીએ એટલા પાછા નવા પાંદડાં થોડા આવે ?  ક્યાંક બીજે નવી શોધ કરવી પડે તેવું થયું. અમારા એ બન્ને વાસ્કો-ડી-ગામા જેવા સાહસિક સંશોધકોએ સઘનક્ષેત્રના કારીગર-આવાસ પાછળ, દેવરાજભાઇ મોરડિયાની વાડીની થૉરની વાડ્યમાં બહુ ફાલી ગયેલો ખરખોડીનો એક વેલો ખોળી કાઢ્યો. કામ થઇ ગયું મુરબ્બીઓ ! પછીતો અમે નાસ્તાની બે આઇટમોના એકાંતરા વારા કરી નાખ્યા. એક દિ’ ખાવાની આમલી અને બીજે દિ’ ખાવાની ખરખોડી ! એના સુડિયાં[ફળો], ફૂલડાં, પાંદડાં, અને છેલ્લે તેનાં ડાંડલા ચાવી જવાની મજા માણવાનો જે અનુભવ લીધો છે તેની સાંભરણ આજ સીત્તેર  છાંડી ગયા પછીય એવોને એવો આનંદ આપી જાય છે. એના થકી મળતાં અનેકવિધ ઔષધિય ગુણોની જાણ થયા પછીતો એનો ચેપ મેં ઘણા બધાને લગાડ્યો છે. અમારા સંયુક્ત કુટુંબના 29 સભ્યોના અમદાવાદ,સૂરત, સચીન અને માલપરાના છ એ છ રહેણાકી મકાનોના દરવાજે પહેરેગીરની જેમ ખરખોડી પહેરો ભરે છે. નાનેથી માંડી મોટેરા સુધીના બધા જ સભ્યો  આવતા-જતા ખરખોડીના થોડાં પાન, કે ફૂલ, અરે ! એકાદ-બે કૂણાં ડોકાં સહજ રીતે જ તોડીને મોંમાં મૂકતા જાય છે. આંખની નબળાઇ બાબતનો આખા કુટુંબનો વીમો બસ, દરવાજે આશરો આપવા માત્રના નજીવા પ્રિમીયમથી ઉતારી આપ્યો છે એ વેલાએ. કોઇને માયનસ-પ્લસના નંબરતો શું ? 87 વરસના અમારા વૃધ્ધ દાદીમાંને મોતિયાથી પણ ખરખોડીએ બચાવ્યા છે.

ખરખોડીના ઔષધિય ઉપયોગ = તમે કરી જોજો ! બહુ ભારે શરદી થઇ હોય, નાક-કપાળ બધું ભારે ભારે લાગતું હોય અને દુ;ખાવાના સણકા મારતું હોય ત્યારે ખરખોડીના વેલા પાસે જઇ, કુણું ડોકું તોડી, હળવેકથી નાકની અંદર થોડુંક દાખલ કરી, અંદરથી નીકળતો દૂધિયો રસ ટપકાવી, સૂરજ સામે ઘડિક મોં ટેકવી રાખજો ! છીક પછી છીંક શરુ થઇ જશે અને માથું, કપાળ બધાં હળવાં ફૂલ બની જશે.

આપણે એને “ ડોડી ” કે “ ખરખોડી ” ના નામથી ઓળકીએ છીએ પણ એને એક નવું નામ “ જીવંત વિયાગ્રા ” આપવું પણ સાર્થક છે. કારણકે પુરુષોની નપુસંકતા દૂર કરી, કામશક્તિની વૃધ્ધિ એના સેવનથી થઇ શકે છે. ખાસ કરીને સુવાવડી સ્ત્રીઓને કે જેમને ધાવણ ઓછું આવતું હોય તેઓ જો સુકાંપાંદનું ચૂર્ણ દૂધ સાથે લે તો ધાવણની વૃધ્ધિ જરૂર થાય છે. કોઠાનો રતવા હોય તો તેણે મૂળનું ચૂર્ણ લેવાય. દમ વાળાને એનું ચૂર્ણ મધ સાથે લેવાય. ઘા કે સોજા ઉપર મૂળિયું વાટી લેપ કરાય. રતાઅંધળાપણું કે આંખના દર્દ માત્રમાં  તેનાં પાંદ કે ફૂલ ખાવાથી લાભ થાય. કોઇને ગરમી લાગી ગઇ હોય, પેશાબની તકલીફ હોય, ક્ષયની શંકા હોય કે અશક્તિમાં વધારો થઇ રહ્યો હોય-આ બધા દર્દોની અક્સીર દવા ખરખોડીનું સેવન છે. તમે માનશો ? વેટરનરીવાળા પણ ગાય-ભેંશ જેવા પાલતુ પ્રાણીઓ નું દૂધ વધારવા અને તેને થયેલ ધનૂરવા મટાડવા ખરખોડી ખવરાવવાની ભલામણ કરે છે. ખરખોડીના આટલા બધા ગુણ હોય તેને “જીવંતી” કે “જીવંતિકા” જેવા માનભર્યા નામથી લોકો સંબોધવા લાગ્યા છે.

સાજા માણસોને ખવાય ? હા, હા, જરૂર ખવાય ! ઉપર પૈકીના દર્દવાળા ખાય તો દર્દમા રાહત થાય જ. પણ સાજા માણસો ખાવાનું શરુ કરે  તો આવા દર્દો ભવિષ્યમાં કદિ, ઢૂકડા આવવાનું વિચારતા હશે તો આવવાનું જ માંડી વાળશે !

ઓળખ ખરખોડીનો છોડ નહીં, વેલો થાય છે. વેલાપર પાંદડાં સામસામે, ગોળ, અને ગંજીપત્તાના લાલના એક્કાના ઘાટના, ગાદીવાળા અને નીચે થોડી રૂંવાટી, પણ ઉપલી સપાટી સાવ લીસ્સી. આછો કે ઘેરો લીલો એંનો રંગ અને ફૂલો ખીલે એની નાની નાની ગુચ્છીઓ રૂપે. ફળો લાગે એક ગુચ્છાપર બે-ત્રણથી ચાર-પાંચ સુધી – લાંબા, પેટ પહોળું અને પૂંછડી પ્રમાણમાં પાતળી-ભીંડાની નાનકડીશી 2-3 ઇંચની કૂણી કૂણી શીંગ જેવા ! સ્વાદે અને ખાવામાં બધા હોય છે એટલા જ રૂચીકર.

ઉપયોગની રીત= ફૂલો, ફળો, પાંદડાં કે મૂળિયાં-ડાળી મૂળ સ્વરૂપે સીધા લીલેલીલા ખવાય તો  અતિ ઉત્તમ ! જૂઓ, એના કુણાં પાંદ સાફ કરી સીધા ચાવી જવાય-સ્વાદ મીઠો ને મધુર હોય છે, ભાવશે જ ! તેનાં કુણાં ડોકાં પણ ખવાય. જ્યારે ફૂલો ખીલે ત્યારે તેના લૂમખા આખે આખા ખાવામાં તો ઓર લીજ્જત આવે. ફળ તોડતાવેત ડીંટા પર પીળું દૂધ જેવું ઘટ્ટ પ્રવાહી  અંદરથી નીકળે છે- તે નજરને ન ગમે તો ખંખેરી નાખીએ – નહીં તો દૂધ સમેત પણ સ્વાદમાં સરસ લાગશે.એ દૂધ તો ફળનો રસ છે, જે બહુ તાકાતવાળો છે.

અને જો બીજી રીતે ઉપયોગ કરવો હોય તો  કુણાં ફળો એટલેકે “ સુડિયા”નું શાક બહુ સરસ થાય છે. કુણાં કુણાં પાંદા અને ટહરોની ભાજી સરસ બનશે. કુણાં ફળોને હળદર-મીઠાવાળા કરીને બોળિયા મરચા, બોળિયા આમળાની જેમ “બોળિયા સુડિયા”નું  અથાણું પણ બનાવી ખાઇ શકાય. અને તેના પાંદ, ડાંડલાનાં કટકાની સુકવણી કરી, મિક્સરમાં મસળી-બનાવેલો પાવડર દૂધમાં નાખીને પણ ઉપયોગમાં લઇ શકાય. ઉપયોગ કેમ કરવો તે દરેકની મૌલિક રૂચી-પસંદગીનો વિષય છે ભાઇ !

ખરખોડીની ખેતી : વાત જરા વિચિત્ર લાગીને ?  તેનીયે ખેતીનું ક્ષેત્ર આપણી વાટ જૂએ છે હો ! ખરખોડીના પ્રકાર છે બે. એક “જંગલી ડોડી” અને બીજી “વગડાઉ ડોડી”- જેનું ઔષધિય મૂલ્ય બહુ છે. એને આપણે “ ઘરઘરાઉ” બનાવવાની છે તેવી આ ખરખોડીની કાળજી પૂર્વક ખેતી કરવામાં આવે તો સારીએવી આવક આપવાનું ગજું ધરાવે છે.

વર્ધનની પધ્ધતિ = તેના વર્ધનની રીત જરા વિશિષ્ટ છે. ફળો જ્યારે પાકા બને ત્યારે તેની અંદર રૂ ના રેસાની તળાઇમાં પોઢેલાં હળવાં એવાં બીયાં બધાં ફળ સુકાતા ખુલ્લા થઇ ચો તરફ એની હવાઇ છત્રી દ્વારા અંહી તંહી વિસ્તરણ અર્થે પવનમાં ઘૂમવા લાગતાં હોય છે, અને ઝાળાં-ઝાંખરાં કે વાડ્ય-શેઢાના ઓથારે જ્યાં ઉતરી પડાયું હોય ત્યાં વરસાદી પાણી મળતાં ઊગી નીકળતા હોય છે. પણ આપણે જ્યારે વ્યસ્થિત વાવેતર જ કરવું હોય ત્યારે તેના પાકા ફળોને વેલા ઊપરથી ઉતારી લઇ, ઉપર ઝીણું કપડું ઢાંકી, સૂર્યતાપમાં સૂકાવી, રૂના રેસાથી બીજને અલગ કરી, થેલીઓમાં રોપા ઉછેરી દેવાય. અગરતો કોળામણીની રુતુમાં તેના પરિપક્વ ડાંડલાના કટીંગ ચોપીને પણ વૃધ્ધિ કરી શકાય છે.

બહુવર્ષિયપાક હોવાથી દર વરસે રોપણીની જરૂર પડતી નથી. બે ચાસ અને બે છોડ બન્ને બાજુ એક એક મીટરનું અંતર રાખ્યું હોયતો છોડની સંખ્યા ઘણીબધી રાખી શકાય છે. ખરખોડી મૂળે તો વાડનો વેલો  છે એટલે જમીનના પ્રકાર સંબંધે કોઇ ખાસ  માગણી નથી. પણ એને જો ખેતીના એક રળાઉ પાક તરીકે વાડીપડું મળી જાય તો તો ખરખોડી રાજીનારેડ થઇ જાય છે. જરૂરી ખાતર-પાણી આપી દ્યો ! બસ, સમજોને એને પુરતું થઇ પડ્યું ! રોગ-દોગમાં પોતે જ પોતાની રીતે લડી લે ! હા. જીવાતમાં એક પીળીમોલો સામે ઝઝૂમવામાં એની મદદે જવું પડે એ વાત ખરી !

ઉત્પાદન અને બજાર = ઔષધિય ઉપયોગ માટે એના સુકાવેલાં પાનનું બજાર મળતું હોય છે. વરસમાં ત્રણ વખત એના વેલાને વાઢી લઇ, પાના અને ડાંખળા બધું જ ભેળું સૂકવી નાખ્યું હોય, અને વ્યવસ્થિત ધ્યાન અપાયું હોય તો  એકરે 600 કીલો  સૂકો માલ મળી રહે. કીલોના અંદાજે રુ. 45 આસપાસનો ભાવ આપી વૈદો  અને ફાર્મસી વાળા ખરીદતા હોય છે એવું ફોરેસ્ટ ખાતાનું કહેવું છે. અગાઉથી તેમનો સંપર્ક કરી આયોજન કર્યું હોય તો ખરખોડીની ખેતી બીજા પાકોની ખેતી કરતાં જરાયે નબળી પૂરવાર નહીં થાય એવી અમોને ખાત્રી છે.

 ‘વાડ્ય માં પણ વાવી શકાય = માનોકે વાડીપડું રોકી, વ્યવસ્થિત વાવેતર કરવાનો ઇરાદો ન હોય તો વાડી ફરતેની વાડ્ય તો હોય ને ?  પછી તે થોરની હોય કે બોરડી-કેરડા કે ઝાળાં-ઝાંખરાં-ગમે તેની હોય ! બસ, એ વાડના મૂળમાં ખરખોડીના વેલા ઉછેરી દ્યો- પછી એનું કામ એ સંભાળી લેશે ! પાન, ફૂલો અને ફળો-એને વેચાણ-લાયક માલ તરીકે તૈયાર કરવાનું જ કામ આપણે કરવાનું. ડોડીના ફળ શાકમાર્કેટમાં વેચી શકાય છે. ડોડીના પાનનો પાવડર બજારમાં રુ.200 થી 500 ના ભાવથી વેચાયછે. આમ ડોડીનું વાવેતર ખેડૂતોને પૂરતી આવક આપે તેમ છે.

સાંભળો ! મહારાજા ફાર્મ એંડ નર્સરી- મુ,પો-ડુઘરવાડા,જિ.સાબરકાંઠા-વાળા જેઠાબાપા અમારી પાસેથી, પંચવટીબાગની થોરની વાડ્યપર ચડી ગયેલા માત્ર બે વેલાના પાકા ખરખોડા [સૂડિયાં] બીયાં માટે ખરીદી જઇ દર વરસે 2000 રુપિયાની કમાણી અમને કરાવી આપે છે. ખાસ જમીન રોક્યા વિના તમે પણ વાડ્ય ઉપર વેલો ચડાવી આવું કરી શકો તો હું તેમને જાણ કરીશ ! તેમનો સંપર્ક નંબર છે- 98240 10544

થોડીવધુ વિગત = મેં “સ્વાશ્રયી આરોગ્ય ”-જુલાઇ-12 ના અંકમાં વાચ્યું છે કે વૈદ્ય શ્રી જીતુભાઇ પટેલ અને સાથીઓ  દ્વારા ડીસા ખાતે   કાર્યરત “કાયાકલ્પ કુદરતી ઉપચાર કેંદ્ર”ના ઉપક્રમે ‘કુદરતને ખિલવા દો આપણા આંગણે’’ અભિયાન નીચે આવી વન ઔષધિઓના રોપાના વિતરણનું મહામૂલું કાર્ય ચાલી રહ્યું છે. આ સંસ્થાએ ડોડીના 25000 રોપા તૈયાર કરીને વેચ્યા નહીં-વહેંચ્યા છે. ડોડીનું સુકું પંચાંગ આ સંસ્થા એક કીલોના રુ.60 થી 70 ના ભાવથી ખરીદીને ખેડૂતોને ઉત્તેજન આપે છે. વધુ વિગત માટે વૈદ્ય શ્રી જીતુભાઇ પટેલના મો.નં. 9426320018 ઉપર સંપર્ક સાધી શકાય

અને વધુ વિગત આપું તો……   જેમને આંગણે જીવંતિકાનો વેલો ઉછેરવાનો રસ હોય તેમણે “નવરંગ નેચર ક્લબ” અને ફૂલછાબ-રાજકોટના નેજા નીચે પર્યાવરણ રક્ષાની બહુ જબરી કામગીરી કરી રહેલા અમારા ખાસ સ્નેહી આ.શ્રી વી.ડી. બાલા સાહેબનો સંપર્ક કરવાથી  ખરખોડીના રોપા સાવ પડતર કિંમતે મેળવી શકાશે. તેમનો સંપર્ક નંબર છે-94275 63898….

આંખે નંબર ઉતારવા પગ-તળિયે ઘસો ઘી,
જીવંતીનું  સેવન કરો  કરજો  ચોસઠ  દિ’.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “ઔષધીય ઉપયોગ અને પૂરક કમાણી – વગડાઉ વેલ “ખરખોડી” જાણી !

  1. શ્રી જીતુભાઇ તો આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગકર્તા વૈદ્ય છે.

  2. ડોડી નો રસ કે જ્યુંસ મળી શકે ? મળે તો ક્યં મળે એડ્રેસ મળી શકે?
    હાલમાં હવે લોકો વધુ જાગ્રત બનીને આપણા દેશી ઓસડિયાં તરફ વળતાં થયા
    છે. આભાર છે Google and you tube.

Leave a Reply

Your email address will not be published.