અનાજના ભર્યા ભંડાર અને ભૂખ્યાં પેટ

નિસબત

ચંદુ મહેરિયા

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકાના રાઠ અંડાલે પાડા ગામની આદિવાસી યુવતી નામે હાલી રઘુનાથ બરાફની એવોર્ડ વાપસીએ ચર્ચા જગવી છે. ૨૦૧૩માં પંદર વરસની હાલીએ  અપ્રતિમ સાહસ દાખવીને તેના ભાઈને ચિત્તાનો શિકાર થતો બચાવ્યો હતો. સરકારે તેના આ સાહસને  રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી નવાજ્યું હતું. પણ હવે હાલીએ તેનો વીરતા પુરસ્કાર સરકારને પરત કરી દીધો છે. હાલીની આ એવોર્ડ વાપસી મોબ લિન્ચિંગ, સીએએ એનઆરસી,અનુચ્છેદ ૩૭૦, દિલ્હી હિંસા અને  કિસાન આંદોલનના મુદ્દે નથી પણ અન્નના દાણા માટેની છે.એટલે તે વિશિષ્ટ છે. થાણે જિલ્લાના તેના ગામ વિસ્તારના તેના કુટુંબ સહિતના ચારસો આદિવાસી પરિવારોને કોઈને કોઈ બહાને જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજથી બાકાત રાખવામાં આવી રહ્યા છે. કોરોનાના કપરા કાળમાં જીવવું દોહ્યલું બન્યું છે અને સરકારી અનાજ મળતું નથી એટલે હાલીએ વીરતા પુરસ્કાર પરત કરીને વિરોધ દર્શાવ્યો છે. ગયા વરસની જેમ આ વરસે પણ આઠ મહિના સુધી દેશના ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપવાની ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ની વડાપ્રધાને ઘોષણા કરી, તે દિવસોમાં જ અનાજ વિના ટળવળતા આદિવાસી કુટુંબોની એક દીકરીએ વીરતા એવોર્ડ પરત કર્યો તેનાથી  ગરીબોના ભૂખ્યાં પેટની વેદનાનો ખ્યાલ આવે છે.

૨૦૧૩ના નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ હેઠળ ૨૦૧૫થી ગ્રામીણ ભારતના ૭૫ ટકા અને શહેરી ભારતના ૬૦ ટકા લોકોને જાહેર વિતરણ વ્યવસ્થાનું રાશન સસ્તા દરે આપવામાં આવે છે. ૨૦૨૦થી અમલી બનેલી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ હેઠળ રેશનકાર્ડધારકના પરિવારના પ્રત્યેક સભ્યને દર મહિને ૫ કિલો ઘઉં કે ચોખા મફત આપવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં જ્યારે ગરીબોની રોજી છીનવાઈ ગઈ છે ત્યારે આ મફત મળતા દાણા તેમની ભૂખ થોડી હળવી કરે છે. સુપ્રીમ કોર્ટે તેના હાલના ચુકાદામાં સમગ્ર દેશમાં ‘એક દેશ, એક રાશનકાર્ડ’ની યોજના લાગુ પાડવા આદેશ કર્યો છે. અદાલતે જીવન જીવવાના અધિકારમાં ભોજનનો અધિકાર સામેલ છે તેમ સ્પષ્ટ કરીને કોરોનાનો સમય ચાલુ રહે ત્યાં સુધી સરકારોને કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે જોવાની તાકીદ કરી છે. આ માટે સામુદાયિક રસોડા ખોલવા અને સૂકું અનાજ વિના વિલબે પૂરું પાડવા પણ જણાવ્યું છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ ૨૦૨૦માં વિશ્વના ૧૧૯ દેશોમાં ભારતનો ૯૯મો ક્રમ છે. અજીમ પ્રેમજી વિશ્વ વિધ્યાલયના ૨૦૨૧ના સર્વેક્ષણનું તારણ છે કે  દેશના અતિગરીબ ૨૦ ટકા કુટુંબોએ આ દિવસોમાં તેમની તમામ જમા પૂંજી  ખર્ચી નાંખી છે એટલે હવે તે સાવ જ અસહાય છે.અને અર્ધ ભૂખમરો વેઠે છે.  શહેરી સ્થળાંતરિત કામદારો ગામડાઓમાં પરત જઈને મનરેગામાં મજૂરી કરે છે. ૭૨ લાખ લોકોએ તો આ વરસની ૧૦૦ દિવસની મનરેગા મજૂરી પૂરી કરી દીધી છે. મનરેગાના મજૂરો સતત વધી રહ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દેશની હાલત પોષણના મુદ્દે બદતર હોવાનું જણાવે છે. આ સ્થિતિમાં ભૂખ્યાં પેટનો એકમાત્ર આશરો સરકારનું સસ્તું ધાન અને રોજી છે.

સરકાર દેશમાં ગરીબો માત્ર ૩૩ કરોડ જ હોવાનું સ્વીકારે છે પણ મહિને પાંચ કિલો મફત અનાજના ગરીબ લાભાર્થીઓ ૮૦ કરોડ ગણાવે છે (વડાપ્રધાનના વતન રાજ્ય અને મોડેલ સ્ટેટ ગુજરાતમાં તે આંકડો ૩.૫ કઋઓડનો છે.) તેના પરથી તેની દાનત પરખાય છે. હાલમાં રેશન કાર્ડ પર ગરીબોને એક રૂપિયે કિલો જાડું ધાન, બે રૂપિયે ઘઉં અને ત્રણ રૂપિયે ચોખા આપવામાં આવે છે. ૨૦૨૧-૨૨ના અંદાજપત્ર પૂર્વેના આર્થિક સર્વેક્ષણમાં આ સબસિડાઈઝ અનાજના ભાવ વધારવાની ભલામણ કરવામાં આવી છે.

નીતિ આયોગે ગરીબોને અપાતી ખાધ્ય સબસિડીમાં રૂ. ૪૭,૨૨૯ કરોડની બચત કરવા માટે એક અફલાતુન આઈડિયા પેશ કરતાં રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષાના ગ્રામીણ  લાભાર્થીઓ ૭૫ ટકાથી ઘટાડી ૬૦ ટકા કરવા અને શહેરી લાભાર્થીઓ ૫૦ ટકાથી ઘટાડી ૪૦ કરવા જણાવ્યું છે ! ૩ કરોડ રેશનકાર્ડ ધારકોના  કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન થતાં રદ કરાયા છે.  આ બધી બાબતો તંત્રની ગરીબો પ્રત્યેની સંવેદનહીનતાના પુરાવારૂપ છે. તંત્ર જ્યારે અન્ન સબસિડીમાં સતત વધારાના ગાણા ગાય છે ત્યારે તેનું કારણ ભાવ વધારો હોવાની વિગત ગુપચાવી દે છે.

એક તરફ દેશ અને દુનિયાના અન્ન ભંડારો અનાજથી ભરેલા છે અને બીજી તરફ ગરીબો અનાજ વિના ટળવળે છે. વિશ્વની વસ્તી આશરે ૭૫૦ કરોડની છે પરંતુ વિશ્વનું વાર્ષિક અન્ન ઉત્પાદન ૧૪૦૦ કરોડની વસ્તીને પહોંચી વળે એટલું છે. ‘ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ના ગોદામોમાં બફર સ્ટોકથી ચાર ગણા , માર્ચ ૨૦૨૧ની સ્થિતિએ ૮.૦૫ કરોડ ટન ઘઉં અને ચોખા સંગ્રહાયેલા પડ્યા છે. અનાજની બરબાદીની વળી જુદી જ કહાની છે. ગરીબના ભૂખ્યા પેટને અનાજનો દાણો મળતો નથી પણ લગ્નો, સામાજિક-ધાર્મિક પ્રસંગો અને ગોદામોમાં અનાજનો બેફામ બગાડ થાય છે. દુનિયામાં ૨૦૧૯ના વરસે ૯૩ કરોડ ૧૦ લાખ ટન અનાજનો બગાડ થયો હતો. વિશ્વની પ્રત્યેક વ્યક્તિ વરસે ૧૨૧ કિલો અનાજનો બગાડ કરે છે. ધાર્મિક-આધ્યાત્મિક ભારતમાં તેનું પ્રમાણ ૫૦ કિલો અને ભૌતિકવાદી-સામ્યવાદી ચીનમાં ૬૪ કિલો છે. ભારતમાં વાર્ષિક રૂ. ૫૦,૦૦૦ કરોડના અન્નનો બગાડ થાય છે જે આખા બિહારને એક વરસ પૂરોં પડે એટલો છે. ટી.બી, એઈડસ  અને મેલેરિયા જેવા રોગો કરતાં વધુ લોકો ભૂખમરાથી મરે છે  બીજી તરફ લાખો ટન અનાજનો બગાડ થાય છે. આ સામાજિક –નૈતિક અપરાધ માટે ક્યારે જાગીશું ?

ભારત સરકાર અને રાજ્ય સરકારો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જે અનાજ આપે છે તે પર્યાપ્ત નથી. વ્યક્તિદીઠ મહિને ૧૫ કિલો અનાજની જરૂરિયાત સામે ૫ કિલો જ મફત અનાજ મળે છે. ગત વરસે  અનાજ સાથે કુટુંબદીઠ એક કિલો દાળ અપાતી હતી. જે આ વરસે બંધ કરી દીધી છે.જાહેર વિતરણ વ્યવસ્થાનો ભ્રષ્ટાચાર અને વિતરણની ખામીઓ ગરીબો સુધી અનાજ પહોંચવા દેતા નથી. ક્યારેક બાયોમેટ્રિકનો પ્રશ્ન થાય છે તો ક્યારેક  આધાર સાથે લિંકનો. પૂરતો અને સમયસર પુરવઠો અને તે પણ ગરીબની સવલતે કદી મળતો નથી. વળી તેલ, ઈંધણ, દાળ અને કઠોળના અભાવે માત્ર શરીર ટકે છે તે  રોગ સામે લડવા પર્યાપ્ત નથી.

જો સરકાર પાસે અનેકગણો વધારાનો અનાજનો પુરવઠો સરકારી ગોદામોમાં સડતો હોય તો મહામારીના કાળમાં તે ગરીબોને આપવો જોઈએ. મનરેગાની મજૂરીના દિવસો પણ વધારવાની જરૂર છે.  જાહેર વિતરણ વ્યવસ્થાના લાભાર્થીઓની તમામ યાદી દુરસ્ત કરવામાં આવે, યોજનાનો દાયરો અને અનાજનો જથ્થો વધારવામાં આવે, ઘઉં ચોખા ઉપરાંત તેલ અને કઠોળને સામેલ કરી , ગુણવત્તાયુક્ત અનાજ લોકોને આપવું તે મહામારીના વર્તમાન સમયની તાકીદની જરૂરિયાત છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

4 thoughts on “અનાજના ભર્યા ભંડાર અને ભૂખ્યાં પેટ

  1. જાહેર ( અન્ન) વિતરણ વ્યવસ્થા માં કશીક તો ખામી હોવી જોઈએ. જો ગરીબ કલ્યાણ યોજનાનો લાભ ૮૦ કરોડ લોકોએ લીધો હોય તો દર ત્રણ ભારતીયો માંથી બે ને અનાજ મળ્યું હોય.
    અહી વાત શાહપુર ની કરી છે, જે મહારાષ્ટ્રમાં છે. અમે નવી મુંબઈ માં એવા યુવાનો જોડે કામ કરીએ છીએ જે અનાથ આશ્રમો માંથી ૧૮ વર્ષની વયે બહાર પડ્યા હોય અને અમારી સંસ્થાની હોસ્ટેલ માં રહી ચૂક્યા હોય. ગયા વીસ વર્ષમાં એ રીતે જેટલા યુવાનો નીકળ્યા અને આસપાસમાં સ્થાયી થયા તેમાંથી એક ને પણ આ વિના મૂલ્ય અનાજ મળ્યું નથી. લોક્ડાઉન ના ગાળામાં કેટલી બધી સંસ્થાઓ એ ( અમારી જેમ) અનાજ વહેચ્યું તેના રીપોર્ટ મળતા રહેતા હતા. જો ત્રણે બે નાગરિકોને સરકારી અનાજ મળતું હોત તો એટલી બધી સખાવતની જરૃર કેમ પડી. શક્ય છે કે રાજ્ય સરકારો ની વ્યવસ્થા નબળી હોય. પરંતુ સરવાળે ૮૦ કરોડ ને એક વર્ષ અનાજ મળ્યું હોય તેવું દેખાતું નથી.

Leave a Reply to ચંદુ મહેરિયા Cancel reply

Your email address will not be published.